કહેવત છે કે પુસ્તકો વગરનું ઘર, બારી વગરના મકાન જેવું છે. હવે તેમાં વધુ એક ઉક્તિ ઉમેરવી પડશે અને તે છે છોડ વિનાનું ઘર સકારાત્મક ઊર્જા વગરની ઓરડી સમાન છે.અર્થ-જેના દર્શન કરવાથી તમામ પાપનો નાશ થાય છે, સ્પર્શ કરવાથી શરીરને પવિત્ર બનાવી દે છે.
या दृष्टा निखिलाघसंघशमनी स्पृष्टा वपुष्पावनी।
रोगाणामभिवन्दिता निरसनी सिक्तान्तकत्रासिनी।।
प्रत्यासत्तिविधायिनी भगवतः कृष्णस्य संरोपिता।
न्यस्ता तच्चरणे विमुक्तिफलदा तस्यै तुलस्यै नमः।।
પ્રણામ કરવાથી રોગોનું નિવારણ કરે છે, પાણી પાવાથી યમરાજને પણ ભય પહોંચાડે છે, છોડ ઘરમાં લગાવવાથી તે ભગવાન શ્રીકૃષ્ણની નજીક લઈ જાય છે અને તુલસીપત્ર ભગવાનના ચરણમાં ચઢાવવાથી મોક્ષરૂપી ફળ આપે છે, આવી તુલસી દેવીને નમસ્કાર છે.ગામડાનું ફળિયું એટલે તુલસી ક્યારો, લીમડો, પીપળો, આસોપાલવ, સવન, અસંખ્ય ફૂલોના છોડ અને હરિયાળી જ હરિયાળી..જો કે શહેરમાં આવેલા ઘરમાં ફળિયું હોવું તેની કિસ્મત તો ચમકેલી કહેવાય.. ફ્લેટ કલ્ચરમાં ઇનડોર પ્લાન્ટેશન શબ્દ ઘરે ઘરે જાણીતો છે અને પછી આવ્યો ટેરેસ ગાર્ડન, બાલ્કની ગાર્ડન, વોલ ગાર્ડન અને ઘણું બધું..મોટાભાગના ફ્લેટ્સમાં મનગમતી જગ્યા એટલે થોડા ફૂલ-છોડથી સજાવેલી નાની અમસ્તી ગેલેરી જ હોય શકે છે. હવે ઘણા એવા ઘણા ઘરો જોવા મળી રહ્યા છે જ્યાં એક પણ નાનો અમસ્તો છોડ નથી. તુલસી ક્યારો તો દૂરની વાત છે હવે લોકો પાસે લક્ષ્મીવેલની માવજત કરવાનો પણ સમય નથી. 24 કલાક પાણીમાં ડૂબ્યાં રહેતા અને ડેકોરેશન માટે ઉપયોગમાં લેવાતાં ટાઇની બામ્બુ પણ ઘરમાં લુપ્ત થયા છે. ઇનડોર છોડ માત્ર સૌંદર્યલક્ષી આકર્ષણ જ નથી ઉમેરતા પણ તંદુરસ્ત અને સુમેળભર્યા રહેવાની જગ્યા જાળવવામાં પણ નિર્ણાયક ભૂમિકા ભજવે છે. ઘરમાં છોડની ગેરહાજરીમાં અસંખ્ય ગેરફાયદા હોઈ શકે છે, જે તેના રહેવાસીઓની શારીરિક અને માનસિક સુખાકારીને અસર કરે છે. સ્કંદ પુરાણમાં જ જણાવાયું છે કે વાસી ફૂલ અને વાસી જળ પૂજામાં વર્જિત છે. પરંતુ તુલસીપત્ર અને ગંગાજળ વાસી હોવા છતાં તેનો પૂજામાં ઉપયોગ કરી શકાય છે. એટલે કે આ બન્ને વસ્તુને દરેક સ્થિતિમાં પવિત્ર માનવામાં આવે છે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇજેશનના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલી શોધમાં જણાવાયું છે કે તુલસીમાં એન્ટિઓક્સિન્ડેન્ટ હોય છે. જે શરીરની મૃત કોશિકાઓને ઠીક કરવામાં મદદ કરે છે. આયુર્વેદ અને જ્યોતિષની વાત કરીએ તો બ્રહ્મવૈવર્ત પુરાણમાં પ્રકૃતિ ખંડમાં જણાવાયું છે કે મૃત્યુ સમયે જો તુલસીપત્ર સાથે જળ પીવડાવવામાં આવે તો તેને દરેક પાપમાંથી મુક્તિ મળે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ જે ઘરમાં તુલસીનો છોડ હોય ત્યા વાસ્તુદોષ લાગતો નથી. આ છોડને ઘરના પૂર્વ-ઉત્તર ખૂણામાં રાખવો જોઈએ. ગરુડ પુરાણના ઘર્મ કાંડ- પ્રેત કલ્પમાં લખાયું છે કે તુલસીનો છોડ વાવવાથી, તેને પાણી પાવાથી, તેનું ધ્યાન, સ્પર્શ અને ગુણગાન કરવાથી વ્યક્તિના પૂર્વ જન્મના પાપનું નિવારણ થાય છે. કહેવાય છે કે આસ્થા હોય તો ત્યાં ક્યાં પુરાવાની જરૂર પડે. જાત અનુભવ જ કહે છે કે ઘરમાં તુલસીની બે સમય પુજા થતી હોય તે ઘરનું વાતાવરણ અન્ય ઘરો કરતાં જ અલગ અનુભવાય છે. સકારાત્મક ઊર્જા આપતી એક માત્ર જગ્યા હોય તો તે તુલસી કુંડ કે તુલસીનો ક્યારો. આ પરંપરા લુપ્ત થઈ જશે તો પછી ભવિષ્યની પેઢીને આધ્યાત્મિકતાના આયામો કેવી રીતે સર કરાવીશું ? જેવી રીતે આજના ફ્લેટ કલ્ચરમાં એ.સી, સોફા, ટી.વી, ફરીઝ જેવી વસ્તુઓ હવે જરૂરિયાત બની છે, ત્યારે મનને શાંતિ આપતા ફૂલ-છોડ, તુલસી કુંડ કે પછી એક નાના અમસ્તા છોડની કેમ આવશ્યકતા જણાતી નથી તે વિચારવા જેવી વાત કહી શકાય.
શારીરિક ગેરફાયદા
1. નબળી હવાની ગુણવત્તાઃ છોડ પ્રદૂષકો, ઝેર અને કાર્બન ડાયોક્સાઇડને શોષી લે છે, હવાને શુદ્ધ કરે છે. તેમના વિના, ઘરની અંદરની હવાની ગુણવત્તા બગડે છે, શ્વસન સમસ્યાઓને વધારે છે.
2. તણાવમાં વધારોઃ છોડની પ્રકૃતિ વ્યક્તિને શાંતિ અપાવનાર હોય છે, જે તણાવ અને ચિંતા ઘટાડે છે. તેમની ગેરહાજરીથી તણાવ અને થાક વધી શકે છે.
3. સૂકી હવાઃ છોડ ભેજ છોડે છે, શ્રોષ્ઠ ભેજનું સ્તર જાળવી રાખે છે. તેમના વિના, શુષ્ક હવા ત્વચામાં બળતરા, નાકમાંથી રક્ત અને શ્વસન સમસ્યાઓનું કારણ બની શકે છે.
4. ઘટાડો કુદરતી પ્રકાશઃ છોડ કુદરતી પ્રકાશનું વિતરણ કરવામાં મદદ કરે છે, કૃત્રિમ પ્રકાશની જરૂરિયાત ઘટાડે છે. છોડ વિના ઘર ઊજાસ વગરનું દેખાઈ શકે છે.
(બોક્સ) માનસિક અને ભાવનાત્મક ગેરફાયદા
1. હતાશા અને થાકઃ હરિયાળીનો અભાવ ઉદાસી, સુસ્તી અને એકલતાની લાગણીઓમાં વધારો કરે છે.
2. ઉત્પાદકતામાં ઘટાડોઃ છોડ ધ્યાન, એકાગ્રતા અને સર્જનાત્મકતાને વેગ આપે છે. તેમના વિના, માનસિક કામગીરી અને પ્રેરણાને નુકસાન થઈ શકે છે.
3. કુદરત સાથે મર્યાદિત જોડાણઃ ઇનડોર છોડ આપણને કુદરતી વિશ્વ સાથે જોડે છે, સુખાકારી અને શાંતિની ભાવનાને પ્રોત્સાહન આપે છે.
પર્યાવરણીય ગેરફાયદા
1. ઊર્જા વપરાશમાં વધારોઃ છોડ વિના, ગરમી અને ઠંડક પ્રણાલીઓ સખત કામ કરે છે, ઊર્જા વપરાશમાં વધારો કરે છે.
2. ઘટાડો ઓક્સિજનઃ છોડ ઓક્સિજન ઉત્પન્ન કરે છે, જે માનવ જીવન માટે જરૂરી છે. તેમની ગેરહાજરી ઇન્ડોર ઓક્સિજન સ્તર ઘટાડે છે.
3. બિનઆરોગ્યપ્રદ માઇક્રોબાયોમ્સને ટેકો આપે છેઃ છોડ તંદુરસ્ત ઇનડોર માઇક્રોબાયોમ જાળવી રાખે છે. તેમના વિના, બિનઆરોગ્યપ્રદ બેક્ટેરિયા અને ફૂગ ખીલી શકે છે.
અંતે...
છોડ વિનાનું ઘર એ જીવન, જીવનશક્તિ અને શાંતિથી વંચિત જગ્યા છે. છોડ વગરના ઘરના ગેરફાયદા દૂરગામી છે, જે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય, ઉત્પાદકતા અને એકંદર સુખાકારીને અસર કરે છે. તમારી વસવાટની જગ્યાએ ઇનડોર છોડને જીવનનો ભાગ બનાવો. તમારા ઘરમાં જીવન લાવો-હરિયાળી સાથે રહેવાની પરંપરાને ફરીથી જીવંત કરો.










