• સુરક્ષા વ્યવસ્થા કેટલી ખોખલી છે તેનો નમૂનો

સંસદ પર હુમલાની બરાબર 22મીએ વરસીએ ફરી આવી ઉગ્રવાદી ઘટનાનું પુનરાવર્તન થયું. માથા ફરેલા બે શખ્સોએ સંસદની અંદર ઘૂસીને ધમાલ અને હંગામો મચાવ્યો. સંસદમાં યલો સ્મોક છોડવામાં આવ્યો. એક કલાક સુધી સંસદને બાનમાં લેવામાં આવી. દેશની સંસદમાં ઘૂસીને હંગામો મચાવનાર માથાભારે શખ્સોએ દેશની અને સંસદની સુરક્ષાના લીરેલીરા ઉડાવી દીધા છે. સંસદની સુરક્ષા સામે ગંભીર સવાલો સર્જાયા છે. આખા વિશ્વમાં ભારતનાં સુરક્ષા દળો અને સુરક્ષા વ્યવસ્થાનાં ઉદાહરણ આપવામાં આવે છે ત્યારે ફક્ત બે લોકોએ જ ભારતની ફુલપ્રૂફ સુરક્ષા વ્યવસ્થાના ધજાગરા ઉડાવી દીધા છે. સંસદસભ્યના પીએની ભલામણથી અને તેમના પાસથી સંસદમાં ઘૂસી જવું, ત્યાં માન્ય સમય કરતા વધારે રહેવું અને પછી કૂદીને સંસદસભ્યોના મેજ પર ભાગદોડ કરવી એ કંઈ સંસદ અને સંસદસભ્યો, પીએમ, લોકસભા અને રાજ્યસભાનાં અધ્યક્ષની સુરક્ષા માટે નાનીસૂની વાત નથી. દેશની અને સંસદની તથા VVIPsની સુરક્ષામાં રહેલા છીંડા બહાર આવી ગયા છે. સલામતીના પોકળ દાવાઓ સામે આવી ગયા છે. એટલું સારું હતું કે તેમની પાસે કોઈ વિસ્ફોટકો કે શસ્ત્રો ન હતા અન્યથા ગણતરીની ક્ષણોમાં કેટલીક લાશો પડી જતા વાર લાગી ન હોત. પવિત્ર સંસદ, સાંસદો અને કર્મચારીઓનું લોહી રેડાયા પછી તે અપવિત્ર થઈ ગઈ હોત. ભારતના અભેદ સુરક્ષા ચક્રને કાળી ટીલી લાગી ગઈ હોત. રાજ્યસભામાં સાંસદના પીએની ભલામણથી પાસ સાથે આવેલા લોકો પાસે સ્મોક ગન કેવી રીતે આવી? શું તેઓ સુરક્ષાની તપાસ વિના જ અંદર ઘૂસી ગયા. તેમણે સંસદના ફુલુપ્રૂફ સુરક્ષા ચક્રને કેવી રીતે તોડયું? સંસદમાં ઘૂસીને તોફાન કરવાનો અને ભાગદોડ મચાવવા પાછળ તેમનો ઈરાદો શું હતો? આવા સવાલો દરેકના મનમાં ઊઠયા વિના ન રહે તે સ્વાભાવિક છે. સંસદની સુરક્ષા વ્યવસ્થા કેટલી નબળી અને બોદી છે તેનો આ ઘટના સાથે પર્દાફાશ થઈ ગયો છે. સંસદમાં તોફાન મચાવનાર બે શખ્સો પાસે ફક્ત 45 મિનિટ સંસદમાં રહેવાનો પાસ હતો. આમ છતાં તેઓ 2 કલાક ત્યાં રહ્યા. પોલીસ તપાસમાં જાણવા મળે છે કે માથાભારે શખ્સોએ સંસદની સુરક્ષા વ્યવસ્થાની રેકી પણ કરી હતી. જેમાં તેમને જાણવા મળ્યું હતું કે સંસદભવનમાં પ્રવેશ વખતે પગરખાં તપાસવામાં આવતા નથી. તેમની આ રેકી પછી સંસદમાં ઘૂસવાની અને તોફાન મચાવવાની તેમની હિંમત બમણી થઈ ગઈ હતી. તેમણે પગરખાંમાં સ્મોક ગન છુપાવી હતી. તેમના બે સાગરીતોએ સંસદની બહાર સૂત્રો પોકારીને હોબાળો મચાવ્યો હતો. પોલીસ અને સુરક્ષા દળો દ્વારા રાબેતા મુજબ તોફાનીઓ સામે કેસ કરાયા છે. પોલીસ અને સુરક્ષા સંસ્થા તેમની રીતે કામ કરતા રહેશે પણ ભવિષ્યમાં ફરી આવી ઘટનાઓ ન બને તે માટે નવેસરથી ચક્રવ્યૂહ ઘડવો પડશે.


  • Follow us on: