શુંતમને ખબર છે કે તમારી પ્રગતિ કોણ રોકી રહ્યું છે ? શા માટે તમે કશું નવું નથી કરી શક્તા? જો તમે કશુંક નવું કરવા જાવ તો શા માટે અડધેથી પાછા ફરવું પડે છે ? કોણ છે જે તમારા કામ માં વિધ્ન નાંખી રહ્યું છે ? એવું તો શું થાય છે કે તમે એક પગ માંડયા પછી બીજો પગ માંડી શકતાં જ નથી ? કોણ? કોણ? અને કોણ? તમામ સવાલનો જવાબ એક જ માણસ છે અને તે છે તમે પોતે.જી હા, જો તમારી માનસિકતા નકારાત્મક હશે તો તમને તમારાથી વધારે કોઈ જ નથી નડી રહ્યું. તમારો આગ્રહ, તમારા પૂર્વગ્રહ, તમારી માન્યતાઓ અને તમારા અહમ આ ચારનાં કારણે તમે પોતે જ તમારી પોતાની પ્રગતિ અટકાવીને બેઠા છો. માણસમાત્ર ની ખામી જ એ છે કે એ પોતે જગત આખા નો અભ્યાસ કરે છે પરંતુ પોતાની જાતનો જ અભ્યાસ કરવાનું ચૂકી જાય છે ! આ પૃથ્વી ઉપર જેટલા માણસો એટલાં વ્યક્તિત્વ.પ્રશ્ન થાય કે વ્યક્તિત્વ એટલે શું? માણસનો આગ્રહ, પૂર્વગ્રહ અને માન્યતાઓનો સરવાળો એટલે માણસનું વ્યક્તિત્વ. દરેક માણસની માન્યતાઓ જુદી છે અને એટલે જ દરેક માણસ નું વ્યક્તિત્વ પણ જુદું જ છે. દરેક માણસ કોઈ ને કોઈ માન્યતાઓથી બંધાયેલો હોય છે. જો આ માન્યતાઓ હકારાત્મક અને જીવન માં ઊર્જા પેદા કરે એવી હોય તો તો હજી પણ સમજી શકાય પરંતુ જો નકારાત્મક હોય તો તો માણસ પોતાનો જ ગુલામ બની જતો હોય છે. આપણે વધતા ઓછા અંશે આપણા આગ્રહ અને પૂર્વગ્રહોથી બંધાયેલા તો હોઈએ જ છીએ. જોકે આપણે એને સ્પષ્ટ રીતે જોય શકતા નથી પરંતુ ગર્ભિત રીતે એ આપણા વ્યક્તિત્વ નો ભાગ તો બની જ જતાં હોય છે. આપણી માન્યતાઓ જ આપણી માનસિકતા ને ઘડે છે. નિરાશાવાદી લોકો પોતાની આજુબાજુ નિરાશાવાદી વાતાવરણ લઈને જ ફરતાં રહે છે. આવા લોકોને સાવ સરળ લાગતું કામ પણ ખૂબજ મુશ્કેલ લાગે છે. નવી પહેલ કરતાં પહેલા જો એમની નિરાશા એમના મન ઉપર ફરિ વળી તો પછી એ કામ જ શરૂ કરી શકતા નથી ! આ કામ તો અશક્ય છે, મારાથી તો ન થઈ શકે એવું વિચારનાર ક્યારેય નવા પડકારો ઉઠાવી શકશે નહીં. જીવન એક પડકારથી વધુ કાંઈ જ નથી.તમે જીવનને કઈ રીતે જોવ છો એ હિસાબે તમારા જીવનનું ઘડતર થાય છે. નિરાશાવાદી વિચારસરણીવાળાનાં હાથમાં કશું જ આવતું નથી.સફ્ળતા મેળવવા માટે સૌપ્રથમ તો આપણે આપણી જડ માનસિકતા બદલવી પડશે. જડતા એ સ્થિરતાની સગી બહેન છે. જ્યાં વિચારોની જડતા છે ત્યાં જીવનની સ્થિરતા છે.ત્યાં વહેતું ઝરણું નથી પરંતુ દુર્ગંધ ફેલાવતું અહમની લીલ બાઝેલું જીવનરૂપી પ્રદુષિત પાણી છે.  


 સફ્ળતા મેળવવાનો એક જ સરળ રસ્તો છે અને એ છે પોતાની જડતા માંથી મુક્ત થવું. જીવનમાં કશુંજ અશક્ય નથી. માણસ ધારે તે કરી શકે છે. સવાલ માત્ર ધારવાનો જ છે. ખોટા બંધનો ને લઈને ફરવામાં કોઈ જ મજા નથી. આપણા જેવાં મોટેભાગનાં લોકો વાસ્તવિક પરિસ્થિત કરતાં કાલ્પનિક પરિસ્થિતથી વધુ પીડાતા હોય છે. આપણી પાસે વાસ્તવિક બંધનો કરતાં કાલ્પનિક બંધનો વધુ છે. ઘણીવાર આપણે ન વિચારવાનું હોય એ વિચારી નાંખીએ છીએ પરિણામે પાછા પડીએ છીએ. સૌથી પહેલા તો આપણા બંધનોને ઓળખવાની જરૂર છે. જ્યાં સુધી તમે તમારા બંધનોને ઓળખશો જ નહીં ત્યાં સુધી તમને એ બંધન જેવાં જ નહીં લાગે ઉલ્ટાનાં એ તમને સારા અને સાચા જ લાગશે.બંધનો હંમેશા પાછલા દરવાજેથી પ્રવેશ મેળવતાં હોય છે. એની ગતિ મંદ પરંતુ મક્કમ હોય છે.જીવનમાં જેણે કશુંક પામવું છે એણે ખોટા બંધનોથી મુક્ત થવું પડશે.યાદ, રહે ખોટા બંધનો. પારિવારીક સંબંધો ને બંધન નથી કહ્યાં. અહીં આપણે જે બંધનોની વાત કરીએ છીએ તે માનસિક બંધનો છે. આ વાતને સમજવા માટે જીવન મર્મી ઓશો એ આપેલી એક દ્રષ્ટાંત કથાને યાદ કરીએ. એક અંધારી રાત હતી અને રણપ્રદેશમાં આવેલા એક વિશ્રામસ્થળ ઉપર સો ઊંટ નું ટોળું લઈ જતાં વેપારીઓનાં કાફ્લાએ એક રાત માટે પડાવ નાંખ્યો. વેપારીઓ એ ઊંટો ને બાંધવા માંડયાં. જોત જોતાંમાં નવ્વાળુ જેટલા ઊંટો બંધાઈ ગયાં હવે માત્ર એક જ ઊંટ બાકી હતું પરંતુ મુશ્કેલી એ હતી કે પેલા વેપારીઓ પાસે એક ખૂંટી અને એક દોરડું ઓછું હતું. વેરાન રણમાં રાત્રીનાં સમયે ખૂંટી અને દોરડું લાવવું ક્યાંથી એટલે એઓ વિશ્રામસ્થળનાં વૃદ્ધ માલિક પાસે પહોંચ્યા અને ખૂંટી અને દોરડાની માંગ કરી. 

વૃદ્ધે પોતાની પાસે ન હોવાનું જણાવ્યું પણ સાથે એક ઉપાય પણ આપ્યો. વૃદ્ધે પેલા વેપારીઓને કહ્યું કે તમારી પાસે ખૂંટી અને દોરડું નથી એની જાણ માત્ર તમને છે પેલા ઊંટ ને થોડી છે માટે એક કામ કરો. ઊંટ પાસે જઈ ખાડો ખોદી અંદર ખૂંટી મારતા હોય એવું કરો. એ જ રીતે ઊંટનાં ગળામાં જાણે દોરડું પરોવતા હોય એમ કરી ઊંટને બેસી જવા માટે આદેશ કરો ઊંટ બેસી જશે અને તમારી સમસ્યાનો હલ આવી જશે. વેપારીઓને વૃદ્ધની વાત હાસ્યાસ્પદ તો લાગી જ પરંતુ ગાઢ રણમાં એની વાત માનવા સિવાય એમની પાસે બીજો કોઈ વિકલ્પ પણ ન હતો. એમણે જેમ કહ્યું એમ કર્યું. ખૂંટી ઠોકી કે જે હતી જ નહીં. ઊંટનાં ગળામાં દોરડું નાંખતા હોય એવું નાટક કર્યુ અને પછી છેલ્લે ઊંટને બેસી જવાનું કહ્યું. નવાઈ પમાડે એવી ઘટના તો ત્યારે બની કે જ્યારે ઊંટ બેસી ગયું ! વેપારીઓ તો હસતાં મોઢે સુઈ ગયાં. બીજા દિવસે જ્યારે કાફ્લો આગળ વધવાનો હતો ત્યારે વેપારીઓ એ નવ્વાણું ઊંટ ની ખૂંટી અને દોરડું છોડી કાઠયું. હવે સો માં ઊંટ ને તો છોડવાનો પ્રશ્ન જ ન હતો કારણ કે એને તો બાંધ્યો જ ન હતો. પરંતુ આ બાજુ દૃશ્ય અપેક્ષા કરતાં કંઈક જુદું જ આકાર લઈ રહ્યું હતું. પેલું સોમું ઊંટ પોતાની જગ્યા પરથી ઉઠતું જ ન હતું. એને લાકડી નાં ગમેતેટલા ફ્ટકા મારવામાં આવ્યાં છતાં પણે એ ઊંટ પોતાની જગ્યા પરથી ખસવાનું નામ જ નથી લેતું. વેપારીઓ મુંઝાયા એમણે વૃદ્ધને આખી વાત કહીં અને સમાધાન માંગ્યુ. વૃદ્ધે કહ્યું કે ઊંટ ક્યાંથી બેઠું થાય પહેલા એને જેની સાથે બાંધવામાં આવ્યો છે એ ખૂંટી અને જેનાં વડે બાંધવમાં આવ્યો છે એ દોરડું તો છોડો. હવે,જે વસ્તુ બાંધી જ ન હોય એને છોડવાની વાત કરવામાં આવે તો નવાઈ તો લાગે જ ને. પેલા વેપારીઓ મુઝાયા પરંતુ વૃદ્ધની વાતમાનવા સિવાય એમની પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો એટલે એમણે આભાસી રીતે ખૂંટી જે ન હતી જતાં કાઢી અને દોરડું છોડયું . બસ, પછી તો જોવા જેવું થયું ઊંટ પોતાની મેળે બેઠું થઈ ગયું અને ચાલવા માંડયું ! વેપારીઓની નવાઈ નો પાર ન રહ્યો એમણે વૃદ્ધ ને આખી વાતનું કારણ પૂછયું તો વૃદ્ધે માત્ર એટલું જ કહ્યું કે ઊંટ પોતાના આભાસી બંધન માં કેદ હતું. જે પોતાના જ નક્કી કરેલા બંધનોમાં કેદ હોય એને બંધક બનાવવું ખૂબજ સરળ હોય છે.  

 શું આપણી પરિસ્થિત પણ ક્યાંક ને ક્યાંક પેલા ઊંટ જેવી નથી ? આપણે પણ આપણા આગ્રહ, પૂર્વગ્રહો અને જડતાનાં બંધનોમાં બંધાયેલા છીએ જેને કારણે આગળ વધવું મુશ્કેલ બને છે.જે માણસ પોતે હાર માની લે છે એને દુનિયામાં કોઈ જીતાડી શકતું નથી. માનસિક ગુલામીથી મોટી બીજી કોઈ જ ગુલામી નથી. માણસ માનસિક રીતે જેટલો મજબૂત એટલું જ એનું જીવન પણ મજબૂત અને પ્રગતિશીલ રહેવાનું. મનથી મક્કમ માણસને કોઈ જ હરાવી શકતું નથી. મોટેભાગનાં લોકો કાલ્પનિક ભય એટલે કે આભાસી ગુલામીથી એટલા બધા પીડાતા હોય છે કે એઓ જીવનમાં નવી પહેલ જ નથી કરી શકતા. જો તમારી સ્થિત પણ પેલા ઊંટ જેવી હોય તો ચેતી જવા જેવું છે. આભાસી બંધનોને દૂર કરી નક્કર વર્તમાનમાં જીવવાનું શરૂ કરી દો. હંમેશા પોઝિટિવ વિચારવાની ટેવ પાડો જેથી કરીને બંધન નહીં પરંતુ સ્વતંત્રતા જેવું લાગે.  


  • Follow us on: