કર્મનિષ્ઠા જ્ઞાનનું ઊંડાણ અને વહીવટી કુશળતા દ્વારા શિક્ષણક્ષેત્રે નવતર પ્રયોગો કરી રાજ્ય કક્ષાએ આગવી ઓળખ ઊભી કરનાર એક કર્મનિષ્ઠ અને શિક્ષણને સમર્પિત શિક્ષણવિદ્ એવા ડૉ. ગણેશભાઈ એન. ચૌધરી શિક્ષણજગત સાથે સંકળાયેલા સૌ શિક્ષકો અને શિક્ષણવિદો માટે પ્રેરક વ્યક્તિત્વ છે. ગુજરાતના પ્રાથમિક શિક્ષણમાં તેમનું અમૂલ્ય પ્રદાન રહ્યું છે.   

ડૉ. ગણેશભાઈ એન. ચૌધરીને અનેક ઍવોર્ડ્સ અને સન્માન પ્રાપ્ત થયા છે. ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગના જી.સી.

ઇ.આર.ટી. ગાંધીનગર યુનિસેફ દ્વારા તેમને સન્માન પ્રાપ્ત થયેલું છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ સંલગ્ન ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર દ્વારા તેમના અનુપમ શાળા પ્રોજેક્ટ 2005 માટે એ વખતના ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું.  

ડૉ.જી.એન. ચૌધરીએ ગુજરાતના પ્રાથમિક શિક્ષણને સુધારવા અને ગુણવત્તા તથા સંસ્કારલક્ષી શિક્ષણ માટે જે પ્રયત્નો કર્યા અને જે પ્રયોગો બતાવ્યા તે પ્રયોગો આજે પણ કેટલીયે શાળાઓમાં ચાલી રહ્યા છે. બધા મળીને તેમના સેવા કાર્યનો યજ્ઞ પૂરા 37 વર્ષ કરતાં પણ વધુ રહ્યો. એક પ્રાથમિક શિક્ષકથી પ્રાચાર્ય સુધીની તેમની સફર દરમિયાન તેમણે શૈક્ષણિક વહીવટી ભૂમિકાઓ અદા કરીને શિક્ષણ ક્ષેત્રે કરેલું અમૂલ્ય પ્રદાન સ્વયં એક મહાનિબંધ જેવું છે.  

 ડૉ. ગણેશભાઈ નાથુભાઈ ચૌધરી મૂળ મરેડા, તા. જિ. મહેસાણાના વતની છે. તેઓ એમ.એ. એમ.એડ. પીએચ.ડી. શિક્ષણમાં થયેલા છે. 14 વર્ષ સુધી તેઓ પ્રાથમિક શિક્ષક રહ્યા. તે પછી નાયબ નિયામક (પ્રાચાર્ય) તરીકે બાવીસ વર્ષ સુધી સેવાઓ આપી. ડૉ. ગણેશભાઈ એન. ચૌધરી પ્રેરિત અનુપમ શાળા પ્રોજેક્ટ અંતર્ગત છેલ્લા 25 વર્ષથી મૂલ્ય નિષ્ઠ શિક્ષણના પ્રયોગો કાર્યરત છે. દા.ત.  

(1) રામદુકાન :

શાળાના મેદાનમાં મુકાયેલ પોર્ટેબલ દુકાન એટલે રામદુકાન. કોઈ પણ માલિક નહીં. બાળકોને જરૂરિયાતવાળી અને ગમતી ચીજવસ્તુઓ રામદુકાનમાં મૂકવામાં આવે છે. બાળકો ભાવપત્રક મુજબ પૈસા ડબામાં નાંખી ચીજવસ્તુ ખરીદી લે છે. કોઈ જોનાર હોતું નથી. આ પ્રયોગથી બાળકમાં સ્વયં શિસ્ત અને પ્રામાણિક્તા વિકસે છે.  

(2) અક્ષયપાત્ર :

દિવાસળીના ખાલી ખોખામાં બાળકો વારાફરતી અનાજ લાવે છે જે અનાજ એક પાત્રમાં મૂકવામાં આવે તે અક્ષયપાત્ર કહેવાય છે. એ પછી તે અનાજ પક્ષીઓના ચણ માટે શાળા છૂટે ત્યારે શાળાના મેદાનમાં નાખવામાં આવે છે. આ પ્રયોગથી બાળકોમાં પક્ષીઓ પ્રત્યે પ્રેમ, દયા અને કરુણા જેવા ગુણો વિકસે છે.  

(3) ગીતા ગાનનું પાન :

આ પ્રયોગો અંતર્ગત શાળામાં દરરોજ પ્રાર્થના સમયે બાળકોને ગીતાના બે શ્લોકોનું પારાયણ કરાવવામાં આવે છે. મહેસાણા, બનાસકાંઠા, પાટણ જિલ્લાની 100 જેટલી પ્રાથમિક શાળાઓમાં આ પ્રયોગ કાર્યરત છે.  

(4) હેલ્થ કોર્નર :

બાળકોના માતા-પિતા ક્યારેક ખેતરમાં ગયાં હોય અને બાળકો નાહ્યા-ધોવા વગર શાળામાં આવે તેવા બાળકો માટે શાળામાં એક એવી જગા હોય છે કે જ્યાં પાણી, અરીસો, કાંસકો, ટોવેલ રાખવામાં આવે છે. એ જગા હેલ્થ કોર્નર કહેવાય છે જ્યાં બાળક પોતાની જાતને સ્વસ્છ કરી શકે.  

(5) આજનું ગુલાબ :

અનુપમ શાળા પ્રોજેક્ટ હેઠળ શાળામાં સારી રીતે સ્વચ્છ થઈને આવનાર બાળકનું અભિવાદન કરવામાં આવે છે અને તે વિદ્યાર્થીનું નામ બોર્ડ પર મૂકવામાં આવે છે. આ કારણે બાળકોમાં સ્વચ્છ થઈને આવવાની હરીફાઈ કરવાનું મન થાય છે.  

(6) આજનો દીપક :

જે બાળકનો જન્મ દિવસ હોય તો આ બાળકને પ્રાર્થના કાર્યક્રમમાં ઊભું કરીને તેને શુભેચ્છા પાઠવવામાં આવે છે. બાળકનું નામ બોર્ડ પર મૂકવામાં આવે છે. બાળકના ગળામાં 'આજનો દીપક'નો બીલ્લો લટકાવવામાં આવે છે.  

(7) અક્ષય પોષણ :

બાળકોમાં કુપોષણ દૂર કરવા માટેનો આ પ્રયોગ છે. અઠવાડિયા દરમિયાન જે બાળકનો જન્મદિવસ હોય તેવા બાળકો તેમની ઈચ્છા મુજબ એક કે બે કિલો મગ શાળામાં લાવે છે. શાળામાં રાખેલી સ્ટીલની કોઠીમાં એ મગ એકઠા કરવામાં આવે છે. અઠવાડિયા પછી તે મગને પલાળીને તેની વાનગી બનાવી બાળકોને પીરસવામાં અવે છે.  

(8) અક્ષય દીપકઃ

જે બાળકનો જન્મદિવસ હોય તે બાળકને શાળા તરફથી માટીનોે એક ગલ્લો આપવામાં આવે છે. આ ગલ્લો બાળક તેના ઘેર રાખે છે. વર્ષ દરમિયાન તેના ઘેર આવેલા મહેમાનો તરફથી તેને મળતી રકમ બાળક ગલ્લામાં એકત્ર કરે છે. વર્ષ પૂરું થયે તે ગલ્લો બાળક સ્કૂલમાં લાવે છે અને શિક્ષકોની હાજરીમાં તે ખોલવામાં આવે છે. બાળકની ઈચ્છા મુજબ તે રકમનો ઉપયોગ થાય છે. ઘણાં બાળકો પોતાના ભણતા ભાઇ-બહેનોની ફી ભરવામાં ઉપયોગ કરે છે. આ પ્રયોગથી બાળકમાં બચતની ભાવના કેળવાય છે.   

(9) અક્ષયપાત્ર :

આ પ્રયોગ કેવળ શિક્ષક ભાઈ-બહેનો માટે જ છે. દર એકાદશીના દિવસે શિક્ષક પોતાની ઈચ્છા મુજબ જે તે રકમ તે પાત્રમાં નાખે છે. વર્ષના અંતે આ અક્ષયપાત્ર શિક્ષકોની હાજરીમાં જ ખોલવામાં આવે છે, અને જે રકમ નીકળે તે જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓને સાધનો લઈ આપવા માટે વપરાય છે.  

(10) ખોયા-પાયાઃ

શાળામાં રામદુકાન પાસે બે પાત્રો મૂકવામાં આવે છે. એક પર 'ખોયા' અને બીજા પર 'પાયા' લખવામાં આવે છે. શાળાના મેદાનમાં કે ગામમાંથી વિદ્યાર્થીઓને કોઈ વસ્તુ જડે તો તે શાળામાં લાવી જે તે ચીજવસ્તુ પાત્રમાં નાખે છે. કોઈ બાળકની ખોવાયેલી વસ્તુ આવે તો શિક્ષક તેની માહિતી મેળવી તેના અસલ માલિકને શોધી પરત કરે છે.   

(11) અનુપમ ગુંજનઃ

સંગીત સોફ્ટવેર દ્વારા પ્રાર્થનાને સુંદર બનાવતો આ કાર્યક્રમ છે. આ પ્રયોગથી બાળકો કોમ્પ્યુટરના સહારે સંગીતનું જ્ઞાન હાંસલ કરે છે.   

(12) જેન્ડર સેન્સેટીવ કોર્નર :

બાળકોમાં જેન્ડર બાયસ ના આવે તે હેતુથી અ પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. શાળામાં કે ઘરમાં સફાઇનું કામ દીકરીઓ જ કરતી હોય છે પરંતુ છોકરાઓ પણ આ કામમાં જોડાય તે માટેનો આ પ્રયોગનો હેતુ છે. અગ્નિસંસ્કારનું કામ દીકરીઓ જ કરતી હોય છે પરંતુ દીકરાઓ પણ તેમાં જોડાય તેવા ભાવથી કેટલીક શાળાઓેમાં જેન્ડર સેન્સેટીવ કોર્નર' શરૂ કરવામાં આવ્યો છે.  

ડૉ. ગણેશભાઈ એન. ચૌધરી પ્રેરિત આવો 'અનુપમ શાળા પ્રોજેક્ટ' દેશમાં ગુજરાત સિવાય બીજા કોઈ રાજ્યમાં નથી. તેઓ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય તરીકે રહ્યા તે દરમિયાન 2000 જેટલી શાળાઓને આ પ્રોજેક્ટ સાથે જોડવામાં આવી હતી. ડૉ. ગણેશભાઈ એન. ચૌધરીની આ કામગીરી સરાહનીય છે. ડૉ. ગણેશભાઈ એન.ચૌધરીએ શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે આપેલો 'અનુપમ શાળા પ્રોજેક્ટ' એક અદ્વિતીય પ્રોજેક્ટ બની રહ્યો. તેમણે શરૂ કરેલો 'અનુપમ શાળા પ્રોજેક્ટ' આજે પણ ગુજરાતની કેટલીય પ્રાથમિક શાળાઓેમાં કાર્યરત છે.