અમેરિકાના પ્રમુખ તરીકે સત્તા સંભાળ્યા પછી ટ્રમ્પ જરા વધારે પડતા આકરાં બની રહ્યા છે. ચૂંટણી પ્રચાર વખતે તેમના મગજમાં ઘૂમરી ખાતો ટેરિફનો નશો હજી ઊતર્યો નથી. તેઓ ભારત સહિત તમામ દેશ પર ટેરિફ લાદવાની ધમકીઓ આપી રહ્યા છે. કેનેડા, મેક્સિકો, ચીન તેમજ યુરોપ અને બ્રિક્સના દેશો તેમનો ટાર્ગેટ છે.


કેનેડા અને મેક્સિકો તેમજ ચીન પર 25 ટકા ટેરિફ લાગુ કરવામાં આવ્યા પછી તેમણે ફેરવી તોળ્યું છે અને કેનેડા તેમજ મેક્સિકો પરની ટેરિફનો અમલ એક મહિના માટે મુલતવી રાખ્યો છે. અમેરિકાને જે દેશો સાથે દ્વિપક્ષીય વેપારી સંબંધો છે તેવા તમામ દેશોને તેઓ એક જ ત્રાજવે તોલી રહ્યા છે. તેઓ કોઈપણ ભોગે અમેરિકાનો વેપાર સંતુલિત કરવા માંગે છે. ટ્રમ્પને ખબર નથી કે તેમની ટેરિફની ધમકીઓની ભારતને નજીવી અસર જ થશે. ભારતનો અમેરિકા સાથેનો દ્વિપક્ષીય વેપાર હાલ સરપ્લસ છે એટલે કે ભારત અમેરિકામાં વધારે મૂલ્યની ચીજવસ્તુઓની નિકાસ કરે છે જ્યારે અમેરિકાથી કરવામાં આવતી આયાતનું મૂલ્યના સંદર્ભમાં પ્રમાણ ઓછું છે. ભારત મોટાભાગે સર્વિસિસની નિકાસ કરે છે જેને ટ્રમ્પ હજી સુધી સ્પર્શ્યા નથી. ભારતનું પોતાનું એક આગવું બજાર છે. ભારતના તમામ બજારો પોતાની સ્વદેશી માંગ પર ટકી રહ્યા છે તેને વિદેશમાંથી થોડીઘણી ચીજોની જ આયાત કરવી પડે છે. અમેરિકા પાસેથી ભારત મોટાપાયે શસ્ત્રો ખરીદે છે. આ સિવાય ક્રૂડ ઓઈલ અને અન્ય ચીજવસ્તુઓ ખરીદે છે. આમ ટ્રમ્પ ટેરિફની ભારતને ધારણા કરતા ઘણી ઓછી અસર થશે. ટ્રમ્પે એવો આક્ષેપ કર્યો છે કે ભારત અમેરિકાની ચીજો પર સૌથી વધારેમાં વધારે 70 ટકા જેટલી ટેરિફ લાદતો દેશ છે. હકીકતમાં કોઈપણ દેશ તેનાં પોતાના હિતો પહેલા જુએ તો તેમાં ખોટું શું છે? જો ટ્રમ્પ અમેરિકાના હિતો અને અમેરિકા ફર્સ્ટનું પાલન કરતા હોય તો ભારત તેના પોતાના બજારો અને વેપારના રક્ષણ માટે અમેરિકા કે અન્ય કોઈ દેશો પર વધારે ટેરિફ લાદે તો તેમાં કશું ખોટું નથી. ભૂતકાળમાં ભારતે પોખરણમાં અણુધડાકો કર્યો તે પછી પણ અમેરિકા સહિત કેટલાક દેશોએ ભારત પર પ્રતિબંધો લાદ્યા હતા આમ છતાં તેની ભારત પર કોઈ મોટી અસર જોવા મળી ન હતી. અત્યારે ભારત અનેક બાબતોમાં આત્મનિર્ભર છે. સ્વાવલંબી છે. પોતાની જરૂરિયાતો સંતોષવાની ક્ષમતા તેણે કેળવી લીધી છે ટ્રમ્પે યાદ રાખવું જોઈએ કે ભારત હવે પહેલાનું ભારત રહ્યું નથી. તે હવે કોઈનું ઓશિયાળું થઈને રહેવા માંગતું નથી. લગભગ તમામ ક્ષેત્રોમાં તેણે આત્મનિર્ભરતા હાંસલ કરી લીધી છે. ટ્રમ્પ જે રેસિપ્રોકલ ટેરિફની વાત કરી રહ્યા છે તેના અમલથી સરવાળે તો અમેરિકાને જ નુકસાન થવાનું છે.


  • Follow us on: