ભ્રષ્ટાચાર શબ્દ હવે સામાન્ય થતો જાય છે. કારણ કે, ભ્રષ્ટાચાર પ્રજાને કોઠે પડી ગયો છે. પૈસા વગર કશું જ થતું નથી, પૈસા આપો તો બધું થઈ શકે એ માન્યતા સર્વ સામાન્ય બની રહી છે.
હવે તો રેશનકાર્ડથી માંડી ભગવાનના પ્રસાદ સુધી સ્વાર્થ અને ભ્રષ્ટાચારની બૂ આવે છે. દેશને કોરી ખાતા ભ્રષ્ટાચારે હવે હદ વટાવી દીધી છે. ભ્રષ્ટાચાર એ માત્ર રાષ્ટ્રનું દૂષણ નથી તે સામાજિક કલંક પણ છે. લોકો ભ્રષ્ટાચારની સાથે તાલ મેળવી જીવતા શીખી ગયા છે તે ચિંતાની બાબત છે. ભ્રષ્ટાચાર એટલે શું ? ભ્રષ્ટાચારનો અર્થ માત્ર આર્થિક લાભ તેટલો સીમિત નથી. ભ્રષ્ટ એટલે ખોટું કે ગેરકાયદેસર અને આચાર એટલે વર્તન, કાર્ય. આમ ખોટું કામ કે બીજાને નુકસાન કરે તેવા કાર્યને ભ્રષ્ટ આચાર એટલે કે ભ્રષ્ટાચાર કહેવાય છે. વ્યક્તિ સમાજ કે રાષ્ટ્રને કોઈ પણ પ્રકારે નુકસાન થાય તેવું કાર્ય ભ્રષ્ટાચાર છે. આજે ઠેર-ઠેર પૈસા માટે હાટડીઓ, બેફમ ભેળસેળ, છેતરપિંડી, નાણાકીય ફ્રોડ, શોષણ, પર્યાવરણને નુકસાન કે કરવેરામાં ચોરી સરકારી મિલકત કે રેવન્યૂને નુકસાન તે વિશાળ અર્થમાં ભ્રષ્ટ આચરણ છે. કાયદાનો ડર રાખ્યા વગર ખોટાં કામો કરાવનાર અને પૈસાના બદલામાં આવાં કામો કરી આપનાર બંને ભ્રષ્ટાચારી છે. આવા ભ્રષ્ટાચારનો રોગ રાષ્ટ્રને ખોખલો બનાવી રહ્યો છે. તેને નાથવાની જરૂર છે. ભ્રષ્ટાચાર રોકવા માટે કાયદાઓ અને તંત્ર કામ કરે છે. પરંતુ, આખરે દરેક જગ્યાએ માણસ જ કામ કરે છે ને !!
નાગરિકો હવે લાગણીશૂન્ય થતા જાય છે. બૌધિકોમાં ખરું કહેવાની ચેતના નથી...ભ્રષ્ટાચાર રોકી શકે તેમ છે, તેઓ હિંમત કરતા નથી, ઈચ્છા નથી...જે ભ્રષ્ટાચાર કરે છે તે દલા તરવાડીના રોલમાં કાર્ય કરે છે. લોકોના ધંધા વ્યવસાય અને જીવનમાં કે પછી સરકારી સિસ્ટમમાં આવી ગયેલ ભ્રષ્ટાચારના વાયરસથી દેશની તંદુરસ્તી અને કલ્યાણ વિભાવનાને બચાવવાની જરૂર છે. ભ્રષ્ટ આચરણ માટે સૌથી મોટી બાબત સ્વાર્થ અને પૈસાની મોટી લાલચ છે. બધાએ બસ...પૈસા કમાવા છે અને પૈસા દઈને કામ કરાવી લેવાની બહુ ઉતાવળ હોય છે. પરંતુ, આવો ભ્રષ્ટાચાર માત્ર પૈસાનો નથી તેમાં ખાદ્ય પદાર્થોની ભેળસેળ ચરમસીમાએ છે. દવામાં ભેળસેળ અને બેફમ ભાવમાં ભ્રષ્ટાચાર દેખાય છે. સોશિયલ મીડિયામાં પીરસાતી વિકૃત માહિતી એ રાષ્ટ્રની માનસિકતાને નબળી પાડી દીધી છે. આર્થિક છેતરપિંડીના વધતા કેસો સૌથી મોટો રોગ છે. સાઇબર ફ્રોડનો મકસદ પૈસા જ હોય છે અને હનીટ્રેપથી માંડી ડિજિટલ અરેસ્ટ અને બોગસ નોકરી કે અન્ય લાલચ આપી લોકોને લૂંટવાના બનાવો પણ ભ્રષ્ટાચારનો જ એક ભાગ છે. માત્ર સરકારી કામ માટે આપવા પડતા પૈસા જ ભ્રષ્ટાચાર કહેવાય તેવું નથી. અન્યને કોઈ પણ પ્રકારે તન, મન અને ધનથી નુકસાન થાય તેવા તમામ કાર્ય, પ્રવૃત્તિ અને વિચાર ભ્રષ્ટાચારનો એક ભાગ છે.
બોગસ અધિકારી કે બોગસ સરકારી કચેરી સુધીની ઘટનાઓ ભ્રષ્ટાચારની હિમશિલાઓ છે. બોગસ તબીબો પકડાય ત્યારે દુઃખ થતું હવે બીજાના નામે નોકરી કરતા બોગસ શિક્ષક પણ પકડાય છે. હદ તો ત્યારે થાય કે જ્યારે સનદી અધિકારીના નામે બોગસ અધિકારી બની લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરે છે. બોગસ આઇ.એ.એસ. કે બોગસ આઇ.પી.એસ. પકડાય તો તે સૌથી મોટા ભ્રષ્ટાચારનો ગુનો બનવો જોઈએ. આવા કેસમાં છેતરાતા લોકો પણ ખોટું કરાવી લેવાની માનસિકતા ધરાવતા હોય છે. થોડા સમય પહેલાં બોગસ ટોલનાકા બનાવી ઉઘરાણું થયું. બોગસ સરકારી કચેરી ખોલી આર્થિક કૌભાંડ કરવાની ઘટનાઓ બહાર આવી હતી. માત્ર લોકો જ નહીં સરકારી તંત્ર સામેની છેતરપિંડીની આ પરાકાષ્ઠા છે. થોડા દિવસો પહેલાં છત્તીસગઢના શક્તિ જિલ્લાના છપોરા ગામે સ્ટેટ બેંક ઓફ્ ઈન્ડિયાની નકલી શાખા ખૂલી હતી. છ કર્મચારી પણ રાખ્યા હતા. ભાડાની જગ્યામાં બેંકની શાખા ખોલી લોકોના ખાતાં ખોલવાની શરૂઆત પણ કરી દેવામાં આવી હતી. SBI ની નકલી શાખા કોઈ ફ્લ્મિી સ્ટોરીની જેમ ખૂલીને કામ કરવા લાગી હતી. છેતરપિંડી કરનારાઓને હવે પ્રજાનો ભય જ નથી. લોકો કામ કરાવી શકે નહીં ત્યારે વકીલ મારફ્ત સરકારી કામ કરાવવા માટે કામ સોંપવામાં આવે છે. પરંતુ, વકીલ જ ભાવ નક્કી કરી આપે ત્યાં ભ્રષ્ટાચાર રોકવાના કોઈ અણસાર દેખાતા નથી..મોટાભાગે ખોટું કામ કરાવવા માટે નહીં પરંતુ, જલદી કામ કરાવવા માટે પૈસા આપવા પડે ત્યારે લોકશાહીને લૂણો લાગે છે.
દાહોદ શહેર સાથે આજુબાજુના 24 ગામોમાં બોગસ એન.એ. હુકમના આધારે 179 થી વધુ સર્વે નંબરોને બિનખેતી કરવાના મામલે સરકારે આકરું વલણ લીધું છે. પણ આવું થયું કેમ ? તે મહત્ત્વનો પ્રશ્ન છે. સાઇબર ફ્રોડના નાણાં ખાતામાં ટ્રાન્સફર થયાનું કહી સુરતના 50 હીરા જવેલર્સ કંપનીના બેંક ખાતા ફરીઝ કરી મહારાષ્ટ્ર અને કર્ણાટક પોલીસે પૈસા માંગ્યાની ફરિયાદ વેપારીઓ કરી રહ્યા છે.
ગામડાંમાં પણ નાના-મોટા કામ માટે પૈસા આપવા હવે નવાઈ લાગતી નથી. પંચાયત કે તાલુકા પંચાયતમાંથી નાની-મોટી નોંધ કે દાખલા માટે ધક્કા ખાવા ન હોય તો પૈસાથી કામ થઈ શકે છે. હમણાં બોટાદ જિલ્લાના એક ગામે ધિરાણ મંડળીમાં 371 ખેડૂતોના નામે વધુ ધિરાણ મેળવી 4.11 કરોડ રૂપિયાની જંગી રકમના કૌભાંડ મામલે પોલીસ ફરિયાદ થઈ છે.
ભ્રષ્ટાચારનું દૂષણ હવે સર્વત્ર જોવા મળે છે. આમાં માણસના કર્મનિષ્ઠા, પ્રમાણિકતા અને નૈતિકતાનાં મૂલ્યોનું ધોવાણ જોવા મળી રહ્યું છે. ભ્રષ્ટાચારનો ભરડો વિકાસને ધીમો પાડે છે અને રાષ્ટ્રને ખોખલું બનાવી દે છે. દર વર્ષે 9મી ડિસેમ્બરે વિશ્વભરમાં વિશ્વ ભ્રષ્ટાચાર દિવસ ઊજવવામાં આવે છે. ભ્રષ્ટાચાર નવી પેઢીમાં માનવમૂલ્યોનો વિકાસ રૂંધે છે તેની પ્રજામાં રાષ્ટ્રવાદની ભાવના પર મોટી અસર પડે છે. રાષ્ટ્રનો વિકાસ અટકે છે. પ્રજામાં નૈતિકતાનો ઘટાડો થાય છે. સંગ્રહખોરી, મોંઘવારી અને ગુનાખોરીને પ્રોત્સાહન મળે છે. કાળા બજાર અને સગાવાદ, લાગવગને પ્રોત્સાહન મળે છે અને અંતે કાયદા કાનૂન પ્રત્યે પ્રજાને વિશ્વાસ ઘટે છે. જે દેશને ભારે નુકસાન કરે છે. આપણી પાસે જાદુઈ લાકડી નથી કે ભ્રષ્ટાચારને આપણે એકાએક નાબૂદ કરી શકીએ. પરંતુ, જાગૃતિ અને રાષ્ટ્ર પ્રત્યેનો આદર તથા સરકારી તંત્રમાં રાષ્ટ્ર પ્રત્યેની ફરજભાવના વધે તો જ ભ્રષ્ટાચારને અટકાવવા માટે પ્રયાસ થઈ શકે તેમ છે. બાકી કોલેજ પ્રવેશ કે સરકારી નોકરી માટે પરીક્ષાના પેપર ફૂટવા કે નોકરી અપાવવા એજન્ટો કરોડોની છેતરપિંડી અને ભ્રષ્ટાચાર થાય છે. આવા ભ્રષ્ટ આચરણનો યુવાધન ભોગ બને ત્યારે નવી પેઢીનો અભિગમ નકારાત્મક બને છે.
ગાંધીજીએ કહેલા અને તેમાં ફેરફાર થયા હશે તેવા પાંચ પાપ યાદ રાખવા જેવા છે. પ્રમાણિકતા વગરનો વેપાર, સિદ્ધાંત વગરનું રાજકારણ, ચારિત્ર્ય વગરની સાધુતા, ખંત વગરની ખેતી અને સંસ્કાર વગરનું શિક્ષણ એ પાપ છે. એક સમાજઅગ્રણી અને ઉદ્યોગપતિએ પોતાના જીવનની ફ્લિોસોફી વિશે જણાવ્યું હતું કે, જે કામ, વિચાર કે કાર્ય મને વ્યક્તિગત, મારા પરિવારને, મારા સમાજને કે મારા રાષ્ટ્રને નુકસાન કરતા હોય તે કામ, કાર્ય, પ્રવૃત્તિ મારાથી થઈ શકે નહીં. ભ્રષ્ટાચારના પૈસાની લાલચ, ઉચાપત ભેટસોગાદો કે સત્તાનો દુરુપયોગ જેવા વિવિધ સ્વરૂપો છે. જટીલ કાયદાઓ, ગૂંચવણભર્યાં કરમાળખાં, જાહેર નોકરીમાં નિષ્ઠાનો અભાવ તથા જાહેર રાજકારણમાં ભ્રષ્ટાચાર રોકવા ઈચ્છાશક્તિનો અભાવ એ ભ્રષ્ટાચારને વ્યાપક બનાવે છે.
ભ્રષ્ટાચારને રોકવા કડક કાયદાઓનો કડકાઇથી અમલ થાય, સરકારી વ્યવસ્થામાં ડિજિટલ સેવાનો મહત્તમ ઉપયોગ થાય. આર્થિક અસમાનતા ઘટે, બેરોજગારી ઓછી થાય, શિક્ષણ સાથે માનવમૂલ્યોની વૃદ્ધિ થાય તેમજ સરકારી સંસ્થાઓથી પ્રજાને વિશ્વાસ વધે તે રાષ્ટ્ર માટે ખૂબ જરૂરી છે. સરકારના કર્મચારીઓમાં ફરજનિષ્ઠા વધારવા તથા વહીવટી કામકાજને ભ્રષ્ટાચારમુક્ત બનાવવાના હેતુથી લાંચ રિશ્વતવિરોધી બ્યૂરો (ACB) વિભાગ કાર્યરત છે. મુંબઈમાંથી ગુજરાત રાજ્ય અલગ થયા પછી તા. 30.09.1963 ના રોજ લાંચ રુશવત વિરોધી બ્યૂરોની રચના કરવામાં આવી છે. ભ્રષ્ટાચારના અસંખ્ય બનાવો બને છે તેમાંથી ખૂબ ઓછા કેસમાં ફરિયાદ થાય છે. થોડા દિવસ કેસ ચાલે, બદલી થાય કે સસ્પેન્ડ પણ થાય...થોડા મહિના પછી હતા તેમ ફરી નોકરીએ લાગી જાય છે. આમાં, ભ્રષ્ટાચાર ઘટે નહીં તેનો ગુણાકાર થતો હોય છે.
કાનમાં કહું..
ભ્રષ્ટાચાર એ કાનમાં કહેવામાં આવે છે,
પરંતુ, તેનો અવાજ દૂર સુધી સંભળાય છે.