મમતા બેનરજીની હાર પછીની રાજકીય વાસ્તવિકતા જોઈએ તો, ટીએમસી લગભગ પંદર વર્ષ સુધી બંગાળમાં સત્તામાં રહી. લાંબા સમય સુધી સત્તામાં રહેલી કોઈપણ પાર્ટીમાં એક માનસિકતા વિકસે છે કે સત્તા કાયમી છે. પરંતુ જ્યારે ભાજપે ભવ્ય જીત મેળવી અને 294માંથી 207 બેઠકો જીતી સરકાર બનાવી, ત્યારે ટીએમસીના ઘણાં નેતાઓને પ્રથમવાર સમજાયું કે રાજકીય સમીકરણ બદલાઈ ચૂક્યું છે.
સત્તા ગુમાવ્યા પછી પક્ષની અંદર દબાયેલા મતભેદો સપાટી પર આવવા લાગ્યા. જે નેતાઓ વર્ષો સુધી ચૂપ હતા તેઓ હવે ખૂલ્લેઆમ પ્રશ્નો પૂછવા લાગ્યાં. ખાસ કરીને પાર્ટીના નિર્ણયોમાં કોનું પ્રભુત્વ છે અને ભવિષ્યમાં પક્ષનું નેતૃત્વ કોણ કરશે તે મુદ્દે ગંભીર મતભેદો ઊભા થયા.
ત્યારે સવાલ એ થાય કે શું આ બળવો મમતા વિરુદ્ધ છે કે અભિષેક વિરુદ્ધ? તાજેતરના અહેવાલો સૂચવે છે કે બળવાખોરોનો મોટો અસંતોષ સીધો મમતા બેનરજી કરતાં વધુ તેમના ભત્રીજા અભિષેક બેનરજી સામે છે. પક્ષની અંદર ઘણાં નેતાઓને લાગે છે કે પાર્ટીમાં નિર્ણય પ્રક્રિયા અત્યંત કેન્દ્રીકૃત બની ગઈ હતી અને જૂના નેતાઓનું મહત્વ ઘટતું ગયું છે.
રસપ્રદ વાત એ છે કે બળવાખોર ધારાસભ્યોએ મમતાને હજુ પણ પક્ષના ચેરપર્સન તરીકે સ્વીકારવા તૈયાર છે પરંતુ અભિષેક બેનરજીને તેઓ સ્વીકારવા તૈયાર નથી સામે મમતા પણ બાગીઓની વાત માનવા ના મૂડમાં નથી.એટલે કે હાલનો વિવાદ જે માત્ર નેતૃત્વની પદ્ધતિ અને સત્તાના વિતરણ અંગે હતો તે વધીને પાર્ટીના ભંગાણ સુધી પહોંચી ગયો છે.
સવાલ બીજો ઊભો થાય છે કે ટીએમસી કેમ તૂટી રહી છે?
તો પાર્ટી વિભાજનના ચાર મુખ્ય કારણો દેખાય છે.
એક, સત્તા ગુમાવવાનો આઘાત.
સત્તામાં રહેલી પાર્ટીઓમાં અસંતોષ ઘણીવાર દબાયેલો રહે છે. હાર પછી તે વિસ્ફોટક સ્વરૂપ ધારણ કરે છે.
બે, નેતૃત્વ અંગે અનિશ્ચિતા.
મમતા પછી પક્ષનું નેતૃત્વ કોણ સંભાળશે તે પ્રશ્ન વર્ષોથી ચર્ચામાં છે.
ત્રણ, રાજકીય ભવિષ્યની ચિંતા.
ઘણાં ધારાસભ્યોને લાગે છે કે જો તેઓ જૂના માળખા સાથે જ જોડાયેલા રહેશે તો તેમનું રાજકીય ભવિષ્ય જોખમમાં પડી શકે છે.
ચાર, વિરોધપક્ષ તરીકેની ભૂમિકા અંગે મતભેદ.
વિધાનસભામાં વિપક્ષના નેતાની પસંદગી અંગે થયેલો વિવાદ અને નકલી હસ્તાક્ષરના આરોપોએ સંકટને વધુ ઘેરું બનાવ્યું.
શું આ શિવસેના જેવી સ્થિતિ બની શકે?
ઘણા રાજકીય નિરીક્ષકો આ ઘટનાની તુલના મહારાષ્ટ્રમાં થયેલા શિવસેના ના વિભાજન સાથે કરી રહ્યાં છે. જો ખરેખર બે તૃતીયાંશથી વધુ ધારાસભ્યો બળવાખોર જૂથ સાથે રહે છે તો તેઓ કાયદાકીય રીતે પણ મજબૂત સ્થિતિમાં આવી શકે છે.
જ્યારે હવે બાગી જૂથને સ્પીકરે્ માન્યતા આપી દીધી છે ત્યારે મમતા બેનરજી માટે કપરાં ચઢાણ થવાના છે . આમ બંગાળની એક સમયની સૌથી લોકપ્રિય રાજકીય વ્યક્તિઓમાંની એક એવી મમતા બેનરજીની પાર્ટીનું સંગઠન પહેલાંની જેમ અખંડિત નથી તે સ્પષ્ટ થઈ ગયું છે.
દરમિયાનમાં બંગાળમાં ટીએમસીના સાંસદો પર હુમલાના બનાવો નોંધાયા છે. જાણકારોનું કહેવું છે કે મમતાએ રોપેલા હિંસાના બીજ હવે પાછા ર્ફ્યાં છે. પશ્ચિમ બંગાળની રાજનીતિ લાંબા સમયથી હિંસા, રાજકીય બદલો અને કૅડર આધારિત દબાણ માટે જાણીતી રહી છે. ડાબેરી શાસનકાળમાં જે રાજકીય સંસ્કૃતિ હતી, તેને ખતમ કરવાનો વાયદો કરીને મમતા સત્તામાં આવ્યા હતા. પરંતુ સમય જતાં વિરોધીઓએ ટીએમસી પર પણ એ જ પ્રકારના આરોપો લગાવ્યા.
રાજકીય વિવેચકો વારંવાર કહે છે કે જ્યારે કોઈ પક્ષ વર્ષો સુધી પોતાના કૅડરોને વિરોધીને હરાવવા માટે કોઈપણ હદે જવું યોગ્ય છે એવો સંદેશ આપે છે, ત્યારે તે સંસ્કૃતિ માત્ર વિરોધીઓ સામે જ નહીં પરંતુ અંતે પક્ષની અંદર પણ પ્રવેશી જાય છે.
આવું કહેવું કે આ બધું માત્ર મમતાએ વાવેલા હિંસાના બીજનું પરિણામ છે કદાચ અતિસરળીકરણ હશે. પરંતુ એ કહેવું પણ ખોટું નહીં બને કે વર્ષો સુધી ચાલેલી અથડામણ પ્રધાન રાજકીય સંસ્કૃતિએ આજે સમાજમાં એક એવો માહોલ ઊભો કર્યો છે જ્યાં સત્તા ગુમાવનાર પક્ષને સહાનુભૂતિ કરતાં વધુ પ્રતિક્રિયા મળે છે.
આ આખી ઘટનાનો નિષ્કર્ષએ રીતે જોવાઈ રહ્યો છે કે ,
પશ્ચિમ બંગાળમાં જે કંઈ થઈ રહ્યું છે તે માત્ર એક પાર્ટીની આંતરિક લડાઈ નથી. તે લાંબા સમય સુધી સત્તામાં રહેલી પ્રાદેશિક પાર્ટીઓની મર્યાદાઓનો અભ્યાસ પણ છે. જ્યારે નેતૃત્વ થોડા લોકો સુધી સીમિત થઈ જાય, જ્યારે અસહમતી માટે જગ્યા ઓછી રહે અને જ્યારે રાજકારણમાં ટકરાવની સંસ્કૃતિ મજબૂત બને, ત્યારે હાર પછી પક્ષની અંદર વિસ્ફોટ થવાની શક્યતા વધી જાય છે.