ભારતનાં પૂર્વ લદાખમાં ભારત અને ચીન વચ્ચે વિવાદિત પોઇન્ટ પર પેટ્રોલિંગ કરવા માટે મહત્ત્વની સમજૂતી કરવામાં આવી છે. સીમા વિવાદ ઉકેલવાની દિશામાં આ મહત્ત્વનું પગલું છે.
ચીન સાથે 40થી 42 મહિના પછી આ સમજૂતી સાધવામાં આવી છે. ત્યાં સુધી મંત્રણાનાં દરેક તબક્કે ચીન કંઈકને કંઈક અવળચંડાઈ કરતું આવ્યું છે. ભારત દ્વારા ડ્રેગનની પૂંછડી આમળ્યા પછી જ તેની સાન ઠેકાણે આવી છે. ચીન ભલે વિવાદિત પોઇન્ટ પર પેટ્રોલિંગ માટે સંમત થયું પણ જ્યાં સુધી બંને દેશોની સેના એપ્રિલ 2020ની સ્થિતિ સુધી પાછી ન ફરે ત્યાં સુધી આ કરાર પૂર્ણ થશે કે કેમ તે કહેવું મુશ્કેલ છે. ભારતે જ્યારે જ્યારે ચીન પર વિશ્વાસ કર્યો છે ત્યારે ત્યારે ચીને ભારત સાથે વિશ્વાસઘાત કરીને ભારતને પરેશાન કરવામાં કશું બાકી નથી રાખ્યું. ભારતની સીમામાં ઘૂસણખોરી કરીને પછી ભારતની જમીન પર ખોટો કબજો જમાવવો અને ભારતની જમીન પર પોતાનો માલિકી હકનો દાવો કરવો તે ચીનની મોડસ ઓપરન્ડી છે. ભારત સાથે જે કંઈ સીમા વિવાદ કે સીમા પર પેટ્રોલિંગ માટેની સમસ્યાઓ ઊભી થઈ છે તે પહેલા હતી જ નહીં. ચીને એક યા બીજી રીતે આ વિવાદ અને સમસ્યાઓ ઊભા કર્યા છે. પછી સુફિયાણા થઈને ભારત સાથે મંત્રણાનાં મેજ પર આવવાનું અને મંત્રણામાં સાથ નહીં આપવાનું નાટક શરૂ કરાય છે. મંત્રણાઓ નિષ્ફળ જાય ત્યારે દોષનો ટોપલો ભારત પર ઢોળવામાં આવે છે. ભારત અને ચીન વચ્ચે લદાખમાં વિવાદિત પોઇન્ટ પર પેટ્રોલિંગ શરૂ કરવાની સમજૂતીની સફળતા પણ પરસ્પર વિશ્વાસ પર જ ટકેલી છે. ભારતે કરારનાં અક્ષરશઃ પાલન માટે વિશ્વાસ અને વિશ્વસનીયતા પર ભાર મૂક્યો છે. ભારતનાં આર્મી ચીફે એટલે જ કહ્યું છે કે વિશ્વાસ પુનઃ સ્થાપિત કરવામાં સમય લાગશે. કારણ કે આ એક તબક્કાવાર અમલમાં મૂકવામાં આવતી પ્રોસેસ છે. ચીન ફરી આડું ન ફાટે અને અવળચંડાઈ ન કરે તેમાં જ તેની ભલાઈ છે. ચીને હવે યાદ રાખવાની જરૂર છે કે આ 1961નું ભારત નથી. ભારત સાથે સંબંધો સુધારવા હશે તો સરહદે શાંતિ અને સ્થિરતા સ્થાપવા જ પડશે. તેમાં કોઈ બાંધછોડ ચલાવી લેવા ભારત તૈયાર નથી. ચીન સમજી ગયું છે કે પીએમ મોદીનાં રાજમાં ભારત પર આખા વિશ્વની નજર છે. વૈશ્વિક સમસ્યાઓનાં ઉકેલમાં ભારતની કામિયાબી તે સારી રીતે પારખી ગયું છે. વિશ્વમાં ભારતનું કદ જે રીતે વધી રહ્યું છે તેને ધ્યાનમાં રાખીને જ તેણે આ મુદ્દે નાકલીટી તાણી છે. ચીન સાથેનાં દરેક મુદ્દા પર દરેક વ્યવહારમાં ભારત હવે ફૂંકી ફૂંકીને છાશ પીવા માગે છે અને તે જ સાચો વ્યૂહ છે.










