યાદગીરી : મહારાજને નઈ તાલીમમાં ભરોસો હતો. માત્ર જ્ઞાન નહીં, કર્મ પણ હોવું જોઇએ, જ્ઞાનયુક્ત ઉદ્યોગની કેળવણીમાં રસ હતો
પહેલી જુલાઈએ પૂ.રવિશંકર મહારાજની પુણ્યતિથિ છે એટલે આજે રવિશંકર મહારાજની વાત કરવી છે.
સંવત 1940માં મહાશિવરાત્રીના પવિત્ર દિવસે એક મહાપુરુષનો જન્મ થાય છે. ખેડા જિલ્લાના રઢું ગામે મોસાળમાં માતા નાથીબાઈ, એક ઓજસ્વી પુત્રરત્નને જન્મ આપે છે. ખુશીના આ સમાચાર મળતા મહેમદાવાદ તાલુકાના સરસવણી ગામના ધૂળી નિશાળના આચાર્ય શ્રી શિવરામ પીતાંબરદાસ વ્યાસને ફ્ળિયે આનંદ આનંદ વ્યાપી જાય છે.
મહાશિવરાત્રીનો દિવસ એટલે એક કથા મુજબ દ્વાપરયુગના આરંભનો દિવસ. બાર જયોતિર્લિંગો પૈકીના પ્રથમ જયોતિર્લિંગના પ્રાગટયનો દિવસ. સમુદ્રમંથન પછી નીકળેલ ઝેર, દેવો દ્વારા વિનંતિ કરાતા મહાદેવજી દ્વારા પી જવાનો દિવસ. આ દિવસે એક પ્રહર માટે શિવજીએ આરામ કર્યો હતો. યોગાનુયોગ કહો કે બીજું કાંઈ, પણ આ પવિત્ર દિવસે જ કળિયુગમાં લોકસમસ્યાના વિષમ ઝેરને પીવા માટે પૂ. રવિશંકર મહારાજે જન્મ લીધો હતો. તારીખ પ્રમાણે ગણીએ તો આ દિવસ 25 ફેબ્રુઆરી 1884નો આ દિવસ હતો.
માતા નાથીબાઈએ દીકરા રવિશંકરના ઉછેરમાં પોતાનું સંપૂર્ણ ધ્યાન આપી દીધું હતું. કોઈ શિલ્પકાર પથ્થર કોતરીને સુંદર શિલ્પ ઘડે એ રીતે માતા નાથીબાઈ દીકરાનું ઘડતર કરી રહ્યાં હતાં. રામાયણ, મહાભારતની કથાઓ તથા બીજી સંસ્કારકથાઓ થકી માતા, દીકરા રવિશંકરમાં સંસ્કારોનું મજબૂત આરોપણ કરી રહ્યાં હતાં. માતા નાથીબા એના નાનકાને રામાયણ, મહાભારત ને સંસ્કારકથાઓ કહી સંસ્કાર સીંચી રહ્યાં છે. કથાઓ અને એમાં આવતી વીરતા અને નીડરતાની વાતો સાંભળી નાનકડો રવિશંકર ભારે રોમાંચ અનુભવતો હતો. એ બાને પૂછતો પણ ખરો.
'હેં બા..! ભગવાન રામ, લક્ષ્મણ ભૈયા, માતા સીતાજીને જંગલમાં રાક્ષસોની બીક ન લાગે? પાંડવોને ઘોર જંગલમાં જાય તે ડર ન લાગે ? રાક્ષસો આવે...વાઘ- દીપડા આવે તો ડર તો લાગે જ ને?'
પૂછતાં પૂછતાં બાળક રવિશંકર ઉભડક થઈ જતો. એ બા નજીક સરે કે તરત નાથીબા વહાલ કરી, પાસે ખેંચી ને માથે હાથ ફ્ેરવતા કહેતા.
*દીકરા ! બીક તો મનમાં હોય, જો બહાદુર થઈએ અને આ શરીરને ખડતલ બનાવીએ તો બીક આપણાથી સંતાઈ જાય. પછી આપણે નહીં, બીક આપણાથી બીવે.*
માતાના આ બોલ સાંભળી મોટો થયેલો આ બાળક રવિશંકર પછી તો એવો નિર્ભય બનેલો કે, સાચે જ એક દિવસ બહારવટિયા સામે બાથ ભીડવા નીકળી પડેલો. એ દિવસે બંદૂકધારી બહારવટિયાઓએ રવિશંકર પાસે સમર્પણ કરી શરણું લીધેલું.
પિતાજી શિક્ષક હતા એટલે સાદાઈ ને સંયમના પાઠ પિતા પાસેથી શીખવા મળેલા. સાહસ અને નીડરતાના કારણે વગડે જઈ આમલી-પીપળી રમવાનું ને કલાકો સુધી નદી કે તળાવમાં તરવાનું, એ રવિશંકરનો રોજનો ક્રમ બની ગયેલો.
સાત ચોપડી અભ્યાસ પૂરો કર્યો ને સાથેસાથે ગામની સંસ્કૃતિનું વિપુલ સામાજિક જ્ઞાન એમણે ઝીલ્યું. પિતા પાસેથી એણે જીવનના મર્મને પામ્યો.
મહારાજે સૂરજબેન સાથે ગૃહસ્થાશ્રામની શરૂઆત કરી. માત્ર 19 વરસની ઉંમરે પિતા ગુમાવ્યા. ઘર-ગૃહસ્થીની સઘળી જવાબદારી શિરે આવી. અધૂરામાં પૂરું ઈ. સ.1907માં .ગુજરાતને પ્લેગની મહામારીએ ભરડામાં લીધું. આ ભયંકર ચેપી રોગથી ગામોમાં થતાં અપમૃત્યુનું પ્રમાણ એટલું વધી ગયું કે ગમે તેના હાંજા ગગડી જાય. ચેપના લીધે કોઈ કોઈના અંતિમ સંસ્કાર કરવા જવા પણ તૈયાર નહોતું થતું.
આવા કપરા સમયે, રવિશંકર મહારાજ આ સેવા આપવા માટે આગળ આવે છે. પ્લેગની બીમારીના આ કારમા સમયમાં, 22મા વર્ષે રવિશંકરનું માતૃસુખ પણ છીનવાઈ જાય છે. આવી વિકટ પરિસ્થિતિમાં પણ તેઓ અંતિમસંસ્કારની માનવીય સેવા હિંમતભેર ચાલું રાખે છે. નદી, કોતરો ને વગડો ખૂંદવાના લીધે રવિશંકરના વ્યક્તિત્વએ ખડતલપણું ધારણ કરી લીધું હતું.
એક દિવસની વાત છે. ચોમાસંુ ભરપૂર જામ્યું છે. નદીઓ બે કાંઠે વહેતી થયેલી છે. ગાંડીતૂર બનેલી નદીને જોવા લોક એકઠું થયું છે. અચાનક જ કોઈની બૂમ સંભળાય છે. કોઈ તણાતું આવતું જોઈ બીજા લોકો પણ બૂમાબમ કરી મૂકે છે. ટોળા વચ્ચે આવી પહોંચેલા રવિશંકર આ દૃશ્ય જોતા પળનોય વિલંબ કર્યાં વિના બે કાંઠે વહેતી નદીમાં ઝંપલાવી દે છે.
કાંઠે ઊભેલાં લોકો આંખો ફડી એકબીજા સામું જોઈ રહે છે. લોકોને લાગે છે કે, રવિએ ખોટું સાહસ કર્યું છે..શું થશે ?ના હાયકારા વચ્ચે બહાદુર રવિશંકર ડૂબતી વ્યક્તિ સુધી પહોંચી જાય છે. ધસમસતા વેગમાં સામા પ્રવાહને કાપતા ડૂબતી વ્યક્તિને લઈ એ કિનારે આવે છે. રવિશંકર અને ડૂબતી બચેલી વ્યક્તિને કિનારે હેમખેમ જોઈ ટોળાના જીવમાં જીવ આવે છે. એ ડૂબતી વ્યક્તિ કોઈ સાધુ બાવાજી હતા.
આવી જ રીતે એકવાર નદીએ કપડાં ધોતી એક સ્ત્રી , ઊંડા પાણીના ધરામાં લપસી પડવાથી ડૂબવા લાગેલી. કુશળ તરવૈયા રવિશંકરે ત્યારે પણ તેને સમયસૂચકતા અને આવડત તથા હિંમતથી બચાવેલી.
એટલે જ કહી શકાય કે એમનો જન્મ કદાચ આજીવન સેવા માટે જ થયેલો હશે. જીવનભર એમણે લોકસેવા કરેલી. તેઓ માનતા હતા કે, આપણે જ્યાં જન્મ્યા છીએ ત્યાં જીવવું જોઈએ. તેથી જ તો તેમણે સૂત્ર આપેલું કે, 'જનમ્યાં ત્યાં જીવીએ.*
વતનની માટી અને વતનના લોકોની તેમણે જીવનભર ચિંતા કરી હતી. માનો કે તેઓ તેમના માટે જ જીવ્યા હતા. જીવનભર જેમણે માત્ર ખીચડી જ ખાધી છે એવા રવિશંકર મહારાજ સાદગીનો પર્યાય હતા. સરળતા સાથેની નીડરતા અને સાદગી સાથેની દૃઢતા એમની વિશેષતા હતી. કેળવણીનું મહત્ત્વ તેઓ ખૂબ સારી રીતે સમજતા હતા. લોકસેવા તો એમની રગરગમાં વહેતી હતી. દેશપ્રેમ એમનામાં ભારોભાર ભરેલો હતો.
સાદાઈની પવિત્ર મૂર્તિ રવિશંકર મહારાજ સાવ સાદગીવાળું જીવન જીવતા હતા. ટૂંકા ધોતિયા ઉપર કસવાળું કેડિયું અને માથા પર ગાંધી ટોપી એમનો કાયમી પહેરવેશ હતો.
ઈ.સ.1920માં પોતાના ચપ્પલ ચોરાઈ ગયા પછી તેઓએ આજીવન ઉઘાડા પગે જ યાત્રા કરી હતી. 6 ફૂટની કદકાઠી ધરાવતા રવિશંકર મહારાજ આચાર્ય વિનોબા ભાવેની એક હાકલથી 'ભૂદાનયજ્ઞ'માં જોડાઈને તેઓએ હજારો એકર જમીન દાનમાં મેળવી આપી હતી.
મહારાજને નઈ તાલીમમાં ભરોસો હતો. માત્ર જ્ઞાન નહી, કર્મ પણ હોવું જોઇએ એમ તેઓ માનતા હતા. એમને જ્ઞાનયુક્ત ઉદ્યોગની કેળવણીમાં રસ હતો. તેઓ હંમેશાં કહેતા :
'કર્મ કરીએ. શ્રામ કરીએ એ સમજણપૂર્વક કરીએ એ તો બરાબર, પણ એટલું પૂરતું નથી. એમાં હંમેશાં પ્રસન્નતા નથી હોતી. જ્ઞાનયુકત કર્મમાં ભક્તિની ભીનાશ અને મીઠાશ હોવી જ જોઈએ. તો જ એમાં અનાસક્તિ અને સમર્પણની ભાવના રહે. નિષ્કામ કર્મની પ્રસન્નતા આપણને ત્યારે જ મળે છે.*
કેવું દર્શન અને ચિંતન હતું એમનું !!
તેઓ જીવંત શિક્ષણના આચાર્ય હતા. અનુભવની હાલતીચાલતી વિદ્યાપીઠના કુલપતિ હતા. તેઓ અપરિગ્રહનું મહાકાવ્ય હતા.
રવિશંકર મહારાજે ગજવાંમાં ક્યારેય નવો પૈસો પણ રાખ્યો નહોતો. પદ્મશ્રી રવિશંકર મહારાજને એક વખત ભારત સરકારે રેલવેમાં પ્રથમ વર્ગની મુસાફ્રી માટે મફ્ત પાસ મોકલેલો. આ પાસ એમણે સરકારને સાભાર પરત કરેલો. એ વખતે એમણે કહેલું,
*આજ સુધી મેં સરકારનું કાંઈ લીધું નથી. લોકોએ જ મને પોષ્યો છે. તે શું હવે મને ના પાડશે?*
મહારાજની વાત સાચી હતી. જનતાએ એમને પોતાના હૃદયમાં સ્થાન આપેલું. જનતાના હૃદયમાં આજે પણ મહારાજનું આ સ્થાન અવિચળ છે.
::: થ્રી ડૉટ્સ :::
પહેલાં આપણે ટેવ પાડીએ છીએ, પછીથી ટેવ આપણને પાડે છે.










