કેન્દ્ર સરકારે આખરે નો ડિટેન્શન પોલિસી ખતમ કરવાની જાહેરાત કરી દીધી છે. આ નિર્ણયે એ ચર્ચાને ફરીથી વેગ મળ્યો છે કે જે લગભગ દોઢ દાયકા અગાઉ નો ડિટેન્શન પોલિસી લાવવાનો આધાર બની હતી. આ બાબત રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009 સાથે જોડાયેલો છે


જેની કલમ 16માં એ જોગવાઇ કરવામાં આવી હતી કે શાળાઓમાં આઠમા ધોરણ સુધી કોઇપણ બાળકને નાપાસ કરવામાં નહીં આવે એટલું જ નહીં તેને તે પછીના ધોરણમાં જતો રોકી પણ નહીં શકાય. આ નિર્ણય પાછળનો વિચાર એ હતો કે તમામ બાળકો માટે ઓછામાં ઓછું આઠમા ધોરણ સુધીનું શિક્ષણ સુનિશ્ચિત કરી શકાય. એવું જોવાયું હતું કે આર્થિક અમને સામાજિક રીતે પછાત પરિવારના બાળકોમાં નાપાસ થવાના કારણે ડ્રોપઆઉટ વધી જાય છે. ઘણીવાર શિક્ષણમાં નબળા હોય તેવા બાળકો માટે એવી ધારણા બંધાઇ જતી હોય છે કે તે ભણવાવાળો બાળક નથી. તેને કારણે તેના પરિવારમાં તેને અનિય કામમાં લગાવી દેવાની વૃત્તિ જોર પકડવા લાગે છે અને પછી તેને શિક્ષણથી વંચિત કરી દેવામાં આવે છે. નો ડિટેન્શન પોલિસી પાછળની વિચારસરણી એવી પણ હતી કે બાળકનું સતત મૂલ્યાંકન કરવામાં આવે કે જેના આધારે તેને પાસ અથવા નાપાસ જાહેર કરવાના બદલે તેની ખામીઓની માહિતી મેળવીને તેનું નિદાન કરવાનું કામ નિરંતર થયા કરે. એવું માનવામાં આવ્યું હતું કે કાચી વયના બાળકોની પાત્રતા જોવાનો ખાસ મતલબ નથી કેમ કે દરેકે દરેક બાળક શીખી શકે છે. સવાલ તેને સાચી રીતે શિખવાડવાની પ્રક્રિયા શોધવાનો અને તેને અપનાવવાનો છે કે જે મૂળભૂત રીતે શિક્ષણ તંત્રની જવાબદારી છે.

જો કે સમસ્યા એ થઇ હતી કે તેને લાગું કરાયા બાદ ફિડબેક પોઝિટિવ ન હતો. સામાન્ય ફરિયાદ એ હતી કે બાળકોમાં શિક્ષણ પ્રત્યેની દિલચશ્પી ઘટી રહી છે. દેશના અનેક રાજ્યો તરફથી આ પોલિસીની અનિવાર્યતાને ખતમ કરવાની માંગ કરવામાં આવી હતી. આ કારણોસર 2019માં કેન્દ્ર સરકારે આરટીઈ કાયદામાં સુધારો કર્યો હતો અને તેમાં સંબંધિત સરકારોને તેને જાળવી રાખવા અથવા તેને રદ્દ કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. જો કે હવે કેન્દ્ર સરકારે પણ તેને છોડવાનો વિકલ્પ પસંદ કર્યો છે. નોંધનીય છે કે હાલમાં 50 ટકા રાજ્યોમાં નો ડિટેન્શન પોલિસી લાગું છે અને તમિલનાડું સરકારે તો કહી દીધું છે કે તેઓ આ પોલિસીને જાળવી રાખશે. આ સંજોગોમાં આ પોલિસીના ગુણદોષ પારખવાની તક આગળ ઉપર પણ જળવાયેલી રહેશે. સાથે એ સવાલનો પણ જવાબ મળશે કે આ પોલિસીને છોડવામાં ખરેખર ઉતાવળ થઇ છે ખરી?


  • Follow us on: