MSME એટલે કે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો આજે આપણા દેશમાં વધુ મહત્વપૂર્ણ થતા જાય છે અને દેશના આર્થિક વિકાસ અને GDPમાં મહત્વનો ફળો આપે છે.
એક સર્વેક્ષણ અનુસાર તેઓ GDPમાં 30% જેટલો ફળો આપે છે, 45% જેટલું ઉત્પાદન તેઓ કરે છે અને સાથે સાથે તેઓ 11 કરોડથી વધુ લોકોને રોજગાર પૂરો પડે છે અને સહુથી અગત્યનું નિકાસમાં તેમની 40% જેટલી હિસ્સેદારી છે. ભારતીય MSME વૈશ્વિક મંચ પર વધુને વધુ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે, તેની ચપળતા, નવીનતા અને વિવિધતા સાથે, જેને હજુ પણ લાંબી મજલ કાપવાની છે. હા વૈશ્વિક બજારોમાં હજુ પણ તેઓ વધુ સારું કરી શકે છે અને તે માટે વિવિધ સરકારી યોજનો વગેરે આવે છે પરંતુ બીજી બાજુ અગત્યની વાત એ છે કે એક કંપની કે વ્યવસાયિક તરીકે તમે તેના માટે તૈયાર છો ? સ્થાનિક બજારથી આંતરરાષ્ટ્રીય બજારોને સર કરવા ? એવી કઈ બાબતોનું ધ્યાન રાખવું અને કયા ક્ષેત્રે તૈયાર રહેવું કે જેનાથી એક સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગિક એકમ પણ આંતરરાષ્ટ્રીએ સ્તરે પોતાનો ધંધો વ્યવસાય વિસ્તરી શકે અને ફયદાઓ લઇ શકે?
થોડા દાયકા પહેલા, ઊંચા ખર્ચ અને સમયની મર્યાદાઓને કારણે ફ્ક્ત મોટી કંપનીઓ જ વૈશ્વિક સ્તરે જઈ શકતી હતી. ઘણા નાના વ્યવસાયોને મૂળભૂત નિકાસ ઉપરાંત કોઈપણ પ્રકારના વૈશ્વિક વ્યવસાયમાં જોડાવાનું ખૂબ ખર્ચાળ અને સમય માંગી લેતું લાગ્યું. આજે, નાના વ્યવસાયો ડિજિટલ અથવા ભૌતિક રીતે સ્પર્ધા કરી શકે છે, જોકે પડકારો ઘણા બધા અને નોંધપાત્ર છે. દેશો વધુને વધુ બહુસાંસ્કૃતિક બની રહ્યા છે, અને એક દેશમાં વિકસિત ઉત્પાદનો અને સેવાઓને અન્ય દેશોમાં ઉત્સાહપૂર્વક સ્વીકૃતિ મળી રહી છે.
સહુ પ્રથમ જો પડકારોની વાત કરીએ તો નાના કે માધ્યમ એકમોને આંતરરાષ્ટ્રીય બજારોમાં તેમના ઉત્પાદનની ગુણવત્તાનો કોઈ મોટો પ્રશ્ન આવતો નથી, ઘણીવાર તો મોટી કંપનીઓ તેમની પાસેથી જ ખરીદીને તેની આગળ નિકાસ કરતી હોય છે. જો તમારા ઉત્પાદનોની ગુણવત્તામાં કોઈ ક્ષતિ નથી તો પછી જાતે નિકાસ કરવામાં મુશ્કેલી શું છે ? સહુપ્રથમ તો જટિલ નિકાસ પ્રક્રિયા અને ડિજિટલ કે ઓનલાઇન કરવાની કાર્યવાહીમાં તેઓ પાછા પડે છે અથવા તેનાથી દૂર રહે છે. બીજા બાજુ તેમને આંતરરાષ્ટ્રીય બજારો વિષે ઓછું જ્ઞાન હોય છે જેમ કે કયા પ્રદેશ માં કઈ પ્રકારની વસ્તુઓની માંગ રહેશે કે કોઈ ચોક્કસ ખાસ ફેરફર કરીને કોઈ દેશમાં વસ્તુ મોકલવી પડશે વગેરે માહિતી કે સંશોધનનો તેની પાસે અભાવ હોય છે. મર્યાદિત ક્રેડિટ યોગ્યતા અને નાણાકીય સહાયને કારણે નાના એકમો નિકાસ કામગીરી માટે ભંડોળ મેળવવા માટે વારંવાર સંઘર્ષ કરે છે. નાના એકમો પાસે પોતાના સ્તરે કોઈ મોટું આંતરરાષ્ટ્રીય નેટવર્ક નથી હોતું અને તેથી આંતરરાષ્ટ્રીય ખરીદદારો, સપ્લાયર્સ અને ભાગીદારો સાથે જોડાણો બનાવવા પડકારજનક છે અને સતત આંતરરાષ્ટ્રીય વેપાર કરવો એક બીજો પડકાર બની રહે છે. આ બધા પડકારો અલગ અલગ એકમો માટે જુદા જુદા હોઈ શકે આ પડકારોને વ્યાખ્યાયિત કરવા જરૂરી છે કે જેથી તેના સચોટ ઉકેલ પાર કામ કરી શકાય. MSME માટે આંતરરાષ્ટ્રીય બજારમાં તકોનો લાભ લેવા માટે, ભારતીય વ્યવસાયો કયા પગલાં લઇ શકે ?
ડિજિટલ પરિવર્તન : ઈકોમર્સ પ્લૅટએફોર્મ્સ (દા.ત., એમેઝોન, અલીબાબા અને ફ્લિપકાર્ટ) માં MSME તેમના ઉત્પાદનોને વૈશ્વિક સ્તરે પ્રદર્શિત કરે છે. તેઓ સોશિયલ મીડિયા માર્કેટિંગ, સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન અને ઓનલાઈન જાહેરાતોની મદદથી તેમની પહોંચ અને છબીમાં વધુ સુધારો કરે છે. તદુપરાંત વિવિધ ડિજિટલ માધ્યમો દ્વારા ફેરેક્સનો વિનિમય અને ઓનલાઈને બેન્કિંગ પણ સુવિધા પૂરી પાડે છે. નિકાસને લગતા દસ્તાવેજીકરણ અને બીજા કૉમ્યૂનિકેશન પણ ડિજિટલ માધ્યમમાં વધુ સરળ અને અસરકારક બની રહે છે. આ તમામ ક્ષેત્ર આગળ વધવા નાના એકમોએ ડિજિટલ પરિવર્તન માટે તૈયાર રહેવું જોઈશે અને તે માટે જરૂરી માળખું ઊભું કરવું પડશે.
સરકારી સહાય : સરકાર દ્વારા મળતી સહાય અને બીજી યોજનાઓની માહિતી મેળવવી પડશે અને તેના લાભો મેળવવાની પ્રક્રિયા અને સંલગ્ન નિયમો અને શરતો બાબતે સજાગ રહીને પોતાની વ્યૂહરચના અને બજેટ બનાવો. એકલદોકલ એકમને આ સહાય યોજનાઓ વિષે માહિતી તો ના પણ હોય ત્યારે વેપારી સંગઠનો દ્વારા પણ બધા માટે તે માહિતી પૂરી પાડી શકાય અને જરૂર પડે તો તે વિષયે જાગૃતિ અને સમજ આપવા માટે વિવિધ ચર્ચાસત્રો પણ યોજી શકાય. તાજેતરમાં શરૂ કરાયેલી 'નિર્યાત બંધુ યોજના'નો હેતુ નિકાસ પ્રક્રિયાઓ અને બજાર વ્યૂહરચનાઓ માટે MSMEs ને માર્ગદર્શન આપવાનો છે.
નેટવર્કિંગ અને ટ્રેડ ફેર : આંતરરાષ્ટ્રીય ટ્રેડ ફેર અને એક્સ્પો એ નાના એકમો માટે ખરીદદારોના સંપર્કમાં આવવા, નેટવર્ક બનાવવા, જોડાણો કરવા અને વૈશ્વિક બજારમાં વલણો મેળવવા માટે એક પ્લેટફેર્મ છે. ઇન્ડિયા ઇન્ટરનેશનલ ટ્રેડ ફેર (IITF) જેવા ટ્રેડ ફેર તમને ઉત્પાદનો પ્રદર્શિત કરીને નેટવર્ક બનાવવાની તક પૂરી પાડે છે.
કૌશલ્ય અને તાલીમઃ મોટી કંપનીની સરખામણીએ નાના એકમોના કર્મચારીઓને એક નિયમબદ્ધ કે આંતરરાષ્ટ્રીય સ્વીકૃત ધારાધોરણો પ્રમાણેની તાલીમ આપવાની જરૂર છે કે જેથી તેઓ પણ આંતરરાષ્ટ્રીય ધોરણો પ્રમાણે કામ કરે અને તે બાબતોની પણ નોંધ લેવાય અને નાના એકમો પણ કર્મચારીઓને તાલીમ કે કૌશલ્યોના અભાવના કારણે સ્પર્ધામાં પાછા ના પાડે. આ માટે નિષ્ણાતો મદદ લઈને વિવિધ સંસ્થાઓ કે ઉદ્યોગિક સંગઠનોએ આગળ આવવું પડશે.
ઉત્પાદન નવીનતાઃ ઇનોવેશન એટલે કે નવીનતા આજના જમાનાની સહુથી મોટી જરૂરિયાત છે. જો તમે જે દેશના બજારમાં તમારા ઉત્પાદનો રજૂ કરવા માંગો છો ત્યાંના પ્રશ્નો અને જરૂરિયાતો સમજીને તેને અનુરૂપ ઉત્પાદન અને તે પણ નવીનતાસભર રજૂ કરી શકશો તો ચોક્કસ તે બજારમાં હિસ્સો મળવામાં અને ઓળખ ઊભી કરવામાં વાર નહિ લાગે.
ભારતીય MSME માટે, ડિજિટલ પરિવર્તનનો ઉપયોગ કરીને, વૈશ્વિક વેપાર નેટવર્કમાં ભાગ લઈને અને બજારના વલણોથી વાકેફ્ રહીને નિર્ણાયક રીતે કાર્ય કરવાનો નિર્ણય લેવાનો છે. ભારતીય MSME દ્વારા અપનાવવામાં આવેલ દૂરંદેશી અભિગમ તેમને માત્ર વૈશ્વિક બજારમાં સ્થાન મેળવવા માટે સક્ષમ બનાવે છે, પરંતુ આર્થિક વિકાસ અને તેની વૈશ્વિક સ્થિતિ માટે પણ મોટો ફળો આપે છે.