• પાકિસ્તાનની સીમા ગુલામ હૈદર ગેરકાયદે બોર્ડર ક્રોસ કરીને ભારતમાં પ્રેમી સચિન મીણા પાસે આવી ગઇ. ભારતની અંજુએ પાકિસ્તાન જઇને નસરૂલ્લા સાથે નિકાહ પઢી લીધા. પોલેન્ડની બાર્બરા પોલાક તેના પ્રેમી શાદાબને મળવા ભારત આવી!
  • પ્રેમના આ ત્રણેય કિસ્સામાં પ્રેમિકાઓ જ પોતાનું વતન છોડીને આવી છે. ત્રણે ત્રણ મેરિડ છે અને ત્રણેયને સંતાનો પણ છે. શું ખરેખર એ પ્રેમ હોય છે જે માણસને આવું કરવા માટે પ્રેરે છે? એ સિવાયના પણ ઘણા કારણો હોય છે!  

પ્રેમ વિશે બહુ વાતો થઇ છે. પ્રેમને લેખકો, કવિઓ સહિતના સર્જકોએ પરમ તત્ત્વ સાથે જોડીને દિલ બાગ બાગ થઇ જાય એવી વાતો કહી છે. પ્રેમ વિશે પહેલેથી એવું કહેવાતું આવ્યું છે કે, પ્રેમ તો આંધળો છે. પ્રેમ કંઇ જોતો નથી. પ્રેમમાં માણસ ફના થઇ જવા માટે પણ તૈયાર થઇ જાય છે. જગત સામે લડી લેવાનું ઝનૂન માત્રને માત્ર પ્રેમમાં જ શક્ય બને છે. આવી તો બીજી અઢળક વાતો પ્રેમ વિશે થઇ છે. અલબત્ત, કેટલાંક કિસ્સાઓ એવા પણ હોય છે જેના વિશે સાંભળીને એવું થાય કે, આવા તે કંઇ પ્રેમ હોતા હશે? પ્રેમના નામે કંઇ પણ કરવાનું? બધાને અંધારામાં રાખીને ગુમ થઇ જવાનું અને પછી ઓચિંતા જ પ્રગટ થઇને પ્રેમની દુહાઇઓ દેવાની? પ્રેમ કહાનીઓમાં માણસને સૌથી વધુ રસ પડતો હોય છે. કોઇ કપલે લવ મેરેજ કર્યા છે એવી ખબર પડે કે, તરત જ તેને એવો સવાલ કરવામાં આવે છે કે, તમે ક્યાં અને કેવી રીતે મળ્યા હતા? દરેક લવ સ્ટોરીમાં એક વિલન પણ હોય જ છે. એ કોઇ વ્યક્તિ પણ હોય શકે અથવા તો કોઇ સંજોગ પણ દુશ્મન બની શકે છે. બોર્ડર જ્યારે બે પ્રેમીઓની વચ્ચે દીવાલ બનીને ઊભી રહી જાય ત્યારે અનેક સવાલો સર્જાય છે. દેશમાં કોઇ લવ મેરેજ કરે ત્યારે એની સોસાયટી પૂરતી ચર્ચાઓ થાય છે. જ્યારે દેશની સરહદ વટાવીને પ્રેમીઓ એક-બીજા પાસે પહોંચે છે ત્યારે બે દેશ અને ઘણી વખત આખી દુનિયામાં એ સ્ટોરી ગાજે છે. ભારત અને પાકિસ્તાનના સંબંધો કેવા છે એ આખી દુનિયા સારી રીતે જાણે છે. અત્યારે ભારત અને પાકિસ્તાન બંને દેશમાં સીમા અને સચિન તથા અંજુ અને નસરૂલ્લા પ્રેમ કથા ગાજી રહી છે. આ દરમિયાનમાં પોલેન્ડથી પોતાના પ્રેમી શાદાબને મળવા ભારત આવેલી બાર્બરા પોલાકનો કિસ્સો પણ ચર્ચામાં છે.

સીમા, અંજુ અને બાર્બરાના કિસ્સામાં કેટલીક વાતો કોમન છે. આ ત્રણેય કંઇ મુગ્ધાવસ્થામાં નથી કે એની માથે પ્રેમનું ભૂત સવાર થઇ જાય. ત્રણે ત્રણ મેરિડ છે. ત્રણેયને સંતાનો છે. સીમા અને બાર્બરા પોતાના સંતાન સાથે ભારત આવી છે. અંજુ પોતાના પતિ અને બાળકને મૂકીને પાકિસ્તાન ગઇ છે. સીમા અને અંજુ બંને પોતાના પતિ અને પરિવારજનોને અંધારામાં રાખીને ભાગી ગઇ છે. ત્રણેયમાં બીજી એક સામાન્ય વાત એ છે કે, ત્રણેય સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં આવ્યા હતા. ત્રણેય કિસ્સામાં યુવતીઓએ પોતાનો દેશ છોડ્યો છે. શું આ પ્રેમ છે કે પછી નહીં મળેલું સુખ મેળવવાના ફાંફાં છે? જે છોકરાઓ પાસે આ ત્રણેય યુવતીઓ આવી છે એ ત્રણે ત્રણ અનમેરિડ છે. ત્રણેય પોતાના પ્રેમી કરતા ઉંમરમાં મોટી છે. સીમા, અંજુ અને બાર્બરા ત્રણેયની જિંદગી પર નજર નાખીએ તો એક વાત ઉડીને આંખે વળગે એવી છે કે, ત્રણેયને પોતાની જિંદગીથી સંતોષ નહોતો. ત્રણેય કંઇક બેટર લાઇફ ઝંખતી હતી. માત્ર પ્રેમ નહીં, જિંદગી સામેના સવાલોના જવાબો મેળવવા માટે પણ ઘણી વખત માણસ આવું પગલું ભરતા હોય છે. ગામની ગલીમાં પણ કોઇ ઓળખતું ન હોય અને રાતોરાત માત્ર પોતાના દેશમાં જ નહીં, બીજા દેશમાં પણ ફેમસ થઇ જવાની ધેલછા પણ ક્યારેક કામ કરી જતી હોય છે. અત્યારનો યુગ એવો છે કે, બધાને કોઇને કોઇ રીતે ફેમસ થઇ જવું છે. સોશિયલ મીડિયા પર ચમકવું છે. થોડોક સમય તો થોડોક સમય, બધાને સેલિબ્રિટી સ્ટેટસ એન્જોય કરવું છે. પાકિસ્તાનથી આવેલી સીમા હૈદરના કિસ્સામાં તો જાસૂસીનો એંગલ પણ ઉમેરાયો છે.

હજુ એ વાત તો રહસ્ય જ છે કે, સીમા પાકિસ્તાની જાસૂસ તો નથીને? એક સાવ સામાન્ય પરિવારની અને ઓછું ભણેલી સીમા જે રીતે પાકિસ્તાનથી વાયા દુબઇ અને નેપાળ થઇને ભારત પહોંચી છે એ નવાઇ પમાડે એવું તો છે જ. સીમા જે કોન્ફિડન્સથી વાત કરે છે એ પણ વિચારતા કરી મૂકે એવું છે. સીમા પાછી એકલી નથી આવી, તેના ચાર સંતાનોને સાથે લઇને આવી છે. સીમા પાકિસ્તાનમાં રહેતી હતી ત્યારે 2014માં તેના નિકાહ કરાચીમાં રહેતા અને ટાઇલ્સ લગાવવાનું કામ કરતા ગુલામ હૈદર સાથે થયા હતા. નિકાહના પાંચ વર્ષ બાદ ગુલામ હૈદર મજૂરી કરીને પેટીયું રળવા માટે સાઉદી અરેબિયા ગયો હતો. પતિ વિદેશ ગયો એ પછી એકલી પડેલી સીમા ઓનલાઇન પબ્જી રમતી વખતે દિલ્હીના નોઇડામાં રહેતા સચિન મીણા સાથે સંપર્કમાં આવી હતી. વાતો વધતી ગઇ. આખરે સીમા કોઇને ખબર ન પડે એ રીતે ભારત આવી ગઇ. સીમા હવે નોઇડામાં સચિન સાથે એક રૂમના ઘરમાં રહે છે. સીમાના અંદાજ પરથી એવું લાગે છે કે, એના નામે જે થઇ રહ્યું છે એનાથી એને મજા આવે છે. હજુ સીમાની ચર્ચા ચાલતી રહેવાની છે, કારણ કે એ કોઇપણ જાતના વિઝા વગર ગેરકાયદે ભારતમાં ઘૂસી છે. તેનો લવ એન્ગલ પણ અનેક સવાલો સર્જે એવો છે.

35 વર્ષની અંજુ રાજસ્થાનના અલવર જિલ્લાના ભિવાડીમાં પતિ અરવિંદ અને બે સંતાનો સાથે રહેતી હતી. ટૂરિસ્ટ વિઝા લઇને તે વાધા બોર્ડર ક્રોસ કરીને પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાંમાં રહેતા 29 વર્ષના પોતાના પ્રેમી નસરૂલ્લા પાસે પહોંચી ગઇ. પહેલા તો અંજુએ એવી વાતો કરી હતી કે, તે માત્ર દોસ્તને મળવા અને ફરવા ગઇ છે, થોડા દિવસમાં પાછી ભારત આવવાની છે. નસરૂલ્લા સાથે નિકાહની કે પાકિસ્તાનમાં રહી જવાની વાત સાચી ન હોવાના ગાણા પણ તેણે ગાયા હતા. હવે અંજુ ઉર્ફે ફાતિમા અને નસરૂલ્લાહનું નિકાહનામું વાઇરલ થયું છે. પાકિસ્તાનનો ખબર પખ્તુનખ્વાં એવો વિસ્તાર છે જ્યાં તહેરિક-એ-તાલિબાનના આતંકવાદીઓનું વર્ચસ્વ છે. પાકિસ્તાનની સેના પણ ત્યાં જતા વિચાર કરે છે. અંજુના કિસ્સામાં એક વાતો તો ત્યાં સુધીની થાય છે કે, અંજુ પાકિસ્તાન આવે એ માટે પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઇએસઆઇએ બધી વ્યવસ્થા સંભાળી હતી. પાકિસ્તાન આસાનીથી કોઇ ભારતીયને વિઝા આપતું નથી. અંજુ ઉપર એવો તે શું પ્રેમ આવી ગયો કે, તેને તરત જ વિઝા મળી ગયા? અંજુ અને નસરૂલ્લાના કિસ્સામાં પણ હજુ ઘણા પહેલુઓ ભેદભરમવાળા છે. છેલ્લે વાત પોલેન્ડની બાર્બરા પોલાકની. 49 વર્ષની બાર્બરા સાત વર્ષની દીકરી આનિયા સાથે ઝારખંડના હઝારીબાગમાં રહેતા શાદાબ પાસે આવી છે. બાર્બરાએ કહ્યું કે, તેના ડિવોર્સ થઇ ગયા છે અને લોકડાઉનના સમયમાં તે શાદાબ સાથે સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવી હતી. જે કંઇ કાયદાકીય વિધિ હશે એ પૂરી કરીને પોતે શાદાબ સાથે શાદી કરશે એવું પણ બાર્બરા કહી રહી છે. સીમા, અંજુ અને બાર્બરા ત્રણેયની સ્ટોરી સાંભળીને એવો સવાલ તો થયા વગર ન જ રહે કે, કૈસા યે ઇશ્ક હૈ? ખરેખર કેટલો પ્રેમ છે એ પણ વિચાર માંગી લે એવું છે!

  • Follow us on: