- વારસો : નદીઓ ઉપર બંધ બાંધીને તૈયાર કરાયેલાં જળાશયોને સુરક્ષિત જળભંડાર - રીઝરવાયર કહે છે
ગુજરાત એટલે ડુંગર દરિયો ને નદીઓનું પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતો પ્રદેશ. ગુજરાતના જનજીવન સાથે જળસંસ્કૃતિ જૂનાકાળથી જોડાયેલી રહી છે, એને કારણે જૂના જમાનાથી લોકાસમાજનો માનવી નદી, વાવ, વાવડી, વીરડા, કૂવા, કૂઈ, કુંડ, તળાવ અને સરોવર જેવા જળાશયો જોડે નાતો જોડતો આવ્યો છે.
આ જળાશયોએ માનવજીવનને અને સંસ્કૃતિને સમૃદ્ધ કર્યાં છે. 20મી સદીની શરૂઆત સુધી તો જળાશયો માનવી અને પશુપક્ષીઓ માટે માત્ર પાણીના સાધનો હતા. સરી ગયેલી સહસ્ત્રાબ્ધિમાં એટલે કે પાછળના એક હજાર વર્ષમાં જળાશયોને કાંઠે ગામડાં અને નગરો પાંગર્યા હતા અને સમૃદ્ધ થયાં હતાં. જળ સાથેનો માનવીનો સંબંધ વેદકાળના વખતથી વહેતો આવ્યો છે. જળની સાથે ધર્મ પણ જોડાયો. વાવ, કૂવા અને સરોવર બનાવવા માટેના વાસ્તુ અને શિલ્પશાસ્ત્રો પણ વિકસ્યાં. આજે મારી વાતનો વિષય છે ગુજરાત, કચ્છ અને કાઠિયાવાડના કેટલાંક જાણીતા સરોવર-તળાવોની.
સંસ્કૃત શબ્દ 'તડાગ' પરથી તડાગ-તલાઉ-તલાવ શબ્દ ઉતરી આવ્યો છે. તળાવડી શબ્દ 'તડાલિકા' પરથી આવ્યો છે. આપણે ત્યાં તળાવોના બે પ્રકાર છે. 1. કુદરતી તળાવ અને 2. માનવસર્જિત તળાવ. કુદરતી તળાવને અંગ્રેજીમાં લેક (Lake) કહે છે. જ્યારે માનવસર્જિત તળાવને ટેંક (tank) કહે છે. નદીઓ ઉપર બંધ બાંધીને તૈયાર કરાયેલાં જળાશયોને સુરક્ષિત જળભંડાર. રીઝરવાયર કહે છે. નર્મદા નદી પર બંધ બાંધીને તૈયાર કરાયેલું સરદાર સરોવર આ પ્રકારનું સરોવર છે. કુદરતી રીતે જે જમીન નીચી હોય અને એમાં ચોમાસાનું પાણી એકઠું થતું હોય તો તેને કુદરતી તળાવ કહેવાય. આવા તળાવોને અ-ખાત પણ કહે છે. અ એટલે નહીં અને 'ખાત' એટલે ખોદેલું અર્થાત્ જે ખોદીને બનાવવામાં આવ્યું નથી તે કુદરતી તળાવ. એમ 'અસ્તિત્વ બોધ'ના આલેખનમાં દિગંત ઓઝા લખે છે. આ પુસ્તકમાં એમણે જળસ્ત્રાતો, જળ અને તળાવોને જાળવાની વાત પણ સુપેરે આલેખી છે.
ભારતીય તળાવોનો મોટો ઈતિહાસ છે. સો-દોઢસો વર્ષ પૂર્વે ભારતમાં અષાઢ મહિનાના પ્રથમ દિવસથી ભાદરવાના છેલ્લા દિવસ સુધીમાં દેશના ઝીલો, પોખરો, હલહલો અને ગઢઇઓ અને 11થી 12 લાખ તળાવો અને તળાવડીઓ છલકાઈ જતાં. તે છેક આવતા ચોમાસા સુધી પ્રજાને પાણીની જરૂરિયાત પૂરા પાડતાં. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં તળાવો દ્વારા સિંચાઈ કરવાની પ્રથા પુરાણી અને વ્યાપક છે. દુષ્કાળ દરમિયાન રાહતના કામો માટે તળાવો ગળાતાં રહ્યાં છે. પાણીના નિકાલ માટે તળાવો કુદરતી સાધન તરીકે ઉપયોગમાં લેવાતા રહ્યા છે. અમદાવાદની ચોગરદમ સેંકડો તળાવો હતાં જે કાળક્રમે નાશ પામતાં અમદાવાદમાં વરસાદના વારિએ ભારે તરાજી સર્જ્યાનું સ્મરણ આજે આપણને સૌને છે. જૂના તળાવો પુરાઈ ન જાય તે માટે તળાવના મુખ આગળ તળાવડી કે મોટા કૂવા બનાવતા જેથી ઝાળાં, ઝાંખરાં, કચરો એમાં રોકાઈ જાય અને પાળી ગળાઈને તળાવમાં જાય. લોકસમાજના માનવીએ અને શિલ્પીઓ પોતાની કળાદૃષ્ટિનો સ્પર્શ તળાવોને આપ્યો છે. સમયાન્તરે રાજવીઓએ અને રાજમાતાઓ કે રાણીઓએ જે વાવ, કૂવા કે તળાવો પ્રજાના હિત માટે બનાવ્યાં તેને શિલ્પાંકનોથી સુશોભિત કર્યાં. વાવોના શિલ્પોમાં શિવ, ગણેશ, વિષ્ણુના સ્વરૂપો, નવગ્રહો, માતૃકાઓ તથા લોકપાલની મૂર્તિઓ ઉપરાંત ભૌમિતિક આકારો, વેલા, ફૂલ, પશુ પક્ષીઓના આકારો કંડાર્યા છે. પાટણની રાણકી વાવનાં શિલ્પોમાં પટોળાની પ્રાચીન ભાતો પણ જોવા મળે છે. જ્યારે તળાવોની પાળ ઉપર અને કુંડમાં નાની નાની દેરડીઓ તથા મનોહર કંડારકામથી શોભતી મૂર્તિઓ જોવા મળે છે. ગુજરાતમાં આ પ્રકારના કલાત્મક જળાશયોમાં વિરમગામનું મુનસર તળાવ, મોઢેરાનો કુંડ, શિહોરનો બ્રહ્મકુંડ, અડાલજની વાવ વગેરે છે. આ પ્રાચીન તળાવોને સુશોભિત કરવા માટે એની પાળ પર ઘટાટોપ વૃક્ષો વાવ્યાં. કોઈએ ફૂલવાડી કે મોટા ચોતરા બનાવ્યા. ક્યાંક પાળ ઉપર મંદિર કે પાઠશાળા અને યજ્ઞ શાળાનું નિર્માણ કર્યું. ધોળાવીરા પછી બીજું ધ્યાન ખેંચે એવું નગર અમદાવાદ જિલ્લામાં ઉતેળિયા પાસે આવેલું લોથલ છે. નપાણિયા વિસ્તારમાં વસેલું આ નગર છે. જનજીવન અને કૃષિવિકાસ વાસ્તે વિશાળકાય જળાશય હોવું જરૂરી છે. આપણા રાજ્યનું પાષાણયુગીન આ બીજું સરોવર છે. જેના કાંઠે માનવજીવન પાંગર્યું હતું. માનવકૃત ત્રીજું સરોવર જૂનાગઢના પાદરે અને ગિરનારની તળેટીમાં બંધાયું હતું. જે સુદર્શન સરોવરથી સુવિખ્યાત હતું. આ પછીનું વિશાળકાય સરોવર સોલંકી શાસન સમયનું સહસ્ત્રલિંગ સરોવર છે. સાબરકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ વૈષ્ણવતીર્થ શામળાજી પાસે મેશ્વો નદીના કિનારે ગઈ સદીના આઠમા દાયકા દરમિયાન નિર્માયેલું જળાશય 'શ્યામસુંદર સરોવર' છે.
જૂનાગઢનું સુદર્શન સરોવર : ગુજરાત-સૌરાષ્ટ્રના સરોવરો સંબંધમાં એનો છૂટો છવાયો ઈતિહાસ જાણવા મળે છે. પરંતુ ભારતવર્ષમાં કોઈ એક તળાવનો સિલસિલાબંધ ઈતિહાસ મળતો હોય તો તે ગિરનાર-જૂનાગઢના સુદર્શન તળાવનો છે. આજે તો સુદર્શન સરોવરનું અસ્તિત્વ સાવ જ ભૂંસાઈ ગયું છે પરંતુ જૂનાકાળે અશોકના શિલાલેખનું સ્થળ આ તળાવને કાંઠે પસંદ કરવામાં આવ્યું હતું. તે આ જળાશયની મહત્તા દર્શાવે છે. 'ભાતીગળ સૌરાષ્ટ્ર' (સપ્ટે. ઑક્ટો.2013)માં ઈતિહાસવિદ્ શ્રી નરોત્તમ પલાણ લખે છે કે અશોકના શિલાલેખમાં કોતરાયેલી માહિતી મુજબ આ તળાવ ઈ.સ. પૂર્વે કચ્છમાં મૌર્યવંશના સ્થાપક ચંદ્રગુપ્ત મૌર્યએ બંધાવ્યું હતું. શિલાલેખમાં જણાવ્યા મુજબ ચંદ્રગુપ્ત મૌર્યના રાજ્યપાલ વૈશ્ય પુષ્પગુપ્તે માથે રહીને સુદર્શનનું બાંધકામ કરાવ્યું હતું. આ પછી સમ્રાટ અશોકના રાજ્યપાલે તેને પરતાળીએ-નહેરોથી શણગાર્યું હતું. આ તળાવ એકધારું 470 વર્ષ લગી ટક્યું હતું અને પછી માગશર માસની અમાસના દિવસે થયેલા જોરદાર કમોસમી વરસાદથી તે તૂટયું હતું. આ સમયે જૂનાગઢ ઉપર ચષ્ટનવંશના 'રુદ્રદામન' નામના રાજાનું શાસન હતું. આ રાજાએ લોકહિતને ધ્યાનમાં લઈ તાત્કાલિક તળાવનું પુનઃનિર્માણ કરાવ્યું અને મોર્યકાળમાં હતું તેથી વધુ મજબૂત અને રૂપાળુ બનાવ્યું. આ તળાવ બીજા 300 વર્ષ સુધી ટક્યું હતું. ઈ.સ. 450માં ફરીદાણ તૂટયું હતું. સુદર્શન તળાવનું બીજીવારનું નિર્માણ ગુપ્તવંશના છઠ્ઠા રાજવી સ્કંદગુપ્તે 456માં કરાવ્યું હતું. આ સમયે સ્કંદગુપ્તનો રાજ્યપાલ'પણદત્ત' અને જૂનાગઢનો રક્ષક તેનો પુત્ર ચક્રપાલિત હતો.
સુદર્શન જળાશયના ભગ્નાવશેષો જોતાં તેનાં નિર્માણમાં રાખવામાં આવેલી કાળજી તથા તેને માટે પસંદ કરેલા સ્થળનું મહત્ત્વ સહજ સમજાય તેવું છે. આ સરોવરમાં જે બાજુએ પાણી વહેતું રહેતું તે પથ્થરોથી સચવાયેલી હતી. તે માટીના બંધને મજબૂત રાખતી બંધ બાંધવામાં વપરાયેલ પથ્થરો અને માટી સ્થાનિક છે. તેથી તે બાંધવામાં વપરાયેલી વૈજ્ઞાનિક બુદ્ધિ ઉચ્ચકક્ષાની છે. સુદર્શન તળાવ ઈ.સ. પૂર્વે ચોથી સદીમાં બંધાયેલું આ સરોવર છે.ઈ.સ.ની પાંચમી સદીમાં સંમાર્જિત થયેલું અને નવસો વર્ષ લગી સચવાયું હોવાના ઉલ્લેખો સાંપડે છે. ત્યારબાદ બસો, ત્રણસો વરસ લગી ટક્યું હોય તેવો સંભવ છે. ચંદ્રગુપ્તના પૌત્ર અશોક મૌર્ય પૌરજનોને ઉપયોગી થાય તે માટે સુદર્શનમાંથી નહેરો કઢાવીને જળાશયનું જળ આસપાસનની જમીનને પૂરું પાડવાનો પ્રબંધ કરવામાં આવ્યો હતો. આઠમી સદી પછી ગમે ત્યારે સુદર્શન સરોવર તૂટયું હશે. પછી જ તેનું પુનઃનિર્માણ કરાવે તેવા કોઈ રાજવી જૂનાગઢમાં થયા નહીં. પરિણામે સુદર્શન તળાવનો ઈતિહાસનું એક કરુણોજ્જલ પ્રકરણબની રહ્યું.