ચૂંટણી એટલે રૂપિયા રળી લેવાનું બજાર એ વિચાર રાજકીય પક્ષોમાંથી આગળ વધીને પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેસી, વહીવટી તંત્રમાં ધકેલ પંચા દોઢસો કરનારા અધિકારીઓમાં પણ ઘર કરી ગયો છે. પંચમહાલમાં લોકસભા ચૂંટણી-2019 અને વિધાનસભા ચૂંટણી-2022માં થયેલા ચૂંટણી સંચાલન ખર્ચ અંગે હજી સુધી બિલો અને તેની ખરાઈની પૂર્તતા ન થઈ હોવાથી મુખ્ય નિર્વાચન અધિકારી- CEO કચેરીએ આકરી કાર્યવાહી કરી છે. પંચમહાલ કલેક્ટર આશિષ કુમારને CEO પી.ભારતીએ શો-કોઝ નોટિસ ફટકારીને ઉક્ત ચુંટણી વેળાએ મુખ્ય ચૂંટણી અધિકારી (IAS) , નાયબ ચૂંટણી અધિકારી (GAS) સહિતના ચૂંટણી સ્ટાફ અને જિલ્લાના તમામ રિટર્નિંગ ઓફિસરો પાસેથી સાત દિવસમાં જવાબ માંગ્યો છે. ચૂંટણીના બેફામ ખર્ચા, તેના બિલોની સક્ષમકક્ષાએ મંજૂરીના હુકમો, બિલોની ખરાઈ 19મી એપ્રિલ સુધીમાં રજૂ નહીં થાય તો આ તમામની સામે નાણાકીય ઔચિત્યના ભંગ તેમજ સરકારી સેવકને ન છાજે તેવી વર્તણૂક સબબ શિસ્ત વિષયક કાર્યવાહીની પણ ચીમકી અપાઈ છે. ઉલ્લેખનીય છે કે, IAS સુજલ માયત્રાના કાર્યકાળ વેળાએ પંચમહાલમાં ચૂંટણી ખર્ચમાં થયેલી ધાંધલીમાં વર્તમાન કલેક્ટર આશિષ કુમારને નોટિસ મળી છે.
મતદાન પછી જુઓ સચિવાલયમાંથી કેટલા વિપશ્યના કરવા માટે જાય છે ?
ચૂંટણીને કારણે વચ્ચે સચિવાલય ઠંડુંગાર છે. મુખ્યમંત્રી કાર્યાલય-CMOના સેક્રેટરીઓ આચારસંહિતા બાદ વિભાગો પાસેથી શું નવું થઈ શકે છે તેને લઈને મિટિંગ યોજી રહ્યા છે. દરમિયાન સોમવારે સામાન્ય વહીવટ વિભાગ-GADએ સચિવાલયમાં રિસેસમાં યોગ અને ધ્યાન કરતા અધિકારીઓના ગ્રૂપે વિપશ્યના સંદર્ભે પોલીસ હાઉસિંગ બોર્ડના મેનેજિંગ ડિરેક્ટર DGP હસમુખ પટેલ પાસેથી તેમના વિચારો જાણ્યા હતા. સોમવારે આ IPSએ કાર્યભારણ અને વિપશ્યના અંગે વક્તવ્ય આપ્યા બાદ સચિવાલયમાં હવે 7મી મેના રોજ મતદાન પૂર્ણ થાય બાદ કેટલા અધિકારીઓ વિપશ્યના માટે રજા રિપોર્ટ મૂકે છે તેના પર સૌની નજર છે.
ચૂંટણીના નામે રોકડ પકડવામાં પોલીસને વિશેષાધિકાર મળ્યો, તોડ તો ન જ થયો !
ચૂંટણી આચારસંહિતાના ભાગરૂપે એક જિલ્લાથી બીજા જિલ્લામાં પ્રવેશના માર્ગો ઉપર પોલીસે તંબુ બેસાડી ચેકિંગ શરૂ કર્યુ છે. તેવામાં સરહદી જિલ્લામાં બીજા જિલ્લાના વેપારી પાસેથી મળેલી રોકડમાં પોલીસને જેમ કરવું હતું તેમ ન થઈ શક્યાની માહિતી બહાર આવી છે. વાત જાણે એમ છે કે, વેપારી પાસેથી મળેલી રોકડ એ સાવ કાળો રૂપિયો છે તેમ કહી પોલીસના ટોચના અધિકારીએ તોડનું ત્રાગું કર્યું પણ એ દાવ સાવ ઊંધો પડયો. રાજકીય પીઠબળ ધરાવતા એ પોલીસ અધિકારીની સામે વેપારી પણ રાજકીય છત્રવાળો નીકળતા જપ્ત રોકડના 50 ટકા કે 30 ટકા દૂર રહ્યા પણ એક પણ રૂપિયો આપવાનો ઈનકાર કરતા છેવટે સામાન્ય ઈન્કવાયરીનો કેસ નોંધવો પડયો છે. આમ, ચૂંટણીમાં પોલીસને ભલે તપાસનો વિશેષાધિકાર મળી રહ્યો હોય પરંતુ વેપારીઓને કનડવા અને તોડ કરવામાં ફાવટ મળે એમ નથી. કારણ કે ભાજપ પાસે 74 લાખ પેજ પ્રમુખો છે અને તેમાંથી ઘણા ખરા વેપારીઓ પણ !
ધંધાના ભાગીદારોએ નહીં પણ અમદાવાદના MLAએ રોહન ગુપ્તાનો ખેલ પાડયો ?
ભાજપના નેતાઓ અને તેમની સાથે ઘરોબો ધરાવતા વેપાર-ધંધાવાળાની સાથે કોંગ્રેસના રોહન ગુપ્તાની ભાગીદારી વર્ષોથી રહી છે. પરંતુ, અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર જાહેર થયા બાદ અચાનક નાટયાત્મક રીતે પહેલા ચૂંટણી લડવાનો ઈનકાર, પછી કોંગ્રેસમાંથી રાજીનામું અને પછી તો છેક દિલ્હી જઈને કમળછાપ પટ્ટો, ટોપી પહેરી ભાજપમાં સામેલ થઈ જવાના ઘટનાક્રમ બાદ આ મિલાપ-ભેલાણમાં અમદાવાદ શહેરના એક ધારાસભ્યનું નામ બહાર આવ્યું છે. કહેવાય છે કે, કોર્પોરેટર રહેલા આ ધારાસભ્યને વર્ષ 2022માં ચૂંટણી જીતવા ગુપ્તાએ મદદ કરી હતી. તેની ફળશ્રુતિના ભાગરૂપે છેક હાઈકમાન્ડ સુધી માથાપચ્ચી કરીને આ ધારાસભ્યે રોહન ગુપ્તાને દિલ્હીનું કેન્દ્રીય ભાજપ કાર્યાલય દેખાડયું છે !
વિચારો, ભાજપના રત્નાકરે મોડાસા જઈ બંધબારણે કોને ઠપકાર્યા હશે ?
સાબરકાંઠા લોકસભામાં અટક બદલવાના ખેલમાં ભાજપમાં ટિકિટવિહોણા થઈ ગયેલા ભીખાજી દુધાજીનું ટોળું હજીએ શાંત થયું નથી. આવા કકળાટને ઠારવા મુખ્યમંત્રી, ગૃહમંત્રીએ સંગઠનના આગેવાનો કાર્યકરો સાથે બેઠક કરી આવ્યા છે. બંને જિલ્લાના આગેવાનોને પ્રદેશ અધ્યક્ષ પાટિલે ગાંધીનગર બોલાવીને 'ખોટું શું થયું છે' તેનો ફોડ પાડયો છે. તેમ છતાંય અરવલ્લી જિલ્લાનો આંતરિક કકળાટ ચાલુ રહેતા શુક્રવારે પ્રદેશ મહામંત્રી રત્નાકરને મોડાસા દોડવું પડયું હતું. જ્યાં તેમણે બંધબારણે બેઠક યોજીને બરોબરનો ક્લાસ લીધાની ચર્ચા છે. કહેવાય છે કે, વડોદરામાં રંજનબહેન ભટ્ટ નવા ઉમેદવાર ડો. હેમાંગ જોશી સાથે પ્રચારમાં જોડાઈ ગયા છે પણ અહીં ભીખાજી શોભનાબહેનની સાથે પ્રચારમાં નીકળતા નથી, એટલે ચિઠ્ઠી, પત્રિકા વહેતી કરનારાઓ પણ તેમના સમર્થકો હોવાના આક્ષેપ થયા છે. પરંતુ, મોડાસામાં રત્નાકરે ભીખાજીની પાછળ રહેલા મહોરાને પણ આડે હાથે લેતા હવે આગામી સપ્તાહે શોભનાબહેન સાથે કોણ પ્રચારમાં જોવા મળે છે તેના પર સૌની નજર છે.
બાપ રે, પૂર્ણેશ મોદીનું નામ છઠ્ઠા ક્રમે યાદી જોઈને ભાજપના કાર્યકરો દંગ
ભાજપે દિલ્હીથી ગુજરાતની સાથે સંઘ પ્રદેશ દાદરા, નગર હવેલી અને દમણ દીવમાં સ્ટાર પ્રચારકોની યાદી ચૂંટણી કમિશનની સાથે બંને પ્રદેશના સંગઠનને પણ સોંપી છે. જેમાં સંઘ પ્રદેશના 40 સ્ટાર પ્રચારકોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પ્રદેશ અધ્યક્ષ જે.પી.નડ્ડા, રાજનાથસિંહ, અમિત શાહ, નીતિન ગડકરી પછી તુરંત જ મૂળ સુરતી અને પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીને સ્થાન અપાયું છે. ત્યારબાદ અન્ય કેન્દ્રીય મંત્રીઓ, મુખ્યમંત્રીઓ અને ગુજરાત સરકારના મંત્રીનો નામોલ્લેખ જોઈને ભાજપમાં સૌ કોઈ દંગ થઈ ઊઠયા છે. ચર્ચા છે કે, રાહુલ ગાંધી સામે કોર્ટ કેસ પછી શું પૂર્ણેશ મોદીનું કદ વધી ગયું છે કે તેમનું નામ છઠ્ઠા ક્રમે મૂકીને સ્ટાર પ્રચારક બનાવાયા ? હકીકતમાં ગુજરાતના આ ધારાસભ્ય સંઘ પ્રદેશના પ્રભારી હોવાથી સ્ટાર પ્રચારકોની યાદીમાં છે. પરંતુ, તેમનું નામ છઠ્ઠા ક્રમે આવતા જાતભાતની ચર્ચા શરૂ થઈ છે.
આસામના CM એમના ભાઈબંધ માટે અહીં પ્રચાર કરવા આવશે ?
કોંગ્રેસમાં અહેમદ પટેલના જૂથના દેશભરના મોટાભાગના નેતાઓ ભાજપમાં સામેલ થઈ ચૂક્યા છે. આસામના મુખ્યમંત્રી હેમંતા બિસ્વા સરમા પણ એક સમયે સ્વ.અહેમદ પટેલના પહેલા-બીજા વર્તુળના નેતા હતા. એવી જ શૃંખલામાં અર્જુન મોઢવાડિયાના પણ મિત્ર છે. આઠેક વર્ષ અગાઉ ભાજપમાં ભળેલા સરમા વર્ષ 2021માં આસામના મુખ્યમંત્રી થયા બાદ ગત વર્ષે ઉનાળામાં માધવપુરના રુક્ષ્મણી વિવાહમાં સૌરાષ્ટ્ર આવ્યા હતા. હવે તેઓ લોકસભા ચૂંટણીની ગરમીમાં ગુજરાતમાં પ્રચાર માટે આવી શકે તે માટે પ્રદેશ ભાજપે તેમને સ્ટાર પ્રચારકોમાં સમાવ્યા છે. કહેવાય છે કે, એક વર્ષની સમજાવટ બાદ મોઢવાડિયાને આસામના મુખ્યમંત્રી જ ભાજપમાં લઈ ગયા છે એટલે તેમના પ્રચાર માટે પણ એ ભાઈબંધી નિભાવવા જાય છે કે કેમ ? તેના પર સૌની નજર છે.
લીકેજ : કેટલાક IPSએ બદલીના ઓર્ડર થાય તેના 24 કલાક પહેલાં જ અભિનંદન મેળવ્યા !
આંતરિક હુંસાતુંસીને કારણે લાંબા સમયથી લટકેલા IPS પ્રમોશન, ટ્રાન્સફરની પ્રક્રિયા છેવટે ચૂંટણી પંચ મારફતે સરકારે પાર ઉતારી પરંતુ તેમાં પણ કોઈ જ ગોપનિયતા જળવાઈ નથી ! ગૃહ વિભાગ, DGP કચેરીમાં તપાસ, બદલી અને બઢતી જેવી પ્રક્રિયા અત્યંત સંવેદનશીલ ગણાય છે. પરંતુ, રવિવારે ગૃહ વિભાગે ચૂંટણી પંચની મંજૂરી બાદ કરેલી IPSની ટ્રાન્સફર, નિયુક્તિઓમાં પણ માહિતી લીક થયાનું બહાર આવ્યું છે. ગૃહ વિભાગે ઓર્ડર ભલે રવિવારની બપોરે કર્યો પરંતુ, ગાંધીનગર, અમદાવાદમાં વેઈટિંગ ફોર પોસ્ટિંગ રહેલા કેટલાક IPSને શનિવારની બપોરથી જ પોતાનું પોસ્ટિંગ ક્યાં થઈ રહ્યું છે તેની જાણ થઈ ગઈ હતી. અને અભિનંદન પણ સ્વીકારવાના શરૂ કર્યા હતા. માહિતી લીક થવા મુદ્દે ગૃહ વિભાગ અને પોલીસ ભવનના અધિકારીઓ એકબીજા પર દોષનો ટોપલો ઠાલવી રહ્યા છે.
પોરબંદરના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીને ચાલુ પ્રક્રિયાએ હટાવાયા
પોરબંદરના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી હિરલ બી. દેસાઈની બદલી કરવામાં આવી છે અને તેમને સુરેન્દ્રનગરમાં સરદાર સરોવર નર્મદા પ્રોજેક્ટ અધિકારી તરીકે મૂકવામાં આવ્યા છે. આ જગ્યા ઉપર અગાઉ પ્રિયાંકકુમાર ગલચર હતા, જેમને પોરબંદરમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી બનાવાયા છે. ચૂંટણી પ્રક્રિયા રાજ્યમાં શરૂ થતાંની સાથે જ 12મી એપ્રિલે આ આમનેસામને બદલીઓ અંગે મહેસૂલ વિભાગે નોટિફિકેશન જારી કર્યું હતું. છેલ્લી ઘડીએ ચાલુ ચૂંટણી પ્રક્રિયામાં થયેલી આ બદલી અંગે કૌતુક જાગ્યું છે. જો કે ચૂંટણી તંત્ર એવું કહે છે કે વહીવટી કારણોસર પોરબંદરમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી બદલવામાં આવ્યા છે.
ડૉ. જયંતી રવિએ ઓરોવિલાની પ્રોડક્ટ્સનું મોટું બોક્સ IAS અધિકારીઓને પ્રેમભેટરૂપે મોકલાવ્યું
ગુજરાત કેડરના 1991 બેચના અધિક મુખ્ય સચિવ દરજ્જાના આઇએએસ ડૉ. જયંતી રવિ પોણા ત્રણ વર્ષથી તેમના વતન તામિલનાડુમાં ઓરોવિલા ફાઉન્ડેશન ખાતે ડેપ્યુટેશન ઉપર છે. આવતા જુલાઈના પ્રથમ સપ્તાહમાં તેમના ડેપ્યુટેશનને ત્રણ વર્ષ પૂરા થઈ રહ્યાં છે તે પછી તેઓ કેડર સ્ટેટમાં પાછા આવશે કે કેમ તે અંગે અત્યારથી અટકળો ચાલી રહી છે. દરમિયાન તેમણે ઓરોવિલા ફાઉન્ડેશન ઉત્પાદિત ફેસ ક્રીમ તથા પ્રોબાયોટિક સ્ક્રબ સોપનું મોટું બોક્સ પ્રેમભેટ તરીકે તમામ આઇએએસ અધિકારીઓને મોકલાવતાં બધા ખુશખુશાલ થઈ ગયાં છે. અધિકારીઓ એવું માને છે કે, સંબંધો જીવંત કરવાના ભાગરૂપે ડૉ. જયંતી રવિએ આ પ્રેમભેટ મોકલાવી લાગે છે, તેથી તેઓ જુલાઈમાં પરત આવશે એવું એક વર્ગ માને છે.
હાર્દિક પટેલ કદ પ્રમાણે વેતરાયો, સ્ટાર પ્રચારકમાં સ્થાન ન મળ્યું
ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો અને વિધાનસભાની પાંચ બેઠકો પરના ચૂંટણી જંગને લઈ ભાજપે 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે, આ યાદીમાં હાર્દિક પટેલની ધરાર બાદબાકી થઈ છે. ભાજપના જ વર્તુળો માને છે કે, હાર્દિકને કદ પ્રમાણે વેતરી દેવાયો છે. અગાઉ કોંગ્રેસમાં હતો ત્યારે મંચ પર સ્થાન મળતું સાથે જ સ્ટાર પ્રચારક તરીકે રહેતો હતો, જોકે હવે હાર્દિક હાંસિયામાં ધકેલાયો છે. તાજેતરમાં સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ચૂંટણી પ્રચાર દરમિયાન વીરમગામ નજીક જખવાડા ગામમાં પ્રચાર કરવા જતા હાર્દિક પટેલને ગ્રામજનોએ ઘેરીને ધક્કે ચડાવ્યો હતો અને ધારાસભ્ય પાછા જાવના નારા લગાવાયા હતા, એ પછી હાર્દિક પટેલે ચાલતી પકડી હતી, આમ પ્રચાર કરવામાં પણ નાકે દમ આવ્યો હતો.
ઘર નજીક મિટિંગ ગોઠવી નહીં શકનારા રોહન ગુપ્તા ભાજપનું શું ભલું કરશે?
અમદાવાદ પૂર્વના ઉમેદવાર જાહેર થયા બાદ રોહન ગુપ્તાએ ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી, જેમાં પિતાની બીમારીનું કારણ આગળ ધરવામાં આવ્યું હતું. અલબત્ત, એના થોડાક દિવસો પછી દિલ્હી જઈને ભાજપમાં પ્રવેશ મેળવી લીધો હતો, આ બાબતથી કોંગ્રેસના વર્ષો જૂના વફાદાર કાર્યકરો રાજીના રેડ થયા છે જ્યારે ભાજપના આગેવાનો-કાર્યકરોમાં અંદરખાને કચવાટ છે, રાજકીય વર્તુળો એવો દાવો કરે છે કે, જે કહેવાતા આગેવાન જ્યારે કોંગ્રેસ પક્ષમાં હતા ત્યારે પોતાના રહેઠાણ આસપાસ પક્ષ માટે મિટિંગ ગોઠવી શક્યા નહોતા એ શું ભાજપનું ભલું કરી શકશે.
જૂનાગઢ બેઠક : MLAને સ્પષ્ટતા કરવી પડી, હું પીઠ પાછળ ઘા કરતો નથી!
જૂનાગઢ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસે હીરા જોટવાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે, આ બાબતને લઈ કોંગ્રેસ પક્ષમાં એવો ગણગણાટ હતો કે, ધારાસભ્ય વિમલ ચૂડાસમા નારાજ થઈને ભાજપ ભેગા થઈ શકે છે, અગાઉ પણ એક પછી એક ધારાસભ્યો પક્ષ છોડીને ભાજપમાં ગયા ત્યારે ચુડાસમાનું નામ ખૂબ ચગ્યું હતું. જૂનાગઢ બેઠક ઉપર ચૂડાસમાના પરિવારમાંથી કોઈને ટિકિટ મળે તેવી ગણતરી હતી, જોકે આવું થયું નથી. આ બાબત વચ્ચે ધારાસભ્ય ચૂડાસમાને સ્પષ્ટતા કરવી પડી હતી કે, હું પીઠ પાછળ ઘા કરતો નથી. આમ હાલ ભાજપ પ્રવેશની અટકળો પર પૂર્ણ વિરામ મુકાયો છે.
ક્ષત્રિય સમાજ લાલઘૂમ, MLA રિવાબા જાડેજા, તમે ક્યાં ખોવાયાં છો?
ભાજપના રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ બફાટ કર્યો એ પછીથી ક્ષત્રિય સમાજ ભારે ખફા છે. રાજ્યભરમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન અને આવેદન પત્ર આપવાના કાર્યક્રમ યોજાયા છે, આ તબક્કે ક્ષત્રિયાણીઓએ સોશિયલ મીડિયામાં ભાજપના ધારાસભ્ય રિવાબા જાડેજા સામે પણ નારાજગી વ્યક્ત કરી છે અને કહ્યું છે કે, રિવાબા જાડેજા ક્યાં ખોવાઈ ગયાં છે? સમાજનું આટલું મોટું આંદોલન ચાલી રહ્યું છે તો તમે ક્યાં છો અત્યારે? રિવાબા તો ગામડે ગામડે ફરીને મહિલાઓને જાગૃત કરવા નીકળ્યા હતા, એ મહિલાઓ અત્યારે જાગૃત થઈ છે અને તમને સવાલ પૂછે છે કે, અત્યારે તમે ક્યાં ખોવાયાં છો?
આઈપીએસ પોતાની ઉંમર જોયા વગર બોલ્યા, 'બુઢ્ઢો કો રખના નહીં હૈ'
ગુજરાતના કેટલાક આઈપીએસ અધિકારીઓમાં સત્તાનો નશો એટલો ચડેલો હોય છે કે, તેઓ શું બોલે છે, તેનું પણ ભાન રાખતા નથી. રાજ્ય પોલીસનો ભાગ ગણાતા વિભાગમાં ફરજ બજાવતા આઈપીએસ અધિકારી છેલ્લા કેટલાક સમયથી સંસ્થામાં કામ કરતા કર્મચારીઓ વચ્ચે એવો બફાટ કરે છે કે, બુઢ્ઢો કો રખના નહી હૈ. કર્મચારીઓ પણ અધિકારીની સામે કઈ બોલતા શકતા ન હોવાથી અંદરોઅંદર ચર્ચા કરે છે. આઈપીએસ અધિકારી પોતાની ઉંમર જોતા નથી અને તેમનાથી બે વર્ષ નાના કર્મચારીઓને બુઢ્ઢા કહે છે. સંસ્થામાં ફરજ બજાવી ચૂકેલા અને નિયમ મુજબ એક્સ્ટેન્શન મેળવવા માટે હક્કદાર નિવૃત્ત કર્મચારીઓને અધિકારી રાખવા માંગતા ન હોવાનું જણાવી રહ્યા છે. આમ, કર્મચારીઓમાં પણ અધિકારીના આ વલણને લઈને નારાજગી જોવા મળી રહી છે.










