રાજકારણમાં ઉગતા સૂરજને પૂજનારાઓની ક્યારેય અછત હોતી નથી, પણ જ્યારે પતનની શરૂઆત થાય છે ત્યારે વર્ષોથી વફાદાર રહેલા સ્તંભો પણ પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ જાય છે. પિૃમ બંગાળમાં 2026ની વિધાનસભા ચૂંટણીમાં મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ (TMC) ની કરૂણ હાર (માત્ર 80 બેઠકો) અને ખુદ મમતા બેનર્જીની ભવાનીપુર બેઠક પરથી સુવેન્દુ અધિકારી સામે પરાજય બાદ જે ચિત્ર સામે આવ્યું છે, તેના માટે એક જ કહેવત સચોટ બેસે છે - 'પડે છે ત્યારે સઘળું પડે છે'. જે બંગાળની 'વાઘણ' અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે રાષ્ટ્રીય સ્તરે સૌથી મજબૂત વિપક્ષી ચહેરો ગણાતા હતા, તેમનો પક્ષ ચૂંટણી પરિણામોના ગણતરીના દિવસોમાં જ સંપૂર્ણપણે વિખેરાઈ જશે તેવી કલ્પના કોઈએ કરી ન હતી. આજે ટીએમસી ભારતના રાજકીય ઇતિહાસના સૌથી મોટા આંતરિક બળવા અને અસ્તિત્વના સંકટ સામે ઝઝૂમી રહી છે.
આ ભંગાણ કોઈ નાનું-મોટું નથી, પરંતુ પક્ષના મૂળિયા હચમચાવી દેનારું મહાભંગાણ છે. પક્ષમાં ઉભી થયેલી બળવાખોર પાંખે દાવો કર્યો છે કે, ટીએમસીના અંદાજે 58 થી 64 જેટલા ધારાસભ્યો અને લોકસભામાં અંદાજે 20 જેટલા સાંસદો મમતા બેનર્જી અને તેમના ભત્રીજા અભિષેક બેનર્જીના નેતૃત્વથી છેડો ફાડી ચૂક્યા છે કે, અલગ જૂથ બનાવવાની તૈયારીમાં છે. રીતાબ્રતા બેનર્જી જેવાનેતાઓના નેતૃત્વમાં બળવાખોર ધારાસભ્યોએ વિધાનસભામાં પોતાને વાસ્તવિક વિપક્ષ તરીકે માન્યતા આપવાની માંગ કરી છે, જેનાથી ટીએમસી માટે મુખ્ય વિપક્ષી પક્ષનું પદ અને નેતા પદ પણ છીનવાઈ જવાનો મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હીમાં સાંસદોનું જૂથ પણ એનડીએ (NDA) સાથે જોડાણ અથવા અલગ સંસદીય બ્લોક બનાવવાની ફિરાકમાં છે.
સૌથી મોટો આઘાત એ છે કે, મમતાને વર્ષોથી સાથ આપનારા 'મોટા માથા' હવે તેમની સામે બળવો કરી રહ્યા છે. પક્ષના વરિષ્ઠ નેતા કલ્યાણ બેનર્જી અને અન્ય સાંસદોના નિવેદનો અને આંતરિક જૂથવાદ સ્પષ્ટ કરે છે કે, પક્ષમાં બધું બરાબર નથી. કલ્યાણ બેનર્જી અને જૂના જોગીઓનું માનવું છે કે, મમતા બેનર્જીએ તેમના ભત્રીજા અભિષેક બેનર્જીને પક્ષ સોંપીને જૂના અને વફાદાર નેતાઓને હાંસિયામાં ધકેલી દીધા હતા. અભિષેક બેનર્જીની કોર્પોરેટ શૈલીની રાજનીતિ અને સરમુખત્યારશાહી નિર્ણયોને કારણે જ આ પતન થયું છે. આજે વરિષ્ઠ નેતાઓ ખુલ્લેઆમ મમતા બેનર્જીને અલ્ટીમેટમ આપી રહ્યા છે કે, તેઓ કાં તો સંગઠન પસંદ કરે અથવા તેમના ભત્રીજાને.
બંગાળના રાજકીય ઇતિહાસ પર નજર કરીએ તો ખ્યાલ આવે છે કે, અહીં સત્તાનું પરિવર્તન જેટલું મોડું થાય છે, એટલું જ તે ભયાનક અને નિર્મમ હોય છે. મમતા બેનર્જી પૂર્વે બંગાળમાં ડાબેરીઓ (CPI-M) નો અભેદ ગઢ હતો. જ્યોતિ બસુ જેવા દિગ્ગજ નેતાએ 1977 થી 2000 સુધી સતત 23 વર્ષ મુખ્યમંત્રી રહીને ભારતમાં સૌથી લાંબો સમય સીએમ રહેવાનો રેકોર્ડ બનાવ્યો હતો. એ જમાનામાં કોંગ્રેસ કે અન્ય કોઈ પક્ષનું ડાબેરીઓ સામે પાંદડું પણ નહોતું હલતું. કેડર-બેઝ્ડ પોલિટિક્સના જોરે ડાબેરીઓનો દબદબો એવો હતો કે, વિપક્ષો માટે માત્ર એક બેઠક જીતવી પણ લોઢાના ચણા ચાવવા સમાન હતી. બસુ બાદ બુદ્ધદેવ ભટ્ટાચાર્યએ સત્તા સંભાળી અને ડાબેરીઓએ બંગાળ પર સતત 34 વર્ષ શાસન કર્યું.
પરંતુ જ્યારે 2011માં મમતા બેનર્જીએ 'મા, માટી, માનુષ' ના નારા સાથે ડાબેરી કિલ્લાને ધ્વસ્ત કર્યો, ત્યારે ડાબેરીઓની સ્થિતિ એટલી કરૂણ બની કે તેઓ આજે પણ બેઠા થઈ શક્યા નથી. જે પક્ષ દાયકાઓ સુધી બંગાળના શ્વાસમાં હતો, તે 2021 અને 2026ની ચૂંટણી આવતા-આવતા માત્ર 1 કે 2 બેઠકો પર સમેટાઈ ગયો. ડાબેરીઓનો વોટ શેર સાવ તૂટી પડયો અને સંગઠન સંપૂર્ણપણે વેરવિખેર થઈ ગયું. ડાબેરીઓ પહેલાં, બંગાળ એક સમયે કોંગ્રેસનો ગઢ હતો. સિદ્ધાર્થ શંકર રે જેવા દિગ્ગજ મુખ્યમંત્રી કોંગ્રેસ શાસનમાં હતા, પરંતુ ડાબેરીઓના ઉદય બાદ કોંગ્રેસ પણ બંગાળમાં હાંસિયામાં ધકેલાઈ ગઈ અને 2026ની ચૂંટણીમાં કોંગ્રેસ પણ માત્ર 2 બેઠકો પર આવી ગઈ છે. ટીએમસીએ પહેલા કોંગ્રેસના ભાગલા પાડીને પોતાનું અસ્તિત્વ બનાવ્યું હતું અને પછી ડાબેરીઓને ખતમ કર્યા હતા. આજે એ જ ઈતિહાસ ટીએમસી સાથે પુનરાવર્તિત થઈ રહ્યો છે.
રાજકીય વિશ્લેષક તરીકે આ ઘટનાક્રમ બિલકુલ મહારાષ્ટ્રમાં શિવસેના (ઉદ્ધવ ઠાકરે) અને એનસીપી (શરદ પવાર) સાથે થયેલા રાજકીય ભૂકંપ જેવો જ છે. મહારાષ્ટ્રમાં જે રીતે એક સમયે અજેય ગણાતા પક્ષો પરિવારવાદ, સત્તા ગુમાવવાનો ડર અને આંતરિક અસંતોષને કારણે બે ભાગમાં વહેંચાઈ ગયા અને મૂળ પક્ષનું ચિહન તથા સત્તા બંને ગુમાવી બેઠા, તે જ સ્ક્રિપ્ટ આજે બંગાળમાં ટીએમસી માટે ભજવાઈ રહી છે. ભૂતકાળમાં આસામમાં પ્રફુલ્લ કુમાર મહંતની એજીપી (AGP) અથવા તમિલનાડુમાં જયલલિતાના અવસાન બાદ એઆઈએડીએમકે (AIADMK) ના જે હાલ થયા હતા, તે દર્શાવે છે કે, જ્યારે પ્રાદેશિક પક્ષો એક વ્યક્તિના પ્રભુત્વ અને કરિશ્મા પર ચાલતા હોય અને તે નેતા ચૂંટણી હારી જાય અથવા નબળો પડે, ત્યારે આખો પક્ષ પત્તાના મહેલની જેમ તૂટી પડે છે.
ચૂંટણી પંચ સમક્ષ હવે અસલી ટીએમસી કોણ તેની કાનૂની લડાઈ શરૂ થવાના એંધાણ છે. આ કપરા સમયમાં મમતા બેનર્જી પાસે હવે જૂજ વિકલ્પો બચ્યા છે. જો મમતા બેનર્જીએ પક્ષ બચાવવો હોય તો તેમણે વરિષ્ઠ નેતાઓ અને જૂના જોગીઓની નારાજગી દૂર કરવી પડશે. આ માટે કદાચ તેમણે અભિષેક બેનર્જીની સત્તામાં કાપ મૂકીને ઓલ્ડ ગાર્ડને ફરીથી કમાન સોંપવી પડે. મમતા બેનર્જીએ પક્ષના પતનને રોકવા માટે કલકત્તા હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ તેમજ ચૂંટણી પંચ (EC) ના દ્વાર ખટખટાવવા પડશે જેથી બળવાખોર ધારાસભ્યો અને સાંસદો પર પક્ષપલટા વિરોધી કાયદા (Anti-DefectionLaw) હેઠળ કાર્યવાહી કરાવી શકાય. મમતા મૂળભૂત રીતે શેરી લડાઈના નેતા છે. સત્તા ગુમાવ્યા બાદ તેમણે એસી ઓફિસો છોડીને ફરીથી બંગાળની જનતા વચ્ચે જઈ સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કરવો પડશે. જો મમતા બેનર્જી આ આંતરિક વાવાઝોડાને સમયસર નહીં રોકે, તો બંગાળમાં ટીએમસીનો અંજામ પણ ડાબેરીઓ અને કોંગ્રેસ જેવો જ બહુ જલ્દી અને બુરી રીતે આવશે તે નક્કી છે. રાજકારણનો આ કરુર નિયમ છે - સત્તા છે તો સઘળું છે, અને પડે છે ત્યારે સઘળું પડે છે.