ભારત સહિત દુનિયાભરમાં પ્રદૂષણનું દૂષણ હવે પરાકાષ્ઠાએ પહોંચ્યું છે. પ્રદૂષણનો કહેર હવે અનુભવાઈ રહ્યો છે. ઠંડી, ગરમી અને તોફાની વરસાદની તીવ્રતા વધી રહી છે. પર્યાવરણ અસમતુલાનું પરિણામ હવે આપણે અનુભવી રહ્યા છીએ. ઠંડા પ્રદેશો ગણાતા નૈનીતાલ અને મસૂરીમાં 30 વર્ષ બાદ સૌથી વધુ આકરી ગરમી પડી રહી છે.


જાન્યુઆરી 1995માં મહત્તમ તાપમાન 23.5 ડિગ્રી નોંધાયું હતું જે અત્યારે 24 ડિગ્રી તાપમાન અનુભવાઇ રહ્યું છે. 2024નું વર્ષ ઇતિહાસનું સૌથી ગરમ વર્ષ રહ્યું છે. યુરોપિયન જળવાયું એજન્સી કોપર નીકસે નોંધ્યું છે. કે, ગત વર્ષનું વૈશ્વિક સરેરાશ તાપમાન પૂર્વેના સરેરાશથી 1.5 ડિગ્રી સે. વધુ રહ્યું છે. 1850 માં જ્યારથી વૈશ્વિક તાપમાન માપવાનું શરૂ કર્યું છે. ત્યારથી 2024નું વર્ષ સૌથી ગરમ વર્ષ રહ્યું છે. 2024માં સરેરાશ વૈશ્વિક તાપમાન 15.1 ડિગ્રી સે. રહ્યું છે. જે 1991-2000 દસ વર્ષની સરેરાશથી 0.31 ડિગ્રી સે. વધુ છે અને 2023 થી 0.12 ડિગ્રી સે. વધુ છે. વૈજ્ઞાનિકો માને છે કે, વિશ્વ હવે એવા તબક્કામાં પ્રવેશવા જઈ રહ્યું છે. જ્યાં તાપમાન આ મર્યાદાથી સતત ઉપર રહેશે. જ્યાં, સખત ગરમી વિનાશકારી અને પ્રચંડ વાવાઝોડા અને ગંભીર થતા જશે. એટલું જ નહીં, માણસની આરોગ્યની સમસ્યા પણ વકરતી જશે. કદાચ, લોકોને અહેસાસ નથી. પરંતુ, પ્રદૂષણનું દૂષણ માનવજાતને ક્રૂરતાથી રંજાડી રહ્યું છે.

વિશ્વના સૌથી વધુ પ્રદૂષિત 30 દેશોમાં ભારતનો નંબર 21મો છે. તેમાં પણ આપણી રાજધાની દિલ્હી પ્રદૂષણ બાબતમાં આગળ છે. અન્ય શહેરો પણ દિલ્હી જેવા બની રહ્યા છે. ભારતમાં પ્રદૂષણના કારણે દર વર્ષે લાખો લોકો અકાળે મોતને ભેટે છે અને અસંખ્ય લોકો બીમારીઓથી પીડાય છે. વર્તમાન સમયે ટપો-ટપ મરતા લોકો કે માસૂમ બાળકોને આવતા એટેક (કાર્ડિયાક અરેસ્ટ) જેવી અનેક બીમારીએ માઝા મૂકી છે. તેના મૂળમાં પણ પ્રદૂષણ છે. તાજેતરમાં ગુજરાતના 23 જિલ્લાના ભૂતળના પાણીના સેમ્પલમાં કેન્સર, હૃદયની બીમારી સહિત અનેક રોગના જીવાણું મળ્યા છે. હવા અને પાણીનું પ્રદૂષણ માનવ જાતને માત્ર કુદરતી આફ્ત નહીં પરંતુ, ભયંકર રોગથી રંજાડી રહી છે.

થોડા સમય પહેલાં યુનાઇટેડ નેશન્સની ટોચની અદાલતે તેના ઇતિહાસમાં સૌથી મોટા કેસની સુનાવણી હાથ ધરી છે. જેમાં સમુદ્રમાં રહેલા ઘણા નાના ટાપુઓની પીડા, સમસ્યા અને કરુણ કથનીની સુનાવણી શરૂ થઈ છે. જે ટાપુઓ હવામાન પરિવર્તન (પ્રદૂષણ)ની વિનાશક અસરો સામે ઝઝૂમી રહ્યા છે. આ ટાપુઓનું અસ્તિત્વ ભયમાં મુકાયું છે. તેથી, તેઓએ માગણી કરી છે કે, સૌથી વધુ પ્રદૂષણ કરતા રાષ્ટ્રોને આ બાબતે જવાબદાર ગણવામાં આવે. આ આંતરરાષ્ટ્રીય અદાલતના ચુકાદાની શું અસર થશે તે ખબર નથી. પરંતુ, ગ્લોબલ વોર્મિંગ વધતા તાપમાનને કારણે પૃથ્વી પરના સમુદ્રોની વધતી જળસપાટીને કારણે અનેક ટાપુઓને ડૂબી જવાનો ભય છે. 2023માં પૂરા થતા દાયકામાં સમુદ્રની સપાટી 1.7 ઈંચ જેટલી વૈશ્વિક સરેરાશ સાથે વધી છે. આપણા ભારતમાં પણ મુંબઈ અને ચેન્નઈ જેવા શહેરોના ભાગો ભવિષ્યમાં ડૂબી જવાનો ભય છે. ચેન્નઈ પર જોખમ વધુ જણાય છે. ઇન્ડોનેશિયાના જકાર્તા શહેરના દરિયાકાંઠાના કેટલાક ભાગો પર પાણી ફરી વળ્યું છે. ભારતના દરિયાકાંઠે સપાટી વધી છે. પરંતુ, બહુ ધ્યાન ખેંચાયું નથી. ભવિષ્યમાં જો મોટા પ્રમાણમાં રહેઠાણ વિસ્તાર તરફ પાણીની સપાટી વધશે ત્યારે મોટો હાહાકાર સર્જાઈ શકે છે.

આપણે જોઈએ છીએ કે ધુમ્મસનું પ્રમાણ સતત વધી રહ્યું છે. થર્મલ ઈન વર્ઝનને કારણે ધુમ્મસ છવાય છે. થર્મલ ઈન વર્ઝન જેટલું મજબૂત તેટલા વધુ પ્રમાણમાં પ્રદૂષક બાઉન્ડ્રી નજીક આવતી રહે છે. તેથી, હવાના પ્રદૂષણને બહાર નીકળવાની જગ્યા રહેતી નથી. રાત્રે તાપમાન ખૂબ જ નીચે આવે છે. તેથી, આ પ્રદૂષણ નીચે વધારે હોય છે. આ ક્રિયા જ્યાં ધુમ્મસ ન હોય ત્યાં પણ થાય છે. હવે તો વહેલી સવારે શુદ્ધ હવાને બદલે પ્રદૂષિત હવા વધારે હોય છે. તડકો નીકળે પછી જ પ્રદૂષણ ઓછું થાય છે.

હવાના પ્રદૂષણ જેટલું જ પાણી પ્રદૂષણ વધી રહ્યું છે. જે મોટું નુકસાન કરી રહ્યું છે. હવે તો લોકમાતાઓના પાણી ઝેરી બની રહ્યા છે. યમુનાના પ્રવાહમાં દેખાતા ફીણ પ્રદૂષણને કારણે છે. પવિત્ર ગણાતી નદીઓને આપણે હવે ચોખ્ખી રહેવા દીધી નથી. નદીકિનારે ડમ્પ કરવામાં આવતા કચરાના ઢગલા, રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ, વાહનોનો ધુમાડો અને નદીઓમાં ઠલવાતા ગંદવાડ તથા ઔદ્યોગિક કચરો પાણીને પ્રદૂષિત કરી રહ્યા છે. આપણે સમજીએ છીએ, ઔદ્યોગિક વિસ્તારના ગંદા પાણી કે શહેરોમાં ગટરના પ્રવાહ નદીમાં ન ભળે તેની કાળજી તંત્રએ રાખવાની હોય છે. પરંતુ, જ્યાં સુધી જનતા ખુદ નહીં જાગે ત્યાં સુધી તંત્ર પાસે પરિણામની અપેક્ષા રાખી શકાય તેમ નથી. ગમે તેટલી જાગૃતિ માટે પ્રયાસ થાય તેમ છતાં, નદીમાં પૂજાપો, ફૂલ, જૂની મૂર્તિ, ફેટા કે અન્ય વસ્તુ પધરાવવાની માનસિકતા હજુ દૂર થઈ નથી આજે ગુજરાતના અનેક જિલ્લામાં જમીનના પાણી પીવા લાયક નથી. તેમ છતાં, લોકોમાં પણ ગંભીરતા નથી. અતિ ઝેરી દવા અને ખાતરનો ઉપયોગ જમીન, પાણી અને હવા ત્રણેયને ભારે નુકસાન કરે છે. અત્યારે, ગામડાઓમાં પણ જીવલેણ બીમારીઓ વધી રહી છે. તેની પાછળ પ્રદૂષણ જ કારણભૂત છે.

ભારતમાં પણ પ્રદૂષણ એક મોટી સમસ્યા છે. પરંતુ, અમુક શહેરોમાં પ્રદૂષણના સ્તરમાં થોડો સુધારો થયો છે. ભારતના શહેરોએ 2019 થી 2024 સુધીના 6 વર્ષમાં PM 2.5 હવા પ્રદૂષણના સરેરાશ 27 ટકાનો ઘટાડો નોંધાયો છે. નેશનલ ક્લીન એર પ્રોગ્રામ (NCAD) હેઠળ શહેરોમાં 24 ટકાનો ઘટાડો નોંધાયો છે. આપણી રાજધાની સતત બીજા વર્ષે વિશ્વમાં સૌથી વધારે પ્રદૂષિત રાજધાની તરીકે નોંધાયેલ છે. નવી દિલ્હી બાદ બાંગ્લાદેશની રાજધાની ઢાકા અને ઓમાનની રાજધાની મસ્કતનું સ્થાન છે. વર્ષ 2021માં મધ્ય અને દક્ષિણ એશિયામાં સૌથી પ્રદૂષિત 15 શહેરોમાં ભારતના 12 શહેરોનો સમાવેશ થાય છે. વર્ષ 2021 ના વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ (WAQR)માં જણાવ્યા પ્રમાણે વિશ્વના 100 સૌથી પ્રદૂષિત શહેરોમાં 63 શહેર ભારતના છે.

આજે વિશ્વના 90 ટકાથી વધુ લોકોને હવા પણ ચોખ્ખી મળતી નથી. પ્રદૂષિત હવાના કારણે શ્વસનતંત્ર ફેફ્સાના રોગો જીવલેણ થતા જાય છે. કોરોના મહામારી પછી પણ કોરોનાની અસર હોય તેમ લાગે છે. તેનું કારણ પ્રદૂષિત હવા છે. જીવન માટે હવા, પાણી અને ખોરાકની જરૂર છે. ખાણી-પીણી અને ખાદ્ય પદાર્થોની ભેળસેળે હદ વટાવી છે. તેમ, હવા-પાણીને પણ પ્રદૂષિત કરવામાં લોકોનું બેદરકારીપૂર્વક વર્તન કારણ છે. મેં 2024 માં WHOના એક અહેવાલમાં જણાવ્યું છે કે, હવાના પ્રદૂષણને કારણે 80થી 90 ટકા લોકો ખરાબ હવા ફેંફસાંમાં લે છે.

હવાના પ્રદૂષણના કારણે હવા ગરમ થઈ રહી છે. ગરમ હવા અને પાણીના પ્રદૂષણના કારણે સમુદ્રની સૃષ્ટિને ભયંકર નુકસાન થઈ રહ્યું છે. પરિણામે, મોસમમાં મોટું પરિવર્તન દેખાય છે. તે આખરે માનવ સૃષ્ટિ માટે મોટી આફ્ત બની રહી છે. વાહનોનો વપરાશ ઓછો થાય, સૌર ઊર્જાનો ઉપયોગ થાય, સઘન વૃક્ષારોપણ થાય, બિનજરૂરી પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળીએ તો એક વ્યક્તિ તરીકે રાષ્ટ્ર સામેના પડકાર એવા પ્રદૂષણને વધવાની ગતિને બ્રેક મારી શકાય તેમ છે.

કાનમાં કહું...

હવા-પાણીના પ્રદૂષણ જેટલું જ નુકસાન

વિચારોનું પ્રદૂષણ પણ કરે છે...


  • Follow us on: