નેપાળનાં પશુપતિનાથથી લઈને આંધ્રપ્રદેશના તિરુપતિ સુધી લાલ આતંક છવાયેલો છે. જો કે કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા 3-4 વર્ષમાં છત્તીસગઢ, ઓડિશા, ઝારખંડ તેમજ અન્ય વિસ્તારોમાંથી નક્સલીઓનો સફાયો કરવામાં આવી રહ્યો છે.


નક્સલીઓના કેડર બેઝ કમાન્ડરોનો ખાતમો બોલાવીને સરકારે નક્સલીઓની કમર તોડી નાંખી છે. નક્સલીઓના છક્કા છૂટી રહ્યા છે પણ કોઈપણ ભોગે તેઓ હથિયારો છોડવા તૈયાર નથી. સરકારે નક્સલીઓને હથિયારો છોડીને કોઈપણ શરત વિના મંત્રણાના મેજ પર હાજર થવા આમંત્રણ આપ્યું છે પણ નક્સલીઓ માટે સિંદરી બળે પણ વળ ન છૂટે જેવો ઘાટ થયો છે. સરકાર તેમની શરણાગતિ સ્વીકારીને તેમના માટે નોકરીની તેમજ પરિવારના જતનની જવાબદારી લેવા તૈયાર છે પણ નક્સલીઓને હજી ઝનૂન છોડવું નથી. છેલ્લા 10 વર્ષમાં 7,500 જેટલા નક્સલીઓ સરન્ડર થયા છે. સરકાર તેમનાં પુનઃ વસન માટે પગલાં લઈ રહી છે. તેમનાં પરિવાર માટે કલ્યાણકારી યોજનાઓના લાભ આપવામાં આવી રહ્યા છે. શરણે આવેલા નક્સલીઓ પૈકી અનેક લોકો પોલીસમાં જોડાયા છે તો કેટલાક ફોરેસ્ટ ગાર્ડ તરીકે નોકરી આપવામાં આવી છે. પીએમ મોદીનાં નેતૃત્વમાં સરકાર દ્વારા નક્સલીઓનો સફાયો કરવા અને તેમનું પુનઃ વસન કરવા માટે ચાર પાંખિયો વ્યૂહ અપનાવવામાં આવ્યો છે. છત્તીસગઢ અને ઓડિશા તેમજ ઝારખંડની સરકારો નક્સલીઓ સાથે બિનશરતી વાતચીત કરવા તૈયાર છે. કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહે પણ નક્સલીઓને શસ્ત્રો છોડવા અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે કોઈ નક્સલીનું મૃત્યુ થાય ત્યારે કોઈને આનંદ નથી થતો. તેમનાં કલ્યાણની અને સુરક્ષાની તમામ જવાબદારી લેવા સરકાર તૈયાર છે પણ નક્સલીઓને હજી શાંતિના પાઠ ભણવાનું મગજમાં ઉતરતું નથી. તેઓ સમાજના મુખ્ય પ્રવાહમાં ભળવા તૈયાર નથી. કેન્દ્ર સરકારે દેશને નક્સલ મુક્ત કરવા 31 માર્ચ 2026ની ડેડલાઇન નક્કી કરી છે પણ જે રીતે નક્સલીઓને નાબૂદ કરવા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે તે જોતા આ ડેડલાઇન પહેલા દેશ નક્સલીઓથી મુક્ત થઈ શકે છે. નક્સલીઓના ગઢ સમાન તમામ વિસ્તારોને સુરક્ષાદળોથી ઘેરીને સરકાર તેમનાં ગઢના કાંગરા ખેરવી રહી છે. છેલ્લા એક વર્ષમાં દેશના 12 નક્સલગ્રસ્ત વિસ્તારોની સંખ્યા ઘટીને 6 જિલ્લાની થઈ ગઈ છે. 6 જિલ્લામાં નક્સલીઓનો કચ્ચરઘાણ કાઢવામાં આવ્યો છે. નિર્દોષોનું લોહી વહાવતા નક્સલીઓ પ્રત્યે સરકાર કોઈ દયા યાચના દાખવવાના મૂડમાં નથી. નક્સલીઓએ હવે સમજી જવાની જરૂર છે. તેમનાં જૂના પુરાણા શસ્ત્રો કે જૂની ગોરિલા યુદ્ધની પદ્ધતિ હવે તેમને સરકાર સામેનો જંગ જીતાડી શકે તેમ નથી. આખી જિંદગી રઝળપાટ કર્યા વિના સરકારને શરણે થઈને તેની કલ્યાણકારી યોજનાના લાભ લેવામાં જ તેમની અને તેમનાં પરિવારની ભલાઈ છે.


  • Follow us on: