દેશમાં મુસ્લિમ કટ્ટરવાદ વકરી રહ્યો છે જેનાં કારણે જમ્મુ અને કાશ્મીર જેવા રાજ્યોમાં આતંકવાદ પણ ફૂલીફાલી રહ્યો છે. બીજી તરફ આતંકવાદ અને મુસ્લિમ કટ્ટરવાદથી ત્રસ્ત હિંદુ સમુદાય પહેલા ચૂપ હતો પણ હવે તેવી સહનશીલતાનો અંત આવી રહ્યો છે. જેને કારણે ધાર્મિક કટ્ટરવાદનો જન્મ થયો છે.


તાજેતરમાં સંબલમાં થયેલી હિંસા જેવી ઘટનાએ લોકોની ધાર્મિક સહિષ્ણુતા સામે સવાલો સર્જ્યા છે. પહેલા રામજન્મભૂમિ પછી કાશી મથુરા અને હવે સંભલ જેવી ઘટનાઓ હિંસક સ્વરૂપ પકડી રહી છે. દેશમાં ધાર્મિક સ્થળો માટે પ્લેસિસ ઓફ વર્શિપ એક્ટ 1991 અમલમાં હોવા છતાં વિવાદ વધી રહ્યા છે. ન્યાયપાલિકાનો એક ચુકાદો કેવી રીતે સાંપ્રદાયિક તંગદિલી વધારે છે તેનું સંભલની ઘટના જીવંત ઉદાહરણ છે. સર્વોચ્ચ અદાલતે હવે આવી હિંસાની ઘટનાઓ ઘટાડવા માટે નીચલી કોર્ટોને ગાઇડલાઇન્સ જાહેર કરવાની જરૂર છે. સંભલની હિંસા પોલીસ અને સત્તાવાળાઓ માટે જટિલ-પેચીદી બની રહી છે. અહીં હિંસક ઘટના વખતે કોની ગોળીથી 4 લોકોનાં મોત થયા તે રહસ્ય ઘેરાયું છે. પોલીસ કહે છે કે કોઈ ઘર પરથી ખાનગી ગોળીબાર કરવામાં આવ્યો છે જ્યારે તોફાનીઓ આક્ષેપ કરી રહ્યા છે કે પોલીસની ગોળીથી 4 લોકો વીંધાઈ ગયા છે. ફાયરિંગ માટે કોણ જવાબદાર અને કોને સજા કરવી તે પોલીસ અને કોર્ટ માટે મુશ્કેલ બન્યું છે. કોર્ટના ચુકાદા પછી આખો મુદ્દો કાશી મથુરાની જેમ સળગી રહ્યો છે. સંભલની જામા મસ્જિદનો મુદ્દો સંવેદનશીલ બન્યો છે. જિલ્લા કોર્ટમાં એક અરજી દાખલ કરાઈ હતી જેમાં એવો દાવો કરાયો હતો કે આ સ્થળે અગાઉ મંદિર હતું. જેને 1526માં મોગલ બાદશાહ બાબરે તોડી પાડીને ત્યાં મસ્જિદ બનાવી હતી. નીચલી કોર્ટે ઉતાવળે આ કેસને દાખલ કરીને ત્યાં સરવે કરવાનો આદેશ આપ્યો છે. જેને કારણે હિંસાની આગ ભડકી ઊઠી છે. હવે દેશમાં જ્યાં જ્યાં મસ્જિદ છે ત્યાં અગાઉ મંદિર હતું કે કેમ તેનો મુદ્દો ચગતો રહેવાનો.આને કારણે હિંસા પણ ભડકતી રહેવાની તે નક્કી છે. દરેક કિસ્સામાં પ્લેસિસ ઓફ વર્સિસનો કાયદો 1991 કારગત નીવડશે કે કેમ તે શંકા છે. રામજન્મભૂમિ પછી હવે આવા મુદ્દા સમયાંતરે ઉઠતા રહેવાના તે નક્કી છે. મે 2022માં તત્કાલીન CJI ચંદ્રચૂડ દ્વારા પ્લેસિસ ઓફ વર્શિપ એક્ટની પરિભાષા બદલવામાં આવી હતી જેમાં તેમણે કહ્યું કે પૂજાસ્થળનું ધાર્મિક સ્વરૂપ બદલી શકાશે પણ ધાર્મિક સ્વરૂપની તપાસ કરવાથી કોઈ કાયદો રોકતો નથી. હવે આ પરિભાષાને ધ્યાનમાં રાખીને તમામ સ્થળે સરવે કરવાની માગણી ઊઠી રહી છે. સુપ્રીમ કોર્ટમાં 1991નાં આ કાયદાને પડકારતી અરજી હજી પેન્ડિંગ છે.


  • Follow us on: