વર્તમાન આંતરરાષ્ટ્રીય રાજકારણમાં પશ્ચિમ એશિયા ફ્રી એકવાર ગંભીર વળાંક પર છે. અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેનો બે અઠવાડિયાનો યુદ્ધવિરામ જે પૂર્ણ થવાની તૈયારીમાં હતો, તેને કોઈ પણ ચોક્કસ સમયમર્યાદા વિના લંબાવી દીધો છે. આ નિર્ણય પાછળના સમીકરણો માત્ર સૈન્ય વ્યૂહરચના પૂરતા મર્યાદિત નથી, પરંતુ તે ઈરાનની આંતરિક સત્તાની ખેંચતાણ અને અમેરિકાની વૈશ્વિક સ્તરે બદલાતી છબી સાથે જોડાયેલા છે.
અમેરિકા-ઈરાન તણાવને માત્ર બે દેશોની અથડામણ તરીકે જોવું અધૂરું છે; આ પાછળ આખું આંતરરાષ્ટ્રીય શક્તિ-સંતુલન કામ કરી રહ્યું છે. હાલની સ્થિતિ પ્રોક્સી પ્રેશર + ડિપ્લોમસીનું મિશ્રાણ છે. સીધુ યુદ્ધ ટાળીને દબાણ વધારવાની રમત છે.
ટ્રમ્પના નિવેદન મુજબ, ઈરાની સરકાર હાલ અત્યંત વિભાજિત છે. આ વિભાજનનું મુખ્ય કારણ સર્વોચ્ચ નેતાના પદ માટેનું સંક્રમણ હોઈ શકે છે. ઈઝરાયેલી પત્રકાર બરાક રેવિડના અહેવાલ મુજબ, મોજતબા ખામેનેઈ (અલી ખામેનેઈના પુત્ર અને સંભવિત ઉત્તરાધિકારી) હજુ સુધી અમેરિકા સાથેના બીજા ચરણની મંત્રણા માટે કોઈ અંતિમ નિર્ણય લઈ શક્યા નથી.
ઈરાનમાં કટ્ટરપંથી જૂથો અને સુધારાવાદીઓ વચ્ચે 'અમેરિકા સાથે વાતચીત' મુદ્દે ઘર્ષણ છે. જો મોજતબા ખામેનેઈ નરમ વલણ અપનાવે તો ઘરઆંગણે કટ્ટરપંથીઓનો વિરોધ વહોરવો પડી શકે છે, અને જો કડક વલણ રાખે તો આર્થિક તબાહી નિશ્ચિત છે. ઈરાનમાં અંતિમ નિર્ણય હંમેશા સર્વોચ્ચ નેતાનો જ હોય છે.
એક સમય હતો જ્યારે અમેરિકાના આદેશ પર આખું વિશ્વ ચાલતું હતું, પરંતુ આ યુદ્ધમાં ચિત્ર અલગ છે. ટ્રમ્પની 'અમેરિકા ર્ફ્સ્ટ' પોલિસી અને આક્રમક વલણને કારણે ઘણી શક્તિઓ અમેરિકાથી દૂર થઈ રહી છે . તો શું અમેરિકા એકલું પડી રહ્યું છે? આ દાવો અંશતઃ સાચો છે, પણ સંપૂર્ણ નહીં.અમેરિકા પાસે હજુ પણ મજબૂત સાથીઓ છે,ખાસ કરીને ઈસરાઈલ અને કેટલાક ગલ્ફ્ દેશો.પરંતુ યુરોપીયન યુનિયન વધુ સાવચેત છે; તે સીધા ટકરાવને સમર્થન આપતું નથી, પરંતુ વાતચીતને પ્રાથમિકતા આપે છે. જેમ કે ,યુરોપિયન યુનિયનને અમેરિકાથી અંતર કરી લીધુ છે. ફ્રાન્સ અને જર્મની જેવા દેશો ઈરાન સાથેના સંપૂર્ણ યુદ્ધના પક્ષમાં નથી. તેઓ માને છે કે જો ઈરાન પર હુમલો થશે તો વૈશ્વિક તેલના ભાવ આસમાને પહોંચશે, જે યુરોપના અર્થતંત્રને ડૂબાડી દેશે. ચીન અને રશિયા ખુલ્લેઆમ ઈરાનને રાજકીય રીતે ટેકો આપે છે અથવા અમેરિકાના દબાણનો વિરોધ કરે છે. રશિયા તેને લશ્કરી ટેકનોલોજી આપી રહ્યું છે અને ચીન તેનું તેલ ખરીદીને તેની આર્થિક જીવાદોરી ટકાવી રહ્યું છે. આ ત્રિપુટી (ઈરાન-રશિયા-ચીન) અમેરિકાના એકહથ્થુ શાસનને સીધો પડકાર ફેંકી રહી છે. આમ અમેરિકા સાવ એકલું પડી ગયુ નથી, પણ અગાઉ જેટલું સર્વસ્વીકાર્ય નેતૃત્વ પણ ધરાવતું નથી, આ સ્પષ્ટ છે.
પાકિસ્તાન જેવા દેશની મધ્યસ્થી પણ દુનિયા નવાઈથી જોઈ રહી છે. આ યુદ્ધવિરામ વધારવામાં પાકિસ્તાનની વિનંતી મહત્વની રહી છે. આ સૂચવે છે કે અમેરિકાને હવે ઈસ્લામિક દેશો સાથે વાતચીત કરવા માટે ત્રીજા પક્ષની જરૂર પડી રહી છે, જે તેની ઘટતી જતી રાજદ્વારી તાકાતનો પુરાવો છે. આ પરિબળો વચ્ચે ઈરાનની હાલની સ્થિતિ અને બેઠા થવાની શક્યતા કેટલી છે તે અંગે પણ ચર્ચા થઈ રહી છે.
ઈરાન પર અત્યારે એકસાથે ત્રણ પ્રકારનું દબાણ છે. આર્થિક પ્રતિબંધોને કારણે તેની કરન્સી નબળી, મોંઘવારી ઊંચી, રોજગાર સમસ્યા ઉભી થઈ છે.રાજકીય રીતે આંતરિક મતભેદ ખૂબ છે. કટ્ટરપંથી અને મધ્યમવર્ગ વચ્ચે તણાવ વધી ગયો છે. સૈન્ય પણ સીધી અથડામણ કરતાં પ્રોક્સી નેટવર્ક દ્વારા દબાણ રાખે છે.ઈરાન હાલ અત્યંત કપરા કાળમાંથી પસાર થઈ રહ્યું છે. વર્ષોના આર્થિક પ્રતિબંધોએ તેની કમર તોડી નાખી છે, છતાં તેની લશ્કરી ક્ષમતા હજુ પણ જોખમી છે. ભલે ઈરાન પાસે અમેરિકા જેટલા આધુનિક વિમાનો નથી, પરંતુ તેની પાસે 'ડ્રોન' અને 'મિસાઈલ' ટેકનોલોજીનો ભંડાર છે. આ ઉપરાંત, લેબનોનમાં હિઝબુલ્લાહ અને યમનમાં હુથી બળવાખોરો તેના 'પ્રોક્સી' તરીકે કામ કરી રહ્યા છે. આમ ઈરાન સંપૂર્ણ રીતે નબળું નથી. તેની પાસે પ્રાદેશિક પ્રભાવ, મિસાઈલ ક્ષમતા અને ઊર્જા સ્ત્રોત છે જે તેને રમતમાંથી બહાર જવા દેતા નથી.
ઈરાનને ફરી ઉભા થવામાં કેટલો સમય લાગશે ? આ સૌથી અગત્યનો પ્રશ્ન છે. જે સમયગાળો પરિસ્થિતિ પર આધારિત રહેશે. જો ઈરાન પર પ્રતિબંધો યથાવત રહે તો 5-10 વર્ષ લાગી શકે. જો કોઈ ડીલ થાય (જેમ કે પરમાણુ કરાર જેવી) તો 2-5 વર્ષમાં અર્થતંત્ર સુધરવાનું શરૂ થઈ શકે.જો આંતરિક સુધારા થાય તો વિકાસ ઝડપી થઈ શકે, નહીં તો વિલંબ. ઈરાન પાસે માનવશક્તિ, કુદરતી સંસાધનો અને વ્યૂહાત્મક સ્થાન છે એથી રીકવરી શક્ય છે, પણ રાજકીય સ્થિરતા વિકાસની ચાવી છે.
હાલના સંકેતો કહે છે કે બંને પક્ષ કન્ટ્રોલ્ડ ટેન્શન રાખવા માગે છે.યુદ્ધવિરામ લંબાવવું એ સીધી અથડામણ ટાળવાનો સંકેત છે.બેકચેનલ વાતચીત (મધ્યસ્થ દેશો મારફ્તે) ચાલુ રહેવાની શક્યતા અર્થાત્ મોટા યુદ્ધની શક્યતા ઓછી, પણ નાના તણાવો ચાલુ રહેશે. આમ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા યુદ્ધવિરામ વધારવો એ કોઈ દયા નથી, પરંતુ એક વ્યૂહાત્મક 'વેઈટ એન્ડ વોચ'ની નીતિ છે. અમેરિકા ઈચ્છે છે કે ઈરાન અંદરથી જ તૂટે, જ્યારે ઈરાન સમય પસાર કરીને પોતાની પરમાણુ ક્ષમતા વધારવા માંગે છે.પાકિસ્તાનની મધ્યસ્થી અને મોજતબા ખામેનેઈનો આગામી નિર્ણય નક્કી કરશે કે પશ્ચિમ એશિયા શાંતિ તરફ્ જશે કે વિનાશક મહાયુદ્ધ તરફ્. આ જંગમાં અમેરિકા લશ્કરી રીતે ભલે શક્તિશાળી હોય, પણ રાજદ્વારી રીતે તે ઇતિહાસમાં ક્યારેય નહોતું એટલું અલગ-થલગ પડી ગયું છે. આ આખી પરિસ્થિતિમાં એક નાની રાજકીય ચાલ પણ દિશા બદલી શકે છે, શાંતિ તરફ્ કે સંઘર્ષ તરફ્.










