દેસાઈ આકાશ જે, પાટણ : કાગળ પર નવી શિક્ષણ નીતિ ખૂબ પ્રગતિશીલ દેખાય છે, જેમાં કૌશલ્ય પર ભાર છે. પરંતુ જમીની હકીકત એ છે કે આપણી પાસે હજુ પણ જૂની માનસિકતાવાળું તંત્ર છે. આ નીતિના વાસ્તવિકઅમલીકરણમાં સૌથી મોટા અવરોધો કયા છે?  

ભારતમાં લાંબા સમય પછી જાહેર કરાયેલી 'નવી શિક્ષણ નીતિ' (NEP) એ શૈક્ષણિકક્ષેત્રે એકક્રાંતિકારી અને આવકારદાયકપગલું છે. કાગળ પર સુવર્ણ અક્ષરે કંડારેલો આ દસ્તાવેજ જાણે કોઈ કુશળ શિલ્પીએ ઘડેલી અદભુત મૂર્તિ સમાન પ્રગતિશીલ, વૈજ્ઞાનિકઅને આધુનિકલાગે છે. આ નીતિમાં વર્ષો જૂની, જર્જરિત થઈ ગયેલી ગોખણપટ્ટીની શુષ્ક પરંપરાને તિલાંજલિ આપીને કૌશલ્યના કલ્પવૃક્ષને રોપવાની જાહેરાત કરવામાં આવી છે. તેનું સ્વપ્ન છે કે આપણો વિદ્યાર્થી માત્ર પુસ્તકનો કીડો ન બને, પરંતુ તેના હાથમાં હુન્નર હોય, મસ્તિષ્કમાં મૌલિકતા હોય અને હૃદયમાં માતૃભાષાનું ગૌરવ હોય. પરંતુ, જ્યારે આ આકાશી વિચારો કાગળની સપાટી પરથી ઉતરીને વાસ્તવિકતાની કઠોર જમીન પર પગ મૂકે છે, ત્યારે ખબર પડે છે કે આ સુંદર મૂર્તિને સ્થાપિત કરવાનું કામ એટલું સરળ નથી.   

આ આખીય વ્યવસ્થાનો સૌથી મોટો નડતરરૂપ પથ્થર આપણી અમલદારશાહીની જડ માનસિકતા છે, જે પરિવર્તનના નામે જ થથરી ઉઠે છે. વહીવટી તંત્રની જડતા અને પરંપરાગત માનસિકતા નવી શિક્ષણ નીતિના માર્ગમાં સૌથી મોટો સ્પીડબ્રેકર છે. આપણું વહીવટી તંત્ર હજુ પણ ભૂતકાળના ચોકઠામાં કેદ છે, જે નવીનતાના મુક્ત પવનને સ્વીકારવા બારી-બારણાં ખોલવા તૈયાર નથી. કાગળ પરની આ ભવ્યતા અને જમીની વાસ્તવિકતા વચ્ચેનો વિરોધાભાસ એવો છે જાણે કે કોઈ આધુનિકબુલેટ ટ્રેનને સદીઓ જૂના, કાટ ખાઈ ગયેલા પાટા પર દોડાવવાનો પ્રયાસ કરવામાં આવે! અધિકારીઓમાં નવી પદ્ધતિઓ અપનાવવામાં એકપ્રકારનો અજ્ઞાત ભય અને આળસ જોવા મળે છે આપણું તંત્ર આજે પણ એવા કારકુનો જેવું કામ કરે છે. જેમને ફાઈલોની હેરફેર કરવામાં જ રસ છે, ફાઈલની અંદર રહેલા ક્રાંતિકારી વિચારોના અમલમાં નહીં. ધારો કે, કોઈ ગામડાની સરકારી શાળાના આચાર્ય આ નીતિથી પ્રેરિત થઈને પોતાના વિદ્યાર્થીઓ માટે લુહારીકામ કે માટીકામ કે અન્ય પ્રાયોગિકવર્ગો શરૂ કરવા ઈચ્છે છે. પરંતુ, તેઓ મંજૂરી માટે ફાઈલ રજૂ કરશે, તરંત જ તંત્રના બાબુઓ નિયમોના એવા જાળા વણશે કે આચાર્યનો ઉત્સાહ ત્યાં જ દમ તોડી દેશે. બજેટની મંજૂરી ક્યારે મળશે, સાધનો ક્યાંથી ખરીદવા, તેનો હિસાબ કયા ફોર્મેટમાં આપવો. આવા વહીવટી વમળોમાં નવો વિચાર ડૂબી જાય છે. જ્યાં સુધી શાસન અને પ્રશાસનના વડાઓ પોતે આ નીતિના આત્માને નહીં સમજે, ત્યાં સુધી શિક્ષણની નવી નીતિ માત્ર સરકારી ગેઝેટનું એકશોભનિય પાનું બનીને જ રહી જશે.  

નવી શિક્ષણ નીતિ ગમે તેટલી આધુનિકહોય, પણ તેને ક્લાસરૂમ સુધી પહોંચાડવાનું માધ્યમ તો શિક્ષકજ છે. શિક્ષણની નવી નીતિ રૂપી રથના સાથી એવા આપણા શિક્ષકોની સ્થિતિ તરફ્ નજર કરવી પડે. વાસ્તવિકતા એ છે કે, આપણી પાસે લાખો એવા શિક્ષકો છે જેમણે આખી જિંદગી કાળા પાટિયા પર ચોકઘસીને, પુસ્તકમાં લખેલું વંચાવીને ભણાવ્યું છે, તેમની પાસે આપણે અચાનકઆધુનિકટેકનોલોજી અને તાર્કિકચિંતનની અપેક્ષા રાખી રહ્યા છીએ. આ તો એવું બન્યું કે ગઈકાલ સુધી જે નાવિકમાત્ર નાની હોડી ચલાવતો હતો, તેને આજે અચાનકકોઈ મોટું નૌકા જહાજ સોંપી દેવામાં આવે! શિક્ષકોને સજ્જ કરવા માટે જે ઊંડી, વ્યવહારિકઅને જીવંત તાલીમની જરૂર હતી, તેના સ્થાને આજે માત્ર કાગળ પર હાજરી પૂરવા પૂરતા સેમિનારો યોજાય છે. તેનાથી પણ મોટો અન્યાય એ છે કે, શિક્ષકને ભણાવવા સિવાયના બિન-શૈક્ષણિકકામો સોંપવામાં આવે છે. ચૂંટણીની મતદારયાદી સુધારવાની, વસ્તી કે કૂતરાની ગણતરી, મધ્યાહન ભોજન, અનાજની વહેંચણી અને વિવિધ વહીવટી રિપોર્ટ, આવા અનેકકામોમાં શિક્ષકને જોતરી દેવામાં આવે છે. પરિણામે, જે હૃદયમાં જ્ઞાનનો દીવો પ્રગટાવવાની ઉર્જા હતી, તે સરકારી કાગળોના ભાર નીચે દબાઈને સુકાઈ જાય છે. ઉપરાંત ઉપરી અધિકારી તાત્કાલિકડેટા માંગે એટલે ભણાવવાનું બાજુમાં મૂકીને ડેટા તૈયાર કરતાં શિક્ષકને નવી નીતિમાં કેટલો વિશ્વાસ પડે? આ નીતિ ડિજિટલ શિક્ષણ, સ્માર્ટ ક્લાસરૂમ અને આધુનિકપ્રયોગશાળાઓની વકીલાત કરે છે, તેની સામે દેશના ભૌતિકમાળખાની દરિદ્રતા આખલાની જેમ આડી ઉતરે છે. નીતિ કહે છે કે બાળકકમ્પ્યુટર પર કોડિંગ શીખશે, એનિમેશન બનાવશે અને વૈજ્ઞાનિકપ્રયોગો કરશે. પરંતુ, જરા ગ્રામીણ વિસ્તારોની પ્રાથમિકશાળાઓમાં ડોકિયું તો કરો! અનેકશાળાઓમાં આજે પણ પીવાના શુદ્ધ પાણી, શૌચાલય, પૂરતા ક્લાસરૂમ કે વીજળી જેવી પ્રાથમિકસુવિધાઓ માટે સંઘર્ષ કરવો પડે છે. શહેરી વિસ્તારની મોંઘી ફી લેતી એસી શાળાઓના બાળકો આઈપેડ પર ભણતા હોય અને અંતરિયાળ ગામડાનો બાળકફાટેલી ચોપડીના પાના સાંધતો હોય, ત્યારે આ 'ડિજિટલ ડિવાઈડ' એટલે કે અસમાનતાની ખાઈ વધુ ભયાનકબને છે. નીતિમાં જીડીપીના 6% શિક્ષણમાં ખર્ચવાની વાત છે, પણ આટલું બજેટ હજુ સુધી ફાળવ્યું જ નથી!!   

આ શૈક્ષણિકમહાભારતમાં ગાંધારી છે-આપણો સમાજ અને વાલીઓ. જેમની આંખો પર હજુ પણ 'ટકાવારી' ના ચશ્મા ચડેલા છે. નવી શિક્ષણ નીતિ બૂમો પાડીને કહે છે કે બાળકની અંદર રહેલી કળાને ઓળખો, જો તે સંગીતમાં હોશિયાર હોય તો તેને આગળ વધારો, જો તેના હાથમાં ગેજેટ્સ રિપેર કરવાનું કૌશલ્ય હોય તો તેને પ્રોત્સાહન આપો. પણ આપણો સમાજ તો આજે પણ બાળકના રિપોર્ટ કાર્ડમાં 95% ના આંકડા જોઈને જ મલકાય છે. વાલીઓ માટે બાળકએકજીવંત મનુષ્ય નથી, પરંતુ પડોશીના બાળકસાથે સરખામણી કરવાનું એકસાધન છે. ધોરણ છ માં ભણતા બાળકને જો પ્લમ્બિંગ કે સુથારીકામનો વ્યવસાયિકકોર્સ કરાવવામાં આવે, તો વાલીઓ શરમ અનુભવે છે કે 'મારો દીકરો શું આ મજૂરી કામ કરશે?' શારીરિકશ્રમ અને તકનીકી હુન્નર પ્રત્યેની આ સામાજિકલઘુતાગ્રંથિ જ્યાં સુધી દૂર નહીં થાય, ત્યાં સુધી આપણે ડિગ્રીધારી બેરોજગારોની આખી ફોજ જ પેદા કરતા રહીશું. આપણા સમાજમાં શારીરિકશ્રમ કે તકનીકી કૌશલ્યો મિકેનિકકે ટેકનિશિયનને હજુ પણ આદરપૂર્વકજોવામાં આવતા નથી. દરેકવાલી પોતાના બાળકને એન્જિનિયર, ડોક્ટર કે વહીવટી અધિકારી જ બનાવવા માંગે છે. જેમના હાથમાં કાગળનો ટુકડો (ડિગ્રી) તો હશે પણ ખિસ્સામાં રૂપિયો કમાવવાનું કોઈ કૌશલ્ય નહીં હોય.   

આ પડકારો હોવા છતાં, નવી શિક્ષણ નીતિ એ ભારતને ભવિષ્ય માટે તૈયાર કરવાનું એકસુંદર સપનું છે. જો આપણે ખરેખર આ નીતિને સજીવન કરવી હશે, તો વહીવટી તંત્રએ પોતાની જડતા છોડવી પડશે, શિક્ષકોને સન્માન અને મુક્તિ આપવી પડશે અને સમાજે પોતાની જૂની માનસિકતા બદલવી પડશે. અમલીકરણના આ અવરોધો મોટા જરૂર છે, પરંતુ અશક્ય નથી. 

અશોકીઃ આજે પ્રાથમિકઅનેમાધ્યમિકશાળામાં સરકારે ઘણાં સ્માર્ટબોર્ડ આપ્યા છે. સરકારે ક્યારેય સર્વે કર્યો છે કે કેટલા શિક્ષકો સ્માર્ટબોર્ડનો ઉપયોગ કરી શકે છે? જે નથી કરી શકતા તેમને તાલીમ આપીને ઉપયોગ કરવાનો હઠાગ્રહ કેમ નથી રાખ્યો? આ આપણી અમલદારશાહી! બજેટ આવ્યું, વાપરો, પરિણામ નહીં જોવાનું.