ડોનાલ્ડ ટ્રમ્પ આજે જીતની ઉજવણી કરી રહ્યા છે. વોશિંગ્ટનમાં તેમના સમર્થકો તેને ઐતિહાસિક કૂટનીતિક સફ્ળતા ગણાવી રહ્યા છે. પરંતુ દુનિયાનો એક મોટો વર્ગ અલગ સવાલ પૂછે છે. જો આ જીત છે, તો હાર કેવી હોય? 107 દિવસ સુધી ચાલેલી જંગ. હજારો મોત. અબજો ડોલરનું નુકસાન. તેલ બજારમાં ભૂકંપ. દુનિયા પરમાણુ યુદ્ધના ડરમાં જીવતી રહી. અને અંતે જે સમજૂતી પર આવી, તેમાં તે બધું ક્યાં છે જેના માટે અમેરિકા યુદ્ધમાં ઉતર્યું હતું? આ જ સવાલ આજે ડોનાલ્ડ ટ્રમ્પનો પીછો કરી રહ્યો છે.
યુદ્ધ શા માટે શરૂ થયું હતું ?
યુદ્ધ શરૂ થયું હતું ઈરાનને ઝૂકાવવા માટે. કહેવામાં આવ્યું હતું કે તેહરાન પરમાણુ બોમ્બ બનાવવાની નજીક પહોંચી ગયું છે. કહેવામાં આવ્યું હતું કે ઈરાનની સૈન્ય ક્ષમતા તોડવી પડશે. કહેવામાં આવ્યું હતું કે મધ્ય પૂર્વમાં અમેરિકાના હિતોને સુરક્ષિત કરવું જરૂરી છે. કહેવામાં આવ્યું હતું કે ઈરાન સમર્થિત નેટવર્કનો અંત લાવવામાં આવશે. પરંતુ સમજૂતીના ટેબલ સુધી પહોંચતા પહોંચતા અમેરિકાના લગભગ બધા મોટા દાવા ધૂંધળા પડતા દેખાઈ રહ્યા છે. સૌથી મોટો લક્ષ્ય હતો ઈરાનને બિનશરતી ઝૂકાવવાનો. ટ્રમ્પે અનેક વખત જાહેરમાં 'અનકન્ડિશનલ સરેન્ડર'ની માંગ કરી હતી. પરંતુ આજે જે દસ્તાવેજો સામે આવ્યા છે, તેમાં ક્યાંય પણ ઈરાનના આત્મસમર્પણનો ઉલ્લેખ નથી. ઉલટું, તેહરાન પોતાને વિજેતા ગણાવી રહ્યું છે.
રિજીમ ચેન્જનું સપનું કેમ તૂટી ગયું ?
યુદ્ધ દરમિયાન અમેરિકા અને ઇઝરાયેલને વિશ્વાસ હતો કે સત્તા પરિવર્તનની જમીન તૈયાર થઈ જશે. તેમને લાગ્યું હતું કે બોમ્બમારાના દબાણથી ઈરાની જનતા રસ્તા પર આવી જશે. પરંતુ થયું તેનું ઉલટું. જ્યારે બહારથી હુમલો થાય છે, ત્યારે રાષ્ટ્રવાદ ઘણીવાર રાજકીય મતભેદો પર ભારે પડી જાય છે. ઈરાનમાં પણ આવું જ થયું. ચહેરા બદલાયા. કેટલાક ટોચના નેતાઓ માર્યા ગયા. પરંતુ વ્યવસ્થા યથાવત રહી. શાસન યથાવત રહ્યું. રાજ્ય યથાવત રહ્યું. એટલે કે જે 'રિજીમ ચેન્જ'ની ગણગણાટ વોશિંગ્ટન અને તેલ અવીવના ગલિયારાઓમાં સંભળાઈ રહી હતી, તે સપનું અધૂરું રહી ગયું.
પરમાણુ કાર્યક્રમ પર સૌથી મોટો સવાલ
બીજો મોટો સવાલ પરમાણુ કાર્યક્રમનો છે. યુદ્ધનું સૌથી મોટું ઔચિત્ય એ જ બતાવવામાં આવ્યું હતું. દુનિયાને કહેવામાં આવ્યું હતું કે ઈરાન પરમાણુ હથિયાર બનાવવાની ખૂબ નજીક પહોંચી ગયું છે. પરંતુ સમજૂતીમાં તે સંવર્ધિત યુરેનિયમનું શું થશે, જેના આધારે યુદ્ધનું નેરેટિવ ઉભું કરવામાં આવ્યું હતું? તેનો સ્પષ્ટ જવાબ નથી. જો યુદ્ધનો હેતુ પરમાણુ ખતરાને સમાપ્ત કરવાનો હતો, તો અંતિમ દસ્તાવેજમાં તેની સૌથી મજબૂત ગેરંટી ક્યાં છે? અહીંથી જ ટીકાકારોને હુમલો કરવાની તક મળી રહી છે. અમેરિકાની અંદર પણ. કોંગ્રેસની અંદર પણ. પૂર્વ સૈન્ય અધિકારીઓ વચ્ચે પણ.
હોર્મુઝ ખુલ્યો... પરંતુ જીત કોની ?
ત્રીજો મુદ્દો હોર્મુઝ સ્ટ્રેટનો છે. ટ્રમ્પ આજે તેને પોતાની સૌથી મોટી સિદ્ધિ તરીકે રજૂ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ એક અસ્વસ્થ કરતું સત્ય તેમની સામે ઊભું છે. યુદ્ધ પહેલાં પણ હોર્મુઝ ખુલ્લો હતો. વિશ્વ વેપાર ચાલી રહ્યો હતો. તેલના જહાજો પસાર થઈ રહ્યા હતા. સંઘર્ષ વધ્યા પછી જ સંકટ ઊભું થયું. હવે જો યુદ્ધ પૂર્ણ થયા પછી એ જ માર્ગ ફરી ખુલ્લો થઈ રહ્યો છે, તો તેને નવી સિદ્ધિ કેવી રીતે ગણાવી શકાય?
યુદ્ધનું આર્થિક બિલ કોણે ચૂકવ્યું ?
સૌથી રસપ્રદ મોરચો આર્થિક છે. યુદ્ધની કિંમત માત્ર બોમ્બ અને મિસાઇલોથી ચૂકવાતી નથી. તેની કિંમત બજારો ચૂકવે છે. તેની કિંમત નાગરિકો ચૂકવે છે. તેની કિંમત કરદાતાઓ ચૂકવે છે. અમેરિકા પહેલેથી જ મોંઘવારી, રોજગાર અને ઘરઆંગણાની આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું હતું. આવા સમયે યુદ્ધનું બિલ રાજકીય રીતે પણ ભારે પડી શકે છે. ટ્રમ્પે ચૂંટણી દરમિયાન વચન આપ્યું હતું કે તેઓ વિદેશી યુદ્ધોથી દૂર રહેશે. અમેરિકન કરદાતાઓના નાણા અમેરિકામાં જ ખર્ચાશે. પરંતુ આ યુદ્ધે તે વચનને સવાલોના ઘેરામાં મૂકી દીધું છે.
શું અમેરિકાની વિશ્વસનીયતાને ઝટકો લાગ્યો ?
મધ્ય પૂર્વમાં પણ તસવીર બદલાયેલી દેખાઈ રહી છે. અમેરિકાના પરંપરાગત સહયોગીઓ હવે એક નવો સવાલ પૂછે છે. જો એટલી શક્તિ લગાવ્યા પછી પણ ઈરાન પોતાની મૂળ રચના બચાવવામાં સફ્ળ રહ્યું, તો ભવિષ્યના કોઈ સંઘર્ષમાં શું થશે? શું સૈન્ય શક્તિ હંમેશા રાજકીય પરિણામો સુનિશ્ચિત કરી શકે? આ યુદ્ધે તે માન્યતાને નબળી પાડી છે. આ જ કારણ છે કે ઘણા વ્યૂહાત્મક વિશ્લેષકો તેને સૈન્ય નહીં, પરંતુ રાજકીયપરિણામોના માપદંડ પર તોલી રહ્યા છે. અને અહીં અમેરિકા મુશ્કેલીમાં દેખાઈ રહ્યું છે.
સૌથી મોટો સવાલઃ આખરે જીત્યું કોણ ?
કારણ કે યુદ્ધનો હેતુ માત્ર બોમ્બ વરસાવવાનો હોતો નથી. હેતુ પોતાની શરતો પર નવી રાજકીય વાસ્તવિકતા ઉભી કરવાનો હોય છે. જો વિરોધી દેશ યુદ્ધ પછી પણ ઊભો છે... જો તેની સરકાર યથાવત છે... જો તેની સૈન્ય ઇચ્છાશક્તિ અકબંધ છે... જો તે ભવિષ્યમાં પણ હોર્મુઝ જેવા વ્યૂહાત્મક હથિયારનો ઉપયોગ કરી શકે છે... તો પછી જીતની વ્યાખ્યા શું હશે?
આ જ સવાલ આજે દુનિયા પૂછે છે. કદાચ આ જ કારણ છે કે જિનીવામાં થનારી સમજૂતી યુદ્ધ સમાપ્તીનો દસ્તાવેજ તો છે, પરંતુ નિર્ણાયક વિજયનું પ્રમાણપત્ર નથી. ડોનાલ્ડ ટ્રમ્પ તેને પોતાની જીત ગણાવશે. ઈરાન તેને પોતાની જીત ગણાવશે. રાજકારણમાં બંને માટે આવું કરવું જરૂરી પણ છે. પરંતુ ઇતિહાસ પ્રચાર વાંચતો નથી. ઇતિહાસ પરિણામ જુએ છે. અને જ્યારે ઇતિહાસ આ 107 દિવસની જંગનો હિસાબ કરશે, ત્યારે તેની સામે એક સીધો સવાલ હશે - અમેરિકા યુદ્ધમાં શા માટે ઉતર્યું હતું? અને પરત ફરતી વખતે તેના હાથમાં શું હતું? શક્ય છે કે આ જ સવાલનો જવાબ સમગ્ર સંઘર્ષનો સૌથી મોટો ચુકાદો સાબિત થાય.










