• પ્રાસંગિક : લોકોની વસ્તી અને વાહનોની સંખ્યા અતિ ઝડપથી વધી પરિણામે ટ્રાફિકની વિકરાળ સમસ્યા ઊભી થઈ છે.

સુરત હવે ટ્રાફિકના નિયમન બાબતે બદલાઈ રહ્યું છે. સુરત ટ્રાફિક બાબતે બદનામ હતું. લોકોમાં ટ્રાફિક પાલન અંગે બેદરકારી દેખાતી હતી. આડેધડ વાહનો ચલાવે છે. ટ્રાફિક સિગ્નલોનું કોઈ પાલન કરતું નથી. પરિણામે ચાર રસ્તા ઉપર વારંવાર ટ્રાફિકજામના દૃશ્યો દેખાતા હતા. લોકો પરેશાન હતા.

ટ્રાફિકજામ થાય ત્યારે હોર્ન વગાડવાની જાણે હરીફાઈ હોય તે રીતે શોરબકોર થતા હતા. હવે આ બધું સુરતમાંથી અદૃશ્ય થઈ રહ્યું હોય તેમ લાગે છે. કારણ ટ્રાફિક સિગ્નલો પર લોકો હવે નિયમનું પાલન કરવા લાગ્યા છે. ટ્રાફિક પોઇન્ટ ઉપર શિસ્તબદ્ધ લીલી લાઈટ થાય ત્યાં સુધી ધીરજ રાખી ઊભા રહેતા લોકોને જોઈને ખુશી થાય છે. ચાર રસ્તા ઉપર સિગ્નલની રાહ જોઈને ઊભેલા લોકોમાં શિસ્ત દેખાય છે. સુરતમાં ઠેર-ઠેર ટ્રાફિક સિગ્નલોની વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક સિગ્નલ પોઇન્ટ ઉપર લોકો સ્વયંભૂ ઊભા રહી જાય છે. આ દૃશ્ય જોઈ બધા સ્મિત કરે છે કારણ બધાને તે ગમે છે અને એક નજર ટ્રાફિક સિગ્નલના કેમેરા ઉપર નાખે છે જે ચાર-પાંચ પોલીસ પૂરું નિયમ પાલન કરાવી શકતા ન હતા તે કામ એક કેમેરાથી થવા લાગ્યું છે. કેમેરો જોઈને મનમાં ડર કરતાં આનંદ વધુ થતો હોય તેવું લોકોના ચહેરા પર દેખાઈ રહ્યું છે. પહેલા દિવસથી નિયમોનું પાલન થવા લાગ્યું છે તે બદલ અભિનંદન સુરત...ખરેખર સુરતમાં ટ્રાફિક નિયમન માટે આ ક્રાંતિ થઈ છે જે અશક્ય જણાતી વાત કોઈ પણ જાતના જાગૃતિના પ્રયાસ વગર સાકાર થઈ છે. તેનો વિશેષ આનંદ તમામ સુરતીઓને છે. સુરત ઝડપથી વિકસી રહેલું શહેર છે. લોકોની વસ્તી અને વાહનોની સંખ્યા અતિ ઝડપથી વધી પરિણામે ટ્રાફિકની વિકરાળ સમસ્યા ઊભી થઈ છે. બીજી તરફ્ મેટ્રોનું કામ શરૂ થયું ત્યારથી ટ્રાફિક પ્રશ્ન વધુ મુશ્કેલ બની રહ્યો હતો. ટ્રાફિક નિયમન માટે લોકજાગૃતિ, શિસ્ત ઉપરાંત સારી સિસ્ટમ પણ જરૂરી છે. પાર્િંકગના પ્રશ્નો અને રોડ ઉપર ટ્રાફિક પ્રશ્નને કારણે લોકો અકળાઈ રહ્યા હતા. પોલીસ તરફ્થી વાહન ટોઈંગ અને પેનલ્ટી સામાન્ય બની રહી હતી. બહારથી સુરતમાં મહેમાન બની આવતા લોકો સુરતના ટ્રાફિકના અનુભવથી જરૂર અકળાય છે. સુરતમાં રહેતા લોકો એટલી હદે ટેવાઈ ગયા હતા કે, તેમણે સ્વીકારી લીધું હતું કે, સુરતનો ટ્રાફિક પ્રશ્ન ઉકેલવો મુશ્કેલ છે. ટ્રાફિક પ્રશ્ન હળવો થાય તેવી આશા પણ જણાતી ન હતી. તેવામાં છેલ્લા થોડા દિવસોથી સ્વપ્ન લાગે તે રીતે ટ્રાફિક પોઇન્ટ ઉપર લોકો ટ્રાફિક સિગ્નલોને અનુસરી રહ્યા છે. ખુશીથી પાલન કરી રહ્યા છે તેનો વિશેષ આનંદ છે. સુરતના ઇતિહાસમાં આ ફેરફર નોંધનીય છે.

 સુરત શહેરમાં લગભગ તમામ પોઇન્ટ ઉપર સિગ્નલો લગાવી દેવામાં આવ્યાં છે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત ઇન્ટિગ્રેટેડ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ સુરત મહાનગર પાલિકા તરફ્થી કાર્યરત થઈ રહી છે. ટ્રાફિક પ્રશ્ન માટે સુરત પોલીસને મદદરૂપ થવા માટે સુરતમાં ટ્રાફિક બ્રિગેડ સ્ટાફ્નો પગાર તથા ઘણા ટ્રાફિક સિગ્નલો અને અન્ય જગ્યાએ કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. ગુજરાતમાં માત્ર સુરત શહેરમાં લોક સહયોગથી ટ્રાફિક માટે અને સલામતી માટે કાર્ય થાય છે. છેલ્લા 12 વર્ષથી આ દિશાની રજૂઆત થતી હતી. પરંતુ, યોગ્ય આયોજન અને યોગ્ય કોન્ટ્રાક્ટર ન મળવાથી સિસ્ટમ કાર્યરત થવામાં મોડું થયું છે. આખરે સ્માર્ટ સિટી બજેટમાં સુરત મહાનગર પાલિકાએ ખૂબ મોટી સંખ્યામાં ટ્રાફિક પોઇન્ટ ઉપર સિગ્નલ અને કેમેરા સિસ્ટમ ફ્ટિ કરાવી દીધી છે અને તમામ કેમેરાને જોઈન્ટ કરી એક ઓબ્ઝર્વેશન સેન્ટર પણ કાર્યરત થયું છે. જ્યાં સમગ્ર શહેરની ટ્રાફિક પરિસ્થિતિ ઉપર ધ્યાન રાખવામાં આવશે. જે ટ્રાફિક નિયમન માટે તો ઉપયોગ છે જ સાથે સાથે સુરક્ષા હેતુથી શંકાસ્પદ વ્યક્તિઓને પકડવામાં આ સિસ્ટમ ઉપયોગી થશે. સુરત હવે સ્માર્ટ સિટી બનવા તરફ્ જઈ રહ્યું છે તેવું લાગે છે. પરંતુ, હજુ ઘણું બધું કરવું પડે તેમ છે. તંત્રનો અભિગમ અને લોકજાગૃતિ વધુ અસરકારક બનાવવાની હજુ જરૂર છે.

 સમગ્ર સુરત શહેરમાં ઠેર-ઠેર ટ્રાફિક સિગ્નલો લગાડી દેવામાં આવ્યાં છે. જરૂર ન હતી ત્યાં પણ સિગ્નલ લાગતા વારંવાર ટ્રાફિક રોકાય છે. હજુ ટાઈમિંગ બાબતમાં પણ ઘણા ફેરફર જરૂરી લાગે છે. સુરત પોલીસ તથા તંત્ર આ બાબતે ટ્રાફિકનો અભ્યાસ કરી રહ્યા છે. લોકોને ટ્રાફિક નિયમ પાલનનો કોઈ વિરોધ નથી પરંતુ, પાંચ કિલોમીટરમાં સાત ટ્રાફિક પોઇન્ટ ઉપર ઊભા કરાતા બિનજરૂરી ટ્રાફિક રોકાય છે. લોકોના પ્રતિભાવમાં એક જ જવાબ છે કે, પહેલાં ઓફ્સિે પહોંચતા 10 મિનિટ થતી તે હવે 20 મિનિટ લાગે છે. સુરત મનપાના ટ્રાફિક એન્જિનિયરિંગ અને સિગન્લિંગ સિસ્ટમ વિભાગે વધુ અભ્યાસ અને સંકલનની જરૂર જણાય છે. આ સાથે ટ્રાફિક એજ્યુકેશન તરફ્થી ટ્રાફિક પોઇન્ટ ઉપર પબ્લિક એડ્રેસિંગ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. આથી મોનિટરિંગ રૂમમાંથી જે તે પોઇન્ટ ઉપર પબ્લિક કે પોલીસને સૂચના આપી શકાય છે. હાલ મુંબઈ તથા દિલ્હીમાં ઇન્ટિગ્રેટેડ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ પ્રમાણે એક ટ્રાફિક પોઇન્ટથી ગ્રીન સિગ્નલ મળે ત્યાર પછી બાકીના ટ્રાફિક સિગ્નલો ઉપર ગ્રીન ગ્રીન સિગ્નલો મળતા જાય છે. તેવી સિસ્ટમ સુરતમાં હજુ નથી તે માટે સંકલન થઈ રહ્યું છે. જ્યાં જરૂર નથી ત્યાં ટ્રાફિક સિગ્નલ ઘટાડવાની પણ જરૂર છે.

 સુરતના લોકો ટ્રાફિક સિગ્નલ પોઇન્ટ ઉપર શિસ્ત જાળવી રહ્યા છે. તે અંગે સુરતના પોલીસ અધિકારીએ ખુશી વ્યક્ત કરી છે અને સાથે જણાવ્યું કે, હજુ અપગ્રેડેશન કરવામાં આવશે. હજુ ટ્રાફિક સિસ્ટમનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. ટાઈમિંગ તથા સિગ્નલ પોઇન્ટમાં ફેરફર કરવામાં આવશે. હાલ લોકોને વધુ સમય જાય છે. મુશ્કેલી પડી રહી છે. વધુમાં જણાવ્યું કે, મહાનગરપાલિકા તરફ્થી શહેરના ટ્રાફિક સિગ્નલો ઉપર એડેપ્ટિવ ટ્રાફિક સિગ્નલ સિસ્ટમ ઊભું કરવાનું આયોજન છે. નવી સિસ્ટમ લાગુ થયા બાદ ટ્રાફિક સિગ્નલ વાહનોના ફ્લોના આધારે રેડ કે ગ્રીન સિગ્નલ ઓટોમેટિક આપશે જેથી ટ્રાફિક ધરાવતા રોડના ટ્રાફિકને વધુ સમય ફળવાશે. સુરતમાં હાલ 39 લાખથી વધુ વાહનો છે. જેમાંથી સાત લાખથી વધુ ફેર વ્હીલર વાહનો છે. વસ્તીની સાથે વાહનોની સંખ્યા વધતી જાય છે. ત્યારે સુરતને વધુ સ્માર્ટ સિટી બનાવવા માટે ટ્રાફિક સમસ્યા હળવી કરવી જરૂરી છે. ઘણા વર્ષોની રાહ જોયા પછી સુરતમાં ટ્રાફિક પોઇન્ટ ઉપર સિગ્નલ સિસ્ટમ સાથે કાર્યરત થયા છે. લોકો નિયમોનું પાલન કરી રહ્યા છે. ત્યારે હજુ વધુ જાગૃત થવાની પણ જરૂર છે. જો કોઈ નશામાં વાહન ચલાવશે તો રૂ. 2000 થી 10,000 સુધીના દંડની જોગવાઈ છે. વાહનનો થર્ડ પાર્ટી વીમા કવરેજ ફરજિયાત છે. જો વીમા પોલિસી લેપ્સ થઈ જાય તો રૂ. 2000 થી 4000 સુધીનો દંડ ભરવો પડે તેમ છે. જો ડ્રાઇવિંગ કરતી વખતે સીટબેલ્ટ બાંધેલ નહીં હોય તો રૂ. 1000 સુધીનો દંડ સ્થળ ઉપર જ વસૂલવામાં આવશે. હેલ્મેટ વિના ટુ-વ્હીલર વાહન ચલાવતા પકડાશે તો રૂપિયા 1000 અને ડ્રાઇવિંગ કરતી વખતે ફેન પર વાત કરતા પકડાશે તો 5000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડે તેમ છે. ઓવર સ્પીડમાં વાહન ચલાવશો તો રૂ. 2000 સુધીનો દંડ નિર્ધારિત કરેલ છે અને સૌથી મહત્ત્વની બાબત એ છે કે, જો ટ્રાફિક પોઈન્ટ ઉપર સિગ્નલનો ભંગ કરવામાં આવશે તો રૂ . 5000 સુધીનો દંડ અને એક વર્ષ સુધીની છેલ્લી સજાની જોગવાઈ કરવામાં આવી છે. દંડની આકરી જોગવાઈને કારણે લોકો ટ્રાફિકના નિયમનું પાલન કરતાં થયા હશે.

કાનમાં કહું.. ટ્રાફિક સિગ્નલ પોઇન્ટ ઉપર લાલ લાઇટમાં રૂ.5000નો દંડ પણ દેખાય છે !


  • Follow us on: