મોગલોનો પોતાનો આંતરિક સંઘર્ષ આખરે તેમને પતનના માર્ગે તરફ્ દોરી ગયો, પરંતુ મરાઠાઓ પણ આંતરિક કલહથી મુક્ત ન હતા. બે મરાઠા નેતાઓ, ખાંડેરાવ અને રંગોજી, જેઓ એક અર્થમાં ઉમાબાઈના એજન્ટ હતા, વચ્ચે જટિલ મતભેદ હતા.


શેરખાન બાબી અને ઇડરના રાયસિંહનો સાથ લઇને રંગોજી ખાંડેરાવની સામે પડયો. અમદાવાદમાં પોતાની સત્તા પુનઃસ્થાપિત કરવા અને ખંડેરાવ દ્વારા નીમવામાં આવેલા સરદારોને હાંકી કાઢવા રંગોજીએ જવાંમર્દખાન બાબીનો સાથ લીધો. તેણે પોતાના એજન્ટોને પહેલાંની જેમ કામ કરવા દેવાની વિનંતી કરતો સંદેશ જવાંમર્દખાનને મોકલ્યો અને ગુમાવેલી સાખ પાછી મેળવવાની ચિંતામાં, તેણે હવેલી પરગણાના અડધા હિસ્સાના બદલામાં સમૃદ્ધ પેટલાદ પરગણું સોંપવાની તૈયારી બતાવી. બીજી તરફ્ ખંડેરાવે ફ્ખર-ઉદ-દૌલાખાન બહાદુરને જવાંમર્દખાન બાબીના હરીફ્ શાસક તરીકે બેસાડયો. તેણે રંગોજીને પકડીને કેદ કર્યો અને બોરસદ ખાતેનો તેમનો કિલ્લો કબજે કર્યો. એક રીતે જોવા જઇએ તો રણનીતિના ભાગ રૂપે કરવામાં આવેલાં આ રાજકીય જોડાણો પણ સતત બદલાતાં રહ્યાં. મુસ્લિમ અને મરાઠા સૈન્યોના હુમલા અને પ્રતિ હુમલા અને નગરો અને ગામડાંમાં કરવામાં આવતી આડેધડ લૂંટ એ સમયની નરી અરાજકતા અને તેને પરિણામે બેહાલ થયેલી પ્રજાનો ચિતાર પૂરો પાડે છે. સૌરાષ્ટ્ર પણ મુખ્ય ભૂમિ પરની ઘટનાઓથી મુક્ત ન હતું. ખંડેરાવના સેનાપતિ કાન્હોજીએ 1747માં વંથલી કબજે કરીને ત્યાં લૂંટફટ મચાવી. આ જ વર્ષે રંગોજીએ રાજધાનીથી 16 માઈલ પશ્ચિમમાં વિકસી રહેલા સાણંદ નગર પર હુમલો કરી તેને લૂંટી લીધું.

આટલું પૂરતું ન હોય તેમ, 1747નું ચોમાસુ સાવ કોરું ગયું અને ઊભો પાક નાશ પામ્યો. ત્યારપછી આવેલો દુષ્કાળ અને તેની સાથે આવેલી તકલીફે, તે સમયના લોકોએ અગાઉ ક્યારેય જોઇ કે સાંભળી ન હોય તેવી હતી. અનાજ અને ઘાસચારાના અભાવે પશુઓની જેમ માણસો પણ ટપો ટપ મરવા લાગ્યાં હતાં. મરેલ લોકોનું માંસ ખાવાના દિવસો આવ્યા. તળાવો સુકાઈ ગયાં. કૂવાઓનાં તળિયાં દેખાયાં. સાબરમતીમાં કાંકરા ઊડવા લાગ્યા. ખાસ કરીને પાટણમાં પાણીની કારમી અછત ઊભી થઇ હતી. 1747નો આ દુષ્કાળ ક્કતરલોત્રો કાલક્ર (વિક્રમ સંવત 1803ની આફ્ત) તરીકે ઓળખાતો થયો. આ દુકાળમાં લોકો અને તેમનાં ઢોરઢાંખરનું મોટા પાયે સ્થળાંતર થયું. ભારે દુષ્કાળથી વ્યથિત પાટણના લોકો માલવાના ભાગોમાં સ્થળાંતર કરી ગયા. આ સામૂહિક સ્થળાંતરોથી આખે આખાં ગામો ઉજ્જડ થઇ ગયાં. પછીનાં ચોમાસાના વરસાદ સુધી આ તકલીફે મોટી આફ્તનું સ્વરૂપ લીધું.

આ સમયગાળા દરમિયાન ખંભાતના સૂબાનું મૃત્યુ થયું. તેનો સંબંધી, મોમીનખાન પહેલાનો પુત્ર મુફ્તખિરખાન, જે સૂબેદાર તરીકે અમદાવાદનો હવાલો સંભાળી શક્યો ન હતો અને જેને જવાંમર્દખાન બાબીએ સૂબેદાર થવા નહોતો દીધો, તેણે રાજધાની પાછા ફ્રવાનો ઇરાદો પડતો મૂકી ખંભાત બંદરનો કારભાર સંભાળ્યો. બાબીના પેંતરાઓને કારણે સૂબેદાર ન બની શકેલા શાહી ફરમાણ ધારક અન્ય કહેવાતા સૂબેદાર ફ્ખર-ઉદ-દૌલાખાને, મૃતકના પરિવારને સંવેદના આપવાના બહાને, ડામાડોળ રાજકીય સ્થિતિનો લાભ લેવાના બદઇરાદા સાથે ખંભાતમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો. પરંતુ તે ખુલ્લો પડી ગયો. તેને ખંભાતમાં પ્રવેશતો અટકાવવામાં આવ્યો. જો કે તે કોળીઓ વચ્ચે રહીને એટલો ત્રાસી ગયો હતો કે તે રંગોજીનું રક્ષણ માંગી સમગ્ર પરિવાર સાથે ઉમરેઠમાં રહેવા ચાલ્યો ગયો. 1758ની આસપાસ મુફ્તખિરખાન (મોમિનખાન બીજો) ખંભાતનો પ્રથમ સ્વતંત્ર નવાબ બન્યો અને તેના વંશજોએ 1948 સુધી અહીં શાસન કર્યું.

તે સમયના બદલાતા રાજકારણમાં શેરખાન બાબીએ સક્રિય ભૂમિકા ભજવી હતી. પોતાના હિત અને મહત્ત્વકાંક્ષાથી પ્રેરાઇને તેણે રંગોજી, ફ્ખર-ઉદ-દૌલાખાન તેમજ ઇડરના રાયસિંહ જેવા અન્ય મોગલ ઉમરાવો સાથે કોઇ પણ ડહાપણ કે દૂરંદેશી વગર જોડાણો કર્યાં. જો કે 1748માં, મુખ્ય પ્રદેશમાં પોતાની પ્રગતિ થવાની સંભાવના ન જણાતાં, તેને તેના પુત્ર સરદાર મોહમ્મદખાનને બાલાસિનોર ખાતે મૂકીને જૂનાગઢ ચાલ્યા જવાનું યોગ્ય જણાયું, જ્યાં તે ઘણાં વર્ષોથી નાયબ ફેઝદાર રહ્યો હતો. તેની પત્નીઓ અહીં તેનું કામકાજ સંભાળતી હતી. જો કે, કાન્હોજી સૌરાષ્ટ્રમાં ઘૂસી આવતાં અને વંથલીમાં તેણે મચાવેલી લૂંટને કારણે પોતાની જાગીરનું રક્ષણ કરવા જૂનાગઢમાં રહેવું શેરખાન માટે જરૂરી બની ગયું. ત્યારપછી, બહાદુરખાનનું બિરૂદ અને નવાબી જીવનશૈલી ધારણ કરીને, જૂનાગઢમાં તેના સ્વતંત્ર શાસનને મજબૂત કરવાના ઇરાદે શેરખાને પોતાની જાતને ગુજરાતની બાબતોથી સાવ અળગી કરી લીધી. 1758માં તેનું મૃત્યુ થયું અને તેના સ્થાને તેનો પુત્ર મહાબતખાન જૂનાગઢનો નવાબ બન્યો.

જૂનાગઢની જેમ મુસલમાનોએ માંગરોળનું બંદરગાહ ધરાવતાં નગર પર પણ પોતાનો દબદબો જાળવી રાખ્યો. 1375માં ફ્રિોઝ તુઘલકના શાસન દરમિયાન સૈયદ સિકંદરે આ બંદર જીતી લીધું હતું. તેણે ટૂંક સમયમાં જ એક સ્થાનિક સંત તરીકે પ્રતિષ્ઠા હાંસલ કરી લીધી હતી. બંદર નજીક આવેલી તેની કબર મુસ્લિમો માટે પૂજાપાત્ર બની છે જેને શહેરના ઐતિહાસિક સ્મારકોમાંનું એક ગણવામાં આવે છે. 1737માં મરાઠાઓએ દ્વીપકલ્પમાં ઘૂસણખોરી કરી તે દરમિયાન તેઓએ આ વિકસતા બંદર પર કબજો કરી લીધો અને 12 વર્ષ સુધી તે જાળવી રાખ્યો. તે પછી માંગરોળના શેખોએ મરાઠાઓ પાસેથી શહેરને ફ્રીથી જીતી લીધું અને 1948માં ભારતીય સંઘમાં તેનું વિલીનીકરણ થયું ત્યાં સુધી તેનું નિયંત્રણ જાળવી રાખ્યું.

બીજી તરફ્ મરાઠાઓના આંતરિક કલહનાં પરિણામો રંગોજી ભોગવતો રહ્યો. 1748માં ખાંડેરાવે બોરસદનો કિલ્લો ઘેરી લીધો, જેના પર રંગોજીએ ઇડરના તેના સાથી રાયસિંહની મદદથી કબજો જાળવી રાખ્યો હતો. ઘેરાબંધી પાંચ મહિના સુધી ચાલ્યા પછી રંગોજી તેનો બચાવ કરી શકે તેવી સ્થિતિમાં રહ્યો નહીં. જીવન નિર્વાહક પુરવઠો અને સાધનસામગ્રી ખતમ થઈ ગયાં હતાં અને શેરખાનના તાબાના મારવાડી અને ગુજરાતી સૈનિકો પગાર માટે કાગારોળ કરી રહ્યા હતા. તેથી, તેણે ખંડેરાવને કિલ્લો સોંપી દેવો પડયો. ખંડેરાવે તેને કેદ કરી લીધો. જો કે, પેશવાના એજન્ટો તેની મદદે આવ્યા. તેઓ રંગોજીને છોડાવી દખ્ખણ લઈ ગયા. ગુજરાતમાં દામાજીના નાયબ તરીકે 1734માં તેના પ્રથમ આગમનના સમયથી લઇને 1748માં તેની અંતિમ વિદાય સુધી - લગભગ 14 વર્ષ સુધી - ગુજરાતના ઈતિહાસમાં મહત્ત્વનો ભાગ ભજવનાર સક્રિય મરાઠા સેનાપતિ રંગોજીનો અહીં છેલ્લો ઉલ્લેખ થયેલો જોવા મળે છે. 1737માં અમદાવાદ પર મરાઠાઓના સંયુક્ત શાસનની સ્થાપના સહિત, ગુજરાતમાં ગાયકવાડની સત્તાને વિસ્તારવા અને મજબૂત બનાવવાનું શ્રોય મોટાભાગે તેની એક સૈનિક અને મુત્સદી સરદાર તરીકેની ક્ષમતા અને કાબેલિયતને જાય છે.

1748નું વર્ષ ભારતીય ઈતિહાસમાં એક સીમાચિહનરૂપ છે, જેની અસરો પરોક્ષ રીતે ગુજરાત પર પણ પડી. વર્ષ દરમિયાન ત્રણ મહત્ત્વપૂર્ણ શાસકો મૃત્યુ પામ્યા. બાદશાહ મોહમ્મદશાહ લગભગ 30 વર્ષના વગોવાયેલા શાસન પછી મૃત્યુ પામ્યો; શિવાજીનો નબળો વંશજ સાહુ રાજા અને હૈદરાબાદમાં અસફ્ સાહી વંશનો સ્થાપક નિઝામ પણ આ જ વર્ષે મૃત્યુ પામ્યાં. આ જ સમયગાળા દરમિયાન 1749માં અમદાવાદમાં જામી મસ્જિદમાં પોતાનું નિવાસસ્થાન ધરાવતા, ખૂબ જ પ્રતિષ્ઠિત અને વિદ્વાન એવા એક સૂફ્ી સંત હઝરત પીર મુહમ્મદ શાહનું અવસાન થયું જેઓ પોતાની પાછળ એક મૂલ્યવાન વારસો છોડી ગયા. તેના શિષ્યોએ તેની મજાર પર એક રોઝાનું નિર્માણ કરાવ્યું. તેની સાથે જોડાયેલ મૂલ્યવાન હઝરત પીર મોહમ્મદ શાહ ઓરિએન્ટલ લાઇબ્રેરીને કારણે તેનું નામ અને દરગાહ આજે પણ જાણીતાં છે. હઝરત પીર મોહમ્મદ શાહ ઓરિએન્ટલ લાઇબ્રેરી ભારતની સૌથી જૂની પુસ્તકાલયોમાંની એક છે. મોટાભાગના પુસ્તકો સૂફ્ી સંત હઝરત પીર મુહમ્મદ શાહના અંગત સંગ્રહમાંથી છે. પુસ્તકાલયમાં સોનામાં લખાયેલા અસાધારણ સુલેખન દર્શાવતા કુરાનની નકલો સહિત પર્શિયનમાં 3990 આકર્ષક પુસ્તકો અને હસ્તપ્રતો સંગ્રહ છે, જે 350-70 વર્ષો જૂનું છે. પુસ્તકાલયમાં મુઘલ સમ્રાટ ઔરંગઝેબનું હાથથી લખાયેલ કુરાન સાથે કેટલાક દુર્લભ હિંદુ ગ્રંથો અને વડનગરના નાગર બ્રાહ્મણો દ્વારા ફરસીમાં અનુવાદિત ગીતા જેવા હિંદુ મહાકાવ્યોના પણ સંગ્રહ છે.

જોકે બાદશાહ મોહમ્મદશાહ 1748 માં મૃત્યુ પામ્યો હતો, તેના મૃત્યુ પહેલાં જ, પ્રાંતમાં મરાઠાઓના પ્રવેશ સાથે ગુજરાતમાં શાહી સત્તાનો સૂરજ આથમવા લાગ્યો હતો. મિરાત-એ-અહમદીમાં જણાવાયા મુજબ કેન્દ્રીય સત્તા એટલી બિનઅસરકારક બની ગઈ હતી કે તેના આદેશોનું પાલન હવે જરૂરી માનવામાં આવતું ન હતું. જો શાહી આદેશોનું પાલન કરવામાં ન આવે તો તેનો ખુલાસો માંગવાવાળું કોઈ નહોતું. 1744માં, અમદાવાદમાં સમૃદ્ધ જૈન સમુદાય માટે મહત્ત્વની અને પ્રસન્નતાભરી ઘટના બની, જેમાં શાહી સત્તાના આથમતા સૂરજની ઝાંખી જોવા મળે છે. 1645માં શાંતિદાસ ઝવેરીએ બંધાવેલ ચિંતામણી પાર્શ્વનાથનું સુંદર મંદિર, ગુજરાતના તત્કાલિન સૂબેદાર ઔરંગઝેબે મસ્જિદમાં ફેરવી નાંખ્યું હતું. જૈનોએ આ મંદિરમાં સ્થાપિત કરવા માટે પાર્શ્વનાથની સંખ્યાબંધ આરસની મૂર્તિઓ તૈયાર કરાવી હતી. આ આરસની મૂર્તિઓને ઔરંગઝેબના શાસનકાળ દરમિયાન સલામતી ખાતર ભૂગર્ભમાં ઉતારી દેવામાં આવી હતી. 1744માં, શાંતિદાસના વંશજોએ શાહી સત્તા અને ધાર્મિક અસહિષ્ણુતામાં આવેલી ઓટનો લાભ લઈને આ પવિત્ર મૂર્તિઓ બહાર કાઢવા અને તેને રથમાં પધરાવીને આલિશાન વિધિથી શહેરમાં પાછી લાવવાની પરવાનગી મેળવી. આ પવિત્ર મૂર્તિઓ જાહેરમાં પ્રાચીન મંદિરમાં એ જગ્યાએ સ્થાપિત કરવામાં આવી જ્યાં જૈનો તેમની પૂજા ગુપ્ત રીતે કરતા હતા.


  • Follow us on: