ઉપનિષદો એ ફ્કત હિંદુ સંસ્કૃતિના અમૂલ્ય ગ્રંથો નથી, આખી દુનિયાના ડાહ્યા વિદ્વાનો એને માને છે!   

આપણે એવા * સેકયુલર * નથી બનવું કે જે પ્રાચીન ઋષિઓએ / માનવજાતિએ વિચારેલી વાતો કે જે એમણે *કહેલા* ગ્રંથોમાં છે એને વાંચે જ નહિ , એ લોકો કઈ રીતે વિચારતા એ સમજે નહિ અને ફ્ક્ત પિૃમના સાર્ત્ર/ કેન્ટ / નિત્શે વાંચી ને જ ધન્યતા અનુભવે.   

પણ એની સામે - આપણે એવા 'ધર્માંધ' ય નથી બનવું કે એવું માનીએ- 'બધું પહેલેથી અમારા શાસ્ત્ર્રોમાં કહેવાઈ જ ગયું છે, અને એ જ સાચું!'   

આજે કરીએ શ્વેતકેતુની વાત. જેમાં આવતા એપિસોડમાં વિજ્ઞાન પણ આવશે!   

આ વાત સૌથી જુના ઉપનિષદોમાંના એક એવા છાંદોગ્ય માંથી લીધી છે. વિદ્વાનોના મત પ્રમાણે, આ ઉપનિષદ,લગભગ 6th to 8th BCE એટલે કે 2500-2800 વર્ષ પહેલાનું.   

બ્રહ્મબંધુ !   

આરુણિના પુત્ર ઉદ્દાલક ઋષિનો મોટો આશ્રમ, કેટલાય શિષ્યો, ઋષિ એક ઉત્તમ આચાર્ય. એમના બધા પુત્રોમાં સૌથી નાનો શ્વેતકેતુ. એટલે માબાપનો લાડકો. ભાઈ તો લાડપ્યારથી તૃપ્ત, એટલે કોઈ જ ચિંતા નહિ, ભણવાનું ય નહિ, રમીને રખડી ખાવાનું!   

આશ્રમમાં રહેતા બીજા બ્રહ્મચારી શિષ્યો સાથે રમે અને જમે પણ ભાઈ કોઈ દિવસ ભણે નહિ.  

પિતા બધું જોયા કરે, એમને થાય કે આજે આ છોકરાને ભણવાનું મન થશે, કાલે થશે પણ એમ કરતા કરતા તો છોકરો બાર વરસનો થઈ ગયો હવે તો પિતાથી રહેવાયું નહિ, એ જમાનામાં ય માબાપને આજના જેવી ચિંતા હોય જ કે આ છોકરો * રખડી ખાશે તો..*   

એટલે ઋષિ ઉદ્દાલકે શ્વેતકેતુને બોલાવ્યો, અને કહયું:   

ભાઈ, હવે તું ભણવા બેસ, વેદવિદ્યા શીખ, બ્રહ્મવિદ્યા જાણ , બ્રહ્મચર્ય ધારણ કરી ગુરુકુળ જઈ વિધિવત્ ભણ કારણ કે આપણા કુટુંબમાં કોઈ ખાલી નામનો જ બ્રાહ્મણ *બ્રહ્મબંધુ * પાક્યો નથી! *  

(મેં આ *બ્રહ્મબંધુ* શબ્દ પહેલી વાર છાંદોગ્યઉપનિષદના આ શ્લોકમાં વાંચ્યો. )   

પિતાનો કહેવાનો મતલબ એ કે આપણા કુટુંબમાં બધા બ્રાહ્મણો, બ્રહ્મવિદ્યા ભણેલા જ છે,કોઈ બ્રહ્મબંધુ નથી.   

બ્રહ્મ બંધુ એટલે ખાલી બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલા, એથી આગળ કશું નહિ.   

માત્ર જન્મે બ્રાહ્મણ હોય અને બ્રાહ્મણના કોઈ જ આચાર વિચાર કે જ્ઞાન ન હોય તેવાને આપણે સામાન્ય ભાષામાં ભામણભાઈ કહીએ. આ ભામણો જયારે કોઈ વિધિ, યજ્ઞ વગેરે પછી ક્રિયાકાંડના ભાગ રુપે જમાડવાના હોય - જેને * ભામણ જમાડવા* કહીએ, એમાં જ ચાલે. જ્ઞાન મેળવવું હોય તો આમની પાસે ન જવાય.  

અહીં ઉદ્દાલક કહે છે, * ભાઈ શ્વેતકેતુ, આપણા કુટુંબમાં બધા બ્રહ્મવિદ્યા ભણેલા જ છે કોઈ ભામણ ( બ્રહ્મબંધુ) પેદા થયો નથી!   

પછી પિતા પોતે પણ મોટા ગુરુ, કેટકેટલા શિષ્યો એમની પાસે ભણે પણ સનાતન વાત છે કે * પારકી મા કાન વીંધે!* ઘરના આશ્રમમાં તો શ્વેતકેતુ શિસ્ત શીખી રહ્યો!   

પિતાને થયું આ અહીં રહી ભણશે નહિ એટલે એને બીજા ગુરુના આશ્રમમાં ભણવા મૂક્યો !   

બાર વરસનો શ્વેતકેતુ બીજા બાર વરસ ગુરુકુળમાં રહીને ચોવીસ વરસનો વિદ્યાવાન, ભણેલો યુવાન થઈ ઘરે પાછો આવ્યો.   

આ યુવાને ઘરે આવી શું કર્યું, પિતાએ એનામાં શું જોયું, એ તો રસપ્રદ છે. ભાઈ *ભણીને* આવ્યા!   

શ્વેતકેતુ, ગુરુને ત્યાં બાર વરસ રહીને પાછો ર્ફ્યો ત્યારે એની ખ્યાતિ એક વિદ્વાન તરીકે બધે ફેલાણી. ફ્કત બાર વરસમાં જ એણે ચારે ચાર વેદ સમજીને કંઠસ્થ પણ કર્યા હતા. એના જેવું વેદની ઋચાઓનું ગાન કોઈ ન કરી શકતું.   

એના ગુરુએ કહ્યું,  

હે વત્સ, મારી પાસે જે વિદ્યા છે તે બધી જ તને આવડી ગઈ, તારો અભ્યાસ પૂરો થયો.*  

 આવો ખૂબ હોંશિયાર બની શ્વેતકેતુ ઘરે આવ્યો.  

 પોતાના *અગાધ* જ્ઞાનથી પોતે જ મુગ્ધ અને વધારે પડતો ગંભીર. પોતે પ્રકાંડ પંડિત થયો છે એવી સતત સભાનતા સાથે ઘરે આવ્યો. પિતાએ તો એની ચાલઢાલ પરથી તરત જ જોયું કે ભાઈ પોતાની હોંશિયારીના ફંકામાં છે.  

ઉપનિષદકારે શ્વેતકેતુ માટે ત્રણ શબ્દો- ત્રણ વિશેષણો વાપર્યા-  

महामना अनूचानमानी स्तब्ध एयाय तंह पितोवाच - महामना-  

અતિમહાન, ગંભીર પંડિત, જેનું મન એવું વિચારે કે *કોઈ મારા જેટલું અને મારા જેવું મહાન છે જ નહિ.*   

 હું કાંઈક છું* એવું પોતે જ પોતાના માટે માનનાર.   

-अनूचानमानी-   

અનૂચાન- સ્નાતક, વેદોમાં પારંગત - અનૂચાનમાની- પોતે જ હવે બધાને , કોઈને પણ, વેદો વિષે પ્રવચન આપી શકે તેવું માનનાર- અને એવું સમજી પોતે હવે આગળ કાંઈ જ શીખવાનું નથી એવું સમજનાર- અભિમાની   

અને ત્રીજો શબ્દ વાપર્યો અહીં  

-स्तब्ध- સ્તબ્ધ!   

પોતાની જ વિદ્વતાથી દિગ્મૂઢ થયેલો- છક્ક થઈગયેલો કે ઓહો, મને તો આટલું બધું આવડે છે! એથી વિચારોમાં જડ થયેલો, જેને લાગે કે મારું જ્ઞાન સંપૂર્ણ છે, પછી એ સ્તબ્ધ બની જાય- થંભી જાય, હવે મારે આનાથી આગળ કયાંય જ જવાનું નથી!   

મારા ઘર અને ગામના લોકોથી તો હું કયાંય આગળ નીકળી ગયો!(આ રીતે જોઈએ તો 'કહેવાતા' પ્રકાંડ પંડિતો * સ્તબ્ધ* હોય એવી શક્યતા ખરી.)  

આપણામાંના ઘણાય મોટી મોટી ડીગ્રીઓ લઈ પોતાના વડીલોથી પોતાની જાતને જરા *ઉપર* જ ગણવા મંડીએ છીએ, આ જુવાનિયાઓની એક સામાન્ય બેધ્યાનપણે થઈ જતી વર્તણૂક હોય છે. અધૂરું જ્ઞાન ઘડામાંથી અભિમાન રુપે છલકાઈ જતું હોય.  

 શ્વેતકેતુની બોલવા ચાલવાની રીતમાં ય નર્યો અહંકાર દેખાતો હતો, એને તો એમ કે પિતા તો પોતાની સિદ્ધિઓ જોઈ ઓળઘોળ થઈ જશે. વરસો પછી પુત્રને જોઈ પિતાએ જેવો એને આવતો જોયો કે ઊઠી ને વહાલથી ભેટી પડયા, પણ શ્વેતકેતુ તો બાથમાં ન સમાયો, અકકડ થઈ ઊભો રહ્યો.   

વિદ્વાન પુત્રને આ *સહજ સ્નેહમાં વહી જવું* એ પોતાની ગરિમાથી નીચું લાગ્યું.   

શ્વેતકેતુના પિતા કાંઈ નચિકેતાના પિતા જેવા નહોતા. નચિકેતાના પિતા તો નચિકેતાના'જ્ઞાન' થી દુખી થયેલા જ્યારે શ્વેતકેતુના પિતા તો ખરા બ્રહ્મનિષ્ઠ હતા, એમણે તરત જ જોયું કે પુત્રના મગજમાં રાઈ ભરાઈ ગઈ છે. એ દુઃખી થયા હશે. પણ પોતે પુત્રને હજુ ઘણું શીખવાડવાનું બાકી છે એમ સમજી ગયા.   

માહિતીસંગ્રહ અને વેદોને ફ્કત મોઢે યાદ રાખવા -પોપટિયું જ્ઞાન- એના કરતા ય બીજું મોટું કોઈ જ્ઞાન છે, એ વાત પુત્રને કહેવી પડશે.   

ખરા જ્ઞાનથી આવતી નમ્રતા ય પુત્રમાં જગાડવી પડશે.   

એટલે એમણે શાંતિથી પુત્રના ખબરઅંતર પૂછીને પછી એના અભ્યાસ વિષે ફ્ક્ત એક જ વેધક પ્રશ્ન કર્યો.  

-  

બધા જ ઉપનિષદો સંવાદ રુપે કહેવાયા છે-   

પતિ- પત્નીનો સંવાદ હોય- આપણે યાજ્ઞવલ્કય મૈત્રેયી સંવાદ જોયો.   

કે પછી ગુરુ શિષ્ય - પાછા આમાં બધા જ પ્રકારના ગુરુ-શિષ્યની જોડીઓ- રાજા- ઋષિ-- જનક-યાજ્ઞવલ્કય કે યમરાજ ને બાળક નચિકેતા --  

આ ઉપનિષદમાં ય હવે પિતા પુત્ર વચ્ચે સંવાદ થશે.   

આપણે આગળ જોયું કે શ્વેતકેતુભાઈ બાર વરસ ગુરુકુળમાં ભણીને આવ્યા. ગર્વિષ્ઠ અને વધારે પડતા પોતાની પંડિતાઈથી સભાન... આને જોઈ પિતા તરત સમજી ગયા કે ભાઈ સાચું ભણ્યા નથી! એને સાચો પાઠ ભણાવવો પડશે.   

એટલે પિતાએ ધીરેથી પૂછયું,   

હે સૌમ્ય, તું એ વિદ્યા ભણ્યો કે જેનાથી કોઈ દિવસ ન સાંભળેલું પણ સંભળાય? જેનાથી કોઈ વાર પહેલા ન વિચારાયેલું પણ વિચારાઈ જાય? જે એક જ જાણવાથી આ જગતનું બધું જ જ્ઞાન મળી જાય ?  

 તેં તારા આચાર્યને એ * આદેશ* વિષે પૂછયું હતું? *  

અહીં ઉપનિષદકાર શિક્ષણ માટે એક શબ્દ વાપરે છે, *આદેશ*. કે જેનો અહીં અર્થ આત્મજ્ઞાન છે. શ્વેતકેતુ અલ્પ સમય માટે અહંકારી બની ગયો પણ આમ મૂળ 'પોત' સારું અને પિતાની વિદ્વત્તા જાણે એટલે તરત જ   

લાઈન* માં આવી ગયો અને જરા નમ્રતાથી પૂછયું,   

હે ભગવન, એવી તે કઈ વિદ્યા- કયું જ્ઞાન છે કે જે એક જાણી લેવાથી બધું આવડી જાય? *   

શ્વેતકેતુને તો સ્વભાવિક જ એવો ખ્યાલ હતો કે દરેક વિષયનું જ્ઞાન અલગ અલગ જ મળે.   

પણ અહીં પિતા તો જાણે એવું કહેવા માગતા હતા કે કશુંક એવું જ્ઞાન છે કે જે બધા વિષયોના જ્ઞાનને *પ્રકાશિત* કરી દે.   

વિદ્વાન પિતાને પુત્રના ગર્વ પર, મિથ્યાભિમાન પર તિરસ્કાર નથી, પિતાએ દુનિયા જોઈ છે એટલે એમને પુત્ર પર કરુણા જાગે છે, બાર બાર વરસ ભણીને ય *તત્વ* જાણ્યું નહિ!   

કાંઈ વાંધો નહિ, હુ એને 'દર્શન' કરાવું .   

સંદર્ભઃ  

छान्दोग्योपनिषद्/अध्यायः ६  

-  

श्वेतकेतुर्हारुणेय आस तं ह पितोवाच श्वेतकेतो वस ब्रह्मचर्यं न वै सोम्यास्मत्कुलीनोऽननूच्य ब्रह्मबन्धुरिव भवतीति}} ६.१.१ }}   

-  

स ह द्वादशवर्ष उपेत्य चतुर्विंशतिवर्षः सर्वान्वेदानधीत्य महामना अनूचानमानी स्तब्ध एयाय तंह पितोवाच }} ६.१.२ }}