સમાવેશી શિક્ષણ સામાજિક પરિવર્તન માટે એક શક્તિશાળી સાધન છે, શિક્ષણ દ્વારા સામાજિક માળખામાં ઉત્તરોત્તર ઊર્ધ્વગતિ થાય છે. આ પ્રકારે, સમાજના વિવિધ વર્ગો વચ્ચેની ખાઈ પૂરવા મદદ મળે છે. દૃષ્ટિક્ષતિ ધરાવતા લોકોને માનવ અધિકારોની સમાન સુગમતા દરેક સામાન્ય વ્યક્તિની જેમ હોવી જોઈએ. પ્રજ્ઞાચક્ષુઓને લેખન-વાંચન દ્વારા શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડનાર બ્રેઈલ લિપિના શોધક લૂઈ બ્રેઈલના જન્મદિવસની યાદમાં, આજે 4થી જાન્યુઆરી, વિશ્વ બ્રેઈલ દિવસ તરીકે મનાવવામાં આવે છે.
આપણે ત્યાં વિકલાંગ વ્યક્તિઓ માટે અંધ, અપંગ, ગાંડો, પાગલ, અસ્થિર મગજનો, લૂલા લંગડા, મંદબુદ્ધિ જેવા અપમાનજનક શબ્દો વપરાતા હતા. શારીરિક ખોડખાંપણ, મૂક-બધિર અને પ્રજ્ઞાચક્ષુ જેવા શબ્દો પણ વપરાતા હતા. જેને બદલે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં 27 ડિસેમ્બર 2015માં વિકલાંગને બદલે સન્માનજનક 'દિવ્યાંગજન' શબ્દ આપ્યો. જોકે, વાંકદેખા યુએનની યુનાઈટેડ નેશન્સ કમિટી ઓન ધ રાઈટ્સ ઓફ્ પર્સન્સ વિથ ડિસેબિલિટીઝ-સીઆરપીડી 'દિવ્યાંગજન' શબ્દને પણ વિવાદાસ્પદ અને 'માનસિક રીતે બીમાર' જેવા અપમાનજનક પરિભાષા જેવો જ માને છે!
દિવ્યાંગો માટેના વિશિષ્ટ શિક્ષણનો પ્રચલિત ઈતિહાસ કહે છે કે, અંગ્રેજી શાસન વ્યવસ્થામાં વર્ષ 1944માં, કેન્દ્રીય શિક્ષણ સલાહકાર બોર્ડ-સીએબીઈએ દેશના યુદ્ધોત્તર શિક્ષણ વિકાસ પર સાર્જન્ટ રિપોર્ટ નામથી એક વ્યાપક અહેવાલ પ્રકાશિત કર્યો તે મુજબ, વિકલાંગ વિદ્યાર્થીઓ માટે જરૂરી શિક્ષણ વ્યવસ્થા એ રાષ્ટ્રીય શિક્ષણ વ્યવસ્થાનો એક જરૂરી હિસ્સો હોવો જોઈએ, અને તેમને જરૂર જણાય તો વિશિષ્ટ શાળાઓમાં મોકલવા જોઈએ. સ્વતંત્ર ભારતના પ્રથમ કોઠારી શિક્ષણ પંચ 1964-66માં પણ કહ્યું કે વિકલાંગ બાળકોનું શિક્ષણ એ શિક્ષણ પદ્ધતિનું અભિન્ન અંગ હોવું જોઈએ.
અંગ્રેજો દ્વારા રચિત ઈતિહાસ મુજબ, 1880માં ઈસાઈ મિશનરીઓએ ધર્માંર્થે વિકલાંગ બાળકો માટે પ્રથમ વ્યવસ્થા શરૂ કરી. અંધ બાળકો માટે પ્રથમ શાળા 1887માં શરૂ કરવામાં આવી. મૂક-બધિર બાળકો માટે 1888માં, શારીરિક વિકલાંગ માટેનો વિચાર વીસમી સદીના મધ્યભાગમાં અને માનસિક વિકલાંગ વ્યક્તિઓ માટે પ્રથમ શાળા 1934માં સ્થપાઈ. સ્વતંત્રતા પછી વર્ષ 1951-56ની પ્રથમ પંચવર્ષીય યોજનાથી શરૂ કરી વિશિષ્ટ શિક્ષણ માટેની વર્તમાન વ્યવસ્થાઓ માટેના ઈતિહાસથી આપણે સુપરિચિત છીએ.
વિચારો કે, શું કોઈ પણ આધુનિક શિક્ષક એવું વચન આપી શકે છે કે માત્ર છ મહિનાના સમયગાળામાં તે બૌદ્ધિક અક્ષમતા ધરાવતા મૂર્ખ કહી શકાય એવા બાળકોને કુશળ નિષ્ણાતો બનાવી દેશે અને રાજકારણ જેવા આંટીઘૂંટીવાળા ગહન વિષયના વ્યવહારુ જ્ઞાનમાં પારંગત બનાવી દેશે અને જો તે તેમ ન કરી શકે તો તે પોતાનો કલંકિત ચહેરો બતાવવા પોતે જીવિત નહિ રહે એવી પ્રતિજ્ઞા લે? 'પંચતંત્ર'ના લેખક એંસી વર્ષના આચાર્ય વિષ્ણુ શર્માએ દક્ષિણ ભારતની દક્ષિણમાં એક રાજ્યની રાજધાની એવા મહિલારોપ્ય નામના શહેરમાં રાજા અમરસિંહની રાજસભામાં આ જાહેરાત કરી હતી અને તેને સાચી સાબિત કરી હતી.
રાજા અમરસિંહ તમામ કળાઓમાં નિપુણ, નમ્ર, ઉદાર, અત્યંત શક્તિશાળી અને પ્રતાપી રાજા હતા. તેઓને બહુશક્તિ, ઉગ્રશક્તિ અને અનંતશક્તિ નામના ત્રણ પુત્રો હતા, જેઓ કમનસીબે એટલા મૂર્ખ હતા કે તેઓ રાજ્યનો વારસો મેળવવાને લાયક ન હતા. આ કારણે રાજા અમરસિંહ હંમેશા ચિંતિત રહેતા હતા. વિશાળ રાજ્યના અધિપતિ હોવા છતાં અશાંત રહેતા રાજાએ તેમના મંત્રીઓને બોલાવ્યા અને તેમની ચિંતાની જાણ કરી. રાજાને દુઃખી, વ્યાકુળ અને વ્યથિત જોઈને સુમતિ નામના મંત્રીએ કહ્યું, એ સાચું છે કે શાસ્ત્રો અનંત અને અમર્યાદિત છે અને તેને શીખવા માટે વધુ સમયની જરૂર છે, પરંતુ કુંવરોને લાયક બનાવવા માટે આપણા રાજ્યમાં વિષ્ણુ શર્મા નામના વૃદ્ધ વિદ્વાન બ્રાહ્મણ છે, જે તમામ ધર્મગ્રંથો અને શાસ્ત્રોના જાણકાર છે. જો તે આ કાર્ય સ્વીકારે તો, તે ચોક્કસ રાજકુમારોને વિદ્વાન બનાવીને આપને ચિંતામુક્ત કરી શકે. રાજાએ મંત્રી સુમતિની સલાહને સ્વીકારી, આચાર્ય વિષ્ણુ શર્માને સન્માન સાથે બોલાવી, તેમનું સ્વાગત કર્યું અને પછી તેમને નમ્ર અને મધુર સ્વરે ત્રણ મૂર્ખ પુત્રોને શિક્ષિત કરવા માટે કૃપા કરવા વિનંતી કરી તેના ઇનામમાં સો ગામનો અધિકાર આપવાની વાત કરી. જવાબમાં આચાર્ય વિષ્ણુ શર્માએ કહ્યું: રાજન! મને કોઈપણ રીતે લલચાવવાનો પ્રયાસ કરશો નહીં. મારા જીવનમાં ભોગવિલાસ માટે કોઈ સ્થાન નથી અને હું અહીં મારું ભણતર વેચવા આવ્યો નથી. હા, આપની પ્રાર્થના સ્વીકારી, હું આ સભામાં ઘોષણા કરું છું કે હું ત્રણેય કુંવરોને છ મહિનામાં કુશળ રાજકારણી અને વ્યવહારિક જ્ઞાનમાં પારંગત બનાવીશ અને વચન આપું છું કે છ મહિનામાં જો હું મારા હેતુમાં સફ્ળ નહીં થઈ શકું તો હું મારું મોઢું બતાવવા માટે જીવીશ નહીં. આ જાહેરાત પછી આચાર્ય વિષ્ણુ શર્માએ રાજાને કહ્યું, 'મહારાજ! હવે તમે આજથી ગણવા માંડો અને આ વૃદ્ધ બ્રાહ્મણને છ મહિનાનો સમયગાળો આપો. પરિણામ સમયસર તમારી સામે આવશે.'
આચાર્ય વિષ્ણુ શર્માનું વચન અશક્ય હતું તે જાણતા હોવા છતાં રાજા ખૂબ જ પ્રસન્ન થયા. તેઓએ આચાર્ય વિષ્ણુ શર્માનો આભાર માની, ચિંતામુક્ત થઇ પોતાના ત્રણ પુત્રો તેમને સોંપ્યા. આચાર્ય વિષ્ણુ શર્મા રાજકુમારોને તેમની સાથે તેમના નિવાસસ્થાને લાવ્યા અને તેમના અનુકૂળ રહેવા અને ભોજનની વ્યવસ્થા કરી. ત્યારબાદ તેમણે રાજકુમારોને શિક્ષિત કરવા માટે રાજનીતિ વિજ્ઞાનના ઘણા ખ્યાતનામ વિદ્વાનોની કૃતિઓનું સંકલન કરી પાંચ-તંત્ર ગ્રંથ, પંચતંત્રની રચના કરી. પંચતંત્રની રચના કર્યા પછી આચાર્ય વિષ્ણુ શર્માએ રાજકુમારોને શીખવવાનું શરૂ કર્યું. આચાર્યજીની શિક્ષણશૈલીના કારણે રાજકુમારો પણ ખંતથી અભ્યાસ કરવા લાગ્યા, જેના પરિણામે આચાર્ય વિષ્ણુ શર્માનું વચન સાચું સાબિત થયું અને ત્રણેય રાજકુમારો છ મહિનામાં જ જ્ઞાની અને બુદ્ધિશાળી બની ગયા.
ભારતમાં અંગ્રેજો આવ્યા પછી, વર્ષ 1880માં ઈસાઈ મિશનરીઓએ ધર્માંર્થે વિકલાંગ બાળકો માટે પ્રથમ વ્યવસ્થા શરૂ કરી એ ઈતિહાસ સાચો હોય તો, હિન્દુ ધર્મની પૌરાણિક માન્યતાઓ અનુસાર, પ્રજાપતિ કશ્યપ અને વિનતાના પુત્ર અને ગરુડના મોટા ભાઈ અરુણને ભગવાન સૂર્યનારાયણના સારથિ માનવામાં આવે છે. અધૂરા મહિને જન્મેલ અરુણના શરીરનો નીચલો હિસ્સો અવિકસિત હતો છતાં પણ તેઓ કુશળ સારથિ હતા. વૈદિક યુગ, સતયુગના રાજા જનકના દરબારમાં શાસ્ત્રાર્થમાં ભાગ લેનાર અને અષ્ટાવક્ર ગીતાની ભેટ ધરનાર આઠેય અંગની અસ્થિ વિકલાંગતા ધરાવતા મુની અષ્ટાવક્રજી, મહાભારત કાળ દ્વાપર યુગના અખંડ ભારતમાં સમાવિષ્ટ હતું એવા ગાંધાર નરેશ શકુનિ, હસ્તીપુરના 'અંધ' રાજા ધૃતરાષ્ટ્ર, વર્તમાનમાં આર પી ડબલ્યુ ડી એક્ટ 2016માં કુલ 21 પ્રકારની વિકલાંગતાઓ પૈકીની એક ડવૉર્ફ્સિમ-ઠીંગણાપણું ધરાવતા ત્રેતા યુગમાં ભગવાન વિષ્ણુના પાંચમા અવતાર વામન, કળીયુગમાં તાનસેનની સાથે અકબર જેને સાંભળવા ગયા હતા તે પ્રજ્ઞાચક્ષુ સુરદાસજીનું ઔપચારિક કે અનૌપચારિક રીતે કેળવણી કે શિક્ષણ થયું તે સમય કાળ 1478-1583માં પણ વિશિષ્ટ બાળકો માટે કેળવણીની વ્યવસ્થાઓ તો હતી જ. આમ, ભારતમાં અંગ્રેજોના આગમન પછી જ દિવ્યાંગજન માટે વિશિષ્ટ શિક્ષણની શરૂઆત થઇ એવા ઇતિહાસને સુધારવો જ રહ્યો.