આ પ્રશાંત સાગર જ આપણાં નસીબ સાથે, આપણાં જીવન સાથે, ઈકોનોમી સાથે જોડાયેલો છે!   

પ્રશાંત મહાસાગર, સૌથી મોટો અને સૌથી ઊંડો સાગર- માણસના મન જેવો અનિશ્ચિત લાગે. ક્યારેક એ ગ્રે હોય, ભર્યોભર્યો. ક્યારેક એ ઉદ્ધત લાગે, ગર્જના કરતો કરતો , સફેદ મોજાઓની લંગારની લંગાર ઠાલવ્યા કરતો, બડાઈખોર.   

ક્યારેક એ પોતાના નામને સાર્થક કરતો શાંત હોય ને ડીપ બ્લ્યુ હોય. પણ બપોરના તડકામાં એનો તીક્ષ્ણ બ્લ્યુ રંગ આંખમાં ખૂંચે, એ કોઈ દુર્વાસા જેવો તપસ્વી લાગે જે હમણાં તો શાંત છે ક્યારે ક્રોધિત થશે, નક્કી નહિ.   

એ સાગર પરથી વહી આવતા વ્યાપારી પવનો તમને પેલા કોઈ અજ્ઞાત માટે વ્યાકુળ કરી મૂકે. પવન તમને ચારે બાજુથી ઘેરી દે ત્યારે તમારી વહી ગયેલી જિંદગીની યાદ ન રહે, ફ્ક્ત એક અમર જીજીવિષા તમને ગુંગળાવી દીર્ઘ શ્વાસ લેવા મજબૂર કરે.   

વળી કોઈ વાર આ મહાસાગર, સાવ નાનકડા તળાવ જેવો ય લાગે. ઉડતી માછલીઓ ની રમતથી ઉડતા પાણીના ચમકતા ફુવારા સિવાય કોઈ હલચલ નહિ. આકાશમાં એકાદ બે ચીંથરા જેવા વાદળના લીરા પડયા હોય, બાકી આકાશ અને સાગર બંને, એકબીજાના પ્રતિબિંબ લાગે.   

ક્યારેક આ અફટ સમુદ્રનો કોઈ છેડો ન દેખાય, પાણીનું -ભૂરા ભૂરા પાણીનું, ખારું ખારું રણ ચોમેર. પણ સાંજ પડે ને અંધારા ઉતરે ત્યારે ક્ષિતીજમાં વાદળા મોટા મોટા ઝળુબંતા પર્વત જેવા લાગે. એ તમારા સપનાના દેશના પહાડો હોય, અકલ્પનિય શાંતિની વચ્ચે એક બે પક્ષીઓના ચિત્કાર હવાને ખળભળાવી મૂકે, કોઈ ભૂલાયેલા ટાપુને યાદ કરવી દે. આ મહાસાગર આસપાસ જ આજની વાત સમજીએ--   

મોસમી પવનો- વરસાદી પવનો પર ઘણાં સંશોધન થયા છે પણ હજુ કેટલાંય પ્રશ્નોના જવાબ મળ્યા નથી. હમણાં જે માણસના મગજની વાત કરતા હતા તેવું જ છે-જાણીએ છીએ પણ નથી જાણતા!' વરસાદી સિસ્ટીમ એ કુદરતનું એક મસમોટું હીટ એન્જિન છે.હીટ એન્જિન એટલે જે ચક્ર , તાપમાનના તફાવતથી એન્જિનને મળેલી ગરમીથી ચક્કર ફરે, અહીં એ જમીન અને દરિયાના તાપમાનમાં જે ફરક હોય છે, એને લીધે ચાલે છે.   

ઉનાળામાં જમીન પરની હવા ખૂબ જ ગરમ થઈ જાય, ગરમ હવા ફૂલે, વિસ્તરે , ઉપર આકાશે ચડે , અને પછી દરિયાની ઠંડી ઠંડી હવા ધસી આવે અને સંતુલન સ્થપાય.   

ભારતમાં તો આ 'Differential heating', વિષુવવૃત્ત ના દક્ષિણેથી એક જબરદસ્ત પવનપ્રવાહ ઈન્ડિયન ઓશનમાં ઊભો કરે છે. એ પવન ભારત તરફ્ ધસમસે ત્યારે સાગર માંથી ઊડતી બાષ્પ - વરાળને ખેંચે, ઠંડી પાડે, વાદળ બાંધે અને સૌથી પહેલું કેરાલાની જમીન પર વરસાદ રુપે 'તૂટી પડે'!   

બાષ્પ નું વરસાદ રુપે પાણીમાં રુપાંતર થાય ત્યારે બાષ્પમાં છુપાયેલી ઉષ્મા ( લેટન્ટ હીટ , ભણી ગયા અહીં!)પાછી ઉપર વાતાવરણમાં જાય અને એટલે નીચે ફરી ભારે ઠંડી ભેજવાળી હવા આવે. આમ આ ગરમ ઠંડી હવાનો પ્રવાહ ઉપર નીચે ચાલતો રહે, આપણે જેને કન્વેક્શન કરન્ટ કહીએ તે ચાલુ જ રહે, એટલું જ નહિ, ભારતમાં અંદર તરફ્ ઘૂસતો રહે. એટલે જ ચોમાસુ એક 'યાયાવર' પ્રવાસી છે, આગળ વધ્યા કરે.   

હવે આ નીનોની વાત શરુ કરીએ, તે પહેલાં નોર્મલ પરિસ્થિતિ - પેસિફ્કિ ની સામાન્ય સ્થિતિમાં કે જેને આપણે non al nino સ્થિતિ કહીએ, તે પહેલાંસમજીએ. વ્યાપારી પવનો વિષુવવૃત્તની પિૃમે ફૂંકાય,અને એ દક્ષિણ અમેરિકાથી ગરમ પાણી એશિયા લઈ જાય. આ ગરમ પાણી ને રીપ્લેસ કરવા સમુદ્રમાં ઊંડેથી ઠંડુ પાણી ઉપર આવે - આ પ્રોસેસ થાય એને કહેવાય-UPWELLING. કૂવામાંથી પાણી ખેંચતા હોઈએ એમ! આ સામાન્ય પરિસ્થિતિ છે.   

ગરમ વ્યાપારી પવનોને લીધે દરિયાની સપાટી વિષુવવૃત્ત કરતા ઈન્ડોનેશિયા માં દોઢ ફૂટ ઊંચી રહે અને તાપમાન પણ 7.2C વધારે હોય. આ ગરમ પાણી પિૃમ તરફ્ વહે એટલે ઠંડુ પાણી ઉંચુ આવે - ઈક્વાડૉર, પેરુ અને ચીલી ના દરિયાકાંઠે. આ આખી ઘટના અપવેલિંગ કહેવાય.આ અપવેલિંગથી ઠંડુ, મીનરલવાળું- પાણી સમુદ્રમાં ઉપરના સ્તરે આવે. જે સમુદ્રના પ્રાણીઓ અને વનસ્પતિ માટે કામનું! આ અપવેલિંગ ગ્લોબલ ક્લાઈમેટ ને અસર કરે. પેસિફ્કિના ઉંચા તાપમાન ઈન્ડોનેશિયા, ન્યૂ ગિયેના જેવા ટાપુઓ પર વરસાદ લાવે.   

જ્યારે દરિયાના પાણી ગરમ થાય અને એટલે સમુદ્ર પરની હવાનું દબાણ ઘટે. આ બંને એકબીજા સાથે સંકળાયેલી ઘટનાને વૈજ્ઞાનિકો ENSO કહે છે.El Nino Southern Oscilation. અલ નીનો સધર્ન ઓસ્સિલેશન.ઓસ્સિલેશન એટલે ઉંચકનીચક!   

જે બાજુમાં સ્કેચ આપ્યો છે તે જોઈ સમજીએ. એમાં ઉપરના બોક્સમાં સામાન્ય પરિસ્થિતિ છે. નીચે ચિત્ર ઉંધુ થઈ જાય એ અલ નીનો! ટ્રોપિકલ પેસિફ્કિમાં વ્યાપારી પવનો ઉંધા વહે- ઈસ્ટરલી માંથી વેસ્ટરલી થઈ જાય. ગરમ પાણીને સાઉથ અમેરિકન કિનારે લઈ આવે. સ્કેચમાં SST એટલે સીસરફેસ ટેમ્પરેચર - દરિયાની સપાટીનું તાપમાન. એક બીજો શબ્દ સમજી લઈએ- 'thermocline' થર્મોક્લીન, એ દરિયામાં એક સ્પષ્ટ પણ અદૃશ્ય બાઉન્ડ્રી છે જે સપાટી પરના ગરમ પાણીને ઊંડા, ઠંડા પાણીથી જુદા પાડે છે.   

જ્યારે આ અપવેલિંગ સિસ્ટિમ બદલાઈ જાય અને સાવ અલગ પડી જાય તો એકબીજાની વિરુદ્ધ હોય એવી બે ક્લાઈમેટની પેટર્ન બનતી હોય છે- અલ નીનો અને લા નીના. એક વાર આ નીનો નીના ચાલુ થાય તો એ નવ થી બાર મહીના તબાહી મચાવે. આ બે ય અસર બહુ નિયમિત નથી પણ બે પાંચ સાત વરસે આવીને ઊભા રહે! એમાં અલ નીનો વધારે જલદી આવ્યા કરે. વેધર બદલાય, જંગલોમાં આગ લાગે , ઈકોસિસ્ટિમ પર ગંભીર અસર થાય.   

સાઉથ અમેરિકાના માછીમારોએ ઈ.સ. 1600માં, એ જોયું કે અમુક સમયે પેસિફ્કિનું પાણી અત્યંત ગરમ થઈ જાય છે. આ વાત એમને ડિસેમ્બર મહીનામાં જોવા મળી. સ્પેનિશમાં , અલ નીનો એટલે નાનું બાળ! અને બીજો અર્થ થાય- બાળ ક્રાઈસ્ટ - આ ઘટના સમયે ડિસેમ્બર હોય એટલે કદાચ આવું નામ પાડયું હશે.   

અલ નીનો વૈજ્ઞાનિકો ઓશનિક નીનો ઈન્ડેક્સ Oceanic Nino Index- (ONI) સમુદ્રની સપાટીના તાપમાનમાં સામાન્યથી કેટલો ફેરફાર થયો તે જાણવા વાપરે છે.જ્યારે સમુદ્ર સપાટીનું તાપમાન સામાન્ય કરતા 0.9ઢ્ઢ ફેરનહીટ વધેલું આવે- તે ય ત્રણ મહીનાની પાંચ સીઝન દરમ્યાન તો અલ નીનોની શક્યતા ગણાય. અલ નીનોની ભયંકરતા, આ તાપમાનનો ફેરફાર about 4-5ઢ્ઢ F)હોય તો આજુબાજુનાવિસ્તારમાં લોકલ અલ નીનો અસર થાય.પણ જો આ ફેરફાર (14-18ઢ્ઢ F)હોય તો આખી દુનિયામાં ક્લાઈમેટમાં ફેરફાર થાય-આને ગ્લોબલ અલ નિનો કહેવાય!   

અલ નીનો એ ય એક ક્લાઈમેટની પેટર્ન છે જેને લીધે પેસિફ્કિ ના ઈસ્ટર્ન ટ્રોપિકલ સાગરના સપાટી પરના પાણી, વધારે પડતા ગરમ થઈ જાય, ઉપર જોયું તેમ આ આખી ઘટનાને ENSO કહે છે.El Nino Southern Oscilation કહે છે. આ ઘટનાનો ગરમ ભાગ અલ નીનો કહે અને જ્યારે ઠંડી ઘટના ને લા નીના કહે. જેમાં સપાટીના પાણી અત્યંત ઠંડા થઈ જાય.   

હવે લા નીના !   

લા નીના એટલે નાની બાળકી! એન્ટી અલ નિનો. સાદી ભાષામાં ઠંડો બનાવ! અલ નિનો કરતા અહીં ઉંધી અસર છે. આ સમયે વ્યાપારી પવનો સામાન્ય કરતાં ય વધારે સ્ટ્રોન્ગ હોય છે. એશિયા તરફ્ વધારે ગરમ પાણી ધકેલે. અમેરિકાના પિૃમકાંઠે અપવેલિંગ વધી જાય, અને ઠંડા મીનરલ્સવાળા પાણી સપાટી પર આવી જાય. આ ઠંડા પાણી 'જેટ સ્ટ્રીમ' ને ઉત્તર તરફ્ ધકેલે. આનાથી દક્ષિણ અમેરિકામાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ થાય અને ઉત્તર અમેરિકા, કેનેડા વગેરેમાં પુરની સ્થિતિ થાય. લા નિના અસર ચાલુ હોય ત્યારે સાઉથ અમેરિકામાં શિયાળામાં ય તાપમાન ઉંચા રહે જ્યારે ઉત્તરમાં શિયાળો આકરો થાય. વાવાઝોડાની શક્યતા ય વધે.   

આ નીનો ભાઈની આપણી વેધર પર અને આખી ક્લાઈમેટ પર બહુ જ અસર થાય. પેસિફ્કિ જેટ સ્ટ્રીમ એની રોજીંદી જગ્યાએથી દક્ષિણે ખસે એટલે ઉત્તર અમેરિકા અને કેનેડાના યુરોપના પ્રદેશોમાં અસામાન્ય ગરમી અને સૂકું હવામાન થઈ જાય. અને અમેરિકાની દક્ષિણે ભેજવાળું વાતાવરણ રહે અને ભયંકર પુર પણ આવે.   

ટૂંકમાં- વ્યાપારી પવનો નબળા પડે ત્યારે આ નિનો આવી જાય! પણ, એ પવનો નબળા કેમ પડે છે એનો હજુ બહુ ઉંડો અભ્યાસ નથી! ગ્લોબલ વોર્મિંગ ? તમે કહેશો આ અલ નીનો અસર તો કુદરતી છે, વરસોથી છે, પણ હમણાં એની ફ્રીકવન્સી અને એ કરતા ય એની ભયંકરતા વધીગઈ છે. જે યુવાનોને રસ હોય એમણે આ બાબત સંશોધન કરવા જેવું ખરું!   

વાંચવું હોય તો ઘણું છે- સંદર્ભો :   

1.https://schmidtocean.org/cruise-log-post/everything-you-wanted-to-know-about-el-nino/

2.https://education.nationalgeographic.org/resource/el-nino/