• તમાકુ એક જીવલેણ વ્યસન

આખા વિશ્વમાં પેકિંગ પર લોકોને ચેતવણી આપવામાં આવે છે કે તમાકુ ખાવી કે ચાવવી એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આમ છતાં વિશ્વમાં કરોડો લોકો તમાકુ અને તમાકુની બનાવટોનું સેવન કરે છે. તમાકુના વધી રહેલા ખતરાને જોઈને વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા 1987માં લોકોમાં જાગૃતિ ફેલાવવા વર્લ્ડ નો ટોબેકો ડે ઊજવવાનો વિચાર રમતો કરાયો હતો. 1988માં આ દરખાસ્તને મંજૂર કરીને દર વર્ષે 31મી મેનાં દિવસને વર્લ્ડ નો ટોબેકો ડે તરીકે મનાવવામાં આવી રહ્યો છે. આખા વિશ્વમાં દર 4 સેકન્ડે તમાકુનો 1 બંધાણી જીવ ગુમાવે છે. લોકોને ખબર છે કે તમાકુ એક જીવલેણ વ્યસન છે આમ છતાં લોકો તેનાં વ્યસનમાં ઊંડાને ઊંડા ડૂબતા જાય છે. એક અંદાજ મુજબ આખા વિશ્વમાં 3.7 કરોડથી વધુ કિશોરો તમાકુનાં કે ઈ-સિગારેટના બંધાણી છે. આમાંનાં મોટાભાગના લોકોની ઉંમર 13થી 15 વર્ષની છે. વિશ્વમાં 130 કરોડથી વધુ લોકો તમાકુના વ્યસની છે જેમાંથી અડધો અડધ લોકોનાં તમાકુના વ્યસનને કારણે જીવ જાય છે. તમાકુ બનાવતી કંપનીઓ હવે યુવાનોને કેન્ડી અને ફ્રૂટી ફ્લેવર્સમાં ઈ-સિગારેટ પકડાવી રહી છે. કંપનીઓની આવક વધી રહી છે પણ યુવાનો તેમનાં જીવ ગુમાવી રહ્યા છે. ભારતમાં પણ સરકાર દ્વારા તમાકુ અને તમાકુની બનાવટો તેમજ દેશી વિદેશી સિગારેટ પર ઊંચો ટેક્સ લાદવામાં આવ્યો છે આમ છતાં તેનાં વ્યસનીઓની સંખ્યા ઘટવાને બદલે વધી રહી છે. આજે સ્થિતિ એવી છે કે વિશ્વમાં 400 જુદી જુદી બ્રાન્ડનાં નામે ઈ-સિગારેટ વેચાઈ રહી છે. આમ જોવા જઈએ તો ઈ-સિગારેટનો ઇતિહાસ બહુ જૂનો નથી. 1965માં પહેલી ઈ-સિગારેટ બનાવવામાં આવી હતી અને વેચાઈ હતી જેની પેટન્ટ 2003માં કરાવવામાં આવી હતી. ઈ-સિગારેટને ઉત્તર અમેરિકાના માર્કેટમાં પહેલીવાર 2007માં મૂકવામાં આવી હતી. એક અભ્યાસ મુજબ આજનાં આધુનિક યુગમાં ઈ-સિગારેટ પીવાનું વ્યસન બાળકોમાં વધારે ઘર કરી ગયું છે. ઈ-સિગારેટમાં આવતું નિકોટીન અને અન્ય પદાર્થો વ્યસની વ્યક્તિનાં ફેફસાં, હ્યદય તેમજ મગજને નુકસાન કરે છે. તેનાંથી બીપી વધે છે અને રક્તવાહિનીઓ સંકડાઈ જાય છે. તમાકુ અને ઈ-સિગારેટનું વ્યસન અને ઉપયોગ એટલી ખરાબ રીતે વધી ગયો છે જેને કારણે 2023માં આખા વિશ્વમાં ઈ-સિગારેટ ઉદ્યોગનો વ્યાપ 28 અબજ ડૉલર એટલે કે રૂ. 2.33 લાખ કરોડનો થઈ ગયો છે. તેમાં 4.5 ટકાના દરે વધારો થઈ રહ્યો છે. 2033 સુધીમાં તે વધીને 66.2 અબજ ડૉલર એટલે કે રૂ. 5.50 લાખ કરોડ થવાની શક્યતા છે. વિશ્વમાં તમાકુનું માર્કેટ 900 અબજ ડૉલરનો આંક વટાવી ગયું છે. જે અમેરિકાની આર્મીનાં બજેટ જેટલું છે. 2031 સુધીમાં આ માર્કેટ 1,090 અબજ ડૉલરને પાર જવાની ધારણા છે.


  • Follow us on: