કેટલાંક સમય પહેલાં બોલિવૂડના એક સુંદર અભિનેતા સુશાંતસિંહે આત્મહત્યા કરી જે દુઃખદ ઘટના હતી. આ વિષય પર દિવસોના દિવસ સુધી દેશની રાષ્ટ્રીય ન્યૂઝ ચેનલ્સ પર ચર્ચાઓ ચાલી. આજે અહીં પણ આત્મહત્યાના વિષય પર જ લખવું છે પરંતુ જેની બહુ ઓછી નોંધ લેવાય છે તેવી ગૃહલક્ષ્મીની આત્મહત્યાઓની વાત કરવી છે. ભારતમાં પરિણીત સ્ત્રીને ગૃહલક્ષ્મી કહેવામાં આવે છે. પરિણીત સ્ત્રીઓને દહેજના કારણે કે સાસુ-સસરા કે પતિના ત્રાસથી આત્મહત્યા કરવી પડે છે એ દુઃખદ વાત છે.  

નેશનલ ક્રાઇમ બ્યૂરોએ તાજેતરમાં 'એક્સિડેન્ટલ ડેથ એન્ડ સ્યૂસાઇડ રિપોર્ટ'માં એવી માહિતી આપી છે કે દેશમાં ઘરેલુ મહિલાઓની આત્મહત્યાના કેસ ઝડપથી વધી રહ્યા છે. 2018માં ભારતમાં 42,391 મહિલાઓએ જીવ ગુમાવ્યો હતો. જેમાંથી 54.1 ટકા ગૃહિણીઓ હતી. 1997થી આજ સુધીમાં પ્રતિવર્ષ 20 હજાર જેટલી ગૃહિણીઓ આત્મહત્યા કરે છે. એક યુવતીનું લગ્ન થાય છે તે પછી તે વધુ સુરક્ષિત બની જાય છે તેવી માન્યતા આ આંકડાથી ખોટી સાબિત થાય છે.  

એક સંશોધન પ્રમાણે અમેરિકા અને ઑસ્ટ્રેલિયાના પરિણીત લોકોની તુલનામાં ત્યાં ગૃહિણીઓની આત્મહત્યાનો દર ઓછો છે.   

સવાલ એ છે કે આ વિષય પર સમાજશાસ્ત્રીઓ કે મનોવૈજ્ઞાનિકો ભાગ્યે જ ચર્ચા કે ચિંતા કરે છે.   

નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોના આંકડા દર્શાવે છે કે 2018માં ભારતમાં થયેલી કુલ આત્મહત્યાઓમાં ખેડૂતોની આત્મહત્યાઓે 7.7 ટકા હતી જ્યારે ગૃહિણીઓની આત્મહત્યાઓ 17.21 ટકા હતી. હા, ઘણી વાર કિસાનોની આત્મહત્યાઓની ચર્ચા થાય છે પરંતુ મહિલાઓની આત્મહત્યા પર કોઈ ચર્ચા કે આત્મચિંતન થતું નથી. કારણ કે દેશ અને સમાજ કિસાનોની આત્મહત્યાની બાબતમાં સંવેદનશીલ છે તો ગૃહિણીઓ માટે કેમ નહીં? આત્મહત્યા કરનાર કેટલીક મહિલાઓ તો ખુદ કિસાન છે અથવા તો ખેત મજદૂર હોય છે. શું દેશ મહિલા કિસાનોને કિસાન નથી માનતો ?  

10મી કૃષિ જનગણના અનુસાર 2010-11માં મહિલા કિસાનોની સંખ્યા કુલ કિસાનોની 12.79 ટકા હતી. જે 2015-16માં વધીને 13.87 ટકા થઈ ગઈ હતી. આજે તો એ આંકડો વધુ હશે. મહિલાઓને સમાન અધિકાર આપવાની વાત થાય છે પરંતુ સમાજ હજુ મહિલા કિસાનોને કિસાન જ ગણતો નથી.  

નોંધપાત્ર વાત એ છે કે ભારતમાં મહિલાઓની આત્મહત્યાઓનો દર વૈશ્વિક સરેરાશથી બે ગણો વધારે છે. એ જ પ્રમાણે દેશમાં ઘરેલુ હિંસાઓનો દર વધતા મહિલાઓની આત્મહત્યાઓનો દર પણ ઊંચે જઈ રહ્યો છે.  

વિશ્વ વિખ્યાત મેગેઝિન 'ધી લેન્સેટ' પ્રકાશિત એક અધ્યયનમાં દર્શાવવામાં આવ્યું છે કે દુનિયાભરમાં થઈ રહેલી મહિલાઓની આત્મહત્યાઓનો સીધો સંબંધ ઘરેલુ હિંસા સાથે છે. ઘરેલુ હિંસાના કારણે જે તે મહિલાના આત્મસન્માનને આઘાત પહોંચે છે કે છેવટે તે આત્મહત્યા કરવા મજબૂર બની જાય છે. કારણ કે અપમાનથી જે તે સ્ત્રીની જીવવાની ઇચ્છા સમાપ્ત થઈ જાય છે.  

