ભાજપનો 45મો સ્થાપના દિવસ- છઠ્ઠી એપ્રિલ પણ નવા પ્રદેશ અધ્યક્ષના નામની જાહેરાત વગર પૂર્ણ થયો. લાંબા સમયથી ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ પદ માટે સી.આર.પાટિલના ઉત્તરાધિકારી તરીકે પક્ષમાં અનેક નામો ચર્ચાતા રહ્યા છે.
અહીં વિધાનસભા બજેટ સત્ર પૂર્ણ થયા પછી અર્થાત 28મી માર્ચ પછીના છેલ્લા એક સપ્તાહમાં એ તમામ ચર્ચાતા નામો ધરાવતા નેતા દિલ્હીમાં જોવા મળી રહ્યા છે. આ એક જ સપ્તાહમાં ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, ઉદય કાનગડ, પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફ્યિા, ભરત બોઘરા સહિત ત્રણ ડઝનથી વધુ સ્થાનિક નેતાઓ દિલ્હીમાં હતા. કહેવાય છે કે, કેન્દ્રીય ભાજપમાં ગુજરાતની કમાન સંભાળનાર હાઈકમાન્ડે ઓબીસી કે મહિલા અથવા તો 'ઓબીસી- મહિલા' એવો પણ પ્લાન તૈયાર કરી રાખ્યો છે. સંભવતઃ 12 એપ્રિલને શનિવારે હનુમાન જયંતી પછી ગમે ત્યારે પ્રદેશ અધ્યક્ષનું નામ જાહેર થશે તેવી અટકળો છે. જો કે, 5મી એપ્રિલને શનિવારે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલે 14મી એપ્રિલના ડો. આંબેડકર જયંતી સુધીના કાર્યક્રમો જાહેર કર્યા છે. ત્યારે આ એપ્રિલનો મહિનો કોને ફ્ળે છે તે જોવું રહ્યું.
તેલ અને ચણાના બહાને બંને મંત્રી દિલ્હીમાં 'કંકુ ચોખા' ચોંટાડી આવ્યા
ગુજરાત સરકારમાં મંત્રીમંડળમાં ફેરફાર-વિસ્તરણ થશે નક્કી છે પણ ક્યારે થશે તેનું મુહૂર્ત નીકળતું નથી. જેમને અંદાજ આવી ગયો છે તેવા મંત્રીઓનો રક્તચાપ વિધાનસભાના બજેટસત્રથી વધઘટ રહ્યા કરે છે. આ સ્થિતિ વચ્ચે બી.ઝેડ. ફાઈનાન્સ કાંડની સાથે જેમના તાર જોડાયેલા છે તેવા વિવાદાસ્પદ રાજ્યમંત્રી ભીખુસિંહ પરમાર અને બે તબક્કે પાંચ વર્ષ કરતા વધુ સમયથી કેબિનેટ મંત્રી રહેલા કુંવરજી બાવળિયા ગત સપ્તાહે દિલ્હીમાં હતા. આ બંનેએ દિલ્હીમાં મોદી સરકાર અને ભાજપના સંગઠનમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા મોટા ગજાના નેતાઓ સાથે શુભેચ્છા મુલાકાતની તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરતા અહીં ગુજરાતમાં હવે વિસ્તરણ કે પછી ફેરફાર નહીં થાય અને થશે તો વર્તમાન મંત્રીઓ પૈકી કેટલાકને પડતા નહીં મુકાય તેવી અટકળો નવેસરથી શરૂ થઈ છે. જો કે, હકીકત એવી છે કે, છેલ્લા કેટલાક સમયથી કેન્દ્ર તરફ્થી ગુજરાતને ફાળવાતો તેલ અને ચણાનો પુરવઠો બંધ થયો છે. આથી તેનો સપ્લાય પૂર્વવત થાય તેના માટે આ બંને કેબિનેટ-રાજ્યકક્ષાના અન્ન નાગરિક પુરવઠા મંત્રીઓ દિલ્હીમાં હતા. પરંતુ, ત્યાંથી બહાર આવેલી તસ્વીરોને લઈને જાણે કોઈ અખાત્રીજના અવસરનું આમંત્રણ હોય તેવું ચિત્ર ઉપસ્યું છે.
ગ્રામ પંચાયતોના ઠેકાણા નથી, નવ મ્યુ. કોર્પો.માં ચૂંટણીની દાંડી પીટાઈ
છ હજારથી વધારે ગ્રામ પંચાયતોમાં છેલ્લા અઢી વર્ષથી સરપંચ નથી ! ચૂંટાયેલા જનપ્રતિનિઓના રાજને બદલે એકહથ્થું રીતે વહીવટદારોનો વહીવટ ચાલી રહ્યો છે. જાન્યુઆરીમાં પાલિકા અને તાલુકા પંચાયતોની ચૂંટણી બાદ એપ્રિલના વેકેશનમાં છ હજારથી વધારે ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજવા રાજ્ય ચૂંટણી આયોગે તૈયારી આદરી હતી. જો કે, શનિવારે (પાંચમી એપ્રિલ) અચાનક રાજ્ય ચૂંટણી આયોગના કમિશનર ડો. એસ. મુરલીક્રિષ્ણએ નવ જિલ્લાના કલેક્ટરોને પોતાના જિલ્લામાં નવરચિત નવ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત કરતા હવે ગ્રામ પંચાયતો માટે એપ્રિલમાં યોજાનારી સામાન્ય ચૂંટણી ઘોંચમાં પડયાની ચર્ચા વહીવટી તંત્રમાં છે. મોરબી, આણંદ, નડિયાદ, વલસાડ, મહેસાણા સહિતના નવ મ્યુનિ. કોર્પોરેશન માટે હવે સૌથી પહેલા સીમાંકન થશે અને ત્યારબાદ ચૂંટણી તરફ્ની વ્યવસ્થા આકાર પામશે. આ કાર્યભારણમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી વેકેશનમાં એપ્રિલ-મેના બદલે છેક જૂન કે જુલાઈ સુધી લાંબી ખેંચાય તો નવાઈ નહીં. આથી, જે ગ્રામ પંચાયતોને અઢી વર્ષથી સરપંચ મળ્યા નથી તેમને હજુ વધુ સમય વહીવટદાર આશ્રિાત રહેવું પડશે.
મોઢવાડિયાના ઘરે લાપસીનું જમણ,CM હતા, સ્થળ ગાંધીનગર નહોતું !
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રવિવારે માધવપુર- ઘેડમાં સદીઓથી ચૈત્ર મધ્યે યોજાતા શ્રીકૃષ્ણ રુક્ષ્મણીજીના વિવાહ પ્રસંગે મેળા-મહોત્સવમાં હતા. પોરબંદરની નજીક આ કાર્યક્રમ હોવાથી રાતનું ભોજન સ્થાનિક ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાના ઘરે રાખ્યું હતું. જ્યાં મોઢવાડિયાએ રિંગણાનો ઓળો, રોટલા સહિત કાઠિયાવાડી ભોજનમાં ખાસ લાપસી-ઘીના જમણ કરાવ્યા હતા. મોઢાવાડિયાને ઘરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લાપસીનું ભોજન કર્યુ છે એવી વાત સૌરાષ્ટ્રના રાજકીય ગલીયારામાં પ્રસરી કે તુરંત જ એ ઘરનું સ્થળ ગાંધીનગરનું તો નહોતું ને ? તેવી ઉત્કંઠા ભાજપ-કોંગ્રેસ સહિત ચૌમેર શરૂ થઈ છે. કહેવાય છે કે, મંત્રીમંડળનું વિસ્તરણ થશે ત્યારે હાલમાં જે કોઈ કોંગ્રેસી કુળના મંત્રીઓ છે તેમાંથી કેટલાકને પડતા મુકી મોઢવાડિયાને સ્થાન મળશે. મોઢવાડિયાને કોંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થયાને એક વર્ષ થઈ ગયું છે. વર્તમાન 15મી વિધાનસભા અર્થાત ધારાસભ્ય તરીકે હવે માંડ સવા બે-અઢી વર્ષની જ સમયાવધિ બાકી રહી છે. આ કારણોસર પણ હવે મંત્રીમંડળનું વિસ્તરણ ક્યારે અને કેવું થાય છે તેને લઈને સૌની દિલચશ્પી વધી રહી છે.
મંત્રી-સેક્રેટરીઓનો મુખ્યમંત્રીએ એક સાથે ઉધડો લીધો, જાણો કેમ ?
વિધાનસભાનું બજેટ સત્ર પૂર્ણ થયા બાદ બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લાંબા સમય પછી રુટિન કરતા 'જરા હટકે' હોવાનો અનુભવ મંત્રીઓ-સેક્રેટરીઓને થયો છે ! કોઈ કંઈ ખૂલીને તો બોલી રહ્યું નથી પરંતુ, આ બેઠકમાં ઉનાળામાં પાણી, રોગચાળો અને સ્વચ્છતા મુદ્દે વાત નીકળી ત્યારે મુખ્યમંત્રીએ આંગણવાડીઓના અધૂરા કામોથી લઈ પીવાના પાણી, ડ્રેનેજ જેવી પબ્લિક યુટિલિટી જેવી સામાન્ય બાબતોમાં પણ બેદરકારી રહે છે તેની સામે સખત નારાજગી પ્રગટ કરી હતી. એટલું જ નહીં, પાણી પુરવઠા, શહેરી વિકાસ, પંચાયત અને મહિલા અને બાળ વિકાસ તેમજ માર્ગ મકાન એમ પાંચ મુખ્ય વિભાગોના સેક્રેટરીઓ તેમજ મંત્રીઓને જાહેર સ્થળોએ પાણીની સુવિધા ન હોય તે ન ચાલે તેમ કહીને તત્કાળ અસરથી ગ્રાઉન્ડ લેવલે તપાસ અને સમસ્યા મળે ત્યાં તેને દુરસ્ત કરવા આદેશ કર્યો હતો. સૌને એમ હતું કે બજેટ સત્રમાં મોટાભાગના પ્રશ્નો આવીને ઉકેલાઈ ગયા છે એટલે કેબિનેટ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થશે. એ ધારણા તૂટી ગઈ.
જાપાન જવાનું છે, મુખ્યમંત્રી જશે કે પછી સેક્રેટરીઓ એકલા રહેશે
ગુજરાત સરકાર વર્ષ 2026ના આરંભે વાઈબ્રન્ટ સમિટની તૈયારી કરી રહી છે. તેના માટે સેક્રેટરીઓનું એક જૂથ ઓગસ્ટ- સપ્ટેમ્બરથી વિદેશ પ્રવાસે જશે. હજી સુધી વાઈબ્રન્ટ સમિટ-2026 માટે સેક્રેટરીઓના કમિટીની રચના થઈ નથી. પરંતુ, તે પહેલા 13મી એપ્રિલથી જાપાનના ઓશાકામાં યુમેશિયામાં વર્લ્ડ એક્સ્પો યોજાનાર છે. જેમાં ભારત સરકારે પોતાના દેશમાં રોકાણ માટે એક પેવેલિયન રાખ્યું છે. આ એક્સ્પોમાં યોજાનારા સેમિનારમાં મે મહિનામાં ગુજરાતનો નંબર આવી રહ્યો હોવાથી રોકાણકર્તાઓને આકર્ષિત કરવા, બદલાતી ટેકનોલોજીથી રૂબરૂ થવા અહીંથી એક ડેલિગેશન જાપાન જશે. જો કે, એ ડેલિગેશનમાં મુખ્યમંત્રી સામેલ થશે કે કેમ ? તે હજી સુધી ફાઈનલ થયું નથી. પણ ઉદ્યોગ વિભાગના અગ્ર સચિવ મમતા વર્મા સહિતના કેટલાક સેક્રેટરીઓ જાપાનનો પ્રવાસ ખેડશે તે નક્કી હોવાનું કહેવાય છે.
રૂ.15 કરોડનું 'વાતાનુકૂલિત' બજેટ 100 કરોડમાં ફેરવાયું !
સચિવાલય સંકુલને સેન્ટ્રલી એર કન્ડિશનયુક્ત અર્થાત વાતાનુકૂલિત બનાવવા માટે આ વર્ષે સરકારે બજેટમાં રૂ.100 કરોડ જેટલી માતબર રકમની જોગવાઈ કરી છે. આવી માહિતી બહાર આવતા સચિવાલયના અધિકારીઓમાં ચર્ચા છે કે, સંકુલના 10 બ્લોકના 10 માળ ઉપર આટલા મોટાપાયે ખર્ચો કેવી રીતે થઈ શકે છે ? કારણ કે, અત્યાર સુધી જે વિભાગના સેક્રેટરી પાવરફુલ હોય તેઓ પોતાના ફ્લોર ઉપર ઓફિસ રિનોવેશનના નામે એર કન્ડીશનર મુકાવતા રહ્યા છે. એ ગણતરીએ એક ફ્લોર ઉપર મહત્તમ 20થી 30 એસી જોઈએ. તો 100 ફ્લોર પર 200થી 300 એસીમાં કામ ચાલી જાય તેમ છે. જેની સામે માત્ર 15થી 20 કરોડમાં જ ખર્ચ પૂર્ણ થઈ શકતો હોવા છતાંયે સેન્ટ્રલ એસીના નામે જૂની ઈમારતોમાં રૂ.100 કરોડ જેટલું બજેટ ઠેરવાઈ રહ્યુ છે. જેનો ઉપયોગ પાંચથી સાત વર્ષ જ થઈ શકે એમ છે. આથી, આટલું મોટું બજેટ ઠેરવવા પાછળ કોનું ભેજું કામ કરી રહ્યું છે તેને લઈને સચિવાલય કેડરમાં ચણભણાટ છે.
ઓબેસિટી સામેના અભિયાનની કમિટીમાં એક પણ ડોક્ટર નથી
સામાન્ય વહીવટ વિભાગ- GADએ માર્ચના છેલ્લા સપ્તાહે ગુજરાત રાજ્યમાં ''સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન''ની ઉજવણી કરવા માટે મુખ્યમંત્રીના અધ્યક્ષપદે 19 સભ્યોની જમ્બો કમિટી જાહેર કરી છે. ઓબેસિટી સામેના અભિયાન માટે રચાયેલી આ કમિટીમાં આરોગ્ય વિભાગના અગ્ર સચિવ સહિત એક ડઝન આઈએએસનો સમાવેશ થયો છે. જો કે, તેમાં આરોગ્ય વિભાગના ગ્રામીણ અને શહેરી જાહેર આરોગ્યને સંભાળતા એક પણ કમિશનરનો સમાવેશ થયો નથી ! મંત્રીઓ- સેક્રેટરીઓની સ્ટીયરિંગ કમિટી ઉપરાંત બીજી એક એક્ઝિક્યુટીવ કમિટીમાં એક પણ ડાયેટીશયન, ડોક્ટરનો પણ સમાવેશ થયો નથી. આવી સ્થિતિમાં આ અભિયાન અને કાર્યક્રમોની ફાળશ્રુતિ પણ સરકારી રાહે જ બની રહે તો નવાઈ નહીં.
કયો વિભાગ એકની એક પાર્ટીને મોટા ટેન્ડર કામ સોંપે છે ? સીએમ-સીએસની ટિપ્પણી બાદ કોની તરફ અંગુલી નિર્દેશ?
રાજ્ય સરકારના 26-27 વિભાગો પૈકી ક્યો એક વિભાગ છે કે વારંવાર મોટા મોટા ટેન્ડરો એક જ પાર્ટીને આપે છે ? રાજ્યની બ્યૂરોક્રસીમાં આ બાબત કમસેકમ એક અઠવાડિયાથી તો હોટ ટોપિક બની છે. કહે છે કે, ગત અઠવાડિયા અગાઉની કેબિનેટ મિટિંગમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મુદ્દો છેડી નારાજગી જાહેર કરી હતી,એમણે કોઈ વ્યક્તિ કે વિભાગનું નામ લીધા વિના તમામ ઉદ્દેશીને એકની એક ખાનગી પાર્ટીને મોટી રકમના ટેન્ડર કામ નહીં આપવા તાકીદ કરી હતી. આ જ વાતનો તંતુ પકડી ગત સપ્તાહે યોજાયેલી સચિવોની બેઠકમાં મુખ્ય સચિવ પંકજ જોશીએ જાહેરમાં જ પૂછયું હતું કે, ક્યા વિભાગ દ્વારા એકની એક જ પાર્ટીને વારંવાર ટેન્ડર એલોટ થાય છે ? આ પ્રશ્નનો જવાબ સ્વાભાવિક રીતે જ કમસેકમ જાહેરમાં તો મળવો મુશ્કેલ હતો. સીઓએસમાં હાજર બધા સનદી અધિકારીઓ એકબીજાના મોં જોવા લાગ્યા હતા. એ વખતે મુખ્ય સચિવે બધાંને સૂચના આપેલી કે સીએમ સાહેબ આ બાબતને લઈને ગુસ્સામાં છે, ત્યારે જે કોઈ વિભાગ એકની એક પાર્ટીને મોટા પ્રોજેક્ટના ટેન્ડર સોંપતો હોય તે તાત્કાલિક આવી પ્રવૃત્તિ બંધ કરે. સીએસનો કહેવાનો મતલબ એ પણ હતો કે ટેન્ડરમાં કાર્ટેલ રચાતી હોય અને એક-બે પાર્ટીની જ ઑફરો હોય ત્યારે રિ-ટેન્ડરિંગ કરવું વધારે ઈચ્છનીય છે. જો કે આ બાબત અધિકારીઓેના અંગત જૂથોમાં ભારે ચર્ચાનો વિષય બની છે. અધિકારીઓના ગણગણાટમાંથી શિક્ષણ વિભાગ તરફ આંગળી ચિંધાઈ રહી છે, હવે આમાં પ્રાથમિકશિક્ષણ વિભાગ છે કે ઉચ્ચશિક્ષણ વિભાગ એ તપાસનો વિષય બને છે.
મ્યુનિ. કમિશનર બોર્ડમાં ગાજ્યા એટલા વરસ્યા નહીં
AMCના બજેટ બોર્ડ બેઠકમાં વિપક્ષના પ્રહાર અને હોસ્પિટલ-હોસ્ટેલ સહિતના વિભાગોમાં ચાલતાં કૌભાંડનો પર્દાફાશ કરાયા બાદ કમિશનરે સ્થળ પર જ ડે.કમિશનર પાસે જવાબ માંગ્યો હતો. ડે.કમિશનરે પણ સમગ્ર બાબતથી વાકેફ કર્યા હતા. આ સમયે લાગતું હતું કે, તપાસમાં ગેરરીતિ બહાર આવશે તો સંબંધિત અધિકારી સામે આકરી કાર્યવાહી થશે. પરંતુ બજેટ બોર્ડ બેઠકને દોઢ મહિના કરતા વધુ સમય થયા પછી પણ કોઇ પગલાં ભરાયા નથી. કદાચ કમિશનર ભૂલી ગયા છે અથવા તો સત્તાપક્ષના ઇશારે તપાસ આટોપી લેવાઇ છે. વિપક્ષના આક્ષેપમાં સૌથી ગંભીર બાબત વી.એસ.હોસ્પિટલની કોલેજની હતી. જેમાં ક્વોલિટી વગરનું જમવાનું અને વિદ્યાર્થિનીઓની સુરક્ષાને લઇને પ્રશ્ન રજૂ કરાયો હતો. આ ગંભીર બાબતમાં પણ મ્યુનિ. પદાધિકારીઓએ રસ લઇને તપાસ કરાવી જોઇએ. તેના બદલે સબ સલામતનો દાવો કરી રજૂઆતને અભરાઇએ ચઢાવી દેવાતા મ્યુનિ.ના નવા કમિશનર પણ બોર્ડમાં ગાજ્યા એટલા વરસ્યા નહીં.
રાજ્યના બે સિનિયર IPSના સપના ચકનાચૂર થયાં
રાજ્યમાં ફરજ બજાવતા બે સિનિયર IPSને એક મહત્વની અને ક્રીમ પોસ્ટિંગ ગણાતી જગ્યા પર પોસ્ટિંગ જોઇતું હતું. જેના કારણે તે પોસ્ટિંગ પર બન્ને આઇપીએસની ચર્ચાઓ પણ પોલીસ વિભાગમાં થવા લાગી હતી. બન્ને આઇપીએસ અધિકારીઓએ પોતપોતાની રીતે પોસ્ટિંગ મેળવવા માટે ધમપછાડા કર્યા હતા. જો કે, છેલ્લી ઘડીએ તે પોસ્ટિંગ પર અન્ય એક સ્વચ્છ છબી ધરાવતા IPS અધિકારીને પોસ્ટિંગ આપવામાં આવ્યું હતું. જે બાદ બન્ને સિનિયર આઇપીએસ અંદરોઅંદર નારાજ થયા છે પરંતુ હવે બન્ને IPSએ કરેલા ધમપછાડા કયાંય તેમને કામે લાગ્યા નથી અને બન્ને IPSના સપના ચક્કનાચૂર થયા હોવાનું પોલીસબેડામાં ચર્ચાઇ રહ્યું છે.










