ભારતમાં વનડેનો વિશ્વ કપ


અવળચંડા અને અળવીતરાં પાકિસ્તાનને ભારત સાથે દરેક વાતમાં વાંકું પડે છે. રાજદ્વારી સંબંધો હોય કે દ્વિપક્ષીય સંબંધો હોય કે પછી વિશ્વ સ્તરે સૌહાર્દની વાત હોય તે ભારતને બદનામ કરવાની એકપણ તક ચૂકવા માંગતું નથી. જ્યારે બંને દેશો વચ્ચે સંબંધોના સેતુ સમાન ક્રિકેટ મેચ રમવાની વાત આવે ત્યારે પોતાને મનગમતા નિર્ણયો લેવાય તે માટે તેણે તાયફા કર્યા. સ્પોર્ટસની બાબતમાં પણ તે સ્પોર્ટસમેન સ્પિરિટ ચૂકી ગયું. અત્યારે આર્થિક રીતે પાયમાલ થઈ ગયું છે. IMF સમક્ષ અનેક વખત ઝોળી ફેલાવ્યા છતાં તે નાણાકીય મદદ મેળવી શક્યું નથી. ચીન અને સાઉદી અરેબિયા જેવા કેટલાક દેશો નાણાકીય મદદના ટુકડા ફેંકે ત્યારે તેની ઈકોનોમી ચાલે છે. રોજબરોજનાં ખર્ચા કરી શકે છે. અબજોનાં દેવાંમાં ડૂબી ગયું છે. આમ છતાં સંયુક્ત રાષ્ટ્ર હોય કે વિશ્વના અન્ય મંચ હોય ભારતને બદનામ કરવાના તમામ પ્રયાસો કરતું રહે છે. કાશ્મીરનું ભૂત સતત ધૂણતું રાખીને ત્યાંના શાસકો પ્રજાને ગેરમાર્ગે દોરી રહ્યા છે. તાજેતરમાં ભારતમાં ઓક્ટોબરમાં યોજાનાર વન ડે વર્લ્ડ કપનો પ્રોગ્રામ જાહેર થયો તે પહેલાં અને પછી તેણે અનેક વખત શિડયુલને ખોરવવાના ધમપછાડા કર્યા પણ ICC તેમજ BCCI સમક્ષ તેની એકપણ ચાલાકી કામમાં આવી નહીં. ઊલટાનું ICCએ તેની ઝાટકણી કાઢી તે જુદું. હકીકતમાં પાકિસ્તાનને દુખે છે પેટ અને કૂટે છે માથું. તેણે કેટલીક મેચો ભારતમાં અને ખાસ કરીને અમદાવાદમાં નહીં રમવા વાંધાવચકા કાઢયા. તેની રાબેતા મુજબની ટેવ મુજબ નાટક કર્યા પણ તેની એકપણ દલીલો લોજિકલી પણ સ્વીકારી શકાય તેમ ન હતી. ભારત સાથેની મેચ અમદાવાદમાં રમવા તેણે ઈનકાર કર્યો. અધૂરામાં પૂરું અફઘાનિસ્તાન સામેની મેચ ચેન્નઈને બદલે બેંગલુરુમાં અને ઓસ્ટ્રેલિયા સામેની મેચ બેંગલુરુને બદલે ચેન્નઈમાં રમવાનો આગ્રહ રાખ્યો. તેના આ દૂરાગ્રહમાં ક્યાંય કોઈ લોજિક દેખાતું નથી. આ તેની બાલિશ અને લૂલો બચાવ કરતી દલીલો હતી. જો કે ICC તેમજ BCCIએ તેની એકપણ માગણીને ધ્યાનમાં લીધી નથી. આને કારણે સ્પોર્ટસની દુનિયામાં પાકિસ્તાનની બેઈજ્જતી થઈ છે. આ બાબત પુરવાર કરે છે કે PCBને તેના ખેલાડીઓ પર જ ભરોસો નથી. ટીમને અને ખેલાડીઓને દરેક મેચ જીતવા માટે મજબૂત બનાવવાને બદલે તે એક-બે મેચ જીતીને નાક કપાય નહીં તે માટે હવાતિયાં મારી રહ્યું છે. ICCએ સ્પષ્ટ કર્યું છે કે PCBએ ઈવેન્ટ રમવા કરાર કરી દીધા છે આથી હવે તેનાં કોઈપણ કારણો ધ્યાનમાં લેવાશે નહીં. PCBને ડર છે કે વનડે વર્લ્ડ કપમાં ભાગ લેનાર દરેક ટીમ પાકિસ્તાનની ટીમના અને ખેલાડીઓનાં છોતરાં કાઢી નાંખવા સક્ષમ છે અને તેથી જ તે નાચનારીને આંગણું વાંકુંની જેમ બહાના બતાવી રહી છે.


  • Follow us on: