દર વર્ષે બીજી ઓક્ટોબર આવે છે ત્યારે સૌ ગાંધીજીને શ્રદ્ધાપૂર્વક યાદ કરે છે. શાળાઓ, કોલેજો અને સરકારી કચેરીઓમાં તેમના ચિત્ર પર સૂતરની આંટી ચડાવીને વક્તવ્યો યોજવામાં આવે છે, પરંતુ આ ઉજવણીઓને એક ઔપચારિકતા બનાવી દીધી છે. ગાંધીજી માત્ર સ્મરણ કરવાના જ નહીં, પરંતુ તેમના વિચારોને આચરણમાં ઉતારવા માટેના પ્રેરણારૂપ સ્ત્ર્રોત છે. તેમણે દેશને માત્ર બ્રિટિશ શાસનની રાજકીય ગુલામીમાંથી મુક્તિ નહોતી અપાવી, પણ આઝાદ ભારતના ભવિષ્યને આત્મનિર્ભર અને આર્થિક તેમજ સામાજિક રીતે સુદ્રઢ બનાવવા માટે એક પાયાનું દર્શન આપ્યું હતું. આ દર્શનનું સૌથી મજબૂત પાસું હતું તેમનું કેળવણી વિષયક ચિંતન, જેને તેઓ 'નઈ તાલીમ' અથવા બુનિયાદી શિક્ષણ' તરીકે ઓળખાવતા. આજે આઝાદીના દાયકાઓ પછી પણ જ્યારે આપણો દેશ ભણેલા-ગણેલા યુવાનોની બેરોજગારી, વધતા જતા માનસિક તણાવ, એકલતા અને સામાજિક તેમજ નૈતિક મૂલ્યોના ભારે પતન જેવી ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે, ત્યારે આપણી વર્તમાન શિક્ષણ પદ્ધતિ સામે અનેક સવાલો ઊભા થાય છે. આપણે નવી પેઢીને સાચું શિક્ષણ આપવામાં ક્યાંક મોટી ચૂક કરી ગયા છીએ અને આજના આ ગ્લોબલ તેમજ ડિજિટલ યુગમાં ગાંધીચીંધ્યો માર્ગ આપણને કેવી રીતે યોગ્ય દિશા બતાવી સાચો ઉકેલ આપી શકે, તે વિશે ખૂબ જ ઊંડાણપૂર્વક વિચારવાની જરૂર છે.
આજના ભૌતિકવાદી સમાજમાં શિક્ષણનો અર્થ ખૂબ જ સીમિત અને સંકુચિત કરી નાખ્યો છે, જ્યાં શિક્ષણ એટલે માત્ર મોંઘી ફી અને ઊંચા ગુણ મેળવીને ડિગ્રીઓનું મોટું પોટલું ભેગું કરવું. પરંતુ ગાંધીજી માટે શિક્ષણ માત્ર અક્ષરો ઓળખવા કે પુસ્તકો ગોખવા પૂરતું મર્યાદિત નહોતું. શિક્ષણના અર્થને સ્પષ્ટ કરતા ગાંધીએ જણાવ્યું હતું કે, સાક્ષરતા એ શિક્ષણની શરૂઆત કે અંત નથી, શિક્ષણથી મારો આશય બાળકના શરીર, મન અને આત્મામાં જે કંઈ ઉત્કૃષ્ટ છે તેને બહાર લાવવાનો છે. આ વ્યાખ્યા સ્પષ્ટપણે સમજાવે છે કે શિક્ષણ એ માહિતીઓ મગજમાં ઠાંસવાનું સાધન નથી, પણ વ્યક્તિની અંદર રહેલી સુષુપ્ત માનવીય ક્ષમતાઓને પ્રગટ કરી તેનો સર્વાંગી વિકાસ કરવાનો પવિત્ર માર્ગ છે. ગાંધીજી પાયાના શિક્ષણમાં ત્રણ R એટલે કે વાંચન, લેખન અને ગણિતના સ્થાને ત્રણ H એટલે કે હેડ, હાર્ટ અને હેન્ડ એટલે કે મગજ, હૃદય અને હાથના સમન્વયના આગ્રહી હતા.
આઝાદી પછી આપણે દેશમાં શાળાઓની સંખ્યા વધારવામાં, આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં અને સાક્ષરતાનો દર ઊંચો લઈ જવામાં ચોક્કસપણે મોટી સફ્ળતા મેળવી છે, પરંતુ શિક્ષણના મૂળભૂત આત્મા અને નૈતિકતાને જાળવવામાં આપણે ઘણી મોટી ચૂક કરી બેઠા છીએ. લોર્ડ મેકોલેની પદ્ધતિએ દેશમાં માત્ર બ્રિટિશ શાસનને વફાદાર કારકુનો પેદા કરવાનું કામ શરૂ કર્યું હતું, આપણે આઝાદી પછી પણ અજાણતા તે જ ગુલામી માનસિકતાના માળખાને પ્રોત્સાહન આપતા રહ્યા. પરિણામે, આજની શાળાઓ અને કોલેજો માત્ર 'રેન્ક', 'ગ્રેડ' અને 'પર્સન્ટાઈલ' મેળવવાની એક યાંત્રિક ફેક્ટરીઓ બનીને રહી ગઈ છે.
ગોખણપટ્ટી આધારિત વ્યવસ્થાનું બીજું ભયાનક પરિણામ એ આવ્યું કે, આજે આપણી સામે કૌશલ્ય વગરની અને રોજગાર વિહોણી ડિગ્રીઓ ધરાવતા યુવાનોની આખી ફોજ ઊભી થઈ છે. દેશમાં લાખો યુવાનો એવા છે જેમની પાસે મોટી ડિગ્રીઓ છે, છતાં બજારની જરૂરિયાત મુજબના પ્રાયોગિક કૌશલ્યો ન હોવાના કારણે તેઓ સાધારણ નોકરી મેળવવા માટે પણ ભટકી રહ્યા છે. પશ્ચિમીકરણ કરીને આપણે માતૃભાષાની ઘોર ઉપેક્ષા કરી છે અને અંગ્રેજી માધ્યમ પાછળ અંધ દોટ મૂકી છે. બાળક ઘરમાં જે ભાષા બોલે છે અને સાંભળે છે, તેનાથી તદ્દન અલગ અને પરાઈ ભાષામાં તેને વિજ્ઞાન કે ગણિત જેવા જટિલ વિષયો સમજાવવામાં આવે છે, ત્યારે વિષયની વિભાવના સમજવાને બદલે પરદેશી ભાષાના શબ્દો ગોખવામાં જ વેડફાઈ જાય છે.
આ બધી જ ભૂલોને સુધારવા માટે ભારત સરકાર રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP2020) નો અમલ શરૂ કર્યો છે. આશાસ્પદ બાબત એ છે કે, જો આપણે આ નવી શિક્ષણ નીતિના પાયાના સિદ્ધાંતોનો બારીકાઈથી અભ્યાસ કરીએ, તો તેમાં મહાત્મા ગાંધીના 'નઈ તાલીમ' અને બુનિયાદી શિક્ષણનાદર્શનનું જ આધુનિક પ્રતિબિંબ સ્પષ્ટપણે ઝીલાયેલું જોવા મળે છે. આ નીતિ ગાંધીજીના વિચારોને 21મી સદીના સંદર્ભમાં ખૂબ જ વૈજ્ઞાનિક રીતે રજૂ કરવાનો પ્રયાસ કરે છે. જેમ કે, ગાંધીજી ઈચ્છતા હતા કે દરેક બાળક શાળાનો અભ્યાસ પૂરો કરીને બહાર નીકળે, ત્યારે તે આજીવિકા મેળવવા માટે આત્મનિર્ભર હોવું જોઈએ. આ જ વાતને સ્વીકારીને નવી શિક્ષણ નીતિમાં ધોરણ-6 થી જ વ્યવસાયિક શિક્ષણ એટલે કે વોકેશનલ ટ્રેનિંગ અને સ્થાનિક કળાઓ સાથેની ઈન્ટર્નશીપ ફરજિયાત કરવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓ પુસ્તકીય જ્ઞાનની સાથે સુથારીકામ, બાગકામ, કોડિંગ કે હસ્તકળા જેવી પ્રાયોગિક સ્કિલ્સ સહજતાથી શીખી શકે.
