• એનડીએ માટે આધારસ્તંભ ચંદ્રાબાબુની આંધ્રની જીતના શિલ્પી જન સેનાના યુવા અધ્યક્ષની શાનદાર રાજકીય સફર

આ ઈલેક્શનમાં સૌથી વધુ ચર્ચા કોઈ નામની થઈ હોય તો તે છે તેલુગુ સુપરસ્ટાર પવન કલ્યાણની.. નેશનલ ડેમોક્રેટિક એલાયન્સના આ મહારથીની પાર્ટી પાસે કંઈ બહુ મોટું સંખ્યા બળ નથી, પરંતુ આંધ્રપ્રદેશમાં તેમણે ચંદ્રાબાબુ નાયડુને ફતેહ અપાવવામાં જે સિંહ ફાળો આપ્યો તે અભૂતપૂર્વ છે.

પવન કલ્યાણે આંધ્રપ્રદેશ વિધાનસભામાં પિથાપુરમ સીટથી ચૂંટણીમાં ઝંપલાવ્યું અને શાનદાર જીત હાંસલ કરી હતી. જન સેનાના અધ્યક્ષ પવન કલ્યાણે આ ચૂંટણીમાં વાય એસઆર કોંગ્રેસ પાર્ટીની હરીફ ઉમેદવાર વંગા ગીતાને 70,000 કરતાં વધુ વોટથી પરાજિત કરી હતી. ફિલ્મી દુનિયામાં અભિનયથી જાદુ ફેલાવનાર સુપરસ્ટાર પવન કલ્યાણ હવે આંધ્રપ્રદેશના નાયબ મુખ્યપ્રધાન બની ગયા છે. દેશમાં ત્રીજી વખત એનડીએની સરકાર બની ત્યારે નરેન્દ્ર મોદીએ પવન કલ્યાણ વિષે ઉલ્લેખ કરતા એમ કહ્યું કે આ પવન નહી આંધી છે.

પવન કલ્યાણની પાર્ટી જનસેનાએ બે બેઠકો પર લોકસભા ચૂંટણી લડી હતી અને બંનેમાં જીત મેળવી હતી. આંધ્રપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં પણ તેમનો પક્ષ બીજા નંબરની સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવ્યો હતો. આવી સ્થિતિમાં પવન કલ્યાણની ખૂબ ચર્ચા થઈ રહી છે અને પવન કલ્યાણ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો જાણીતા સ્ટાર છે. પવન કલ્યાણનું સાચું નામ કોનિડેલા કલ્યાણ બાબુ છે અને તેમને તેલુગુ સિનેમાના 'પાવર સ્ટાર' કહેવામાં આવે છે. તે દક્ષિણ સિનેમાના સુપરસ્ટાર ચિરંજીવીના નાના ભાઈ અને રામ ચરણના કાકા છે. તેમણે 1996મા રિલીઝ થયેલી 'અક્કડ અમ્માઈ લક્કડ'થી સિનેમેટિક કરિયરની શરૂઆત કરી હતી. તેમણે સાઉથ સિનેમાને ઘણી મોટી હિટ ફિલ્મો આપી છે. તેને 1998માં રિલીઝ થયેલી 'થોલી પ્રેમા' માટે એવોર્ડ પણ મળ્યો હતો. પવન કલ્યાણ 2 દાયકાથી વધુ સમયથી સિનેમાની દુનિયામાં છે અને પવન કલ્યાણે મોટા ભાઈ ચિરંજીવી સાથે તેમની રાજકીય સફરની શરૂઆત કરી હતી. ચિરંજીવીએ 2008માં પ્રજા રાજ્યમ પાર્ટીની સ્થાપના કરી, પરંતુ આ પાર્ટી કોંગ્રેસમાં ભળી ગઈ અને પછી પવન રાજકીય જગતમાં બહુ સક્રિય ન હતા. પવને પણ આ પાર્ટી છોડી દીધી હતી. ત્યારબાદ વર્ષ 2014માં પવને જનસેના પાર્ટીની સ્થાપના કરી પરંતુ 2014માં ચૂંટણી લડી ન હતી. વર્ષ 2019માં તેમણે આ પાર્ટી તરફથી એકલા હાથે ચૂંટણી લડી હતી અને આ ચૂંટણીમાં તેમને હારનો સામનો કરવો પડયો હતો. આ હાર પછી પણ, તેમણે 2024માં ચૂંટણીમાં ઊભા રહેવાનું નક્કી કર્યું અને જનસેના પાર્ટીની અન્ય બેઠકો પણ જીતી લીધી, પવન કલ્યાણના અંગત જીવનની વાત કરીએ તો, તેમણે ત્રણ વખત લગ્ન કર્યા છે. તેમની પહેલી પત્નીનું નામ નંદિની છે, જેની સાથે સુપરસ્ટારે 1997માં લગ્ન કર્યા હતા અને 2008માં બંને અલગ થઈ ગયા હતા. નંદિનીથી અલગ થયા બાદ પવન કલ્યાણે 2009માં રેણુ દેસાઈ સાથે લગ્ન કર્યા, પરંતુ આ લગ્ન 3 વર્ષ પણ ટકી શક્યા નહીં અને 2012માં બંનેના છૂટાછેડા થઈ ગયા. રેણુથી છૂટાછેડા બાદ પવને 2013માં અન્ના લેઝનેવા સાથે લગ્ન કર્યા હતા. તેમના બાળકો વિશે વાત કરીએ તો, તેમને તેમની પ્રથમ પત્નીથી કોઈ સંતાન નથી, જ્યારે તેમને તેમની બીજી પત્ની રેણુથી પુત્ર અકીરા અને પુત્રી આધ્યા છે. તેમને તેમની ત્રીજી પત્નીથી એક પુત્ર અને તેમની પત્ની અન્નાના પ્રથમ લગ્નથી એક પુત્રી છે, જેને તે પોતાની પુત્રી તરીકે માને છે, જે પવન કલ્યાણની ત્રીજી પત્ની અન્ના લેઝનેવા એક રશિયન મોડેલ અને અભિનેત્રી છે. બંનેની પહેલી મુલાકાત 2011માં 'તીન મા'ના શૂટિંગ દરમિયાન થઈ હતી અને પહેલી મુલાકાતથી જ તેઓ સારા મિત્રો બની ગયા હતા. 2 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ બંનેએ 2013માં લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. આ લગ્નથી 2017માં પવન કલ્યાણના પુત્રનો જન્મ થયો, જેનું નામ માર્ક શંકર પવનોવિચ છે. લેઝનેવાના પહેલા પણ લગ્ન થયા હતા. આ લગ્નથી લેઝનેવાને એક પુત્રી છે, જેને પવને દત્તક લીધી છે અને તેના ત્રણ બાળકો સાથે તે અન્નાની પુત્રીને પણ પોતાની પુત્રી તરીકે ઉછેરી રહ્યો છે.

પવન કલ્યાણ માત્ર ફિલ્મી હીરો હોવાના કારણે લોકપ્રિય નથી, આજે તેમને જે રાજકીય સફળતા મળી તેના પાછળ તેનો પ્રજાલક્ષી પરિશ્રામ પણ કેન્દ્ર સ્થાને છે. આંધ્રપ્રદેશમાં ઉદ્દાનમ વિસ્તારમાં કિડનીના રહસ્યમય રોગ વિષે સૌથી વધુ જન ઝુંબેશ તેમના દ્વારા થઇ છે.

કલ્યાણે વિરોધ પ્રદર્શન અને ભૂખ હડતાલ દ્વારા મીડિયા અને રાજકારણીઓના ધ્યાન પર ઉદ્દાનમ કિડની રોગની કટોકટી લાવી હતી. જેના કારણે આંધ્રપ્રદેશ સરકારે ડાયાલિસિસ કેન્દ્રો શરૂ કરવા પડયા હતા. નવેમ્બર 2016માં, કલ્યાણે જાહેરાત કરી કે જનસેના આંધ્રપ્રદેશમાં 2019ની સામાન્ય ચૂંટણી લડશે. તેમણે જણાવ્યું કે તેઓ આંધ્રપ્રદેશની તમામ 175 વિધાનસભામાંથી કોઈપણ જોડાણ વિના ચૂંટણી લડવાની યોજના બનાવી રહ્યા છે. તેમણે સોનાની થાળી પર ડ્રેજિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (DCI)નું ખાનગીકરણ કરવાના કેન્દ્ર સરકારના પગલાનો વિરોધ કરેલો. રાયલસીમાના દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાંથી આત્મહત્યા કરનારા અથવા સ્થળાંતર કરનારા ખેડૂતો માટે કલ્યાણે વિરોધ કૂચનું નેતૃત્વ કર્યું હતું. તેમણે TDP સરકારના લેન્ડ પૂલિંગના નિર્ણયનો વિરોધ કર્યો. કલ્યાણે રાજમુન્દ્રીમાં ઐતિહાસિક ડોવલેશ્વરમ બેરેજ પર રાજકીય જવાબદારીની માંગ સાથે કૂચ કરી. તેમણે પૂર્વ ગોદાવરી જિલ્લાના પ્રતિપડુના વંથડા ગામમાં આરક્ષિત જંગલ વિસ્તારમાં કથિત અનચેકેડ ખાણકામનો પર્દાફાશ કર્યો હતો.

ફિલ્મી બેક ગ્રાઉન્ડમાંથી ઘણા સિતારા રાજનીતિમાં આવે છે તે બહુ જલદી ચમકે છે, પરંતુ સમાજલક્ષી પ્રવૃત્તિના અભાવે તે બહુ જલદી ચમક ગુમાવે છે પરંતુ પવન કલ્યાણે રાજકીય સફળતા પહેલા જનતાની વચ્ચે રહી ભારે પુરુષાર્થ કર્યો છે એટલે જ વડા પ્રધાને કહ્યું કે આ પવન નહી આંધી છે.


  • Follow us on: