શું વિશ્વ વધુ એક ટકરાવ તરફ્ આગળ વધી રહ્યું છે? શું ઈરાન અને વેનેઝુએલા પછી હવે ક્યુબાનો વારો છે? શું અમેરિકા પોતાના પડોશમાંથી છેલ્લો કમ્યુનિસ્ટ ગઢ ખતમ કરવા માગે છે? આ પ્રશ્નો એટલા માટે ઊભા થઈ રહ્યા છે કારણ કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ક્યુબાને લઈને એવું નિવેદન આપ્યું છે, જેણે સમગ્ર વિશ્વનું ધ્યાન પોતાની તરફ્ ખેંચી લીધું છે. ટ્રમ્પે સંકેત આપ્યો છે કે ભવિષ્યમાં ક્યુબામાં અમેરિકી અભિયાનની સંભાવનાને નકારી શકાય નહીં. તેમણે એ પણ કહ્યું છે કે તેમની પ્રથમ પસંદગી શાંતિપૂર્ણ સત્તા પરિવર્તનની રહેશે. પરંતુ જરૂર પડશે તો અન્ય વિકલ્પો પણ ઉપલબ્ધ છે. આ જ તે પંક્તિ છે જેણે ચર્ચાને જન્મ આપ્યો છે.


90 માઈલ દૂર બેઠેલું ક્યુબા અમેરિકાને કેમ પરેશાન કરે છે?

ક્યુબા કોઈ દૂર આવેલો દેશ નથી. તે અમેરિકાના ફ્લોરિડા કિનારાથી માત્ર 90 માઈલ દૂર આવેલું છે. અર્થાત્ અમેરિકાના બારણે જ. આ જ કારણ છે કે વોશિંગ્ટન હંમેશા ક્યુબાને સામાન્ય દેશ તરીકે નથી જોતું. શીત યુદ્ધના સમયમાં પણ ક્યુબા અમેરિકાની સૌથી મોટી ચિંતાઓમાં સામેલ હતું. સોવિયેત મિસાઇલ સંકટે વિશ્વને પરમાણુ યુદ્ધના આરે પહોંચાડી દીધું હતું. આજે પરિસ્થિતિ અલગ છે. પરંતુ વ્યૂહાત્મક વિચારસરણી બદલાઈ નથી. અમેરિકા આજે પણ નથી ઇચ્છતું કે તેના પડોશમાં એવી કોઈ સરકાર મજબૂત બને, જે તેના પ્રભાવને પડકાર આપે. ટ્રમ્પના સમર્થકો માને છે કે ક્યુબાની વર્તમાન રાજકીય વ્યવસ્થા લોકશાહી મૂલ્યોના વિરોધમાં છે. જ્યારે તેમના વિવેચકોનો આરોપ છે કે અમેરિકા વાસ્તવમાં પોતાના પ્રભાવક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માગે છે. પ્રશ્ન એ જ છે. શું આ લોકશાહીની લડાઈ છે? અથવા પ્રભાવ વિસ્તારવાની વ્યૂહરચના?

ટ્રમ્પ આખરે શું ઇચ્છે છે?

ટ્રમ્પ લાંબા સમયથી પોતાને એવા નેતા તરીકે રજૂ કરતા આવ્યા છે, જે મુશ્કેલ સમસ્યાઓનો ઉકેલ શોધી શકે છે. ક્યુબા તેમના માટે માત્ર વિદેશ નીતિનો મુદ્દો નથી. તે રાજકીય તક પણ બની શકે છે. જો ક્યુબામાં મોટો ફેરફાર થાય તો ટ્રમ્પ તેને પોતાની મોટી સિદ્ધિ તરીકે રજૂ કરી શકે છે. તેઓ એવો સંદેશ આપવા માગશે કે જ્યાં 

અગાઉની અમેરિકી સરકારો નિષ્ફ્ળ ગઈ હતી, ત્યાં તેમણે સફ્ળતા મેળવી. ટ્રમ્પની રાજનીતિમાં પ્રતીકોનું ખૂબ મહત્વ છે. ક્યુબા જેવો મુદ્દો પ્રતીકાત્મક રીતે અત્યંત મોટો છે. આ જ કારણ છે કે તેમના તાજેતરના નિવેદનને સામાન્ય ટિપ્પણી તરીકે જોવામાં આવતું નથી. 

આર્થિક દબાણનો ફ્ંદો સતત કસાઈ રહ્યો છે

અમેરિકા પહેલાથી જ ક્યુબા પર અનેક પ્રકારના પ્રતિબંધો લગાવી ચૂક્યું છે. ટ્રમ્પ પ્રશાસને છેલ્લા કેટલાક મહિનાઓમાં દબાણ વધુ વધાર્યું છે. નવા આર્થિક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. નાણાકીય પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં આવી રહી છે. રાજકીય દબાણ પણ વધારવામાં આવી રહ્યું છે. અમેરિકા માને છે કે આર્થિક દબાણ સરકારને નબળી પાડી શકે છે. અને લોકોમાં અસંતોષ વધારી શકે છે. આ વ્યૂહરચના નવી નથી. વેનેઝુએલાના મામલામાં પણ આવું જ દબાણ જોવા મળ્યું હતું. પહેલા આર્થિક મોરચો. પછી રાજકીય દબાણ. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય સમર્થન એકત્રિત કરવાનો પ્રયાસ. હવે ક્યુબાને લઈને પણ કંઈક આવું જ વાતાવરણ ઊભું થતું દેખાઈ રહ્યું છે. 

શું રશિયા અને ચીન પણ આ વાર્તાના પાત્રો છે?

ક્યુબાને લઈને અમેરિકાની ચિંતા માત્ર આંતરિક રાજનીતિ સુધી મર્યાદિત નથી. તેના પાછળ મોટો ભૂરાજકીય ખેલ પણ છે. અમેરિકા નથી ઇચ્છતું કે રશિયા અથવા ચીન જેવા દેશો કેરેબિયન ક્ષેત્રમાં પોતાની પકડ મજબૂત કરે. વોશિંગ્ટનની નજરે આ રાષ્ટ્રીય સુરક્ષાનો પ્રશ્ન છે. જો કોઈ વિરોધી શક્તિને અમેરિકાની એટલી નજીક વ્યૂહાત્મક તક મળે તો તે ભવિષ્યમાં પડકાર બની શકે છે. આ જ કારણ છે કે ક્યુબાને લઈને અમેરિકી નીતિ માત્ર હવાના સુધી મર્યાદિત રહેતી નથી. તેમાં મોસ્કો અને બેઇજિંગનો એંગલ પણ જોડાઈ જાય છે. ટ્રમ્પ પ્રશાસનની વિચારસરણી એ જ દર્શાવે છે. તે પિૃમી ગોળાર્ધમાં અમેરિકાના પ્રભાવને નબળો પડવા દેવા માંગતું નથી. આ જ વિચારસરણી ભવિષ્યમાં વધુ આક્રમક પગલાંનું કારણ બની શકે છે.

શું સૈન્ય કાર્યવાહી માટે જમીન તૈયાર થઈ રહી છે?

સૌથી મોટો પ્રશ્ન એ જ છે. શું અમેરિકા ખરેખર ક્યુબા સામે સૈન્ય વિકલ્પ પર વિચાર કરી રહ્યું છે? હાલમાં તેનો કોઈ સીધો જવાબ નથી. ટ્રમ્પે યુદ્ધની જાહેરાત કરી નથી. પરંતુ તેમણે સૈન્ય વિકલ્પોથી અંતર પણ રાખ્યું નથી. અહીંથી જ અટકળો શરૂ થાય છે. નિષ્ણાતોનું માનવું છે કે આવા નિવેદનો ઘણી વખત દબાણ વધારવા માટે આપવામાં આવે છે. તેનો હેતુ વિરોધી પક્ષને સંદેશ આપવાનો હોય છે. તેને એ સમજાવવાનો હોય છે કે જો પરિસ્થિતિ નહીં બદલાય તો આગામી પગલું વધુ કડક હોઈ શકે છે. 

વેનેઝુએલા મોડેલ કે અમેરિકાનો નવો પ્રયોગ?

ઘણા વિશ્લેષકો માને છે કે ટ્રમ્પની વ્યૂહરચના વેનેઝુએલા મોડેલથી પ્રેરિત દેખાય છે. દબાણ બનાવો. અલગ-થલગ કરો. રાજકીય પરિવર્તનની માંગ વધારાવો. અને પછી પરિસ્થિતિ પ્રમાણે આગળનું પગલું નક્કી કરો. પરંતુ ક્યુબાની સ્થિતિ અલગ છે. ત્યાંની રાજકીય રચના અલગ છે. આંતરરાષ્ટ્રીય સંબંધો અલગ છે. અને ઐતિહાસિક અનુભવ પણ અલગ છે. આ જ કારણ છે કે ક્યુબામાં કોઈપણ પરિવર્તનની પ્રક્રિયા સરળ નહીં હોય. અમેરિકા આ જાણે છે. ક્યુબા પણ આ જાણે છે. અને વિશ્વ પણ આ સમજે છે.

શું કેરેબિયનમાં નવું સંકટ ઊભું થશે?

હાલમાં કોઈ યુદ્ધની જાહેરાત થઈ નથી. કોઈ સૈન્ય અભિયાન શરૂ થયું નથી. પરંતુ ટ્રમ્પના નિવેદને એક નવો પ્રશ્ન જરૂર ઊભો કર્યો છે. શું અમેરિકા પોતાના પડોશમાં મોટું રાજકીય પરિવર્તન ઇચ્છે છે? શું ક્યુબા પરનું દબાણ વધુ વધશે? શું આર્થિક પ્રતિબંધો પછી નવી વ્યૂહરચના સામે આવશે? અથવા આ માત્ર દબાણની રાજનીતિ છે? આ પ્રશ્નોના જવાબો હજુ ભવિષ્યના ગર્ભમાં છે. પરંતુ એક વાત સ્પષ્ટ છે. ક્યુબા ફરી એકવાર અમેરિકી વિદેશ નીતિના કેન્દ્રમાં આવી ગયું છે. અને જ્યારે અમેરિકા, ક્યુબા, રશિયા અને ચીન જેવા નામો એક જ વાર્તામાં જોવા મળે છે, ત્યારે વિશ્વની નજરો આપમેળે એ દિશામાં સ્થિર થઈ જાય છે. હવે જોવાનું એ છે કે ટ્રમ્પનું આ નિવેદન માત્ર ચેતવણી સાબિત થાય છે કે પછી કેરેબિયનમાં કોઈ મોટા ભૂરાજકીય સંઘર્ષની પ્રસ્તાવના બને છે. 


  • Follow us on: