• શક્તિ પ્ર્રદર્શનથી તાઇવાન ડરવાનું નથી

પડોશી દેશોની જમીન પચાવી પાડવાની મેલી મુરાદ ધરાવતું ચીન ભારતનું અરુણાચલપ્રદેશ અને લદાખને પચાવી પાડવા વર્ષોથી ધમપછાડા કરી રહ્યું છે. ભારતનાં લશ્કરે ચીનને ગાલવાન ઘાટીમાં તેની તાકાતનો પરચો બતાવી દીધો હતો. આ પછી પણ અરુણાચલપ્રદેશ અને લદાખને પચાવી પાડવા ચીને હવાતિયાં મારવાનું ચાલુ રાખ્યું છે. ભારતની ભાજપ સરકાર અને આર્મી તેને ભારતની એક ઈંચ જમીન પર હાથ મૂકવા દેતું નથી. આથી ભૂરાયા ચીને ફરી એકવાર તાઇવાનને પચાવી પાડવા ધમપછાડા શરૂ કર્યા છે. આમ તો ચીન વર્ષોથી તાઇવાન તેનું હોવાનો દાવો કરી રહ્યું છે. પણ આ સ્વાયત્ત દેશ ચીનનો છે તેવું કોઈ સ્વીકારતું નથી. આથી પ્રેશર ટેક્નિક અપનાવીને તાઇવાનને ધમકાવવા અને ડરાવવાનાં ત્રાગા ચીને શરૂ કર્યા છે. છેલ્લા એક-બે વર્ષથી તાઇવાનની હવાઈ સીમામાં ચીનનાં એક સામટા 15થી 20 જેટ ફાઇટર ઘૂસી જાય છે અને ત્યાંની હવાઈ સીમામાં ચક્કર લગાવીને પાછા ફરે છે. છેલ્લા થોડા મહિનાથી ચીને પ્રેશર વધારવા હવાઈ સીમામાં જેટ ફાઇટર અને દરિયાઈ સીમામાં લશ્કરી જહાજો મોકલવાનું શરૂ કર્યું છે. તાઇવાનની સરકાર ચીનનાં આવા ધમપછાડાથી ડરે તેવી નથી. તેણે ચીનને ફાઇટ આપવા તેની બોર્ડર પર મિસાઇલ્સ ગોઠવ્યા છે. ચીનનાં જેટ ફાઇટરનો ખુરદો બોલાવવા આ મિસાઇલ્સ પૂરતા છે. તાઇવાનને તેની સ્વતંત્રતા જાળવી રાખવા અમેરિકા તેમજ અન્ય દેશો શસ્ત્રો સહિત તમામ પ્રકારની મદદ કરી રહ્યા છે. આ મામલે અમેરિકાનાં ચંચૂપાતથી ચીન છંછેડાયું છે. ચીને છેલ્લા બે દિવસથી ત્યાં સંખ્યાબંધ જેટ ફાઇટર્સ અને લશ્કરી જહાજો મોકલીને તાઇવાનને કબજે કરવાનો તેનો મનસૂબો જાહેર કરી દીધો છે. તાઇવાનમાં હમણાં જ નવા રાષ્ટ્રપતિ લાઇ ચિંગ તે દ્વારા સત્તા સંભાળવામાં આવી છે તેઓ તાઇવાનની સ્વતંત્રતામાં માને છે અને ચીનનાં કટ્ટર દુશ્મન છે. ચીન તેમને ખતરનાક અલગતાવાદી ગણાવે છે. લાઇ ચિંગે સત્તા સંભાળ્યા પછી તાઇવાનથી દૂર રહેવાની ચીનને ચેતવણી આપી છે જે ચીનનાં પ્રેસિડેન્ટને ખટકી છે. જિનપિંગે 26મીએ તાઇવાનનાં આકાશમાં 21 જેટ ફાઇટર મોકલીને તેમજ 11 નેવીનાં જહાજો તેમ જ 4 કોસ્ટલ જહાજો મોકલીને તાઇવાન સામે લશ્કરી શક્તિ પ્રદર્શન કર્યું છે પણ તાઇવાન ચીનનાં આવા ગતકડાંથી ડરે તેમ નથી. તાઇવાન કંઈ ગાંજ્યું જાય તેમ નથી તેણે પોતાની દરિયાઈ સીમામાં ચોકીપહેરો કરતા જહાજો પર મિસાઇલ્સો ગોઠવીને ચીનને લક્ષ્મણરેખા નહીં ઓળંગવા ચેતવણી આપી છે. તાઇવાન હાલ તો ચીન માટે માથાનો દુઃખાવો બની રહ્યું છે.


  • Follow us on: