શહેરના એક પોલીસ સ્ટેશનમાં કોઇપણ પીઆઇ આવે તો પણ એક ખાનગી માણસ 10 વર્ષ કરતા વધુ સમયથી પોલીસ સ્ટેશનનો વહીવટ કરે છે. આ વહીવટદારની એટલી બધી તાકાત વધી ગઇ છે કે પીઆઈ તેને વહીવટ ન આપે તો ખોટી અરજીઓ તેમજ પીડિતોને શોધીને ઉચ્ચ અધિકારીઓ પાસે મોકલી દેતો. જેથી પીઆઇ કંટાળીને આ ખાનગી માણસને વહીવટ સોંપી દેવો પડે.
આવી જ રીતે ખાનગી માણસે વહીવટ મેળવીને સમગ્ર વિસ્તારમાં ઉપરાછાપરી દેશી - વિદેશ દારૂની પરમિશનો આપી દીધી હતી. જેના કારણે બુટલેગરો વચ્ચે અંદરોઅંદર બબાલ પણ શરૂ થઇ ગઇ હતી. આ વહીવટદાર એક કોર્પોરેટરને સાથે રાખીને એક વિવાદમાં પીઆઇને ફસાવી દેતા તેઓને સસ્પેન્ડ થવાનો વારો આવ્યો હોવાનું પોલીસબેડામાં ચર્ચાઇ રહ્યુ છે.
શહેરના પીએસઆઇએ એક કેસમાં સમાધાન કરવા પ્રયાસ કર્યા
સામાન્ય રીતે ફરિયાદીને ન્યાય મળે તેવા પોલીસ અધિકારીઓના પ્રયાસ હોય છે. શહેરના એક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક કેસ આવ્યો હતો. જેમાં વોન્ટેડ આરોપી સામે ફરિયાદીએ ખંડણી માંગ્યાનો આક્ષેપ કર્યો હતો. જેમાં ફરિયાદી 10 દિવસ સુધી પોલીસ સ્ટેશનના ધક્કા ખાધા હતા. જ્યારે પીએસઆઇએ આ કેસમાં ફરિયાદીને સમાધાન કરી લેવા માટે પ્રયાસ કર્યા હતા. પરંતુ ફરિયાદીએ સમાધાન ન કરતા અંતે ફરિયાદ નોધાઈ હતી. જો કે આરોપી સામે અગાઉ પણ કેટલાક ગુના નોધાઇ ચૂક્યા છે.
શહેરના એક પીઆઇને નોકરીમાં ઓછો અને રાજકીય લોકોને મળવામાં વધુ રસ
શહેરમાં એક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પીઆઇને નોકરીમાં ઓછો અને બહાર ફરિને રાજકીય અને તેમના મિત્રોને મળવામાં વધુ રસ છે. જ્યારે કોઇ પણ તેમને મળવા માટે ફેન કરે ત્યારે તપાસમાં બહાર જાઉ છું અથવા મિંટીગમાં છું કહીને મળવા માટે ના પાડી દે છે. જ્યારે થોડા સમય પહેલા એક કેસમાં આ પીઆઇ તોડપાણીના ચક્કરમાં આવી ગયા હતા . પીઆઇ મલાઇ ખાવા માટે પોતાના માનીતા માણસ સાથે પોતાની ઓફ્સિમાં બંધ બારણે મિંટીગ કરીને ક્યાં શુ કરવુ તેમજ કયા પીઆઇ શુ કરે છે અધિકારી ક્યાં છે તમામ જાણકારી રાખતા હોય છે તેવું પોલીસબેડામાં ચર્ચાઇ રહ્યુ છે.
એક વહીવટદારે એક હત્યા કેસમાં આરોપીનું નામ ફરિયાદમાંથી કાઢવા 4 લાખનો તોડ કર્યો
રાજ્યભરમાં એસીબી દ્વારા લાંચિયા અધિકારીઓ અને લાંચિયા કર્મચારીઓ સામે અનેકવાર છટકું ગોઠવીને રંગેહાથ પકડવાના બનાવો સામે આવી રહ્યા છે. આમ છતાં કેટલાક લાંચિયા પોલીસકર્મીઓ સુધરવાનું નામ લેતા નથી. શહેરમાં આવેલ એક પોલીસ સ્ટેશનમાં થોડા દિવસો પહેલા હત્યાનો બનાવ બન્યો હતો. જેમાં ચાર જેટલા આરોપીઓ હતા. જ્યારે એક આરોપી પોતાનું નામ કઢાવવા માટે ધમપછાડા કરી રહ્યો હતો. તેને ફરિયાદી પાસે પણ સમાધાનની વાત કરી હતી. અંતે સ્થાનિક વહીવટદારને મળ્યો હતો. આ વહીવટદારે આરોપીને બચાવવા માટે ફરિયાદી પાસે સમાધાન કરાવીને આરોપીનો 4 લાખનો તોડ કર્યો હતો. આ અંગે પીઆઇને પણ સમગ્ર બાબતે જાણ હતી પરંતુ તેમને મલાઈ મળતી હોવાથી કઇ કહ્યું ન હતું તેવું પોલીસબેડામાં ચર્ચાઈ રહ્યું છે.