હજુ ગત માર્ચ 2026માં જ ભારતને પોતાની કપ્તાની હેઠળ ઘરઆંગણે ટી20 વર્લ્ડ કપ ડિફેન્ડ કરાવીને ચેમ્પિયન બનાવનાર 35 વર્ષીય સૂર્યકુમાર યાદવને ભારતીય ટી20 ટીમના કપ્તાન પદેથી હટાવી દેવામાં આવ્યા છે. તેમની જગ્યાએ મુંબઈના જ દબંગ બેટ્સમેન અને આઈપીએલના સક્સેસફુલ લીડર શ્રેયસ અય્યરને ભારતીય ટી20 ટીમના નવા સુકાની જાહેર કરવામાં આવ્યા છે. આંકડાની નજરે સૂર્યકુમારના સાતત્યનો અભાવ સ્પષ્ટ દેખાય છે, કારણ કે એશિયા કપ 2025ની 7 મેચમાં તેઓ માત્ર 72 રન બનાવી શક્યા હતા. ટી20 વર્લ્ડ કપ 2026માં ભારત ચેમ્પિયન બન્યું હોવા છતાં સૂર્યાએ 9 ઇનિંગ્સમાં માત્ર 242 રન બનાવ્યા હતા, જેમાં અમેરિકા સામેની એકમાત્ર અર્ધસદી સામેલ હતી. ત્યારબાદ આઈપીએલ 2026માં મુંબઈ ઇન્ડિયન્સ માટે રમતા 13 ઇનિંગ્સમાં 20.76ની એવરેજથી તેઓ માત્ર 270 રન જ કરી શક્યા હતા અને તાજેતરમાં મુંબઈ ટી20 લીગમાં ટ્રાયમ્ફ નાઇટ્સ માટે રમતા છેલ્લી બે ઇનિંગ્સમાં પણ તેમને માત્ર 19 અને 4 રન જ નસીબ થયા હતા. સૂર્યાની ઉંમર અને તેના આંતરરાષ્ટ્રીય સ્તરે ઘટતા જતા રન રેટને કારણે પસંદગીકારોએ ભાવુક થયા વગર તેની જગ્યાએ નવી પેઢીને તક આપવાનું યોગ્ય માન્યું છે. આજનું ક્રિકેટ અત્યંત કરૂર છે, જેને પ્રોફેશનાલીઝમમાં ફેર ગણાય છે અને જો તમે સાતત્યપૂર્ણ પ્રદર્શન નહીં કરો, તો ગમે તેવા દિગ્ગજ હશો તો પણ બહાર ફેંકાઈ જશો. આવા ઉદાહરણોમાં ઋષભ પંતને એમએસ ધોનીના ઉત્તરાધિકારી તરીકે ટેસ્ટ અને વનડેમાં જામ્યા બાદ ટી20 ફોર્મેટમાં ભવિષ્યનો કપ્તાન માની 2022માં દક્ષિણ આફ્રિકા સામે કપ્તાની સોંપાઈ હતી, પરંતુ ટી20માં તેનો સ્ટ્રાઇક રેટ 12ની આસપાસ આવી ગયો અને નબળા ફોર્મ તથા ઈજા બાદ તે લીડરશિપ રેસમાંથી કાયમ માટે બહાર થઈ ગયો. પાકિસ્તાનના બાબર આઝમે પણ નાની ઉંમરે ત્રણેય ફોર્મેટની કપ્તાની મેળવી હતી, પરંતુ 2023-24 દરમિયાન તેનો સ્ટ્રાઇક રેટ ઘટીને 120ની નીચે જતો રહ્યો અને એશિયા કપ તથા વર્લ્ડ કપના ખરાબ પ્રદર્શનના કારણે તેને કપ્તાની પરથી શરમજનક રીતે હટાવવો પડયો હતો. તેવી જ રીતે અફઘાનિસ્તાનનો રાશીદ ખાન વિશ્વનો સૌથી નાની ઉંમરનો કપ્તાન બન્યો હતો, પરંતુ 2019ના વર્લ્ડ કપમાં કપ્તાનીના દબાણ હેઠળ તેનો ઇકોનોમી રેટ વધી ગયો અને બોલિંગ ધાર વિનાની થતાં તેણે પોતે જ કપ્તાની છોડવી પડી હતી. હાલ ભારતીય ક્રિકેટમાં એટલી પ્રતિભા છે કે, એક ખેલાડી ફ્લોપ થાય એટલે પાછળ પાંચ ખેલાડીઓ લાઈનમાં ઉભા હોય છે. એક સમયે ભારતીય બેટિંગના ભવિષ્ય મનાતા ઈશાન કિશન અને પૃથ્વી શો જેવા ખેલાડીઓ ખરાબ ફોર્મ અને શિસ્તના અભાવે અત્યારે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ અને ટીમ ઇન્ડિયાની રેસમાંથી બહાર છે, જ્યારે બીજી તરફ ઉગતા સૂર્ય સમાન ટીનેજર વૈભવ સૂર્યવંશી (જેણે આઈપીએલ 2026માં રાજસ્થાન માટે 237.31ના સ્ટ્રાઇક રેટથી 776 રન ફટકાર્યા) ને આયર્લેન્ડ પ્રવાસ માટે ટીમમાં સામેલ કરી દેવાયો છે અને તિલક વર્માને વાઇસ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
આ રેસમાં શ્રેયસ અય્યર ક્યાંથી બાજી મારી ગયો અને જે ખેલાડી ડિસેમ્બર 2023થી ભારત માટે એક પણ ટી20 મેચ રમ્યો નથી, તે સીધો કપ્તાન કેવી રીતે બની ગયો? 6 ડિસેમ્બર 1994ના રોજ મુંબઈમાં જન્મેલા શ્રેયસ અય્યરના પિતા સંતોષ અય્યર તમિલિયન છે અને માતા રોહિણી અય્યર મેંગ્લોરિયન છે. શ્રેયસનું બાળપણ મુંબઈની શિવાજી પાર્ક જીમખાનામાં ક્રિકેટ રમતા વીત્યું હતું અને તેનો સંઘર્ષ નાનો નહોતો, કારણ કે 2014માં અંડર-19 વર્લ્ડ કપમાં નબળા પ્રદર્શન બાદ તે ડિપ્રેશનમાં આવી ગયો હતો, પરંતુ તેના પિતાએ તેને સાયકોલોજિસ્ટ પાસે લઈ જઈને ફરી બેઠો કર્યો હતો. મુંબઈની ડોમેસ્ટિક ટીમ વતી રમીને રનનો અંબાર લગાવ્યા બાદ 2017માં તેને ભારતીય ટીમમાં સ્થાન મળ્યું અને 2023ના વનડે વર્લ્ડ કપમાં પીઠની ગંભીર ઈજા અને સર્જરી બાદ કમબેક કરીને તેણે 500થી વધુ રન બનાવ્યા હતા. શ્રેયસ અય્યરનો વિવાદો સાથે પણ નાતો રહ્યો છે, 2024ની શરૂઆતમાં ડોમેસ્ટિક ક્રિકેટ રમવાનો ઈન્કાર કરવા બદલ બીસીસીઆઈએ તેને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર કરી દીધો હતો, જોકે, તેણે હિંમત ન હારી અને આઈપીએલમાં પ્રદર્શન દ્વારા પોતાની લાયકાત સાબિત કરી. વનડે વર્લ્ડ કપ 2023ની સેમીફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામે માત્ર 70 બોલમાં 105 રનની વિસ્ફોટક ઇનિંગ અને આઈપીએલ 2026માં પંજાબ કિંગ્સ તરફથી રમતા લખનૌ સામે ફટકારેલી શાનદાર સદી તેની જાણીતી ઇનિંગ્સ છે. તે હંમેશાં કહે છે કે, જ્યારે લોકો એમ કહે છે કે તમે આ નહીં કરી શકો, ત્યારે એ કામ કરવાની મજા બમણી થઈ જાય છે અને પ્રેશર તેને નર્વસ નહીં પણ વધુ સારો બનાવે છે.










