આજે ગાંધી જયંતી. ગાંધીને યાદ કરીએ. ગાંધીને લોકો ત્રણ રીતે યાદ કરે છે. પ્રથમ તો એવા લોકો કે જેમને અન્યને દબાવી ને વધુ ધન, પદ કે સત્તા મેળવવા છે. તેમને સત્ય બોલવું નથી, પરંતુ સત્ય મેનેજ કરવું છે. તેઓ ગાંધી આશ્રમ જાય છે અને ગાંધીને ઔપચારિક રીતે વંદન કરે છે. બીજું, આ દેશમાં એવા કરોડો લોકો છે જે ગાંધીભક્તો છે. તેઓ ગાંધીને તેના કાર્ય બદલ યાદ કરે છે. ગાંધીજીના કાર્યો 1948 પહેલાનાં હતાં. તેથી આ લોકો અતિતરાગમાં રાચી ગાંધીને લાગણીથી યાદ કરે છે. પરંતુ આજે 2026માં 1948 પહેલાંનો સમય નથી રહ્યો. તે સમયે આપણે ગુલામ હતા, સ્વાતંત્ર્ય આંદોલન ચાલ્યું હતું અને સ્વાતંત્ર્ય મળ્યું હતું. ભારત જ્ઞાતિ અને સંપ્રદાયો માં એક બંધ સમાજ હતો. સંસ્થાનવાદી મૂલ્યો હજી નાબૂદ થવાના બાકી હતાં. અનેક નવરચના કરવાની હતી. તેથી જે નવો સમાજ ઊભો થવાનો હતો તેમાં પૂર્વ 1948ના કાર્યક્રમો કામ લાગવાના નહોતા. આથી અતિતરાગથી ગાંધીને યાદ કરનાર અને 1948 પહેલાના ગાંધી કાર્ય કરનાર ગાંધીજનો અને ગાંધી સંસ્થાઓ કાલ ગ્રસ્ત બનતા જાય છે. આપણા દેશમાં કૌશિક બાસુ, ભીખુ પારેખ, રામચંદ્ર ગુહ્ય, અમર્ત્ય સેન અને વિદેશમાં અનેક ચિંતકો ગાંધી ચિંતનને યાદ કરે છે અને વધુ શાણો સમાજ બનાવવા માટે ગાંધી ચિંતન કઈ રીતે કામ લાગે તેની વાત કરે છે. (વિગતો માટે જુઓ મારુ પુસ્તક 'એકવીસમી સદી માટે ગાંધી માર્ગ'. પ્રઃ ગુજરાત વિદ્યાપીઠ).
એકવીસમી સદીનો સવાલ એ છે કે નવઉદારવાદે આર્થિક વૃદ્ધિ તો આપી છે. પરંતુ સાથે સાથે પર્યાવરણીય સંકટ, માનવ અધિકાર ઉલ્લંઘન, અકલ્પ્ય અસમાનતા, યુદ્ધ તણાવો, સત્તાનું કેન્દ્રીકરણ, અકુદરતી જીવનશૈલી, ઉપભોક્તાવાદ અને બજાર દ્વારા માનવ સ્વાતંર્ત્ય નું હરણ (જુઓ જોસેફ્ સ્ટીગલીઝનું પુસ્તક Road to Freedom) જેવી સમસ્યાઓ પણ આપી છે.
તો આપણે આજની સમસ્યાઓના ઉકેલમાં ગાંધીવિચારની ભૂમિકા જોઈએ. સામાન્ય રીતે આપણે બધા ગાંધીને તેના કાર્યો થી, તેમના વિશે લખાયેલા પુસ્તકો થકી અને ગાંધીવાદી કાર્યકરો અને સંસ્થાઓ થકી ઓળખીએ છીએ. પરંતુ તે તેમની પૂર્વ 1948 ઓળખ છે. ગાંધી વિચાર તો આજે પણ જીવંત છે. તેની સહેજ ઝલક જોઈએ.
(1) ગાંધી અદ્વૈત વેદાંતી ભક્તિમાર્ગી હતા. તેમને કોઈ વિશેષ સંપ્રદાય કે પૂજા અર્ચના માં નહીં, અધ્યાત્મિકતા મા રસ હતો. ગાંધી માટે સત્ય એ જ ઈશ્વર છે. ગાંધીએ અગિયાર મહાવ્રતો આપ્યા. તેમના પાંચ જૈન દર્શનમાં થી લીધા હતા. અહિંસા પણ જૈન અને બૌદ્ધ દર્શન માંથી લીધા હતા. રામ રાજ્યમાં તેમનો રસ સામાજિક સામાજિક ન્યાય અને સામાજિક કલ્યાણ માટે હતો. પ્રાર્થના એ તેમના માટે લોકોના પ્રશ્નો હલ કરવા માટેની અને લોકોમાં આધ્યાત્મિકતા વિકસાવવાની બેઠક હતી. તેમની પ્રાર્થના કોઈ ધર્મ વિશેષ નહોતી.
(2) ગાંધીના અગિયાર મહાવ્રતો થી આપણે પરિચિત છીએ. તેમના પ્રથમ પાંચ જૈન દર્શનમાંથી લીધા હતા. તેવી જ રીતે અહિંસા પણ જૈન અને બૌદ્ધ દર્શન માંથી લીધા હતા. તેમનું સત્ય વૈજ્ઞાનિક હતું અને સમયાંતરે થતા અનુભવ અને સાબિતી થકી બદલી શકાય તેવું હતું. આ મહાવ્રતો વ્યકતીગત બદલાવ માટે હતા.
(3) ગાંધી માટે પરિવર્તન ત્રિ પરિમાણીય હતું. પરિવર્તન વ્યક્તિ, સંસ્થા અને સંસ્કૃતિ એમત્રણેયમાં આવવા જોઈએ. ગાંધી માનતા કે તમે દુનિયામાં જે પરિવર્તન જોવા ઈચ્છો છો તેનો શરૂઆત તમારા (ખુદ) થી કરો. બીજું સંસ્થાકીય પરિવર્તન માટે તેમણે અઢાર રચનાત્મક કાર્યક્રમો આપ્યા. આ કાર્યક્રમો તે સમયની જરૂર મુજબ હતા. આજે તેમાં ફેરફાર કરી શકાય. ત્રીજુ પરિમાણ તે સંસ્કૃતિ. તેઓ પશ્ચિમની ભૌતિક અને શોષણ કરનાર યાંત્રિક સંસ્કૃતિની વિરુદ્ધ હતા.
(4) ગાંધી વિકેન્દ્રિત અર્થવ્યવસ્થા, શ્રમનું ગૌરવ અને સમાન વળતર માં માનતા હતા. દરેક પોતાનું કામ પોતે કરે તેમાં એટલે કે સ્વાશ્રય મા માનતા હતા. તેઓ સ્વદેશી માં પૂર્ણ સ્વરૂપે માનતા હતા. અર્થવ્યવસ્થા નીતિમત્તા પર આધારિત હોવી જોઈએ તેમ તેઓ માનતા હતા. તેઓ તમામ લોકોનો ઉદય થાય તેવા અર્થતંત્રમાં માનતા હતા. રસ્કિનના પુસ્તક Unto This last પુસ્તકના વિચારોથી તેઓ પ્રભાવિત થયા હતા. તેઓ ખાનગી મૂડીના વિરોધી ન હતા, પરંતુ ટ્રસ્ટીશીપ ની તરફેણમાં હતા.
(5) ગાંધી સ્વરાજ અને રામરાજમાં માનતા હતા. સ્વરાજ એટલે દરેક વ્યક્તિ પોતાનો નિર્ણય પોતે લેવાની સત્તા ધરાવતો હોય તે. જ્યારે રામરાજ્ય એટલે સુશાસન અને સામાજિક ન્યાય . આથી ગાંધી માનતા કે શોષણ કરનાર રાજ્ય સામે અહિંસક રીતે લડવું જોઈએ. તેમણે રાજ્ય કરતાં ગ્રામ સ્વરાજમાં વધુ શ્રદ્ધા હતી. તેઓ કેન્દ્રિત શાસનની તરફેણમાં નહોતા. તેઓ પંચાયતી રાજ ના હિમાયતી હતા.
(6) ગાંધી મુજબ શિક્ષણ ના ચાર ધ્યેયો - ચાર 'એચ' (H) છેઃ મગજ (હેડ)નું શિક્ષણ કહેતા જ્ઞાન, હાથ (હેન્ડ) કહેતા કૌશલ્ય, ચારિર્ત્ય (હાર્ટ)નું કહેતા ચરિત્ર નું શિક્ષણ અને સમાજ માં સમરૂપતા (હાર્મની) થી રહેવાનું શિક્ષણ. શિક્ષણની ઇમારત આ ચાર પાયા પર ઊભી છે. ખાદી વ. ગાંધી શિક્ષણ સંસ્થાના કાર્યક્રમો હતા. મૂલતઃ તે કૌશલ્ય ની વાત કરતાં. ગાંધીના આ વિચારોને માનવવાદ કહી શકાય. તેઓ સ્પર્ધા કહેતા ઉદારવાદ અથવા મૂડીવાદ, સંઘર્ષ કહેતા સામ્યવાદ અને સમાજવાદના સિદ્ધાંતો પર નહીં પરંતુ સામાજિક સામંજસ્ય (harmony) પર સમાજ રચના કરવા માંગતા હતા.
(ક) પર્યાવરણીય સંકટઃ આપણેજાણીએ છીએ કે કુદરતી સંસાધનોના અતિશય દુરુપયોગ થકી પર્યાવરણીય સંકટ સર્જાયું છે. મોટા અને આંતર રાષ્ટ્રીય ઉદ્યોગો અને માટે વધુ જવાબદાર છે. આથી જે કરે તે ભોગવે સિદ્ધાંત (Polluter Pay Principle) મુજબ ઉદ્યોગો પાસેથી મોટા પાયે ઉત્પાદન છીનવી લઈ સ્થાનિક કક્ષાએ ઉત્પાદનને પ્રોત્સાહન આપવું જોઈએ. પર્યાવરણ કાનૂન હેઠળ પ્રદૂષણ નિવારણ ની જવાબદારી મોટા ઉદ્યોગો પર નાખવી જોઈએ. આ ઉપરાંત ગાંધી મુજબ આપણે આપણી જરૂરિયાતો ઘટાડવી જોઈએ અને બિનજરૂરી અને વૈભવી ચીજ થી દૂર રહેવું જોઈએ. ગાંધી કહ્યું હતું * આ પૃથ્વી પાસે તમામ લોકોની જરૂર સંતોષવા માટે પૂરતું છે, પરંતુ કેટલાકનો લોભ સંતોષવા માટે પૂરતું નથી. (The earth has sufficient to satisfy everybody's need , but not sufficient to satisfy somebody's greed). આમહોવાથી જરૂર માનાંકો ઘડી કોઈને તેથી વધુ ભોગવવાની છૂટ ન આપવી જોઈએ. સામાજિક સંસ્થાઓ એ ટકાઉ વિકાસના ધ્યેયો ના કામમાં પડવું પડશે.
(ખ) વૈશ્વિકરણના પરિણામે અસમાનતા મોટા પ્રમાણમાં વધી રહી છે. પીકેટીના અહેવાલો અને ઓક્સફેમના અહેવાલ મુજબ જગતનો ઉપલો એક ટકા વર્ગ જગતની 37% સંપત્તિ ધરાવે છે. દસ ટકા વર્ગ જગતની 54% સંપત્તિ ધરાવે છે જ્યારે નીચેના 50% લોકો માત્ર 8% સંપત્તિ ધરાવે છે. આ અસમાનતા દૂર કરવા માટે સ્થાનિક કક્ષાએ ઉત્પાદન જરૂરી છે. ટૂથપેસ્ટ કે વેફર બનાવવા માટે બહુરાષ્ટ્રીય કંપની ની શી જરૂર છે. તે કામ સ્થાનિક કંપનીઓને કરવા દેવું જોઈએ. દર 50000ની વસ્તીએ આ ઉત્પાદન થઈ શકે.
(ગ) રાજકીય કેન્દ્રીકરણ પણ ઘટાડવું જોઇએ, પંચાયતી રાજને તેની નાણાકીય સત્તાઓ પરત આપવી જોઈએ. રાજકોષીય વિકેન્દ્રીકરણ થવાથી ભ્રષ્ટાચાર અને પ્રદૂષણ પણ ઓછા થશે. ગામનું નાણું ગામમાં વાપરે તો ગ્રામ્ય વિકાસ થાય. શહેરો પણ ટકાઉ બને આપણા જરૂરથી વધુ મોટા બનતા જતાં શહેરો ટકાઉ નથી તેમ યુએનઓ કહે છે. ગામ સ્તરના ગુનાઓના ન્યાયની સત્તા પણ ગામની ન્યાય સમિતિને હોવી જોઈએ.
(ઘ) શિક્ષણ એ સામાજિક વસ્તુ (good) છે. તેને બજારને સોંપવું ન જોઈએ. આપણા શિક્ષણમાં હેડ અને હેન્ડ નું શિક્ષણ તો છે પરંતુ ચરિત્ર (હાર્ટ) અને સંપથી રહેવાનું (હારમની ) નું શિક્ષણ નથી. આ શિક્ષણ ગરીબોને પોસાય તેવી ફી વાળું હોવું જોઈએ.
(ચ) ધાર્મિક ઉત્સવો અને સમારંભો વધતાં જાય છે, સામ્પ્રદાયિકતા વધતી જાય છે, ધાર્મિકતા વધતી નથી. વ્યક્તિમાં આધ્યાત્મિકતા વધવી જોઈએ. તે સાદું અને નૈતિક જીવન જીવે તે તરફ્ ધર્મ તેને વાળે તે જરૂરી છે. વળી માત્ર પોતાનો જ નહીં, અન્ય માનવી, પશુ અને કુદરતનો વિચાર કરી ને તેની સાથે સામંજસ્ય થી જીવન જીવવું તે જ સાચો ધર્મ છે.
(છ) જીવનશૈલી ધીમે ધીમે કૃત્રિમ અને બજાર આધારિત બનતી જાય છે. બજારવાદ અને ઉપભોક્તાવાદ વધતાં કુટુંબ જીવન નષ્ટ થતું જાય છે. આધુનિક વ્યક્તિ રોજના 14 કલાક કામ કરી બજારમાં ખર્ચી નાખવા માટે જ કમાય છે. કૃત્રિમ જીવનશૈલીને કારણે અનેક પ્રકારના દર્દો ઊભા થાય છે. જાણે વ્યક્તિ કુટુંબ માટે નહીં, દવા કંપની માટે કમાય છે. અહી સાચી આધ્યાત્મિકતા ની જરૂર છે. જીવન શા માટે તે સવાલ પુછવો જરૂરી છે. અહીં કુટુંબ સલાહ (counselling) અને સંબંધ સલાહનો અમલ કરી સામાજિક જીવન સમતોલ બનાવવું જોઈએ. 8+8+8નો નિયંમ જેમાં 8 કલાક કામ, 8 કલાક ઊંઘઅને બાકીના આઠ કલાક કુટુંબ અને વ્યક્તિગત જીવન માટે જીવાવા જોઈએ.
ગાંધી માત્ર પર્યટન અને સમારંભો નો વિષય બની ગયો છે. આપણે ગાંધીને વખાણીએ છીએ પરંતુ તેને કહ્યું તે મુજબ જીવતા નથી. કારણ કે આપણે બજાર થી ઉપર ઊઠીને વિચારી શકતા નથી. બજાર આપણું વિચાર સ્વાતંત્ર છીનવી લે છે. બજારથી ઉપર ઊઠીને સહેજ માનવ કેન્દ્રી જીવન મુજબ વિચારીએ તે ગાંધીને સાચી અંજલિ આપી ગણાશે.