તેવી જ રીતે માતૃભાષાના મુદ્દે પણ આ નીતિ ગાંધીજીના વિચારો સાથે સૂર મિલાવે છે. ગાંધીજી હંમેશાં કહેતા કે જેમ બાળકને માતાનું દૂધ જ પોષણ આપે છે, તેમ તેનું માનસિક પોષણ તેની માતૃભાષા દ્વારા જ થઈ શકે. નવી શિક્ષણ નીતિમાં પણ પ્રાથમિક સ્તરે, ઓછામાં ઓછા ધોરણ-5 સુધી, શિક્ષણનું માધ્યમ ફરજિયાતપણે માતૃભાષા કે સ્થાનિક ભાષા રાખવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. આનાથી બાળક કોઈપણ પ્રકારના આર્ટિફિશિયલ બોજ વગર મુક્ત મને પોતાની મૌલિક કલ્પનાઓ રજૂ કરી શકશે. અત્યાર સુધી આપણી શિક્ષણ વ્યવસ્થા આર્ટ્સ, કોમર્સ અને સાયન્સના ચોકઠાઓમાં વહેંચાયેલી હતી, જેના કારણે વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ રુંધાતો હતો.
આજના ગ્લોબલ વિલેજ અને ડિજિટલ ક્રાંતિના યુગમાં આપણે એ વાસ્તવિકતા પણ સ્વીકારવી પડશે કે આપણે ગાંધીજીના સમયના આબેહૂબ મોડેલનું સંપૂર્ણ અનુકરણ આજના સમયમાં ન કરી શકીએ. આજના સ્પર્ધાત્મક યુગમાં માત્ર રેંટિયો કાંતવાથી કે હાથવણાટ શીખવવાથી યુવાનો વૈશ્વિક સ્તરે ટકી શકશે નહીં. આજનો સાચો અને વહેવારુ ઉકેલ એ જ છે કે, ગાંધીજીના શિક્ષણના મૂળ આત્મા એટલે કે નૈતિકતા, ચરિત્ર નિર્માણ અને સ્વનિર્ભરતાને આજના સમયની અદ્યતન ટેક્નોલોજી, વિજ્ઞાન, અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે જોડવા પડશે. ગાંધીજીના આ જ વિચારને પુષ્ટિ આપતું તેમનું એક સૂત્ર હંમેશાં યાદ રાખવા જેવું છે કે,ખ્ સત્ય અને અહિંસા પર આધારિત ન હોય તેવું શિક્ષણ ક્યારેય સાચું શિક્ષણ હોઈ શકે નહીં. આજના સમયની સાચી માંગ એ છે કે આપણો વિદ્યાર્થી હાથમાં કમ્પ્યુટર અને ડિજિટલ સાધનોની કુશળતા રાખે, પણ તેનું હૃદય માનવીય મૂલ્યો, કરુણા અને સામાજિક સમરસતાથી છલોછલ હોય.
આપણે શિક્ષણ પદ્ધતિમાં જે મોટી ચૂક કરી છે, તેનો ઉકેલ એ જ છે કે, આપણે શિક્ષણને માત્ર ડિગ્રી મેળવીને આજીવિકા કમાવવાનું એક મશીન ન બનાવતા, તેને સાચા અર્થમાં સાર્થક જીવન જીવવાની એક કળા બનાવીએ. રાષ્ટ્રીય શિક્ષણ નીતિના માધ્યમથી સરકારે કાગળ પર અને નીતિગત માળખામાં ફેરફારોની શરૂઆત તો કરી દીધી છે, પરંતુ તેનો સાચો અને વાસ્તવિક સફ્ળતાનો આધાર માત્ર સરકારી તંત્ર પર નહીં, પણ સમગ્ર સમાજ, વાલીઓ અને શિક્ષકોની માનસિકતા બદલવા પર રહેલો છે. જે દિવસે આપણે આપણા બાળકોને માત્ર ગુણ અને માર્ક્સ મેળવવાની આંધળી અને ગળાકાપ સ્પર્ધામાંથી બહાર કાઢીને પ્રાયોગિક જ્ઞાન, વાસ્તવિક જીવનના કૌશલ્યો અને નૈતિક સંસ્કારો તરફ્ વાળીશું, તે દિવસે જ ગાંધીજીનું 'નઈ તાલીમ'નું સ્વપ્ન સાચા અર્થમાં જમીન પર સાકાર થશે. મહાત્મા ગાંધીને તેમની જન્મજયંતિ પર આનાથી મોટી, શ્રોષ્ઠ અને સાચી કાર્યાંજલિ બીજી કોઈ હોઈ ન શકે.
અશોકીઃ એવું જીવો કે જાણે તમે આવતીકાલે જ મરવાના છો અને એવું શીખો કે જાણે તમે હંમેશ માટે જીવવાના છો.