- પંચ પર સરકારનો પંચ
દેશની બંધારણીય સંસ્થાઓ પર સરકાર એક પછી એક તેની લગામ કસવા લાગી છે. દેશની બંધારણીય સંસ્થાઓની સાખ આમ તો તે કેટલી સ્વાયત્ત રહીને કામ કરે છે તેના પર અવલંબે છે પણ હવે બંધારણીય સંસ્થાઓનાં કામકાજમાં સરકાર સુપ્રીમ બની રહી છે. ચૂંટણી પંચમાં મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરો નિયુક્ત કરવાની સમિતિમાંથી ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાને બાકાત રાખવામાં આવ્યા છે. આમ સરકારે ચૂંટણી પંચ પર પંચ માર્યો છે. હવે મુખ્ય ચૂંટણી કમિશનર તેમજ અન્ય ચૂંટણી કમિશનરોની નિયુક્તિ સરકાર તેને યોગ્ય લાગે તે રીતે કરશે. છેલ્લા કેટલાક મહિનાથી સુપ્રીમ કોર્ટનાં કોલેજિયમ અને સરકાર વચ્ચે જજિસની નિયુક્તિનાં મામલે સામસામે તલવારો તણાઈ છે. હવે ચૂંટણી પંચની પાંખો કાપી નાંખીને તેની જવાબદારી વધારવામાં આવી છે. વિરોધપક્ષો દ્વારા ઘણા સમયથી ફરિયાદો કરવામાં આવે છે કે ચૂંટણી પંચ સરકારનાં ઈશારે કામ કરે છે. તેમની આ ફરિયાદોમાં વજૂદ હોય કે ન હોય પણ બંધારણીય સંસ્થાઓ સ્વતંત્ર રીતે અને લોકશાહી ઢબે કામ કરે તે આવકાર્ય છે. વિપક્ષોની ફરિયાદો પછી ચૂંટણી પંચનાં કમિશનરોની નિયુક્તિનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહેંચ્યો હતો.
સર્વોચ્ચ અદાલતનાં પાંચ જજિસની બંધારણીય બેન્ચે એવું ઠરાવ્યું હતું કે, દેશનાં રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, વિરોધપક્ષનાં નેતા અને ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાની બનેલી સમિતિ નક્કી કરે તે મુજબ ચૂંટણી કમિશનરોની નિયુક્તિ કરવાની રહેશે. સર્વોચ્ચ અદાલતનાં આ ચૂકાદા પછી એવું માનવામાં આવતું હતું કે ચૂંટણી કમિશનરોની નિમણૂક હવે પારદર્શક રીતે કરી શકાશે. ચૂંટણી પંચની છબી સુધરશે. જો કે સુપ્રીમ કોર્ટે એવું ઠરાવ્યું હતું કે જ્યાં સુધી સરકાર સંસદમાં આ મામલે કાયદો ન ઘડે ત્યાં સુધી કોર્ટનાં આદેશ મુજબ વ્યવસ્થા અમલમાં રહેશે. તાજેતરમાં સરકારે રાજ્યસભામાં એક બિલ રજૂ કરીને તેમાં ફેરફાર કર્યો છે અને પંચની પસંદગી સમિતિમાંથી ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાને બાકાત કરાયા છે. હવે મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની પસંદગી માટે રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને વિરોધ પક્ષનાં નેતાની ત્રણ સભ્યોની સમિતિની ભલામણને ફાઈનલ ગણવામાં આવશે. સરકાર તેને યોગ્ય લાગે તે વ્યક્તિને મુખ્ય ચૂંટણી કમિશનર પદે નિયુક્ત કરી શકશે. લોકશાહી વ્યવસ્થામાં ચૂંટણી પંચની કામગીરી મહત્ત્વની છે. તેણે નિષ્પક્ષ અને ન્યાયી રીતે દેશમાં ચૂંટણીઓ યોજવાની હોય છે. હવે ચૂંટણી પંચ સરકારનાં ઈશારે કામ નથી કરતું સ્વતંત્ર અને સ્વાયત્ત રીતે કામ કરે છે તે તેણે પુરવાર કરવાનું છે. તેનું દાયિત્વ અને જવાબદારી વધી જાય છે. સરકાર બંધારણીય મૂલ્યો જાળવીને તમામ પગલાં લઈ રહી છે ત્યારે ચૂંટણી પંચની સ્વાયત્તતા જાળવી રાખે તે મહત્ત્વનું છે. ચૂંટણી પંચે પણ હવે પછીની ચૂંટણીઓમાં તેનું ગૌરવ જળવાઈ રહે તે રીતે નિષ્પક્ષ અને ન્યાયી ચૂંટણીઓ યોજવાની છે.










