દેશના શેરબજારોમાં થોડા થોડા દિવસના અંતરે કંઈકને કંઈક ગેરરીતિઓ અને ગતકડાંની બૂ આવતી રહેતી હોય છે. નિયમોનું પાલન કર્યા વિના સેબી દ્વારા એક કંપનીને લિસ્ટિંગની પરવાનગી આપવામાં આવી.


આ કંપનીએ શેરના ભાવ સાથે ચેડાં કરીને ભાવમાં કૃત્રિમ વધારો કર્યો. હજારો રોકાણકારોને તેમાં લાખોનું નુકસાન થયું. સેબીના પહેલા મહિલા ચેરપર્સન માધવી પૂરી બૂચ ગયા અઠવાડિયે જ્યારે હોદ્દા પરથી નિવૃત્ત થયા ત્યારે હવે તેમની સામે તેમજ સેબી અને BSEના અન્ય 5 અધિકારીઓ સામે FIR કરવા મુંબઈની સ્પેશિયલ કોર્ટે આદેશ આપ્યા. સેબીના પૂર્વ ચેરપર્સન માધવી પૂરી બૂચ સામે તેઓ જ્યારે હોદ્દા પર હતા ત્યારે જ સ્ટોક માર્કેટ કૌભાંડ કરવાના અને ગેરરીતિઓ આચરવાના આક્ષેપો કરાયા હતા. તે વખતે સત્તાવાળાઓના પેટનું પાણી પણ ન હલ્યું અને હવે જ્યારે તેઓ નિવૃત્ત થયા ત્યારે રોકાણકારો અને કોર્ટ તેમજ સત્તાવાળાઓ સફાળા જાગ્યા છે. માધવી પૂરી બૂચ સામે હવે ભ્રષ્ટાચાર અને કૌભાંડની તપાસ કરવા ફરમાન કરવામાં આવ્યા છે. આપણા દેશમાં ઘોડા નાસી ગયા પછી તબેલાને તાળાં મારવાના આવા કિસ્સા ક્યાં સુધી ચાલતા રહેશે? મોટા મોટા હોદ્દેદારોના કૌભાંડો પર ક્યાં સુધી ઢાંકપિછોડો કરવાનું ચાલુ રહેશે? તપાસના આદેશો પછી પણ હવે કોર્ટમાં તારીખ પે તારીખનો સિલસિલો ચાલશે અને કરોડોનું નુકસાન ભોગવનાર રોકાણકારને આખરે રાતા પાણીએ રડવાનો વારો જ આવશે તે નક્કી છે. ભૂતકાળમાં હર્ષદ મહેતા કૌભાંડ, કેતન પારેખ કૌભાંડ, સી. આર, ભણસાલી કૌભાંડ, IPO ડીમેટ કૌભાંડ, વેનિશિંગ કંપનીઓ, સત્યમ કૌભાંડ, સહારા ઈન્ડિયા તેમજ સિક્યુરિટીઝ સ્કેમ જેવા કરોડોની કિંમતના કૌભાંડો થયા આ બધા કૌભાંડોમાં તપાસના નાટક કરવામાં આવ્યા પછી રોકાણકારોના હાથમાં ફૂટી કોડી આવી નથી. બધાને માથે હાથ મૂકીને રડવાનો વારો આવ્યો છે. માધવી પૂરી બૂચ અને અન્યો સામેની તપાસમાં પણ કોથળામાંથી બિલાડી જ બહાર આવવાની છે. માર્કેટમાં રોકાણકારોનો વિશ્વાસ જાળવી રાખવા નિયમોનું પાલન જરૂરી છે. માર્કેટની રખેવાળી કરવાની જેની જવાબદારી છે તેવી સેબી દ્વારા જ નિયમોનો છડેચોક ભંગ કરીને કૌભાંડો આચરવા લોકોને છૂટોદોર આપવામાં આવે તો પછી નિયમનકારની જરૂર જ શું છે? કોર્ટે તો તપાસના અને કેસ કરવાના આદેશો આપી દીધા પણ જેમની સામે કેસ થવાનો છે તેમની વિરુદ્ધ નક્કર પુરાવા રજૂ કરવા પડશે. આરોપીઓને કઠેડામાં લાવવા મજબૂત દલીલો કરવી પડશે. આ પછી કૌભાંડમાં સીધી સંડોવણી જણાશે તો જ આરોપીઓને સજા કે દંડ કરી શકાશે. કેસનો નિકાલ થશે કે ન્યાય તોળવામાં આવશે ત્યાં સુધીમાં કેટલાય રોકાણકારોનો ખો નીકળી જશે. સેબી જેવી વાડ જ જ્યારે ચીભડા ગળતી હોય ત્યારે રોકાણકારોની સલામતી કેવી રીતે રહેવાની તે પણ એક સવાલ છે.


  • Follow us on: