• છેલ્લા દિવસે નાટકીય રીતે ગૃહમાં ઘટનાક્રમ બદલાયો

  • બે દિવસ ઠપકાર્યા પછી શંકરભાઈ ચૌધરીએ પૂર્વ અધ્યક્ષ વોરાને પોતાના સ્થાને બેસાડયા !

ચોમાસુ સત્રના છેલ્લા દિવસ શનિવારે વિધાનસભા ગૃહમાં એક અદ્ભુત નાટકીય ઘટનાક્રમ રચાયો હતો. વાત જાણે એમ છે કે, સત્રારંભથી પૂર્વ મંત્રી, પૂર્વ અધ્યક્ષ રમણલાલ વોરા પોઈન્ટ ઓફ ઓર્ડર કે પછી પોઈન્ટ ઓફ ક્લેરિફિકેશનનો અધિકાર વાપરીને વિપક્ષના સભ્યોના પ્રવચનમાં અવરોધ સર્જતા હોવાથી અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ સળંગ બે દિવસ તેમને અપ્રત્યક્ષપણે ઠપઠાર્યા હતા, એક રીતે અપ્રત્યક્ષપણે કયાં નિયમ હેઠળ ઊભા થઈ જાઓ છો એવી પૃચ્છા કરી હતી. જો કે, શનિવારની સવારે બેઠક શરૂ થયા પછી ઈડરના ધારાસભ્ય વોરાએ ગૃહમાં અધ્યક્ષ સમક્ષ દિલગીરી વ્યક્ત કરી હતી. તેમણે બે વખત દિલગીર છું એમ કહેતા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ''વ્યક્તિગત સ્તરે આપ મારા વડીલ છો. આપનામાંથી હું ઘણું શિખ્યો છુ, શિખી રહ્યો છું પણ અહીં નિયમોથી બંધાયેલો છું'' એમ કહીને વિવાદને શમાવવા પ્રયાસ કર્યો હતો. પછી અચાનક રિસેસ બાદ ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડની ગેરહાજરીમાં શંકરભાઈએ અધ્યક્ષની પેનલ પરના ધારાસભ્યો પૈકી રમણભાઈ વોરાને ગૃહનુ સંચાલન સોંપ્યું, પોતાના સ્થાને બેસાડયા હતા !

ધારાસભ્યો આઈપેડ ઘરે લઈ ગયા છે, હવે મતદારોનો વારો આવશે !

ઈ-વિધાન, પેપરલેસ વિધાનસભામાં દરેક ધારાસભ્યને ગૃહની અંદર પોતાની બેઠક પર ટેબલેટ ફાળવ્યા ઉપરાંત અધ્યક્ષે સાથે રાખવા દોઢ લાખની માર્કેટ પ્રાઈઝના આઈપેડ આપ્યા છે. જેના મારફતે દરેક ધારાસભ્ય વિધાનસભામાં પ્રશ્નો પુછવા ઉપરાંત સરકારી વિભાગો, મંત્રીઓ અને સ્થાનિક જિલ્લા વહીવટી તંત્રને ઈ-મેઈલ સહિતની પ્રક્રિયા કરી શકશે. એટલું જ નહીં, વિસ્તારના મતદારો પણ પોતાના ધારાસભ્યને ઈ-મેઈલ મારફતે પોતાની રજૂઆતો, પ્રશ્નો અને સમસ્યાઓ જણાવી શકશે. આથી, વિધાનસભાના આઈપેડનો ઉપયોગ કેટલા ધારાસભ્યો મતદારો માટે કરે છે તેના ઉપર સૌની નજર છે.

ભાજપના કૌશિક જૈન જોયા-જાણ્યા વિના વચ્ચે ટાપશી પુરાવતાં ભરાઈ પડયાં!

દરિયાપુરના ભાજપના ધારાસભ્ય કૌશિક જૈન વિધાનસભામાં પબ્લિક યુનિવર્સિટી બિલની ચર્ચામાં વચ્ચે ટાપશી પુરાવતાં ભરાઈ પડયા હતાં. વિપક્ષ તરફથી એવો ટોણો મારવામાં આવેલો કે, અમારી સરકારો વખતે કોઈપણ મંત્રીઓના પુત્રો પરીક્ષામાં ચોરી કરતાં પકડાયાં ન હતા, પણ આ ભાજપની સરકારમાં મંત્રીના પુત્ર ચોરી કરતાં પકડાયા હતા. ભાજપના મંત્રીઓ અને ધારાસભ્યોને આ મહેણું આરપાર નીકળી ગયું હતું. યોગાનુયોગએ સમયે ધારાસભ્ય જીતુ વાઘાણી પણ ગૃહમાં હાજર ન હતા. જો કે કૌશિક જૈને વચ્ચે કૂદી પડતાં એમ જણાવ્યું હતું કે, ભૂતકાળમાં કોંગ્રેસ સરકારમાં મંત્રી રહી ચૂકેલા માણસાના ઈશ્વરભાઈ ચાવડાના પુત્ર પરીક્ષામાં ચોરી કરતાં પકડાયા હતા, એ ભૂલવું જોઈએ નહીં. વિપક્ષના સભ્યોએ આ તબક્કે રોકડું પરખાવ્યું હતું કે, એ ભાઈ હવે તમારી જ પાર્ટીમાં છે. કૌશિક જૈનની હાલત કાપો તો લોહીના નીકળે તેવી થઈ ગઈ હતી.

4 દિવસમાં 29 કલાક ગૃહ ચાલ્યું, હવે 'જીંવત પ્રસારણ' થાય તો ખરું

ડિજિટલ વિધાનસભાના પહેલા સત્રના ચાર દિવસમાં ગૃહનું કામકાજ 29 કલાક અને 9 મિનિટ ચાલ્યું છે. આ સત્રમાં 58 ધારાસભ્યોએ ચર્ચામાં ભાગ લીધો છે. જ્યારે મૌખિક જવાબો માટે કુલ 340 પ્રશ્નોના જવાબો રજૂ થયા અને તે પૈકી 26 પ્રશ્નોની ચર્ચા થઈ છે. તે સિવાય કુલ 531 પ્રશ્નોના જવાબો પણ આપવામાં આવ્યા છે. આ પેપરલેસ સત્રમાં કુલ 7,589 પ્રેક્ષકોએ ગૃહની કાર્યવાહીને રૂબરૂ નિહાળી છે.

પરીક્ષા આપ્યા વિના ડિગ્રીધારી ભાજપના સભ્યો વિશેનો આક્ષેપ ફગાવાયો

વિધાનસભામાં શુક્રવારે બિલની ચર્ચા દરમિયાન વિપક્ષ તરફથી એવો પણ ગંભીર આરોપ લગાવાયો હતો કે, ભાજપમાંથી ઘણા ધારાસભ્યો પરીક્ષા આપ્યા વગર ડિગ્રી લઈને અહીં બેઠાં છે, રાજકારણમાં આવેલાં છે. ભાજપના ધારાસભ્યોએ કહ્યું કે આવા ગમે તેમ આક્ષેપો કરવાને બદલે નામ આપવા જોઈએ, નામ જાહેર કરવા જોઈએ. નહિંતર આ આક્ષેપ રેકોર્ડ ઉપરથી દૂર કરવો જોઈએ. વળતા જવાબમાં વિપક્ષ તરફથી કહેવાયું કે, નામ આપીશું તો પાછા તમે બધાં ઊભા થઈ જશે, એટલે રાઝને રાઝ જ રહેવા દોને. સ્પીકરની ચેરમાં એ વખતે બેઠેલાં રમણલાલ વોરાએ બેઉ બાજુ બધાં સરખાં છે, એમ કહી વાત વાળી લેવાનો પ્રયાસ થયો હતો. અલબત્ત, મંત્રી ઋષિકેશ પટેલના આગ્રહથી બાદમાં શબ્દો પાછા ખેંચી લેવાયા હતા.

ધારાસભ્યને અધ્યક્ષપદની કામગીરીમાં પણ 'પ્રવાસી' દેખાયા!

છેલ્લા દિવસે શનિવારે અધ્યક્ષપદની કામગીરી શંકર ચૌધરી બાદ પૂર્વ મંત્રી રમણલાલ વોરાએ સંભાળી હતી, એ પછી થોડાક સમય બાદ પૂર્વ દંડક પંકજ દેસાઈએ અધ્યક્ષપદની ચેર શોભાવી હતી. આ તબક્કે વિધેયક પરની ચર્ચા ચાલી રહી હતી ત્યારે એક ધારાસભ્યે હળવેકથી ટકોર કરી હતી કે, અહીં પણ પ્રવાસી જેવું જ છે. બીજી તરફ ગૃહની બહાર ધારાસભ્યોમાં એવી ચર્ચા જામી હતી કે, ભાજપમાં નો-રિપીટ થિયરીને કારણે પ્રવાસી જેવું છે, પ્રવાસી મંત્રી, પ્રવાસી ધારાસભ્ય જેવી સ્થિતિ અત્યારે પ્રવર્તી રહી છે. છેલ્લે વિધાનસભાની ચૂંટણી સમયે પણ સંખ્યાબંધ મહાનુભાવોનો પત્તા ભાજપે કાપ્યા હતા.


  • Follow us on: