દિલ્હી વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ વાતાવરણ ગરમી પકડી રહ્યું છે. ચૂંટણીનાં મેદાનમાં રાહુલ ગાંધી ઊતરતા જ ચારે બાજુ આક્ષેપો અને પ્રતિઆક્ષેપો શરૂ થઇ ગયા છે. રાહુલ ગાંધીએ કોંગ્રેસની લડાઇ ભાજપ, આર.એસ.એસ.ની સાથે ઇન્ડિયન સ્ટેટ સામે પણ હોવાનું ભાંગરો વાટતા ભારે હલચલ મચી ગઇ છે.


જોકે દિલ્હીમાં ચૂંટણી મેદાનમાં ઉતરેલા રાહુલ ગાંધીનું ફોકસ આમ આદમી પાર્ટી પર છે. તેમણે પોતાની ચૂંટણીની પહેલી રેલીમાં જ અરવિંદ કેજરીવાલને નિશાન બનાવતાં આ વાત ચર્ચાસ્પદ બની છે. રાજકીય પંડિતોનું કહેવું છે કે, દિલ્હીમાં કોંગ્રેસ પાસેથી આમ આદમી પાર્ટીએ જે રીતે સત્તા ખૂંચવી લીધી છે તેનું દુઃખ કોંગ્રેસને હજુ ભુલાયું નથી અને ભુલાશે પણ નહીં.

રાહુલ ગાંધીએ દિલ્હીના ચૂંટણી મેદાનમાં ઉતરીને અરવિંદ કેજરીવાલ પર નિશાન તાકતા જણાવ્યું હતું કે, જેવી રીતે મોદીજી એક પછી એક જુઠા વાયદાઓ અને પ્રચાર કરે છે તેવી જ રણનીતિ કેજરીવાલજીની પણ છે. કોઇ ફરક નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે, કેજરીવાલ આવ્યા અને કહ્યું કે દિલ્હી સાફ કરી દઇશ, ભ્રષ્ટાચાર ખતમ કરી દઇશ, દિલ્હીને પેરિસ બનાવી દઇશ પરંતુ અત્યારે હાલત એવી છે કે દિલ્હીમાં ભયાનક પ્રદૂષણ છે. લોકો બિમાર પડે છે, બહાર નથી નીકળી શકતા, મોદીજીની જેમ જ કેજરીવાલ પણ જુઠા વાયદાઓ કર્યા કરે છે. આગળ વધતા રાહુલ ગાંધીએ એવુ પણ કહ્યું કે, જ્યારે હું જાતિગત વસતી ગણતરીની વાત કરું છું. તો નરેન્દ્ર મોદીજી અને કેજરીવાલજીના મ્હોંમાંથી એક શબ્દ પણ નીકળતો નથી. આવું એટલા માટે છે કે, બંને ઇચ્છે છે કે, પછાત, દલિતો, આદિવાસીઓ અને લઘુમતીઓને દેશનાં વિકાસની ભાગીદારીમાં લાભ ના મળે.

રાહુલ ગાંધીના આ વક્તવ્ય બાદ અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા પર થોડાક સમયમાં જ ટ્વિટ કર્યું, કે આજે રાહુલ ગાંધીજી દિલ્હી આવ્યા તેમણે મને બહુ જ ગાળો આપી. પરંતુ હું તેમના નિવેદનો પર કોઇ પ્રતિક્રિયા નહીં આપું. કારણ કે તેમની લડાઇ કોંગ્રેસ બચાવવાની છે, મારી લડાઇ દેશ બચાવવાની છે.

કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં સીધી લડાઇ છે. આ પહેલી વખત એવું બન્યું કે જ્યારે રાહુલ ગાંધીએ સીધી રીતે અરવિંદ કેજરીવાલ પર આરોપ લગાવ્યા છે. જેના કારણે રાહુલ ગાંધીના આ આરોપો દેશભરમાં ચર્ચાનો વિષય બન્યાં છે. ઇન્ડિયા ગઠબંધનમાં કોંગ્રેસ અને આપ પાર્ટી બંનેવ ભાગીદાર હતી. અંદાજે સાત મહિના પહેલાં જ બંનેવ પાર્ટીએ ભેગાં મળીને લોકસભાની ચૂંટણી લડી હતી. જોકે ત્યારબાદ હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં બંનેવ પાર્ટીઓ અલગ થઇને ચૂંટણી લડયાં હતાં. પરંતુ હરિયાણામાં કોંગ્રેસ અને આપ પાર્ટીના મોટા નેતાઓએ કોઇ આક્ષેપબાજી સામસામે કરી ન હતી. દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં હવે જ્યારે રાહુલ ગાંધીએ જંગ છેડી દીધો છે અને આપ પાર્ટી પર આરોપો લગાવ્યાં છે ત્યારે આ જંગ આગળ વધી શકે છે.

જાણકારો કહે છે કે, રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલની આ લડાઇ લોકોને પ્રાદેશિક લાગે, પરંતુ આ લડાઇ 2029માં વિપક્ષી દળના નેતા કોણ બને તે માટેની છે. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પછી વિપક્ષી દળના નેતા બનવા માટે જ્યારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દાવો કર્યો ત્યારે આ દાવાને અરવિંદ કેજરીવાલે સમર્થન આપ્યું હતું. આખી લડાઇ કોંગ્રેસ પાસેથી વિપક્ષનું નેતા પદ ખૂંચવવાની આ લડાઇ છે અને એટલે જ રાહુલ ગાંધીએ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલને નિશાન બનાવ્યાં છે. જાણકારોનું કહેવું છે કે, કેટલાંક સરવેમાં એવું બહાર આવ્યું છે કે, રાહુલ ગાંધી પછી કેન્દ્રિય સ્તરે નેતાગીરીમાં કેજરીવાલનો ગ્રાફ ઉપર છે. આ સંજોગોમાં જો દિલ્હી વિધાનસભાની ચૂંટણી કેજરીવાલની નેતાગીરીમાં આપ પાર્ટી જીતી જાય તો કેજરીવાલનું રાજકીય વજન જરૂરથી વધી જાય અને કેન્દ્રિય સ્તરે રાહુલ ગાંધીને કેજરીવાલ ચેલેન્જ આપી શકે. એ તો હકીકત છે કે, છેલ્લી બે ટર્મથી કોંગ્રેસ દિલ્હી વિધાનસભામાં એકપણ બેઠક જીતી નથી શકી. એક જમાનામાં વર્ષો સુધી દિલ્હીમાં રાજ કરનાર કોંગ્રેસ પાર્ટી 2015 અને 2020ની વિધાનસભાની ચૂંટણીમાં ખાતું સુદ્ધા ખોલાવી ન શકતા કોંગ્રેસની ખૂબજ બેઇજ્જતી થઇ છે. હવે જો 2025ની વિધાનસભામાં કોંગ્રેસ ફરી એકવાર દિલ્હીમાં ખાતું ના ખોલાવી શકે તો રાજકીય રીતે કોંગ્રેસ માટે આ બહુ મોટો ફટકો કહી શકાય. આમ આદમી પાર્ટીએ જ 2013માં કોંગ્રેસ પાસેથી દિલ્હીની સત્તા ખૂંચવી લીધી હતી. જ્યારે 1993 પછી ભાજપ ક્યારેય દિલ્હીમાં કોંગ્રેસને હરાવી શકી નથી. આનો સીધો અર્થે એજ થયો કે દિલ્હીમાં કોંગ્રેસને ભાજપ કરતાં આમ આદમી પાર્ટીએ વધારે નુકસાન પહોંચાડયું છે. કોંગ્રેસની રણનીતિ આ વખતની ચૂંટણીમાં એવી છે કે કોઇપણ સંજોગોમાં કોંગ્રેસના મતોની ટકાવારી વધારવી અને એટલે જ દિલ્હીમાં કોંગ્રેસે આપ સાથે કોઇ ગઠબંધન કર્યું નહીં. જો કોંગ્રેસ દિલ્હીમાં આપ સાથે ગઠબંધન કરતે તો કોંગ્રેસને આપના નાના ભાઇને બનીને રહેવું પડત જે કોંગ્રેસને મંજૂર ન હતું. કોંગ્રેસે યુપી અને બિહારમાં પ્રાદેશિક પાર્ટીઓ સાથે ગઠબંધન કરીને નાના ભાઇનો રોલ અદા કર્યો હતો. પરિણામે કોંગ્રેસ અત્યારે જોરશોરથી દિલ્હીમાં આમ આદમી પાર્ટી વિરુદ્ધ લાગેલી છે. કોંગ્રેસની નજર દિલ્હીના પછાત, દલિત અને મુસલમાનોની વોટબૅંક પર છે. રાષ્ટ્રીય સ્તરે મુસ્લિમ મતદારો કોંગ્રેસની સાથે રહ્યાં છે. એ રીતે જોઇએ તો દિલ્હીમાં પણ આ મતદારો કોંગ્રેસ તરફ ઝૂકેલા રહે તો આપ પાર્ટીને ઘણો મોટો ફટકો કોંગ્રેસ પાડી શકે છે. આ સંજોગોમાં અત્યારે કોંગ્રેસની રણનીતિ આપના મતદારોમાં ગાબડું પાડવાની છે. જોઇએ આવનારા દિવસોમાં દિલ્હીમાં કોંગ્રેસ આપને કેટલું નુકસાન પહોંચાડી શકે છે. જો કે આ લડાઇમાં કોંગ્રેસને ખબર છે કે, આપને નુકસાન થશે તો ફાયદો ભાજપને થવાનો છે તેમ છતાં અત્યારે કોંગ્રેસ માત્ર આપને કઇ રીતે નુકસાન પહોંચાડી શકાય તે રણનીતિ પર ચાલી રહી છે. ફાયદો કોઇને પણ થાય તેની કોંગ્રેસને પડી નથી.


  • Follow us on: