માનવ સંસ્કૃતિના ઇતિહાસમાં જો કોઈ એક ભાવ સૌથી પવિત્ર અને રહસ્યમય રહ્યો હોય, તો તે ભાવ છે 'જન્મ' અથવા 'સર્જન'નો ભાવ. અંધકારભર્યા ગર્ભમાંથી જ્યારે કોઈ નવું જીવન આ પૃથ્વી પર શ્વાસ લે છે, ત્યારે તે માત્ર એક જૈવિક પ્રક્રિયા નથી રહેતી, પણ તે પ્રકૃતિનો સૌથી મોટો ચમત્કાર બની રહે છે. સામાન્ય રીતે આપણને લાગે છે કે, જન્મની આ લીલા માત્ર પૃથ્વી પર, માત્ર સજીવો પૂરતી જ સીમિત હશે, પણ એવું નથી. આપણી નજર જ્યારે પૃથ્વીના વાતાવરણને ચીરીને અનંત આકાશ તરફ્ જાય છે, ત્યારે વિજ્ઞાન આપણને સ્તબ્ધ કરી દે તેવા સત્યની સામે ઊભા રાખી દે છે. પૃથ્વીથી હજારો પ્રકાશવર્ષ દૂર, ઘોર અંધકાર અને અતિશય ઠંડી વચ્ચે બ્રહ્માંડ પોતાના વિરાટ ગર્ભમાં અબજો નવા તારાઓને અવિરત જન્મ આપી રહ્યું છે. અવકાશમાં આવેલા આ વિસ્તારોને વિજ્ઞાનની ભાષામાં આપણે 'નેબ્યુલા'- 'નિહારિકા' કહીએ છીએ. બીજા શબ્દોમાં કહીએ તો તે 'બ્રહ્માંડનું પ્રસુતિગૃહ' છે.  

આ સનાતન સર્જન પ્રક્રિયાનું સૌથી જીવંત અને અદ્ભુત ઉદાહરણ પૃથ્વીથી આશરે સાડા છ હજાર પ્રકાશવર્ષ દૂર આવેલી 'ઈગલ નેબ્યુલા'માં સ્થિત 'ધ પિલર્સ ઓફ્ ક્રિએશન' - સર્જનના સ્તંભો છે. 'હબલ સ્પેસ ટેલિસ્કોપ' અને તાજેતરમાં 'જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ' દ્વારા લેવાયેલી આ વિસ્તારની તસવીરોએ સમગ્ર માનવજાતને આૃર્યમાં ડૂબાડી દીધી છે. ગેસ, હાઇડ્રોજન અને બ્રહ્માંડની ધૂળના બનેલા આ વિશાળ સ્તંભો જોવામાં કોઈ પૌરાણિક કિલ્લાની દીવાલો જેવા લાગે છે, પરંતુ વાસ્તવમાં તે તારાઓના જન્મ લેવાના પવિત્ર મથકો છે. આ વિષય માત્ર ભૌતિકશાસ્ત્ર્ર કે એસ્ટ્રોફિઝિક્સનો નથી; આ વિષય આપણી ભીતર બેઠેલા અસ્તિત્વવાદ, આપણી આધ્યાત્મિક ચેતના અને બ્રહ્માંડ સાથેના આપણા ગહન સંબંધનો પણ છે.  

કુદરતે કરેલી સર્જનની ભૌતિક પ્રક્રિયા કમાલની છે. શૂન્યમાંથી સર્જાતા પ્રકાશની ઘટના ખૂબ જ આૃર્યજનક છે. શિશુના જન્મ પાછળ જેમ એક ચોક્કસ ગર્ભાવસ્થા અને પીડા હોય છે, તે જ રીતે એક તારાના જન્મ પાછળ પણ કરોડો વર્ષોની પ્રક્રિયા અને પ્રચંડ ભૌતિક બળોની ગતિશીલતા હોય છે. 'નેબ્યુલા' અથવા આ 'કોસ્મિક નર્સરીઓ' વાસ્તવમાં બ્રહ્માંડનું 'રો મટીરિયલ' છે. અહીં અતિશય ઠંડો હાઇડ્રોજન વાયુ અને કોસ્મિક ડસ્ટ (અવકાશી ધૂળ)ના વિશાળ વાદળો વિખરાયેલા હોય છે. આ વાદળો એટલા પ્રચંડ હોય છે કે, તેમનો એક નાનો અમથો હિસ્સો પણ આપણા આખા સૌરમંડળ કરતાં મોટો હોઈ શકે છે. લાખો વર્ષો સુધી આ વાદળો પ્રશાંત અવસ્થામાં ભટકતા રહે છે. પરંતુ, જ્યારે કોઈ નજીકના જૂના તારાનો સુપરનોવા વિસ્ફેટ થાય છે, ત્યારે બ્રહ્માંડમાં એક ભયાનક 'શૉકવેવ' પેદા થાય છે. આ આંચકાને કારણે નેબ્યુલામાં રહેલા વાયુ અને ધૂળના કણો એકબીજાની નજીક આવવા લાગે છે. જેમ જેમ આ કણો નજીક આવે છે, તેમ તેમ તેમનું ગુરુત્વાકર્ષણ બળ વધતું જાય છે. જેમ જેમ આ બળ વધે છે તેમ તેમ આ કણોનું આપસમાં ખેંચાણ પણ વધે છે. 

આ 'પ્રોટોસ્ટાર' તારાની ભ્રુણાવસ્થા છે. જેમ જેમ ગુરુત્વાકર્ષણને કારણે દબાણ વધે છે, તેમ તેમ તેની અંદરનું તાપમાન લાખો ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે. જ્યારે આ તાપમાન અને દબાણ પોતાની ચરમસીમાએ પહોંચે છે, ત્યારે તેના કેન્દ્રમાં એક અદ્ભુત ઘટના ઘટે છે. આ ઘટનાને 'ન્યુક્લિયર ફ્યુઝન' એટલે કે 'પરમાણુ સંલયન' કહેવામાં આવે છે. આ ઘટનામાં હાઇડ્રોજનના પરમાણુઓ જોડાઈને હિલિયમ બનવા લાગે છે અને તે સાથે જ અંધકારને ચીરીને પ્રચંડ ઊર્જા અને પ્રકાશનો મહાવિસ્ફેટ થાય છે. આમ થતાં જ એક નવો તારો આંખો ખોલી પોતાનો પહેલો શ્વાસ પ્રકાશના કિરણો સ્વરૂપે બ્રહ્માંડમાં છોડે છે. સ્તંભો જેવા દેખાતા આ 'નેબ્યુલા' વાસ્તવમાં આ ભ્રુણનું રક્ષણ કરતા ગર્ભાશય છે. આ સ્તંભોની અંદર ચાલતી પ્રક્રિયા એટલી તીવ્ર હોય છે કે, બહારના અવકાશી તોફાનો પણ અંદર પાંગરી રહેલા નવા તારાને નુકસાન પહોંચાડી શકતા નથી. જે નિયમ પૃથ્વી પર એક માતાના ગર્ભને લાગુ પડે છે, એ જ નિયમ કરોડો પ્રકાશવર્ષ દૂર બ્રહ્માંડના ગર્ભને પણ લાગુ પડે છે. આ પ્રક્રિયા આપણને પ્રકૃતિના અભ્દુત સંતુલનનો પરિચય કરાવે છે. જો બ્રહ્માંડમાં માત્ર સર્જન જ થતું હોત, તો સ્પેસમાં નવો માલસામાન ખૂટી પડત. જો માત્ર વિનાશ જ થતો હોત, તો બ્રહ્માંડ ક્યારનુંય એક ઠંડું અને અંધકારમય સ્મશાન બની ગયું હોત. પરંતુ આ 'કોસ્મિક નર્સરીઓ' એ વાતની સાબિતી છે કે, સમયના અનંત પટ પર જીવન અને મૃત્યુ એકબીજાના હાથમાં હાથ પરોવીને નાચી રહ્યાં છે. અર્થાત્ અંત એ જ આરંભનું પ્રવેશદ્વાર છે.  

પ્રખ્યાત ખગોળશાસ્ત્ર્રી કાર્લ સેગને એક અદ્ભુત વિધાન કર્યું હતું : 'વી આર ઓલ સ્ટારડસ્ટ - આપણે બધા તારાઓની ધૂળમાંથી બનેલા છીએ.' આ વિધાન કાલ્પનિક વાત નથી, પણ સો ટકા વૈજ્ઞાનિક સત્ય છે. જ્યારે આપણે 'સર્જનના સ્તંભો' અથવા અન્ય 'નેબ્યુલા'ને જોઈએ છીએ, ત્યારે આપણે માત્ર દૂરના કોઈ ગ્રહ-તારાને નથી જોઈ રહ્યા, પરંતુ આપણે આપણા પોતાના ભૂતકાળને જોઈ રહ્યા છીએ. આજથી આશરે 4.6 અબજ વર્ષ પહેલાં આપણું સૌરમંડળ પણ આવી જ એક અજ્ઞાત નેબ્યુલા'નો હિસ્સો હતું. આપણો સૂર્ય પણ કોઈક 'કોસ્મિક નર્સરી'માં આ જ રીતે દબાણ અને તાપમાનની પીડા સહન કરીને પ્રોટોસ્ટારમાંથી સૂર્ય બન્યો હતો. વિચારો કે, આપણાં શરીરમાં વહેતા લોહીમાં જે આયર્ન છે, આપણાં હાડકામાં જે કેલ્શિયમ છે, આપણી વીંટીમાં જે સોનું છે અને દરેક શ્વાસમાં જે ઓક્સિજન છે - આ બધા જ તત્વો અબજો વર્ષ પહેલાં કોઈક આવી જ 'નેબ્યુલા'ની અંદર કોઈ તારાના ગર્ભમાં પકાવવામાં આવ્યા હતા. પૃથ્વી પર આવા ભારે તત્વો આપમેળે બની શકતા નથી. આપણી પૃથ્વી અને આપણાં શરીરનું નિર્માણ જે કાચા માલમાંથી થયું છે, તે માલ બ્રહ્માંડના આ જ પ્રસૂતિગૃહોમાંથી સપ્લાય સ્વરૂપે મળી આવ્યો હતો. આ દૃષ્ટિએ જોઈએ તો, આપણે બ્રહ્માંડથી અલગ કોઈ તત્વ નથી.   

ધ પિલર્સ ઓફ્ ક્રિએશન'નો જે સૌથી મોટો સ્તંભ છે, તેની લંબાઈ જ આશરે ચાર પ્રકાશવર્ષ જેટલી છે ! જેની સામે પૃથ્વી એક નાનું ટપકું પણ નથી. એટલે બ્રહ્માંડના આ વિરાટ કદ સામે આપણું અસ્તિત્વ નાનું અને ક્ષણભંગુર છે ! પૃથ્વી બ્રહ્માંડની કરોડો ગેલેક્સીઓ પૈકીની એક ગેલેક્સીના ખૂણામાં આવેલો માત્ર મામૂલી અંશ છે. આપણો ઇતિહાસ, આપણી સિકંદરીઓ, આપણા સામ્રાજ્યો આ સ્પેસના 'ટાઈમસ્કેલ' પર સેકન્ડના હજારમા ભાગ જેટલા પણ નથી. તેમ છતાં સિક્કાની બીજી બાજુ એ પણ છે કે, ભલે આપણે કદમાં નાના છીએ, ભલે આપણું આયુષ્ય ક્ષણભંગુર છે, પણ આપણી પાસે 'ચેતના' છે. આપણી પાસે એક એવું મન છે, જે સાડા છ હજાર પ્રકાશવર્ષ દૂર ચાલતી સર્જનની લીલાને સમજી શકે છે ને માપી શકે છે. આ આપણી વિરાટતા છે.

 આપણાં પૂર્વ મનીષીઓએ સદીઓ પહેલાં કહ્યું હતું : 'યત્ પિંડે તત્ બ્રહ્માંડે' - જે બ્રહ્માંડમાં છે, તે જ આપણા પિંડમાં (શરીરમાં) છે. બ્રહ્માંડનું પ્રસૂતિગૃહ માત્ર અવકાશમાં નથી, આપણી ભીતર પણ સતત ધબકે છે. આપણાં મનની અંદર પણ વિચારો, સપનાઓ અને સર્જનાત્મકતાની એક આખી 'નેબ્યુલા' હોય છે. જ્યારે આપણી અંદર કોઈ નવો વિચાર જન્મ લે છે, ત્યારે તે પ્રક્રિયા પણ તારાના જન્મ જેવી જ રોમાંચક હોય છે. ભીતરના અંધકાર અને મંથનમાંથી જ જ્ઞાનનો પ્રકાશ પેદા થાય છે. જેવી રીતે પ્રોટોસ્ટાર પ્રચંડ દબાણ અને ગરમી સહન કરીને તારો બને છે, તેમ મનુષ્ય પણ જીવનના સંઘર્ષો, મુશ્કેલીઓ અને પીડાના ગર્ભમાંથી પસાર થઈને જ એક તેજસ્વી વ્યક્તિત્વ તરીકે બહાર આવે છે. પીડા વગરનું કોઈ સર્જન પૃથ્વી પર કે આકાશમાં શક્ય નથી. જીવનમાં જ્યારે આપણને લાગે છે કે, બધું જ ખતમ થઈ ગયું છે, ત્યારે કદાચ આપણી ભીતર કોઈક નવી ચેતના, કોઈક નવા વિચાર જન્મ લઈ રહ્યા હોય છે.   

::: થ્રી ડૉટ્સ :::  

 આપણું ડિપ્રેશન કદાચ આપણી અંદરજન્મ લઈ રહેલ નવી ક્ષમતાઓનો ગર્ભકાળ હોઈ શકે છે.