કેન્દ્રિય કેબિનેટે વન નેશન, વન ઈલેક્શન માટે બનાવેલી કમિટીની તમામ ભલામણો મંજૂર કરી લીધી છે.
હવે આગામી પાંચ વર્ષમાં દેશમાં એકસાથે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ યોજવાના મુદ્દે સરકારે કમર કસી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જ્યારે આ જાહેરાત કરી છે ત્યારે દેશભરના રાજકીય દળોમાં તોફાન મચી ગયું છે. ખાસ કરીને કોંગ્રેસ ડાબેરી પક્ષો અસરુદ્દીન ઔવેસી, આરજેડી, આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી હરકતમાં આવી ગઈ છે અને એકસાથે સરકારની ચૂંટણી યોજવા અંગેની આ પ્રક્રિયાનો વિરોધ કર્યો છે.
આપણા દેશમાં સૌથી મોટી અચરજભરી બાબત એ છે કે, સરકાર જ્યારે કોઈપણ રચનાત્મક સુધારા કરવા તરફ આગળ વધતી હોય ત્યારે જાણે પોતાનું કામ સરકારનો વિરોધ કરવાનું જ હોય તેવું ધારીને વિપક્ષો સરકારના દરેક નિર્ણનો વિરોધ કરતા હોય છે. વન નેશન, વન ઈલેક્શનના મુદ્દે પણ અગ્રણી વિપક્ષોએ સરકારના આ સુધારાનો વિરોધ કરે છે. જોકે દેશમાં એકસાથે ચૂંટણીઓ કરાવવા માટે બનાવેલી કમિટીએ આ મુદ્દે દેશના 47 રાજકીય પક્ષોનો અભિપ્રાય મેળવ્યો હતો. તેમાંથી 32 રાજકીય પક્ષો વન નેશન, વન ઇલેક્શનના સમર્થનમાં હતા. જ્યારે 15 રાજકીય પક્ષો આ સુધારાના વિરોધમાં હતા. વિરોધ કરનાર રાજકીય પક્ષોનું કહેવું હતું કે, એકસાથે લોકસભા- વિધાનસભાની ચૂંટણીઓ કરાવવાથી બંધારણની મૂળ સંરચનાનું ઉલ્લંઘન થશે. આ એક બિનલોકશાહી પ્રક્રિયા છે. તથા પ્રાદેશિક પક્ષોને જુદા પાડવા તથા રાષ્ટ્રીય પક્ષોનું વર્ચસ્વ વધારવાની આખી યોજના છે. વિરોધ કરનાર રાજકીય પક્ષોએ વધુમાં ઉમેર્યું હતું કે, વન નેશન, વન ઇલેક્શનની આ વ્યવસ્થા દેશને રાષ્ટ્રપતિ શાસનની તરફ લઈ જશે.
વિરોધ પક્ષની આ ધારણા કેટલી બે બૂનિયાદ છે તે તેમના કથન પરથી જ બહાર આવે છે. લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકસાથે થાય તો લોકશાહી પર કેવી રીતે ખતરો આવે ? અને આ પ્રકારની ચૂંટણીથી દેશના બંધારણનું કેવી રીતે ઉલ્લંઘન થાય છે ? આ યોજનાથી રાષ્ટ્રપતિ શાસન કેવી રીતે આવે ? તે વાતો જ રહસ્યથી ભરેલી છે. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેથી માંડીને એઆઈએમઆઈએમના ચીફ ઔવેસી, આમ આદમી પાર્ટીના સાંસદ શ્રાીદિપ પાઠક, સમાજવાદી પાર્ટીના નેતા રવિદાસ મલ્હોત્રા એકસાથે જ્યારે વન નેશન, વન ઇલેક્શનનો વિરોધ કરે છે અને તેના ગેરફાયદા ગણાવતા હોય છે ત્યારે તેમની વાતમાં વજન જોવા મળતું નથી. સાચો રાજનેતા એ હોય છે જે કોઈપણ નિર્ણયના બંને તરફના નફા નુકસાનની વાત કરે. વન નેશન, વન ઇલેક્શનથી શું ફાયદા થશે તેની વાત વિરોધ કરનારા કરતા નથી. માત્ર સંભવિત નુકસાનની વાત કરે છે. અને આ સંભવિત નુકસાન પણ કોઈને ગળે ઉતરે તેવું નથી. તેમની વાત પરથી લાગે છે તેમની પાર્ટીને આ નિર્ણયથી નુકસાન થશે તેવું ધારીને તેઓ આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે.
હકીકત એ છે કે 1951 થી 1967 સુધી દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજાતી હતી. ત્યારબાદ આ ચૂંટણીઓ જુદી જુદી રીતે યોજાવવાની શરૂ થઈ. જોકે, ત્યારબાદ જે તકલીફો પડી તેનાથી 1999માં લૉ કમિશને પોતાના એક રિપોર્ટમાં સરકારને ભલામણ કરી કે દેશમાં એકસાથે ચૂંટણીઓ થવી જોઈએ. જેનાથી દેશમાં વિકાસ કાર્યો અવિરત ચાલ્યા કરેે. લૉ કમિશનની આ ભલામણમાં તથ્ય હતુ. તેનું કારણ એ છે કે, ચૂંટણીઓ આવે કે તરત જ આચારસંહિતાનો અમલ શરૂ થઈ જાય છે. આ સમય દરમિયાન વિકાસના કોઈ કાર્યો થઈ શકતા નથી. અત્યારે દેશમાં એવો માહોલ છે કે, દરેક વર્ષે કોઈને કોઈ ચૂંટણી યોજાતી રહે છે. દેશમાં લોકસભાથી ચૂંટણી લઈને વિધાનસભા, કોર્પોરેશન, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત આ સાત ચૂંટણીઓ જુદા જુદા સમયે યોજાતી રહે છે. આ ચૂંટણીઓ દરમિયાન લગભગ એકથી બે મહિના સુધીના સમયગાળા દરમિયાન ચૂંટણીની આચારસંહિતા પાળવાની હોય છે. સાત ચૂંટણીઓ દરમિયાન પડાતી આચારસંહિતાનો સમય 7 મહિનાથી લઈને 1 વર્ષ સુધીનો થઈ જતો હોય છે. પાંચ વર્ષના સમયગાળામાં જો એક વર્ષ જેટલો સમય સરકાર કે પંચાયતને કામ જ કરવા ના દેવાય તો તેની અસર કામગીરી પર પડવાની છે એ નિશ્ચીત બાબત છે. જેનો ભોગ આખરે પ્રજાને બનવાનું હોય છે. જુદા જુદા સમયે યોજાતી ચૂંટણીઓને કારણે સમય, શક્તિ અને નાણાંનો વેડફાટ તે બીજો મહત્વનો નેગેટિવ પોઈન્ટ છે. ચૂંટણીઓ કમિશન યોજે છે પરંતુ ચૂંટણી કમિશન પાસે કોઈ અલગ કર્મચારીઓ નથી. સરકારી, અર્ધ સરકારી, શિક્ષકો જેવા કર્મચારીઓની મદદથી જ આ બધી ચૂંટણીઓની કામગીરી પાર પડતી હોય છે. પરિણામે પ્રજાની કામગીરી અને શિક્ષણ જેવી કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓ ચૂંટણીઓ દરમિયાન વ્યસ્ત રહે છે. પરિણામે પ્રજાલક્ષી કામગીરી ખોરવાય છે અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય પણ બગડે છે. આ ઉપરાંત ચૂંટણીઓ દરમિયાન જે તોતિંગ ખર્ચા થાય છે તે ખર્ચાઓ કોઈ નેતા કે અધિકારીઓના ખિસ્સામાંથી નથી થતા. આ ખર્ચાઓ પ્રજાએ ભરેલા ટેક્સના રૂપિયામાંથી વપરાય છે. પરિણામે જે રૂપિયા પ્રજા માટે વિકાસના કામોમાં વપરાવા જોઈએ તેમાંથી ભાગ પડે છે. વારંવાર યોજાતી ચૂંટણીઓનો સૌથી મહત્વનો નેગેટિવ પોઈન્ટ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવામાં વપરાતા પોલીસ ફોર્સનો છે. જે પોલીસ ફોર્સની જવાબદારી દેશના નાગરિકોની શાંતિ અને સલામતી જાળવવાની છે તે પોલીસ ફોર્સ જ્યારે ચૂંટણીના બંદોબસ્તમાં સતત વ્યસ્ત રહેતો હોય ત્યારે સ્વાભાવિક છે કે, શાંતિ અને સલામતીની જાળવણીની પ્રક્રિયા ખોરવાય છે. પોલીસનું કામ ચોરી, લૂંટફાટ રોકવાનું અને થયેલા ગુનાઓનું ઇન્વેસ્ટિગેશન કરીને નાગરિકોને ન્યાય અપાવવાનું છે.
વન નેશન, વન ઇલેક્શનથી દેશમાં એક તબક્કામાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓ યોજાઈ જાય. બીજા તબક્કામા નગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ જાય. આમ પાંચ વર્ષમાં નાગરિકોને અને વ્યવસ્થા તંત્રને જુદી જુદી સાત ચૂંટણીઓનો સામનો કરવાના બદલે માત્ર બે જ તબક્કામાં સાત ચૂંટણીઓ યોજાઈ જવાની વ્યવસ્થા છે ત્યારે આ વ્યવસ્થા દેશના નાગરિકોનો સમય, શક્તિ અને રૂપિયાનો બચાવ કરનારી છે. કોઈ રાજકીય પાર્ટીઓને આ વ્યવસ્થાને કારણે જો નાનુ મોટું નુકસાન થવાનું હોય તો તે નુકસાનને ખાતર નાગરિકોને થતો આટલો મોટો ફાયદો અટકાવી ના શકાય તેવું દેશના નાગરિકો સમજી રહ્યા છે. માત્ર પોતાનો સ્વાર્થ જોનાર પક્ષો પ્રજાની સુખાકારીમાં પણ વિચારે તે હવે સમયની માગ છે.