ચોથા રાષ્ટ્રીય પારિવારિક સ્વાસ્થ્ય સર્વેક્ષણના આંકડા દર્શાવે છે કે દેશમાં 15થી 49ની વયના વર્ગમાં 29 ટકા મહિલાઓ પોતાના જીવનસાથી તરફથી હિંસાનો ભોગ બને છે. બીજું કારણ એ છે કે બધી જ સ્ત્રીઓ ઘરની બહાર જઈ ધન કમાવા કોઈ પ્રવૃત્તિ ના કરતી હોઈ પરિવાર તેની તરફ નિષ્ઠુર બનતો જોવા મળે છે. પરંતુ એ જ ગૃહિણી સવારે વહેલી ઊઠીને ઘરની સાફસૂફી કરે છે, પોતાં કરે છે, રસોઈ બનાવે છે, બાળકોને નવરાવી-ધોવરાવી તૈયાર કરી તેને સ્કૂલમાં મોકલે છે. બપોરે પતિને ભોજન પીરસે છે અને રાત સુધી તે કાર્યરત રહે છે. આ વાતની કદર ઘણાંને નથી. કેટલીયે મહિલાઓ એક નોકરાણીની જેમ આખો દિવસ ઘરમાં જ મજૂરી કરતી હોય છે. ગૃહિણીના એ શ્રમને શ્રમ ગણવામાં કેમ આવતો નથી?   

ઑક્સફર્ડનો રિપોર્ટ દર્શાવે છે કે ભારતમાં અગર છોકરીઓ અને મહિલાઓના કામને એવા કામ સાથે જોડવામાં આવે કે જે શ્રમ બદલ તેમને કોઈ વેતન મળતું નથી તો, તેનું વાર્ષિક મૂલ્ય રૂ.19 લાખ કરોડ બરાબર થાય છે. બીજા શબ્દોમાં એમ કહી શકાય કે રૂ.19 લાખ કરોડનું વેતન લીધા વિના જ કરોડો મહિલાઓ પોતાના ઘરમાં મફત કામ કરે છે. આ આંકડાને ઓછો આંકવો તો એક પ્રકારની અસંવેદનશીલતા જ છે.  

એક અધ્યયનમાં એવી ફલશ્રુતિ પણ બહાર આવી છે કે ઓછી ઉંમરની કન્યાઓના લગ્ન અને એ ઉંમરે માતૃત્વનો બોજ કેટલીક યુવતીઓ સહન કરી શકતી નથી. આવી સ્ત્રીઓ ડિપ્રેશનમાં સરી પડે છે અને પરિસ્થિતિના સામનો કરવામાં નિઃસહાય થઈ જતાં આત્મહત્યા કરી લે છે.   

 એક બીજા સર્વેક્ષણ અનુસાર ભારતમાં પ્રતિવર્ષ 3.60 કરોડ જેટલા બાળલગ્નો થાય છે, દેશના સમાજનો કેટલોક વર્ગ હજુ બાળલગ્નોની રૂઢિમાંથી બહાર આવ્યો નથી. કેટલાંક લોકો સ્ત્રીને સંપત્તિ સમજે છે. આવા પરિવારોમાં પરણતી સ્ત્રીઓ પાસે સ્વતંત્ર નિર્ણયો લેવાના કોઈ અધિકાર હોતા નથી. એમાં પણ કેટલાક પરિવારો છે કે જ્યાં સ્ત્રીએ શું ખાવું, શું પીવું અને શું પહેરવું તે નક્કી કરવાના હક્ક માત્ર પુરુષો પાસે જ હોય છે. સ્ત્રી પહેરવા-ઓઢવામાં સહેજ પણ પરિવર્તન લાવે તો સાસુના મહેણાં-ટોણાં સાંભળવા પડે છે. રૂઢિચુસ્ત એવા કેટલાંક પરિવારો તો વહુને કહી દે છે કે, 'પુત્રી પેદા ના કરતી'.   

શું દીકરી કે દીકરો આવવો તે સ્ત્રીના હાથની વાત છે ?  

ઓછી ઉંમરની છોકરીઓ આ બધું સહન કરી શકતી નથી. કેટલાંક સ્થળે એવી સામાજિક મર્યાદા પણ છે કે સ્ત્રી પોતાની સાસરીની વાત બહાર કોઈને કહી પણ શકતી નથી. એવી જ રીતે કેટલાંક પરિવારો એવાં પણ છે કે છોકરીને પરણાવી દીધા બાદ તેના માતા-પિતા કે ભાઈ પણ તેનાથી ઉદાસીન થઈ જાય છે. ઘરમાં દુઃખો સહન કરતી પરિણીત સ્ત્રી પોતાની વ્યથા કોઈને પણ કહી શકતી નથી ત્યારે તે અંદરથી તૂટી જાય છે અને છેવટે આત્મહત્યા કરી લે છે. એથી વધુ ચિંતાની વાત એ છે કે કેટલાક કેસોમાં મહિલાઓની આત્મહત્યાને દુર્ઘટનામાં ખપાવવા પ્રયત્ન થાય છે.  

અત્રે એ જાણવું જરૂરી છે કે ઇંગ્લેન્ડમાં મહિલાઓની આત્મહત્યાઓ રોકવા માટે 'માનસિક સ્વાસ્થ્ય, વિષમતાઓ અને આત્મહત્યા અટકાવો' નામનું એક અલગ મંત્રાલય ગઠિત કરવામાં આવ્યું છે. આ એક અનુસરણીય બાબત છે.  

સમાજ અને દેશ આત્મહત્યા કરતી ગૃહિણીઓ પ્રત્યે સંવેદનશીલ બને.