- દીપાવલીનો અર્થ સમજીએ, તેને અનુસરીએ
દીપાવલી એક લૌકિક પર્વ છે. પરંતુ તેમ છતાં તે ફક્ત બહારના અંધકારને જ નહીં પરંતુ અંદરના અંધકારને પણ દૂર કરવાનું પર્વ છે. અંદર ધર્મનો દીવો સળગાવીને મોહ અને મૂર્છાના અંધકારને દૂર કરી શકીએ છીએ. દિવાળી પ્રસંગે સૌ કોઇ લોકો સામાન્ય રીતે પોતાના ઘરોની સાફસફાઇ, સજાવટ અને તેને સુંદર બનાવવાનો પ્રયાસ કરે છે તે જ પ્રકારે જો અંદરની ચેતનાના આંગણા પર જામેલા કર્મના કચરાને સારી રીતે સાફ કરવામાં આવે અને તેમાં આત્મા રૂપી દીપકની અખંડ જ્યોતને પ્રજ્વલિત કરવામાં આવે તો મનુષ્ય શાશ્વત સુખ, શાંતિ અને આનંદને પ્રાપ્ત કરે છે. દીવડાની હારમાળા એ દિવાળીનો ફક્ત શાબ્દિક અર્થ નહીં, વાસ્તવિક અર્થ છે. હારમાળા માટે નિરંતરતા જરૂરી હોય છે અને નિરંતરતા માટે સ્કેલ-ડાઉન ક્રમ હોય છે. દીવડા જ્યારે હારમાળામાં હોય છે ત્યારે આનંદના સૂચક બની જાય છે. જાણે રોશનીનો કોઇ મૂક ઉત્સવ હોય. પ્રકાશની હારમાળા ઉલ્લાસની દ્યોતક છે. દીપક પોતે જ એક પ્રેરણા હોય છે. દિવાળીનો દીપક જેટલો સાદો છતાં ઉજાસપૂર્ણ હોય છે તેનાથી વધુ કશું પણ હોતું નથી. આ વિજય પતાકા કાર્તિકી અમાસના અંધારાને સમગ્ર રાત દરમિયાન દૂર રાખે છે.
દિવાળીની રાત્રે દરેક દીવડો રોશનીની એક લહેર બને છે અને ઉજાસના સમુદ્રમાં પોતાનું યોગદાન આપે છે. શેક્સપિયરની એક ચર્ચિત પંક્તિ છે કે જો રોશની પવિત્રતાનું જીવન રક્ત છે તો વિશ્વને રોશનીમય કરી દો, ઝગમગાવી દો અને તેને જીવ ભરીને પ્રાપ્ત કરો. શેક્સપિયરે આ પંક્તિઓ ભલે ગમે તે સંદર્ભમાં કહી હોય પરંતુ તેનો ઉદ્દેશ ચોક્કસપણે પવિત્ર હતો. દીપાવલીનું પર્વ અને તેની સાથે સંકળાયેલો ઉજાસના દર્શનનો પણ ઉદઘોષ છે. આમ જોવા જઇએ તો દિવાળી એક યાત્રા છે, કશુંક નવું કરવા માટે કે આગવું કરવા માટેનું એક પ્રસ્થાન છે. સમય પસાર થઇ રહ્યો છે, વર્ષ પર વર્ષ, મહિના પર મહિના, દિવસ પર દિવસ પસાર થઇ રહ્યા છે અને તેની સાથે શ્વાસ ઘટી રહ્યો છે. આ ઘટતા જતાં શ્વાસને અર્થપૂર્ણ બનાવવા માટે તેને સંપૂર્ણતા સાથે જીવી લેવા માટે અને તેને ઉપયોગી બનાવવા માટેનું પર્વ છે દિવાળી.










