તાજેતરમાં ગુજરાત આવેલા આપણા માનનીય વડાપ્રધાનશ્રીએ લોકોને એક સલાહ આપી છે. *મેદસ્વિતા ઘટાડો*... તેલનો વપરાશ 10 ટકા ઘટાડો. આ વાત સામાન્ય નથી. લોકોમાં વધતી મેદસ્વિતા આરોગ્ય માટે હવે ગંભીર ખતરો છે. રાષ્ટ્રના વડાને આ ચેતવણી આપવી પડે છે.


કારણ લોકો જાણે છે બધું પરંતુ, આરોગ્યની કાળજી રાખવી નથી. એક અભ્યાસ એવું કહે છે કે, 2050 સુધીમાં ભારતમાં દર ત્રીજો વ્યક્તિ મેદસ્વિતાનો શિકાર બન્યો હશે. આ ચેતવણી આપવા માટે દર ચોથી માર્ચે “World Obesity Day”મનાવવામાં આવે છે. ભારતમાં અત્યારે અંદાજે 10 કરોડથી વધુ લોકો મેદસ્વિતાના કારણે વિવિધ રોગથી પરેશાન છે. જાડાપણું અનેક મુશ્કેલીઓ અને રોગોનું સર્જક છે. આ વાતની ગંભીરતા સમજાવવા માટે માનનીય વડાપ્રધાનશ્રીએ સુરત ખાતે સભામાં મેદસ્વિતાનો ઉલ્લેખ કર્યો હતો. ચોથી માર્ચે ગુજરાત વિધાનસભામાં મુખ્યમંત્રીશ્રીએ સ્વસ્થ ગુજરાત અને મેદસ્વિતા મુક્ત ગુજરાત બનાવવા ઈચ્છા વ્યક્ત કરી હતી. સ્થૂળતા એટલે કે મેદસ્વિતા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. જો આ માટે કાળજી રાખવામાં નહીં આવે તો મેદસ્વિતાવાળા લોકો વધશે અને અનેક રોગોનો ભોગ બનતા રહેશે. આ વાતની રાજ્ય અને રાષ્ટ્રના વડાએ ચિંતા વ્યક્ત કરી છે. કારણ રાષ્ટ્રની સુખાકારીનો એક આધાર લોકોનું સારું આરોગ્ય છે અને એક ચેતવણીના રૂપમાં લઈને દરેક વ્યક્તિ આરોગ્યની કાળજી રાખે તેવી વિનંતી પણ છે. આશા રાખીએ કે, મેદસ્વિતામુક્ત ગુજરાત અભિયાન સફ્ળ રહે...

આધુનિક જીવનશૈલી અને ખાવા-પીવાની આદતોના કારણે તથા બેઠાડું જીવનને કારણે સ્થૂળતા વધી રહી છે. ભારતમાં અન્ય દેશોની સરખામણીએ મેદસ્વિતાનું પ્રમાણ ઘણું વધુ છે. તેમાંથી ગુજરાતમાં મેદસ્વિતાનું પ્રમાણ રાષ્ટ્રીય સરેરાશ કરતા વધુ છે. ગુજરાતમાં 21 લાખથી વધુ લોકો મેદસ્વિતાનો શિકાર છે. જે ખરેખર ચિંતાજનક છે પરંતુ, મોટાભાગના લોકો મેદસ્વિતા બાબતે જાગૃત નથી. મેદસ્વિતાને કારણે પેટની બીમારીઓ, હૃદયરોગ, ડાયાબિટીસ, નપુસંકતા અને કેન્સર જેવી જીવલેણ બીમારીઓને ખુલ્લું આમંત્રણ મળે છે સાથે મુશ્કેલીઓ અને માનસિક બીમારીઓ બોનસમાં મળે છે. જીવન જીવવા માટે છે. ભાર ઉપાડવા અને રોગથી દુઃખી થવા માટે નથી. આ વાત સમજવાનો, જાગૃત રહેવાનો અને આરોગ્યની વિશેષ કાળજી રાખવાનો સમય હવે આવી ગયો છે.

ગુજરાત સુખી રાજ્ય ગણાય છે. પરંતુ, હેપ્પીનેસ ઇન્ડેક્સમાં પાછળ છે. માત્ર ખાણી-પીણી, મોજ-શોખમાં આગળ હોય તેવું લાગે છે. તેને કારણે ગુજરાતમાં 15 થી 49 વર્ષના 21.49 લાખ લોકો સ્થૂળતા (મેદસ્વિતા)નો ભોગ બનેલા છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે મુજબ રાજ્યમાં પુરુષો કરતાં મહિલાઓમાં મેદસ્વિતાનું પ્રમાણ વધુ છે. 60 વર્ષ પછી મોટાભાગની બહેનોને ઘૂંટણ અને કમરના દુખાવા સામાન્ય બની જાય છે. 15 થી 49ના વયજૂથમાં દેશની 6.4 ટકા મહિલાઓ અને 4 ટકા પુરુષો મેદસ્વિતા ધરાવે છે.

સ્થૂળતાનો પ્રશ્ન માત્ર મોટી ઉંમરનાને નથી.. બાળકો પણ મેદસ્વિતાનો શિકાર બને છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે મુજબ ગુજરાતમાં 5 વર્ષથી ઓછી ઉંમરના 3.9 ટકા બાળકોનું વજન વધુ છે. એટલે કે રાજ્યમાં અંદાજે 2.73 લાખ બાળકો વધુ પડતું વજન ધરાવે છે. હવે ગુજરાતે જાગવાની જરૂર છે. મેદસ્વિતામુક્ત ગુજરાત અભિયાનમાં આરોગ્ય પ્રત્યે વધુ જાગૃતિ લાવવાની જરૂર છે. વિટંબણા તો એવી છે કે, આપણે કુપોષણનો સામનો કરી રહ્યા છીએ ત્યાં મેદસ્વિતાનો પ્રશ્ન મોટો બની રહ્યો છે. સરકારી સ્લોગન કે સરકારી અભિયાનની રાહ જોયા વગર લોકોએ જાતે જ નિરોગી ગુજરાત બનાવવા ખુદ પોતે નિરોગી રહેવા સતત પ્રયાસ અને જાગૃત રહેવાની જરૂર છે.

મેદસ્વિતા એ માત્ર ગુજરાત કે ભારતની સમસ્યા નથી. મેદસ્વિતા એ એક વૈશ્વિક આરોગ્ય સમસ્યા છે. ધ લેન્સરમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે 2050 સુધીમાં ભારત ચીન અને અમેરિકામાં મેદસ્વિતા ધરાવતા લોકોની સંખ્યા સૌથી વધુ હશે માત્ર ભારતમાં 40 કરોડથી વધુ લોકો મેદસ્વિતાથી પીડાતા હશે જે આરોગ્યના અનેક પ્રશ્નો ધરાવતા હશે. આપણે વિકસિત ભારત બનીએ તે પહેલા આરોગ્યનો મોટો પડકાર ઊભો થવાનો અણસાર છે. મેદસ્વિતા વધવા માટે ઘણા કારણો હશે પરંતુ, આરોગ્ય પ્રત્યેની ઘોર બેદરકારી સૌથી મોટું કારણ છે. ગામડું હોય કે શહેર તેમજ ભણેલા હોય કે અભણ તમામ પ્રકારના લોકોની ખરાબ જીવનશૈલી રોગોને નિમંત્રણ આપે છે. પ્રથમ નજરે મેદસ્વિતા રોગ નથી લાગતો પરંતુ, રોગનું ઘર છે. તેને કારણે સ્થૂળતા ધરાવતા વ્યક્તિ ખુદને અને પરિવારને મુશ્કેલીઓ અને પીડાનો સામનો કરવાનો સમય આવે છે. જાગો...ગુજરાતીઓ જાગો...બધી જ બાબતમાં ગુજરાતીને આગળ રહેવાની ટેવ છે. તો હેલ્થ અને હેપ્પીનેસની બાબતમાં આગળ રહેવા માટે સંકલ્પ કરવાની જરૂર છે.

ટીવી કે મોબાઈલ સામે રાખીને ખાવાની ટેવ સ્થૂળતા માટેનું પ્રથમ કારણ છે. ગળપણ, તેલવાળું, વધુ કેલેરીયુક્ત ખોરાક, ફાસ્ટફૂડ અને પ્રોસેસ્ડ ખોરાક બેફામ રીતે ખવાય છે. જેટલું દિવસે નથી ખવાતું તેટલું રાત્રે ખવાય છે તે મુખ્ય કારણ છે. નાઈટકલ્ચર મેદસ્વિતાનું જન્મ સ્થળ બની રહ્યું છે. ફ્ળો-શાકભાજી અને ઓછા પ્રોટીનવાળા ખોરાક ઓછા ખવાય છે. લોકો જીવવા માટે નહીં પરંતુ, ખાવા માટે જીવતા હોય તેમ સ્વાદ, શોખ અને સ્ટેટસ માટે ખાતા હોય તેમ લાગે છે. તેની સામે દરરોજ શારીરિક કામનું પ્રમાણ ઘટતું જાય છે. બેઠાડું જીવન એ સ્થૂળતા માટેનું બીજું મહત્ત્વનું કારણ છે. હવે ગામડામાં પણ લોકો ખેતીકામમાં વધુ પડતો શ્રમ ટાળી રહ્યા છે. લોકોને થાઇરોઈડ ગ્લાન્ડની સમસ્યા પણ અસર કરે છે. જાડાપણું વારસાગત અને હોર્મોન્સને કારણે પણ હશે. ઘણી વખત માનસિક તાણ કે ડિપ્રેશનમાં હોય ત્યારે ખાવામાં ફેરફાર થાય છે.

મેદસ્વિતા ઘટાડવા માટેનો પ્રથમ ઉપાય મનથી નક્કી કરે કે મારે વજન ઘટાડવું છે કે વધવા દેવું નથી. આરોગ્ય ઉપર મન અને વિચાર મોટી અસર કરે છે. વધુ કેલેરી, ગળપણ અને તેલયુક્ત ખોરાક ન લેવો અથવા ઓછો કરવો તે સરળ ઉપાય છે. શરીરને જરૂર કરતાં વધુ ખોરાક કે વારંવાર ખાધા ન કરવું, રાત્રે ન ખાવું, ઊંઘ બરાબર કરવી તે સામાન્ય અને સરળ ઉપાય છે. દરેક વ્યક્તિએ સવારે સૂર્યોદય પહેલા ઊઠવું તથા 30 મિનિટથી એક કલાકની કસરત, પ્રાણાયામ કે ચાલવાથી નિરોગી જીવન સાથે ઉત્સાહ પણ મળે છે.

હોસ્પિટલની મોંઘી સારવાર સામાન્ય પરિવારને રોડ ઉપર લાવી દે છે. શરીરની અને માનસિક પીડાની સાથે આર્થિક અને માનસિક પ્રશ્નો વ્યક્તિને ભાંગી નાખે છે. જીવનનો આનંદ જતો રહે છે. ત્યારે સુખી રહેવા એટલે કે ખુશીભરી જિંદગી જીવવા સારું આરોગ્ય ખૂબ જરૂરી છે. જાડાપણું એટલે વધુ પડતું વજન એ જરા પણ સારું આરોગ્ય નથી તેવી માનસિકતા ઊભી કરવાની જરૂર છે. હવે શાળામાં પરીક્ષાલક્ષી શિક્ષણ સાથે જીવન મૂલ્યોના પાઠ ભણાવવાની શરૂઆત થઈ છે. પરંતુ, શિક્ષણની સાથે હેલ્થ, વેલ્થ અને હેપ્પીનેસને કેન્દ્રમાં રાખી જીવન પ્રત્યે સભાનતા કેળવવાની તાતી જરૂરિયાત જણાય છે.

કાનમાં કહું,

મોટું શરીર નિરોગી નહીં,

રોગીની નિશાની છે.


  • Follow us on: