• પ્રાસંગિક : આ રાષ્ટ્રીય કક્ષાની ખૂબ મહત્ત્વની પરીક્ષાની પવિત્રતા અને વિશ્વસનીયતા જોખમાઇ છે

મેડિકલ કોલેજમાં પ્રવેશ માટે લેવામાં આવતી પરીક્ષા NEET - 2024 આ વર્ષે વિવાદનું કેન્દ્ર બની છે. નીટનું તાજેતરમાં જાહેર થયેલા પરિણામમાં અનેક વિવાદો, બેદરકારી અને પેપર લીકના પ્રશ્નો ઊભા થયા છે.

જે પરીક્ષામાં 23 લાખથી વધુ વિદ્યાર્થીઓ મેડિકલ કોલેજમાં પ્રવેશ માટે નસીબ અજમાવવાના હોય તેવી પરીક્ષાના પેપર લીક થાય...આડેધડ ગ્રેસ માર્કસ આપવામાં આવે...એટલું જ નહીં નીટના ફોર્મ ભરવા માટે છેલ્લી તારીખ પછી એક દિવસ માટે ફોર્મ ભરવા લિંક ઓપન કરવામાં આવે...આ બધા પ્રશ્નો અને કારણોને લીધે લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓને આંચકો લાગ્યો છે. પરીક્ષા વ્યવસ્થા ઉપર શંકા ઊભી થઈ છે. ભરોસો તૂટી ગયો છે.

 દેશભરમાં અંદાજે એક લાખ મેડિકલ રિઝર્વેશન માટેની બેઠકો ઉપર પ્રવેશ લેવા માટે 23 લાખથી વધુ વિદ્યાર્થીઓએ 5મી મે 2024ના રોજ પરીક્ષા આપી હતી. ગત 4 જૂન 2024 ના રોજ NEET - 2024નું પરિણામ જાહેર થયું છે. લોકોમાં આ રાષ્ટ્રીય લેવલે લેવામાં આવતી પરીક્ષા વ્યવસ્થા સામે જ પ્રશ્નો ઊભા થયા છે. જાણે વિશ્વાસની દૃષ્ટિએ પરીક્ષા વ્યવસ્થા જ નાપાસ થઈ છે. ગુજરાત સહિત રાષ્ટ્રભરમાં નીટ પરીક્ષા અને પરિણામ મામલે ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. બિહાર અને ગુજરાતમાં પેપર લીક અને પરીક્ષામાં પાસ કરાવનારા એજન્ટો સામે પોલીસ ફ્રિયાદ દાખલ થઈ છે. આરોપીઓની ધરપકડ પણ થઈ છે. છેવટે કેન્દ્રએ નેશનલ ટેસ્ટ એજન્સી (NTA) ના ચીફ્ સુબોધ કુમાર સિંહાને બરતરફ્ કર્યા છે.

મેડિકલ કોલેજમાં MBBS, BDS તથા આરોગ્યને લગતા અભ્યાસક્રમોમાં (અન્ડરગ્રેજ્યુએટ) પ્રવેશ માટે સમગ્ર ભારતમાં એક પરીક્ષા નીટ લેવામાં આવે છે. નીટ એટલે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ..(NEET) વર્ષો પહેલા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની બોર્ડ પરીક્ષાના પરિણામના આધારે પ્રવેશ આપવામાં આવતો હતો. પ્રવેશ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ન્યાયી બનાવવા માટે રાષ્ટ્રીય સ્તરે એન્ટ્રન્સ ટેસ્ટ લેવાની શરૂ કરવામાં આવી હતી. 2016માં કેન્દ્ર સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા નેશનલ ટેસ્ટ એજન્સી (NTA)ની રચના કરવામાં આવી છે. 2019 થી સમગ્ર દેશમાં નીટની પરીક્ષા NTA દ્વારા લેવામાં આવે છે. 2024 માં લેવાયેલી પરીક્ષામાં 23.33 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ પરીક્ષા સ્ઝ્રઊ પ્રકારની હોય છે. ચાર વિષયોમાં દરેકમાં 50 પ્રશ્નો પૂછવામાં આવે છે. તેમાંથી 45 પ્રશ્નોના જવાબ આપવાના હોય છે. જો જવાબ ખરો પડે તો ચાર ગુણ મળે અને જવાબ ખોટો હોય તો એક ગુણ કાપવાનો હોય છે. એટલે જો ચાર પેપરના દરેકના 45 પ્રશ્નો ગણીએ તો કુલ 180 પ્રશ્નોના જવાબ આપવાના હોય છે. દરેક પ્રશ્નનો જવાબ ખરો આપે તો વિદ્યાર્થીને (180હ4) = 720 ગુણ મહત્તમ મળી શકે છે.

ઇન્ફેર્મેશન ટેકનોલોજીના યુગમાં આવું કેમ થાય છે ? સામાન્ય લોકોના મનના આક્રોશને કોઈ જવાબ મળતો નથી. કારકિર્દી માટે ખૂબ અગત્યની NEET પરીક્ષામાં આવું થવું જ ન જોઈએ. આ બાબતની ગંભીરતા પણ દેખાતી નથી. આવી ઘટનાઓ પુનઃ નહીં બને તેની કોઈ ખાતરી જણાતી નથી. હજુ મેડિકલ પ્રવેશ માટે યોગ્ય ન્યાયી પ્રક્રિયા થશે તે માટે લોકોમાં ભરોસો બેસાડવો પડે તેમ છે.

ગુજરાતના ગોધરામાં નીટની પરીક્ષામાં ચોરી કરાવવા કે પરીક્ષામાં વધુ ગુણ અપાવવાનું કરોડો રૂપિયાનું કૌભાંડ ઝડપાયું છે. ગોધરામાં આવેલી એક સ્કૂલમાં નીટની પરીક્ષા પહેલા જ ગેરરીતિ કરાવવાનું મોટું ષડ્યંત્ર ઝડપાયું છે. પોલીસ તપાસમાં 16 વિદ્યાર્થીઓના નામ બહાર આવ્યા હતા. તેમાં ત્રણ વિદ્યાર્થીઓએ પાસ થવા કોરા ચેક આપેલા હતા. તે ઝડપાયા છે. 2023 માં 4 વિદ્યાર્થીઓએ 66 લાખ જમા કરાવ્યા હતા. અને સાત વિદ્યાર્થીઓએ 2.82 કરોડના ચેક આપ્યાના ખુલાસા થયા છે. પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ પણ કરી છે. એટલું જ નહીં આ ગોધરા કેન્દ્રમાં 11 વિદ્યાર્થીઓ રાજ્ય બહારના હોવાનું જાણવા મળેલ છે. આ ગંભીર બાબત છે. આનો અર્થ એવો થયો કે, પરીક્ષામાં ચોરી કરાવવા માટે ગોધરા કેન્દ્ર રાખવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓને નીટમાં પાસ કરાવવા માટે વિદ્યાર્થી દીઠ 10 લાખ રૂપિયા લેવાયાનું બહાર આવ્યું છે. પોલીસે બે કરોડથી વધુ રકમ અને ચેક કબજે લીધા છે. આ ઘટનાની ગંભીરતા કોઈને જણાતી નથી. કોર્ટે બહુ ગંભીરતા સાથે નોંધ્યું છે કે, આ એક ઉમદા વ્યવસાયની પ્રવેશ પરીક્ષામાં આ રીતે ગેરરીતિ કરવી તે ક્યારેય માફ્ કરી શકાય નહીં તેવી પ્રવૃત્તિ છે.

પરીક્ષા વિવાદમાં સૌથી મોટો મુદ્દો પેપર લીક અને તે મુદ્દે થયેલી જંગી રકમની લેવડ-દેવડનો છે. બિહાર પટના અત્યાર સુધીની પોલીસ તપાસમાં ધરપકડ કરેલ ચાર ઉમેદવારોને પૂછપરછમાં જાણવા મળ્યું તે પ્રમાણે પરીક્ષાના ચાર કલાક પહેલા તેમને પ્રશ્નપત્ર અને ઉત્તર મળ્યા હતા. ઉમેદવારોને એક સ્કૂલમાં જવાબો ગોખવવામાં આવ્યા હતા. બિહારમાં પોલીસે અત્યાર સુધીમાં 13 આરોપીઓની ધરપકડ કરી છે. તેમ છતાં NTA આ બાબતે ગેરરીતિનો સ્વીકાર કરતી નથી. નીટ પરીક્ષા 2024 માં ફોર્મ ભરવાની મુદત 16મી માર્ચ 2024 ના રોજ પૂરી થઈ હતી તો ત્યાર પછી 9મી એપ્રિલે એક દિવસ માટે ફોર્મ ભરવા વિન્ડો શા માટે ખોલવામાં આવી હતી. તેમાં કેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો હતો. તેમાંથી કેટલા ક્વોલિફઇ થયા ? વગેરે ઘણા પ્રશ્નોનો જવાબ હજુ મળતો નથી. ઝારખંડના હજારીબાગમાં આવેલા જે કેન્દ્રમાંથી પેપર લીક થયું હોવાની શક્યતા છે તે કેન્દ્ર પર પરીક્ષા આપનાર આઠ વિદ્યાર્થીઓને 720માંથી 720 માર્ક્સ મળ્યા છે. જે મોટો કૌભાંડ હોવાની શંકા મજબૂત કરે છે. તેમ છતાં NTA ને આમાં કોઈ ગેરરીતી દેખાતી નથી. પરીક્ષા માટે ફ્ેરવિચારણા કરવાની પણ માંગ ઊઠી છે. પરીક્ષાના પરિણામમાં અવાસ્તવિકતા પણ ખુલ્લી દેખાય છે. આ નીટની પરીક્ષામાં 720 ગુણમાંથી પૂરેપૂરા 720 ગુણ મેળવનારા અધધ 67 વિદ્યાર્થીઓ છે. 2021માં પ્રથમ રેન્ક ત્રણ વિદ્યાર્થીઓ હતા. 2022માં ચાર વિદ્યાર્થીઓ અને 2023માં પ્રથમ રેન્ક મેળવનારા માત્ર બે વિદ્યાર્થીઓ હતા. તો 2024માં 67 વિદ્યાર્થીઓ પૂરેપૂરા 720 ગુણ મેળવી પ્રથમ રેન્ક કેમ મેળવી શકે ? તે 23 લાખ વિદ્યાર્થીઓ અને વાલીઓના મનમાં પ્રશ્ન છે...હવે લોકોને ભરોસો કેમ રહે? 67 માંથી 50 ટોપરે ગ્રેસ માર્કસ મેળવેલ છે.

 સમય વેડફયો હતો તે કારણોસર 1563 વિદ્યાર્થીઓને ગ્રેસ માર્કસ આપવામાં આવ્યા હતા. આ ષડ્યંત્ર મામલે સુપ્રીમ કોર્ટની ફ્ટકાર પડતા હવે 1563 વિદ્યાર્થીઓના ગ્રેસ ગુણ રદ કરવામાં આવ્યા છે. તેને કારણે 720 ગુણ સાથે પ્રથમ રેન્કમાંથી 6 ઘટશે અને ટોપ 100માંથી દૂર થશે. આ વર્ષે 23, 23,297 વિદ્યાર્થીઓએ નીટની પરીક્ષા આપી હતી. તેમાંથી 13,16,268 ક્વોલીફઈ થયા હતા. હવે ગ્રેસ ગુણ રદ થતાં 790 વિદ્યાર્થીઓ તેમાંથી ઓછા થશે. આ ઘટના સામાન્ય ન ગણવી જોઈએ. હવે 1563 વિદ્યાર્થીઓએ ફ્રી પરીક્ષા આપવી હોય તો તેને તક આપવામાં આવી છે. આ મામલે પણ દેશભરમાં વિરોધ ચાલુ છે. ત્યાં એક બીજી ઘટના સામે આવી છે. ગત 18મી જૂને લેવાયેલી યુજીસી નેટની 11 લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી છે. તે પરીક્ષા એકાએક રદ કરવી પડી છે. પરીક્ષામાં ગેરરીતિ જણાતા સીબીઆઈને તપાસ પણ સોંપવામાં આવી છે. રાષ્ટ્રીય લેવલની અને ખૂબ મહત્ત્વની ગણાતી નીટ અને હવે નેટ પરીક્ષા મામલે નેશનલ ટેસ્ટ એજન્સી - NTA ની વ્યવસ્થા સામે જ અવિશ્વાસ ઊભો થયો છે. લાખો લોકોની કારકિર્દી ઘડતરનો પ્રશ્ન હોય ત્યાં આવી પરીક્ષામાં છબરડા તંત્ર માટે શરમજનક છે. પરીક્ષા લેનાર જ નાપાસ થાય ત્યાં પારદર્શકતા અને ન્યાય જણાતા નથી. તે રાષ્ટ્ર માટે ગંભીર બાબત છે.

કાનમાં કહું...

પરીક્ષાના પેપર લીક થાય ત્યારે,

વ્યવસ્થા તંત્રની નિષ્ઠા પણ લીક થાય છે...


  • Follow us on: