બાંગ્લાદેશમાં સત્તા પલટો થયા પછી નવી સરકાર સત્તા પર આવી. બળવાખોરો દ્વારા શેખ હસીનાની સરકારને સત્તા પરથી ખસેડીને કટ્ટરવાદીઓ સત્તા પર આવ્યા. આમ બાંગ્લાદેશમાં તખતા પલટો થયા પછી હિન્દુઓ અને હિન્દુ મંદિરો પર હુમલા વધી ગયા છે.


ત્યાંની સરકારના કેરટેકર સલાહકાર મોહમ્મદ યુનુસ દ્વારા હિન્દુઓને રક્ષણ આપવાની જાહેરાત છતાં તેની અપીલ કાને ધરવામાં આવતી નથી. હિન્દુઓ અને હિન્દુ મંદિરો પરનો ખતરો વધ્યો છે. અધૂરામાં પૂરું ત્યાંનાં એટર્ની જનરલ મોહમ્મદ અસદુઝઝમા એ બંધારણમાંથી ધર્મનિરપેક્ષતા અને સમાજવાદ જેવા શબ્દો હટાવવાની માગણી કરી છે. બાંગ્લાદેશમાં 90 ટકા વસ્તી મુસ્લિમોની હોવાથી કેટલાક શબ્દો અને કેટલાક નિયમોની કોઈ જરૂર નથી તેમ તેમનું માનવું છે. બાંગ્લાદેશ જ્યારે 1971માં પાકિસ્તાનથી અલગ થયું પછી ત્યાં અલગ બંધારણ અમલમાં આવ્યું હતું. તે વખતના સત્તાધીશોનો ઇરાદો બાંગ્લાદેશને ધર્મનિરપેક્ષ દેશ બનાવવાનો હતો પણ જેમ જેમ મુસ્લિમોની વસ્તી વધતી ગઈ અને કટ્ટરવાદ વધતો ગયો તેમ તેમ ત્યાં હિન્દુઓ માટે રહેવાનું મુશ્કેલ બનતું ગયું હતું. હવે જ્યારે કટ્ટરવાદીઓ સર્વસત્તાધીશો બની ગયા છે ત્યારે તેઓ હિન્દુઓ પર અત્યાચાર ગુજારવાની એક પણ તક જતી કરવા માંગતા નથી. બાંગ્લાદેશમાં હાલ વચગાળાની સરકાર સત્તા પર છે પણ તે ક્યાં સુધી વચગાળાની જ રહેશે તે નક્કી નથી. વહીવટ અને સત્તા મુસ્લિમોના હાથમાં આવી ગયા પછી લોકોમાં અને દુનિયામાં એવી ચિંતા પેઠી છે કે બાંગ્લાદેશ શું ઇસ્લામી રાષ્ટ્ર બનવા તરફ તો જતો નથીને? ભારતીય ઉપખંડમાં અને ખાસ કરીને વિભાજનના સંદર્ભમાં જોઈએ તો ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશનો ઇતિહાસ સંયુક્ત અને સહિયારો છે. બાંગ્લાદેશ જ્યારે પાકિસ્તાનથી અલગ થયો તે પહેલા અંગ્રેજોની વિદાય પછી ત્યાંનાં સત્તાધીશોએ અને ખાસ, કરીને બાંગ્લાદેશના મુક્તિદાતા શેખ મુજીબૂર રહેમાને તેને લોકતાંત્રિક અને ધર્મનિરપેક્ષ બનાવવા અને તે દિશામાં આગળ વધવાનું નક્કી કર્યું હતું. પાકિસ્તાન જ્યારે અલગ પડયું ત્યારે એક માન્યતા હતી કે ધર્મ એ એક રાષ્ટ્રના નિર્માણમાં નક્કર આધાર બની રહ્યો છે પણ ભારતે આ વાતને ફગાવી હતી આમ છતાં તેણે બાંગ્લાદેશને માન્યતા આપી હતી. ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ એમ ત્રણેય દેશ જુદા પડયા પછી ભારત તો તેનાં ધર્મનિરપેક્ષ મુદ્દે આગળ વધ્યું અને સફળ પણ રહ્યું જ્યારે ધાર્મિક કટ્ટરવાદમાં માનતા પાકિસ્તાન અને બાંગ્લાદેશનાં રસ્તાઓ ફંટાઈ ગયા. આમાં પાકિસ્તાને ધાર્મિક કટ્ટરવાદની સાથે આતંકવાદને અપનાવ્યો જ્યારે આતંકવાદથી અત્યાર સુધી અલિપ્ત રહેલા બાંગ્લાદેશમાં હવે આતંકવાદ વકરી રહ્યો છે.


  • Follow us on: