શહેર પોલીસને હવે કોર્પોરેટ લૂકમાં રહેવાનો ચસકો લાગ્યો છે. આથી તે ભરતી પણ કોર્પોરેટ સ્ટાઇલથી કરી રહી છે. આવો જ એક કિસ્સો પૂર્વ વિસ્તારના એક પોલીસ સ્ટેશનમાં બન્યો છે. પૂર્વના નવા આવેલા એક PIએ વહીવટદારોની ભરતી કરવા માટે ઓપન ઇન્ટરવ્યૂ જ ગોઠવી દીધો હોવાની પોલીસબેડામાં ચર્ચા ચાલી રહી છે, જેમાં નવ વહીવટદારોના આ પીઆઈએ ઈન્ટરવ્યૂ લીધા હોવાનું જાણવા મળ્યું છે. તેમ જ એક વહીવટદારની ભલામણ કરવા તો એક પીઆઇ પોતે જ પોલીસ સ્ટેશનમાં વહીવટદારને લઇને પહોંચી ગયા હતા અને પોતાના માણસને રાખી લેવા વિનંતી કરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ રીતે વહીવટદારોના ઈન્ટરવ્યૂ લેવા માટેની સલાહ તેમના ઉચ્ચ અધિકારીએ આપી હતી. આથી આ પીઆઈએ નવો ચીલો ચિતર્યો હોવાની ચર્ચા ચાલી રહી છે. વહીવટદારોની ખૂબ જ ફરિયાદો આવતી હોવાથી અને સામાન્ય નાગરિકોને હેરાનગતિ થતી હોવાથી ઉચ્ચ અધિકારીની સલાહનું PIએ પાલન કર્યું હતું.
બુકીના ત્યાં દરોડો પાડતાં તેની પત્નીને પોલીસ ઉઠાવી ગઈ, મહિલા ફોન લઇને ઘરે જતી રહેતાં પોલીસે સસ્પેન્શનના ડરે ચોરીનો ગુનો નોંધ્યો
શહેરના મધ્યમાં આવેલા એક પોલીસ સ્ટેશનના પીએસઆઇ સહિતની 'જાંબાઝ' કર્મચારીઓએ બુકીના ઘરમાં દરોડો પાડયો હતો. જોકે બુકી તો પકડાયો નહીં, પણ તેમના ઘરમાંથી એક મહિલાને ચોકી પર લઈ આવી. મહિલા પાસે બે મોબાઇલ હતા. તપાસ કરતા આ મહિલાની મેચના સટ્ટામાં કોઈ સંડોવણી ન હોવાનું ખૂલ્યું. જોકે પોલીસને આશા હતી કે, તેની પાસે બે મોબાઇલ છે તેમાંથી બુકીઓનું કનેક્શન મળી જાય તો મોટો તોડ થઈ જાય. પરંતુ મોબાઇલમાં પણ કશું જાણવા મળ્યું નહીં. આથી તેનો જવાબ લઇને પોલીસે જવા દીધી હતી. જોકે ડીસ્ટાફના પીએસઆઇ અને તેમના કર્મીઓની સામે જ મહિલા ફોન લઇને જતી રહી તેમ છતાં પોલીસને ખબર જ ના પડી. થોડા સમય બાદ પોલીસને સમજણ આવી કે જે મોબાઇલ મુદ્દામાલ તરીકે જપ્ત કરવાનો હતો. તે મોબાઇલ તો પોલીસ સ્ટેશનમાં જ નહોતો. તપાસ કરતા મહિલા જ ફોન લઈ ગઈ હોવાનું જાણવા મળ્યું. મહિલાના કહેવા પ્રમાણે તેને ખબર જ નહોતી કે ફોન પોલીસને આપીને જવાનું છે. આ વાત સાંભળતા જ પીએસઆઈ ગુસ્સે થયા અને કર્મચારીઓને ખખડાવી નાખ્યા. આમ સસ્પેન્ડ થવાના ડરે મહિલા ફોન ચોરી કરીને જતી રહી છે તેવી ખોટી ફરિયાદ નોંધાવી દીધી હતી.
બે કોન્સ્ટેબલે ઉપરી અધિકારીને ભોગ ચડાવવા છ લાખનો તોડ કર્યો છતાં બંનેની બદલી કરી દેવાઈ
શહેરના એક પોશ વિસ્તારમાં થોડા સમય પહેલાં બે કોન્સ્ટેબલ પેટ્રોલિંગ કરી રહ્યા હતા આ દરમિયાન એક યુવક ખૂણામાં બાઇક પાર્ક કરીને મોબાઇલમાં કંઈ કરી રહ્યો હતો. આ બન્ને કોન્સ્ટેબલની નજર આ યુવક પર પડી હતી, જેથી બન્ને યુવક પાસે ગયા અને કંઈ બોલ્યા વગર જ મોબાઇલ ઝૂંટવી લીધો હતો. આમ બગાસું ખાતાં પતાસું મળ્યું તેવું આ બંનેને લાગ્યું. આ યુવક ઓનલાઇન સટ્ટા બેટિંગ અને ડબ્બા ટ્રેડિંગ ચલાવતો હોવાનું સામે આવ્યું. આથી બન્નેએ તાત્કાલિક યુવકને પોતાની બાઇક પર બેસાડીને અવાવરું જગ્યાએ લઈ જઈને કેસ કરવાની ધમકીઓ આપીને રૂ.15 લાખની માગણી કરી હતી. અંતે છ લાખ યુવક પાસેથી મેળવીને બન્ને ત્યાંથી નીકળી ગયા હતા. જેની જાણ ઉપરી અધિકારીને થતા બન્નેને પોતાની ચેમ્બરમાં બોલાવીને મારો ભાગ ક્યાં તેવો સવાલ કર્યો હતો. એટલે બંનેએ અધિકારીને 3 લાખ આપ્યા હતા. હવે આ વાતથી અધિકારી ખુશ થયા કે નાખુશ એ તો ખબર નહીં પણ આ બંને કોન્સ્ટેબલની કે કંપનીમાં બદલી કરી દીધી હોવાનું પોલીસ બેડામાં ચર્ચાઈ રહ્યું છે.
પોતાના માણસને વહીવટ આપવવા ઉપરી અધિકારીએ જુનિયરને ભલામણ કરી
થોડા સમય પહેલાં શહેરમાં 17 જેટલા પીઆઈની બદલી થઈ હતી. બદલી થતાની સાથે દરેક પોલીસ સ્ટેશનમાં પીઆઈની ચેમ્બર બહાર વહીવટદારોની લાઈનો લાગી રહી છે, ત્યારે એક એસીપીએ પોતાના વહીવટદારને તેમના તાબા હેઠળના એક ક્રીમ પોલીસ સ્ટેશનના વિસ્તારના પીઆઈને ફેન કરીને વહીવટ આપવા માટે ભલામણ કરી હોવાનું પોલીસ બેડામાં ચર્ચાઈ શરૂ છે. મહત્ત્વનું છે કે, આ વહીવટદાર આખો દિવસ તેમના એસીપીને એકલા મૂકતા નથી જેના લીધે પોલીસ વિભાગમાં તીખડ ઊડી રહી છે કે, એસીપીને તેમની પત્ની વગર ચાલે છે, પરંતુ તેમના જે નામના વહીવટદાર વિના એક સેકન્ડ પણ ચાલતું નથી.