કલકત્તા(કોલકાતા)ના બ્રિગેડ ગ્રાઉન્ડ્સ ખાતે 3 ડિસેમ્બર 1971ની સાંજે પાંચેક લાખ લોકોને સંબોધિત કરતાં વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ કહ્યું, ભારત શાંતિનું તરફદાર છે, પરંતુ જો આપણી ઉપર યુદ્ધ લાદવામાં આવે તો ભારત પોતાના આદર્શો અને સલામતી માટે લડવા તૈયાર છે.


તેમણે આ વાત પૂર્વ પાકિસ્તાન(હાલના બાંગ્લાદેશ)માં ચાલતા લશ્કરી દમનના સંદર્ભે કરી હતી.'

ઈન્દિરા ગાંધીની સલામતીની વાત સમજી શકાય કે, જો તમારા પાડોશીના બગીચામાં આગ લાગી હોય તો એ ચોક્કસ તમારા ઘરને પણ અભડાવીને ભરખી શકે.

-પરંતુ એ કયા આદર્શો હતા જેની ઈન્દિરા ગાંધી વાત કરી રહ્યાં હતાં?

મૂળભૂત રીતે ઈન્દિરા ગાંધી એ સમસ્યાને બુરાઈ ઉપર ભલાઈના વિજય સંદર્ભે જોઈ રહ્યા હતાઃ ભારતની લોકશાહી અને પાકિસ્તાનની લશ્કરી સરમુખ્ત્યારશાહીનું યુદ્ધ, ભારતની સંસ્કારિતા અને પાકિસ્તાનની અમાનવીયતા વચ્ચેનો સઘર્ષ.

તે સમયે ઈન્દિરા ગાંધીના મનમાં કેટલાક પ્રશ્નો હતાઃ

 અન્યાયના પાયા ઉપર કોઈ દેશની રચના થઈ શકે?

 માત્ર ધર્મના આધારે રચાયેલો દેશ ટકી શકે?

 સરમુખ્ત્યારશાહી ઉપર લોકશાહી ટકી શકશે?

અમેરિકાના 1861થી 65ના ગૃહયુદ્ધની જેમ 1970-71માં અંદરથી બે ફાંટામાં ચીરાઈ ગયેલો દેશ એક બની શકે?

વધુમાં અનેક એવાં પાસાં પણ હતાં જેણે ઈન્દિરા ગાંધીને તત્કાળ નિર્ણાયક લશ્કરી પગલું ભરવા ફરજ પાડીઃ

પ્રથમ, પાકિસ્તાનના ચીફ માર્શલ-લો એડમિનિસ્ટ્રેટર અને પ્રમુખ યાહ્યાખાન લશ્કરી સરમુખ્ત્યારશાહી હેઠળ લઘુમતી સમાજનો વંશીય વિનાશ કરી રહ્યા હતા.

બીજું, લશ્કરી દમનની અમાનવીય નીતિના સીધા પરિણામરૂપે ભારતમાં પૂર્વ પાકિસ્તાનના લાખ્ખો શરણાર્થીઓ ઠલવાઈ રહ્યા હતા.

ત્રીજું, પોતાના પાડોશમાં કરોડો નિર્દોષ લોકો ઉપર અનૈતિક દમન થઈ રહ્યું હોય, ત્યારે ભારતની પ્રાચીન સભ્યતા આંખ આડા કાન કરી ન જ બેસી શકે એ ભારતનુંં સર્વોચ્ચ નૈતિક સ્ટેન્ડ હતું.

ચોથું, વ્યવહારિક દૂરંદેશી. કલ્પના કરો જો આજે પણ પૂર્વ સરહદે આપણી પાડોશમાં પાકિસ્તાન હોત તો?

આવી પરિસ્થિતિમાં યાહ્યાખાને ભારતના 9 શહેરો અને હવાઈમથકો ઉપર જ્યારે હુમલો કર્યો ત્યારે ઈન્દિરા ગાંધીએ વિચલિત થયા વિના ખૂબ જ શાંતિથી કહ્યું, 'થેન્ક ગોડ, કે તેમણે આપણી ઉપર હુમલો કર્યો.'

ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર 1970ની ચૂંટણીઓમાં પાકિસ્તાનમાં નેશનલ એસેમ્બ્લીમાં પ્રજાએ મુજીબુર્રહમાનના અવામી લીગ પક્ષને બહુમત આપ્યો. ત્યારે જનરલ યાહ્યા ખાને તેનો સ્વીકાર કરવાને બદલે લશ્કરી દમન વડે પ્રજામતને કચડવાનો પ્રયાસ આદર્યો. તે વખતથી જ ઈન્દિરા ગાંધીએે સમગ્ર ઘટનાક્રમની ફળશ્રાુતિનો અંદાજ મેળવી લીધો હતો અને ભારતને યુદ્ધ સહિતના દરેક સંજોગો માટે તૈયાર કરવા માંડયું હતું. તેમણે નવી રચાયેલી રિસર્ચ એન્ડ એનાલિસીસ વિન્ગ(RAW), ઈન્ટેલિજન્સ બ્યૂરો(IB), BSF અને આર્મી વગેરેને સતર્ક રહેવા અને તૈયારી કરવા સૂચના આપી દીધી હતી.

ઈન્દિરા ગાંધી જાણતા હતા કે આંતરરાષ્ટ્રીય ફલક પર અનેક બાબતો એવી છે કે બાંગ્લાદેશને સ્વાતંત્ર્ય અપાવવાનું કામ સરળ નહીં બને : અમેરિકા ભારત વિરોધી અને પાકિસ્તાન તરફી હતું, ભારત અનાજ માટે અમેરિકા પર આધારિત હતું, ભારતીય આર્મી પાસે કેટલાંક મહત્ત્વના શસ્ત્રોની ખોટ હતી.

અમેરિકન પ્રેસિડેન્ટ રિચર્ડ નિક્સને તો ભારતને સ્પષ્ટ રીતે ધમકી પણ આપી દીધી હતી કે ખબરદાર પૂર્વ પાકિસ્તાનમાં કોઈ દુસ્સાહસ ન કરશો. સાથે જ તેઓે પાકિસ્તાનને સંખ્યાબંધ તોપ, ટેન્ક, ફાઈટર જેટ વગેરે આક્રમક શસ્ત્રો મોકલીને મજબૂત બનાવી રહ્યા હતા.

ત્યારે ઈન્દિરા ગાંધીએ ડહાપણનો પરિચય આપતાં અમેરિકાના નાગરિકોનો વિશ્વાસ મેળવી લીધો હતો. ડેમોક્રેટિક પાર્ટીના સેનેટર ટેડ કેનેડીએ તો ભારતને ખુલ્લો ટેકો આપ્યો હતો. કેનેડીએ પિૃમ બંગાળ અને ત્રિપુરામાં સતત ઠલવાતા શરણાર્થીઓના કૅમ્પ્સની રૂબરૂ મુલાકાત લઈને શરણાર્થીઓની અવદશા જોઈ અને કટોકટીને સમજી હતી. તેમણે અમેરિકા પાછા ફરતાં જ પ્રેસ કોન્ફરન્સ કરી અને પૂર્વ પાકિસ્તાન અંગે નિકસનની નીતિની આકરી ટીકા કરી હતી. તેમણે હૃદયપૂર્વક અપીલ કરી કે ખરેખર તો અમેરિકાએ પાકિસ્તાનને મદદ બંધ કરીને ભારતને મદદ કરવી જોઈએ. પરિણામે સમગ્ર અમેરિકન મીડિયા મજબૂત રીતે ભારતના માનવીય અભિગમના ટેકામાં ઊભું રહ્યું. અમેરિકામાં ભારત-તરફી જબરજસ્ત લોકમત કેળવાયો જેનાથી નિક્સનનું વહીવટી તંત્ર નિયંત્રણમાં રહ્યું.

બીજી બાજુ ઈન્દિરા ગાધીએ રાજદ્વારી માસ્ટરસ્ટ્રોક લગાવતાં, યુદ્ધ થાય તો રશિયા મદદ કરે એવી ગોઠવણ કરી લીધી. પરિણામે યુનાઈટેડ નેશન્સની સિક્યુરિટી કાઉન્સિલમાં રશિયાએ વીટો વાપરીને ભારતને મદદ કરી, ભારતને જરૂરી શસ્ત્રો પૂરા પાડયા અને કટોકટીના સમયે બીજી બાજુથી ચીન હુમલો ન કરી દે એની તકેદારી પણ રાખી.

સર્વવિદિત છે કે એ યુદ્ધમાં ભારતે પાકિસ્તાનને હરાવીને બાંગ્લાદેશનું સર્જન કર્યું. પાકિસ્તાની જનરલ એ. એ. કે. નિયાઝીએ 16 ડિસેમ્બર 1971ના દિવસે ઢાકામાં શરણાગતિ સ્વીકારવી પડી. તે ભારતીય સંસ્કૃતિના મૂલ્યોનો વિજય હતો.

જે રીતે દ્વિતીય વિશ્વયુદ્ધમાં એલાઈડ પાવર્સના એક્સિસ પાવર્સ સામેના વિજય-દિવસો ઊજવાય છે, તે જ રીતે 16 ડિસેમ્બરની મહત્તા છે.


  • Follow us on: