- વારસો :રામાયણે આપણી પ્રજાને એક રાષ્ટ્ર તરીકે જીવવા માટેની આવી અનુભૂતિ આપી છે
રામાયણ દુનિયાની સર્વશ્રોષ્ઠ સાહિત્ય કૃતિઓમાંની એક છે. મહાભારત, ઇલિયડ, ઓડિસ્સી, શાહનામા જૂનું કરારનામું, અરેબિયન નાઇટ્સ આદિની કોટિમાં મૂકી શકાય એવી જગત સાહિત્યની આ કૃતિની વિશેષતા એ છે કે માત્ર સાહિત્ય કૃતિ તરીકે જ આસ્વાદાતી રહી નથી પણ ભારતીય જનજીવનનો એક અવિભાજ્ય અંશ બની રહી છે. કદાચ આપણાં પોતાના સ્વજનોના મુકાબલે થોડાંક પાત્રો પારકા લાગે પણ રામ અને સીતા, ભરત અને લક્ષ્મણ ભારતમાં ઘરો ઘરનાં કુટુંબીજનો બની રહ્યાં છે, ભાગ્યે જ કોઈ પ્રજાએ સાહિત્યને પોતાના અસ્તિત્ત્વનો અંશ બનાવીને તેની આટલી બધી માવજત કરી હશે!
શ્રી યશવંત શુકલ લખે છે કે રામાયણના સર્જક વાલ્મીકિને આદિ કવિનું બિરુદ મળ્યું છે. 2400 વર્ષ પૂર્વે એનો આજનો દેહ સિદ્ધ થયો હતો એમ ગણીએ તો લગભગ અઢી હજાર વર્ષથી આ મહાકાવ્ય પ્રજાના સંસ્કારોને વિવિધ રીતે પોષતું રહ્યું છે. તમસા કાંઠે વાલ્મીકિએ ગ્રંથ રચના કરીને જે ભાવના ઉદ્ગારી હતી કે પર્વતો સ્થિર હશે, નદીઓના જળ વહેતાં હશે ત્યાં સુધી આ ગ્રંથ આસ્વાદાતો રહેશે- એ વાત આજે સાથી પડી છે. કોઈ કૃતિ અઢી હજાર વર્ષ લગી જીવે તો તેને અમર થવા માટે જે જે કસોટીઓમાં એણે અવશ્ય ઉત્તીર્ણ થવું પડે, તેમાં તે ઉત્તીર્ણ થયેલી જ હોય ! કાળની ચાળણીએ ચળાયેલું મહાકાવ્ય કેવળ ભારતમાં જ સીમિત રહ્યું નથી પણ અગ્નિ એશિયાની પ્રજાના હૃદયને પણ આંદોલિત કર્યું તે કેવળ એના વાર્તા તત્ત્વને આધારે જ નહીં હોય ! જીવનનના મહાપ્રશ્નો-મહામૂલ્યો એમાં ચિત્રિત થયાં છે. કરુણાનો જે ઓધ એમાં ઊછળે છે અને શુભાશુભ સંગ્રામના જે ઇંગિતો એમાં પડયાં છે એને માટે કારણભૂત છે. જે જે પ્રજાઓમાં રામાયણ પહોંચી ગયું તેણે પોતપોતાની રીતે એનું નવ ઘડતર કર્યું. ખુદ ભારતમાં પણ બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ અને અન્ય સંપ્રદાયોએ એના અવનવા ઘાટ ઉતાર્યાં છે.
રામાયણ અને મહાભારત ભારતીય સાહિત્યની અમર કૃતિઓ છે. આ દેશમાં રાજાઓ આવ્યા ને ગયા. રાજધાનીઓ બંધાઈ અને તૂટી. નદીઓમાં પૂર આવ્યા અને ઓસર્યાં. મહામારી ફેલાઈ અને વિસરાઈ પણ અહીં બે જ રાજવીઓનું અખંડ રાજ્ય પ્રવર્ત્યું, રામ અને કૃષ્ણ. રામાયણ અને મહાભારત બંને ગ્રંથોએ અઢી હજાર વર્ષથી આપણી પ્રજાના હૃદય પર અવિચળ સત્તા જમાવી છે, એટલું જ નહીં પણ આ રાષ્ટ્રને ઘડયું છે. રામાયણ એ અર્થમાં આપણી રાષ્ટ્રીય સંજીવની છે. હુણો સામે લડનારા ગુપ્તો હોય, શકો સામે લડનારા સાતવાહન રાજવંશીઓ હોય, મુસ્લિમ સલ્તનત સામે લડનારા બુંદેલો, રાજપૂતો, સતનામી કે મરાઠા હોય તેમને લડવાનું પ્રેરક બળ રામાયણ નીવડયું છે. આ રામાયણ દક્ષિણમાં કંબને તામિલ ભાષામાં ઉતાર્યું હોય, બંગલામાં કૃતિવાસીએ ઉતાર્યું હોય, ગુજરાતમાં ગિરધરે ઉતાર્યું હોય, મહારાષ્ટ્રમાં એકનાથે તેને ગાયું હોય કે વિશાળ હિન્દી ભાષી જનતા માટે ગુંસાઈજી મહારાજે રામચરિત, માનસરૂપે વહેવડાવ્યું હોય, પણ એ બધાનું પ્રેરણાસ્થાન આદિકવિ વાલ્મીકિ રામાયણ જ રહ્યું છે.
રામાયણે આપણી પ્રજાને એક રાષ્ટ્ર તરીકે જીવવા માટેની આવી અનુભૂતિ આપી છે. મહાકવિ રવીન્દ્રનાથ ઠાકુરે રામાયણને એક વિશાળ પાયા પર ચાલતી ગૃહકથા કહી છે. તેમાં ભાઈ-ભાઈને સ્નેહ, પિતા-પુત્રનો સ્નેહ, પતિ-પત્નીનો સ્નેહ, સેવક અને સેવ્યનો સ્નેહ, રાજા અને પ્રજાનો સ્નેહ એવી રીતે વર્ણવવામાં આવ્યો છે કે વાંચનારને પોતાના માટે અને પોતાના સમાજના વર્તાવના ધોરણો ઠરાવવાની શક્તિ મળી રહે છે. ભરત પોતાને મળેલી રાજગાદી પાછી આપે છે. પોતાને રાજગાદી અપાવનાર પોતાની માતાનો વિરોધ કરે છે. એટલું જ નહીં પણ રામચંદ્રજીને મનાવવા માટે ચિત્રકૂટમાં જાય છે. ઉપવાસ કરવા બેસી જાય છે છતાં રામચંદ્રજી માનતા નથી ત્યારે તેમના પ્રતિનિધિ તરીકે સિંહાસન ઉપર તેમની પાદુકા પધરાવી રાજવહીવટ કરાવવાનું સ્વીકારે છે અને તે પણ અયોધ્યામાં રહીને નહીં પણ રામની જેમ નગરની બહાર સાધુવેશે વનવાસીની જેમ રહીને. લક્ષ્મણ પોતાની કોડભરી નવવધૂ ઊર્મિલાને ત્યજીને રામની સાથે જવાનો નિૃય કરે છે ત્યારે તેની માતા સુમિત્રા કહે છે કે તે તો લક્ષ્મણની માતા જ કહી શકે : 'રામને દશરથ સમજજે, જાનકીમાં મને જોજે, અને વનને અયોધ્યા માનજે.'
કૈકયી અપરમા છે, છતાં રામચંદ્રજી પહેલાં તેને પ્રણામ કરે છે, એટલું જ નહીં પણ ભરત, કૈકયીની ઘોર નિંદ્રા કરે છે ત્યારે તેને ઠપકો આપે છે. કૈકયીને વચન માગવાનો હક્ક છે, અને પુત્ર તરીકે પાળે તે સહજ ધર્મ છે. તેમ કહીને કૈકયીનો બચાવ કરે છે. ચંપુ રામાયણમાં વાલ્મીકિના આ હાર્દને સરસ રીતે પ્રગટ કર્યું છે : 'હે માતા ! તેં મને વનમાં જવાની આજ્ઞા કરીને મારા પર મારા શરીરને સંભાળવાની જવાબદારી રહેવા દીધી છે. પણ તારા પુત્રને માથે તો આ સકલ ભૂવનને સંભાળવાની જવાબદારી નાખી છે. આ જોઉં છું ત્યારે હે માતા ! તેં મારા તરફ પક્ષપાત જ કર્યો છે એવું હું અનુભવું છું.'
સમાજમાં જ્યાં કુટુંબભાવ નથી, તેમ અને સમર્પણ નથી ત્યાં સવળાનું પણ અવળું લેવાય છે. આનું ઉદાહરણ આદિ કવિએ વિભીષણ રાવણના સંબંધમાં આલેખ્યું છે. વિભીષણ સતી સીતાને પાછી મોકલી આપવા રાવણને વિનવે છે. તેમાં પૂરો વિનય છે. મોટાભાઈ અને પોતાના કુળ માટેની ચિંતા છે પણ રાવણ એને અવળું જ માને છે અને 'તું કુલકલંક છે' તેમ કહીને દેશનિકાલ કરે છે પણ આદિ કવિએ રામની જે મૂર્તિ કંડારી છે તેને મન પોતાનું કુટુંબ જ માત્ર કુટુંબ નથી તેને માટે ગૃહસ્ય પણ વૃધ્ય કુટુંબીજન છે. સુગ્રીવ, અંગદ પણ પરિવારના જ સભ્યો છે. એમના માટે પણ રામની મમતા-ચિંતા કુટુંબના વડીલ જેટલાં જ છે. વાનરો અને પંખીરાજો માટે પણ સ્નેહ સરવાણી વહાવી છે. જટાયુંને કેમ ભુલાય ? સીતાને બચાવવવા જતાં ધારાતીર્થ પામનારા એ પંખીરાજના છેવટના સંસ્કાર રામ જાતે જ કરે છે, અને એ વખતે કહે છે 'આ પંખીરાજ પિતા દશરજી સમાન છે અને શબરીને વનવાસી આદિજનની પ્રતિનિધિ છે. તેના એંઠાં ફળો આરોગતાં રામ અયોધ્યાના પહેલાંના પકવાન પણ ભૂલી જાય છે.
શ્રી મનુભાઈ પંચોળી રામાયણનો અભ્યાસ કરતાં કહે છે કે, રામાયણ કર્તા-કવિએ રામસીતાને અયોધ્યાથી શૃંગબેરપુર, ચિત્રકુટ, દંડકારણ્ય, પંચવટી, જનસ્થાન, ઋસ્યમુખ, પંપા, કિષ્કિંધા, માલ્યવાન ભારતના ઉત્તર છેડેથી યાત્રા શરૂ કરી છેક ભારતના દક્ષિણબિંદુ સુધીની યાત્રા કરાવી છે. ભારત વર્ષની આ યાત્રા દ્વારા તેમાં વસનારા સૌ કોઈ સાથેનો સખ્યભાવ રસાયન પેઠે ઘૂંટાયેલ છે. કવિ. વાલ્મીકિએ મનોહારી વર્ણનો, માર્ગમાં ડુંગરની ગાળિયું, જંગલ, ઝાડિયું, નગરીઓ અને પવિત્ર, નિર્મળ વેદધ્વનિથી ગુંજતા આશ્રામોના અદ્ભુત વર્ણનો કર્યાં છે.
ગંગા નદી પાર કરતાં સીતાજી સ્તુતિ કરે છે, 'હે ત્રિપથગા, ભાગીરથી, મહારાજા દશરથના પુત્ર રામચંદ્રજી મારા સ્વામી છે. તે પોતાના પિતાજીની આજ્ઞાનું પાલન કરવા વનમાં જાય છે, માટે તું એમનું તું રક્ષણ કરેજે, હે સુભગા ગંગા, ચૌદ વર્ષ પૂર્ણ થયે લક્ષ્મણ તથા મારા સહિત રામચંદ્ર ક્ષેમકુશળ પાછા આવશે ત્યારે અતિ હર્ષથી હું તારું પૂજન કરીશ. તું મારા મનોરથ પૂર્ણ કર.'
રામાયણની લોકપ્રિયતાનું રહસ્ય સમજાવતા સાહિત્ય અકાદમી દિલ્હીના પૂર્વ પ્રમુખ ડૉ. સુનીતિકુમાર ચેટરજીએ જણાવ્યું હતું કે, 'રામાયણનો પ્રશ્ન જગતસાહિત્યનો આજ સુધી અણઉકલ્યો રહેલો આંતરરાષ્ટ્રીય પ્રશ્ન છે. બીજા અનેક ગ્રંથોને, વીર અને અદ્ભુત રસભરી કથાઓને, સામાજિક વાર્તાઓને કોરે મૂકવા પ્રેરે એટલી બધી ભારતમાં જ નહીં પણ અન્ય દેશોમાં સુદ્ધાં લોકજીવન સાથે અદ્ભુત રસાયન પામવાની કોઈ શક્તિ રામાયણમાં ભરેલી છે? આ પ્રશ્નોના ઉત્તરો શોધવાની મથામણ વિદ્વાનો અને વિવેચકો કરી રહ્યા છે છતાં પણ કોઈ એક ઉત્તર પૂરતો સંતોષકારક માલૂમ પડતો નથી.
રાષ્ટ્રને ઉન્નત અને ઉર્ધ્વગામી કરનારી રામાયણની કથા સાંભળીને નારદે કવિને કહ્યું હતું : 'જ્યાં સુધી પૃથ્વીતલ પર પર્વતો અને નદીઓ રહેશે ત્યાં સુધી તમારી રામાયણકથા લોકોમાં ગવાતી રહેશે.' રામલીલા કરનારી ઉ.ભારતની અને ગુજરાતની મંડળીઓએ રામાયણ કથાને લોકહૈયામાં આજેય રમતી રાખી છે.